નક્કી કર – શ્યામલ મુનશી

માર્ગ બતાવે છે કે એ મારે છે ઠોકર, નક્કી કર

તારી સામે છે તે ઈશ્વર છે કે પથ્થર, નક્કી કર

.

એક તરફ છે સ્વમાન તારું, બીજી તરફ ખુશામત છે;

નાક તને વ્હાલું છે વ્હાલું કે અત્તર નક્કી કર.

.

શબ્દોથી તું તરી શકે છે, મૌન તને ડુબાડે છે;

લખતાં પહેલાં બેમાંથી શું છે બળવત્તર, નક્કી કર.

.

લઈ હાથમાં પીંછી, ચિત્ર સમયનું દોરે તે પહેલાં;

થઈ હાથની ઉંમર શું, સિત્તેર કે સત્તર, નક્કી કર.

.

તું જીવે છે ? ને બદલે કોઈ પૂછે શું જીવે છે ?

જો આપે તો શું આપે તું એનો ઉત્તર નક્કી કર.

.

( શ્યામલ મુનશી )

હજી કંઈ વધારે – ખલીલ ધનતેજવી

થશે ઓછું ભારણ હજી કંઈ વધારે,

પલળવા દે પાંપણ હજી કંઈ વધારે.

.

પ્રથમ આંખ મળશે પછી ધીમે ધીમે,

વધારીશું સગપણ હજી કંઈ વધારે.

.

સમય ના મળ્યો, એય સાચું પરંતુ,

હશે અન્ય કારણ હજી કંઈ વધારે.

.

બધી વાતે જ્યાં ત્યાં છટકબારીઓ છે,

ઘડો ધારાધોરણ હજી કંઈ વધારે.

.

પરસ્પર સમાધાન તો થઈ ગયું છે,

વિચારે છે બે જણ હજી કંઈ વધારે.

.

કહ્યું, તારે ખાતર ઘણું દુ:ખ મેં વેઠ્યું,

તો કે’ છે કે ના પણ હજી કંઈ વધારે.

.

ખલીલ આટલી ઉમરે છું અડીખમ,

જિવાશે આ ઘડપણ  હજી કંઈ વધારે !

.

( ખલીલ ધનતેજવી )

એ ઠીક નથી – ચંદ્રેશ મકવાણા

તરસ્યે તરસ્યા તળાવ વાઢી ફાંટ ભરો, એ ઠીક નથી,

તમે અમારી તરસ વિશે કાંઈ વાત કરો, એ ઠીક નથી.

.

ખરવું હો તો હાલ ખરો, ઓ પીડ ભરેલાં પત્તાંઓ,

અગન ભરેલાં ઘર-આંગણમાં રોજ ખરો, એ ઠીક નથી.

.

ધરવું હો તો મારી માફક આંખો ફાડી ધરો તમે

ગળા લગોલગ ગાંજો પીને ધ્યાન ધરો, એ ઠીક નથી.

.

અમે અમારી પાંસળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે,

તમે રંજનો રેલો થઈને ત્યાંય ફરો, એ ઠીક નથી.

.

દ્વંદ્વ ભરેલી દ્રષ્ટિ માથે ડહોળાયેલાં દ્રશ્યો પટકી,

તમે ઊકળતાં અંધારાની ઊંઘ હરો, એ ઠીક નથી.

.

( ચંદ્રેશ મકવાણા )

મારા પરમેશ્વર ! – સુરેશ દલાલ

તારો કેટલો આભાર માનું, મારા પરમેશ્વર !

ઘેરી ઊંઘમાંથી સવારે તેં મને જગાડ્યો.

નહીંતર કાયમ માટે આંખ મીંચાઈ પણ ગઈ હોત.

કોનું કેટલું લખાયું છે જીવન અને ક્યાં લપાયું છે મોત

એની ક્યાં કોઈને પણ ખબર હોય છે ? અને ખબર નથી

એમાં પણ તારી રહસ્ય-કલા છે. નહીંતર માણસ

એના ઓથાર નીચે જીવતે જીવત મરી જાત.

તેં માણસ માટે કેટલી સુખ-સગવડ કરી આપી.

એ થોડોક જાગૃત થઈને જુએ તો જ એને ખ્યાલ આવે.

ચંદ્રને જોઈને દરિયાને થાય એટલું બધું વ્હાલ આપે.

આ હવા ન હોત તો હોત ક્યાંથી શ્વાસ ?

ધરતી પર આ લીલુંછમ ઘાસ અને આકાશમાં તેજલ તારા.

આ સૂર્ય, ચંદ્ર, વાદળ, વીજળી ને આ જળની ધારા

તારો કેટલો બધો આભાર માનું, હે પરમેશ્વર મારા !

.

