ક્યાં લગી – યામિની ગૌરાંગ વ્યાસ

ક્યાં લગી એકાંતથી ડરતાં રહીશું આપણે ?

ભીડની મરજાદમાં મળતાં રહીશું આપણે ?

.

પૂર આવે લાગણીઓનું અહીંથી ત્યાં સુધી

ક્ષેત્રફળ માપીને ખળખળતાં રહીશું આપણે ?

.

વાદળી બંધાય ઉરમાં સંઘરેલાં શ્વાસથી

માવઠાંની જેમ ઝરમરતાં રહીશું આપણે ?

.

પાધરો ક્યાં છે કોઈ પગરવ કે પહેચાની શકો

એકબીજાને સતત છળતાં રહીશું આપણે ?

.

નાવ હંકારી હતી સામા પ્રવાહોમાં છતાં

છેક કિનારે જ ડગમગતાં રહીશું આપણે ?

.

લીલ ઊગી નીકળે ઘેરાયેલાં પાણી મહીં ?

અંદરોઅંદર નડી સડતાં રહીશું આપણે ?

.

ઠાવકું મન તો ઉખાણાનું ઉખાણું થૈ રહે

જાત સાથે કેટલું લડતાં રહીશું આપણે ?

.

( યામિની ગૌરાંગ વ્યાસ )

अब के खफा हुआ तो – निदा फाजली

अब के खफा हुआ तो है ईतना खफा भी हो

तू भी हो और तुझमें कोई दूसरा भी हो

.

यूँ तो हर बीज की फितरत दरख्त है

खिलते हैं जिसमें फूल वो आबो-हवा भी हो

.

आँखें न छीन मेरी नकामें बदलता चल

यूँ हो कि तू करीब भी हो और जुदा भी हो

.

रिश्तों के रेगजार में हर सर पे धूप है

हर पाँव में सफर है मगर रास्ता भी हो

.

दुनिया के कहने सुनने पे ईंसानियत न छोड

ईंसान है तो साथ में कोई खता भी हो

.

( निदा फाजली )

.

[ फितरत = प्रकृति, रेगजार = मरुस्थल ]

થોડા SMS મોકલી દો – કૃષ્ણ દવે

હવે લખવાનું હોય કંઈ ટપાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

તમે જીવી રહ્યા છો કઈ સાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

રેડિમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતું નામ

પહેલાંના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ

દાદા દાદીને કૈં ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઈ ફરવા નૈ આવે

ટહુકો ને ટ્યૂન બધું મેચિંગમાં હોય ને તો એને પણ ઊડવાનું ફાવે

એક વાર ટાવર જો પકડી શકો તો, બધું રંગી પણ શકશો ગુલાલમાં

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

પરબીડિયું લાવવાનું, સરનામું લખવાનું, ટિકિટ પણ ચોડવાની માથે

અમથું આ ગામ આખું મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે

કાગળ લઈ ક્યારના શું લખવા બેઠા છો તમે ખોટા પડો છો બબાલમાં

થોડા SMS મોકલી દો વ્હાલમાં

.

( કૃષ્ણ દવે )

રાહમાં ઊભા છીએ – ‘રાઝ’ નવસારવી

ફક્ત એક જ કામ લઈને રાહમાં ઊભા છીએ,

પ્રેમનો પેગામ લઈને રાહમાં ઊભા છીએ.

.

શા શા અનુભવ થાય છે તે તો પછીની વાત છે,

ફક્ત તારું નામ લઈને રાહમાં ઊભા છીએ.

.

છે અભિલાષા કે પરખે કોઈ પરખંદી નજર,

સો તીરથના ધામ લઈને રાહમાં ઊભા છીએ.

.

કોણ છલકાવે છે એને પ્રેમરસથી, જોઈએ,

દિલનું ખાલી જામ લઈને રાહમાં ઊભા છીએ.

.

જિંદગી-મૃત્યુ હવે તો ગૌણ બાબત થઈ ગયાં,

આખરી અંજામ લઈને રાહમાં ઊભા છીએ.

.

( ‘રાઝ’ નવસારવી )

સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો – ૨

“મીરાં, કબીર, તુલસી, નાનક

પૂછે તારું કયું થાનક,

જ્યાં તું  ટેકવે તારું મસ્તક

ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?

