ગઝલ ગુચ્છ-૭ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે ગજબની ધૂન, લાગટ મોકલું છું,

યાદ જે આવી રહ્યું ઝટ મોકલું છું.

.

હરપળે એની જ એ રટ મોકલું છું,

આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું.

.

જળ સુકાતાં જાય છે એને નિહાળી,

છે અતિ વિહ્વળ એ પનઘટ મોકલું છું.

.

બોલતાં ફૂલો જ સાંભળવાં હતાં ને ?

લે તને તારી જ આહટ મોકલું છું.

.

આખરે “મિસ્કીન” થઈ ચાલ્યું સમંદર,

એ જ એ ટીપું ઉપરવટ, મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

એ જ છે મિસ્કીનનું નાણું મોકલું છું,

બુલબુલે ગાયેલ ગાણું મોકલું છું.

.

આપ લે ઉત્તર ઉખાણું મોકલું છું,

એક ટપકું નભસમાણું મોકલું છું.

.

લાગણીનું છે લહાણું મોકલું છું,

નિતનવું લાગે એ ટાણું મોકલું છું.

.

એ પછી તો સાંજ લંબાઈ ગઈ છે,

આખરી ઊગ્યું એ વ્હાણું મોકલું છું.

.

શહેર અમદાવાદમાં સપનાની ફેરી,

એ જ “મિસ્કીન”નું હટાણું મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ – ૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

થઈ ગયું આંગણ સમજણું મોકલું છું,

બહાવરું બેચેન હરણું મોકલું છું.

.

લાગતું છો સાવ તરણું, મોકલું છું,

આખરી પળનું છે શરણું મોકલું છું.

.

કે દિવસ ફરશે એ આશે કૈંક રાતો,

જાગતું બેઠેલ શમણું મોકલું છું.

.

નામ પડતાં પહાડ તોડી નીકળ્યું છે,

શબ્દનું આ એ જ ઝરણું મોકલું છું.

.

સાચવ્યું “મિસ્કીન” તરસી આંખ લઈને,

નભ અષાઢી નીલવર્ણું મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે હજુ અકબંધ શ્રાવણ મોકલું છું,

એક મળવા જેવું કારણ મોકલું છું.

.

ઝાડ મોતીના ઉગ્યા એકેક પગલે,

એ જ શુકનિયાળ આંગણ મોકલું છું.

.

કેટલી આશાઓ, સપનાંઓ, ખુશીઓ,

તું મળી’તી એ પ્રથમ ક્ષણ મોકલું છું.

.

હરપળે મનમાં થયું આ કોઈ આવ્યું,

હરપળે ગૂંથ્યા એ તોરણ મોકલું છું.

.

ક્યાં હવે એ કામની છે કૈં જ “મિસ્કીન”,

છે અટૂલી સાવ સમજણ મોકલું છું

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ -૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

સર્વકાલીન એક વિસ્મય મોકલું છું,

હું તને તારો જ પરિચય મોકલું છું.

.

ઝંખના લે ! એક જળમય મોકલું છું,

મન કનેનું પાત્ર અક્ષય મોકલું છું.

.

તું જ હોંકારો છે આ હોવાપણાનો,

હરપળે ડંખેલ સંશય મોકલું છું.

.

આજ આ વરસાદ તારા નામનો છે,

જે કંઈ દેખાય તન્મય મોકલું છું.

.

આંખ જ્યાં મીચીશ ત્યાં “મિસ્કીન” મળશે,

એક-બે સપનાંનો અન્વય મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે અઢી અક્ષર એ અક્ષર મોકલું છું,

સાત ઊછળતા સમંદર મોકલું છું.

.

રાતભર વાગે એ જંતર મોકલું છું,

પાંપણે પોંખેલ ઝરમર મોકલું છું.

.

આપણી વચ્ચેનું અંતર મોકલું છું,

બે’ક છે પ્રશ્નો અનુત્તર મોકલું છું.

.

સેંકડો સૂરજ કમળની જેમ ઊગે,

એ જ સ્મરણોનું સરોવર મોકલું છું.

.

કોણ સમજાવી શકે તારા વિશે કૈં ?

વાટ જોતાં આંખ, ઉંબર મોકલું છું.

.