( સુરેશ દલાલ )

પાંખ ફફડાવી – કાજલ ઓઝા-વૈદ્ય

પાંખ ફફડાવી જોવા માટે

જરા…ક જેટલા

અવકાશની માગણીના બદલામાં,

આખું આકાશ આપ્યું તેં – સાવ અડોઅડ !

.

ચપટી ભરીને સ્મિત માગ્યું મેં

અને

તેં સુખનો ઢગલો કરી દીધો,

મારા ખોળામાં !

.

તેં મને એટલું બધું

એટલી સહજતાથી આપ્યું છે

કે હવે,

તારી પાસે કશુંયે માગતાં

હું ડરવા લાગી છું…

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

આંખ બીડી – સૌમ્ય જોશી

આંખ બીડી હાથ બે ભેગા કરી;

એક ઈચ્છા આવવાને કરગરી.

.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,

ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે,

ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

.

ચોતરફ રખડ્યો ને ક્યાંયે ના મળી,

એક પણ છાંટા વગરની એક છરી.

.

આઠદસ મહોરાંઓ પહેયાઁ કેમ તેં ?

એ ભલા માણસ તું માણસ કે હરિ

.

( સૌમ્ય જોશી )

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ન થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,

હ્રદય વાગતું કે મંજીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થતો ખંડેર હશે,

ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.

હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું રોકાયું નહીં,

મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.

પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંજારાના નાદે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું,

ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું,

કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

( મુકેશ જોષી )

.

[ બરસાના = રાધાનું ગામ ]

તમારી આંખમાં – હિતેન આનંદપરા

તમારી આંખમાં અમને કદી સન્માન તો મળશે,

નથી જે કોઈ પાસે એક એવું સ્થાન તો મળશે.

.

ગઝલ છે એક બેચેની નિરીક્ષણથી નિરૂપણ લગ,

આ શાહી માર્ગ પર ઝળહળ થતું મધ્યાહ્ન તો મળશે.

.

ઉદાસી ભીંત પર પથરાઈને આદત બની ગઈ છે,

ગઝલના રૂપમાં એનું અનુસંધાન તો મળશે.

.

થીજેલા બર્ફના પહાડો જુએ છે રાહ પગલાંની,

ઉનાળો આવશે ત્યારે નવા મહેમાન તો મળશે.

.

ભલે શામળિયો ના આવે છતાં કીર્તનનો મહિમા છે,

મીરાં, નરસિંહ, છીતસ્વામી કે સૂર, રસખાન તો મળશે..

.

નિરર્થક વાત લાગે એમની તો પણ એ સાંભળજો,

કે બાળકની એ દુનિયામાં અસલ ભગવાન તો મળશે.

.

( હિતેન આનંદપરા )

મિતવા – સંદીપ ભાટિયા

મિતવા

લખવા તો ખત લખવા

હ્રદયથી મોટી બહી ન કોઈ

ઢાઈ અક્ષર પઢવા

.

બળવું તો બિરહામાં ભીંજાવું તો અખિંયન જળમાં

સમજાઈ જવું શિશુને તો મુંઝાવું પરમ અકળમાં

.

મિતવા

સ્વાદ પછી સૌ કડવા

થાળી થઈ પીરસાયા હો

ને ચાખે નહીં સજનવા

.

કહેવું તો મોઘમમાં ને ગાવું તો પાગલપણમાં

રહેવું તો મસ્તીમાં ને જાવું એના આંગણમાં

.

મિતવા

નામ પછી શું જપવાં

સાજન ઊભે ઈંટની ઉપર

ઘરમાં વસવા

.

( સંદીપ ભાટિયા )

રસ્તો – કૈલાસ અંતાણી

સતત ચાલ્યા કરું છું હું અને લંબાય છે રસ્તો,

ખબર પડતી નથી આ ક્યાં મને લઈ જાય છે રસ્તો.

.

વિસામો જોઈ થોભું જ્યાં ઘડીભર થાક ખાવા હું,

ચડું ઝોલે અને ત્યાં આંખમાં ડોકાય છે રસ્તો.

.

ચડે આંધી અને ડમરી ઊઠે વેરાન મારગમાં,

છતાં ચાલ્યા કરો તો સાથમાં થઈ જાય છે રસ્તો.

.

સરી જાતો નદીની જેમ એ ક્યારેક ધીમેથી,

અને ક્યારેક પગની છાપમાં ફંટાય છે રસ્તો.

,

તમે રસ્તા વિશે કંઈ પણ મને પૂછો નહીં આજે,

આ મારી આંખમાં શમણાં બની ઘેરાય છે રસ્તો.

.

કઈ રીતે પગેરું શોધવા જઈએ અમે કહેશો ?

સગડ જ્યાં સહેજ પામો ત્યાં ફરી વેરાય છે રસ્તો.

.

( કૈલાસ અંતાણી )