આ વળી કેવી ઊલટ મિસ્કીન મનને,

જે કંઈ સુંદર-અસુંદર મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧

એક વૈકલ્પિક અંજળ મોકલું છું,

સાચવેલી આખરી પળ મોકલું છું.

.

હાથની સાથે ઘણું ધ્રુજી રહ્યું છે,

છેવટે કોરો જ કાગળ મોકલું છું.

.

કૈંક રાતોનાં ભર્યાં છે સ્વપ્ન તેમાં,

ઓ સૂરજના દેશ ! ઝાકળ મોકલું છું.

.

કીમતી બીજું તે શું લાગે તરસને,

ઓણનું પ્રત્યેક વાદળ મોકલું છું.

.

કોડિયું તો જાય બુઝાઈ ઘડીમાં,

એક કેવળ પ્રાણ ઝળહળ, મોકલું છું.

.

એ જ જાણે છે બધું કહેશે નિરાંતે,

મૌન જે શબ્દોની પાછળ મોકલું છું.

.

એક મિસ્કીનના થયા છે લાખ ટુકડા,

ખુશનસીબી છે, પળેપળ મોકલું છું.

.

(રાજેશ વ્યાસ “મિસ્કીન”)

રાખતો જ નહીં-શોભિત દેસાઈ

ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં,

તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં.

.

છે દરિયો ખારો ને મીઠી નદી હકીકત છે,

વિચારોને બહુ આઝાદ રાખતો જ નહીં.

.

તિમિરમાં બુદ્ધિને કામે લગાડવી પડશે-

હૃદયના તખ્ત પર પશ્ચાદ રાખતો જ નહીં.

.

બહુ નિકટનું કે અંગત દુભાઈ જાય ખરું,

ગમે તે થાય પણ અપવાદ રાખતો જ નહીં.

.

છે શબ્દ ઓછા પરંતુ છે કીમિયો અકસીર

સુખી થવું હોય તો ફરિયાદ રાખતો જ નહીં.

.

( શોભિત દેસાઈ )

નામ તું લેતો નહીં-અશરફ ડબાવાલા

ધેનનું કે જાદવાનું નામ તું લેતો નહીં,

સ્વપ્નમાં છો, જાગવાનું નામ તું લેતો નહીં.

.

મન વગર પહોંચી ગયો છો ત્યાં જ ધામો નાખ તું,

ભૂલથી પણ માળવાનું નામ તું લેતો નહીં.

.

બે ઘડી તું એની સાથે ગેલ કર કે રમ જરા,

પણ પવનને પાળવાનું નામ તું લેતો નહીં.

.

હોડી ને દરિયા વિષે રમખાણો ચાલે છે સતત,

અ નગરમાં ખારવાનું નામ તું લેતો નહીં.

.

કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,

એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં.

.

( અશરફ ડબાવાલા )

મોત (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ

(૧)

જરા, જો તો…..

કોણ

દરવાજો ખટખટાવે છે ? !!

અરે, હા ! સાંભળ,

કદાચે’ક તો

પેલું નવરું, નખ્ખોદિયું

મોત જ હશે-

એ જો નીકળે, ને ??

તો કહી દેજે :

“નથી”, ‘એ’ તો બહાર ગયા છે.

.

(૨)

બસ

એક જ મિનીટ થોભી જા.

મોતને છેલ્લી

કાકલૂદી કરી જો ઉં…..

કદાચ,

માની યે જાય !!

આમે, જન્મોનાં ચોપાનિયાં

ઉથલાવતાં જ તો એને જડી’તી

મારી છબિ-

જોવી છે તારે ??

એણે ‘સાઈન’ પણ કરી છે, પાછળ !!

.

(૩)

આ દુનિયામાં

ગતાગમ જેવી ય કોઈ

ચીજ તો હશે, ને ?

હમણાં, જ

યમરાજનો ટેલિફોન આવ્યો હતો-

લાગે છે : હમણાં હમણાંથી

એમની ‘ડીરેક્ટરી’નાં

‘પ્રિન્ટીંગ’માં

કંઈને કંઈ ‘ફિયાસ્કો’

થયા જ કરે છે.

મેં તો કહી દીધું : ‘રોંગ નંબર ….. !’

હા વળી !!

કોણ રોજ ઉઠીને …………………!!

.

( જયંત દેસાઈ )