તો હું ચીધું મારાં પુસ્તકની છાજલી…  “

.

૧૦૧. પ્લેટફોર્મ નંબર ચાર – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૦૨. પિંજરની આરપાર – માધવ રામાનુજ, વોરા એન્ડ કંપની

૧૦૩. પીધો અમીરસ અક્ષરનો – સંપા. ડો. પ્રીતિ શાહ, પાર્શ્વ પબ્લિકેશન

૧૦૪. પ્રકાશનો પડછાયો – દિનકર જોષી, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૦૫. પ્રતિનિધિ દલિત વાર્તા – સંપા. હરીશ મંગલમ, કુમકુમ પ્રકાશન

૧૦૬. પ્રતિમાઓ – ઝવેરચંદ મેઘાણી

૧૦૭. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ – વિજયગુપ્ત મૌર્ય, સસ્તું સાહિત્ય કાર્યાલય

૧૦૮. પૃથ્વીની એક બારી – રામચન્દ્ર પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમી

૧૦૯. ફાધર વાલેસ નિબંધ વૈભવ – ફાધર વાલેસ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૧૦. ફાંસલો (ભાગ ૧-૨)- અશ્વિની ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર

૧૧૧. બકોર પટેલ – હરિપ્રસાદ વ્યાસ, આદર્શ સાહિત્ય સદન

૧૧૨. બદલાતી ક્ષિતિજ – જયંત ગાડિત, લોકપ્રિય પ્રકાશન

૧૧૩.. બનાવટી ફૂલો – નટવરલાલ પ્ર. બૂચ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય

૧૧૪. બાળઉછેરની બારાખડી – ડો. રઈશ મનીઆર, ઈમેજ પ્રકાશન

૧૧૫. બંધ નગર (ભાગ ૧-૨) – મોહમ્મદ માંકડ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૧૬. બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો – રમેશ બી. શાહ, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૧૭. ભગવત ગુણભંડાર – રાજેન્દ્ર દવે, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૧૮. ભગવાન આ માફ નહિ કરે – પુરુષોત્તમ ગણેશ માવળંકર, સન્નિષ્ઠ પ્રકાશન

૧૧૯. ભદ્રંભદ્ર – રમણલાલ નીલકંઠ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૨૦. ભવની ભવાઈ – ધીરુબેન પટેલ, સમન્વય

૧૨૧. ભાઈકાકાનાં સંસ્મરણો – ભાઈલાલભાઈ પટેલ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય

૧૨૨. ભારેલો અગ્નિ – રમણલાલ વ. દેસાઈ, આર. આર. શેઠની કંપની

૧૨૩. ભાવભૂમિ – સંપા. ભારતી ર. દવે અને અન્ય બે, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૨૪. મકરન્દ-મુદ્રા (મકરન્દ દવે-વિશેષ) સંપા. સુરેશ દલાલ, ઈમેજ પ્રકાશન

૧૨૫. મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ – ચુનીલાલ મડિયા, નવભારત સાહિત્ય મંદિર

૧૨૬. મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ – સંપા. સુવર્ણા રાય, આદર્શ પ્રકાશન

૧૨૭. મધુપર્ક – સંપા. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, ઉત્તમ ગજ્જર ,શબ્દલોક પ્રકાશન

૧૨૮. મનપસંદ નિબંધો – સંપા. વિજયરાય ક. વૈદ્ય, સાહિત્ય અકાદમી વતી વોરા એન્ડ કંપની

૧૨૯. મરક મરક – રતિલાલ બોરીસાગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૦. મલક – દલપત ચૌહાણ, રંગદ્વાર પ્રકાશન

૧૩૧. મહાજાતિ ગુજરાતી – ચંદ્રકાંત બક્ષી, નવભારત સાહિત્ય મંદિર

૧૩૨. મળવા જેવો માણસ – અશોક દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૩. મળેલા જીવ – પન્નાલાલ પટેલ, સાધના પ્રકાશન

૧૩૪. માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૩૫. માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ, સાધના પ્રકાશન

૧૩૬. મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩૭. મારા અસત્યના પ્રયોગો – ડો. જયંતિ પટેલ, પ્રયોગ

૧૩૮. મારા પિતા – સંપા. પુરુષોત્તમ ગણેશ માવળંક,ર સન્નિષ્ઠ પ્રકાશન

૧૩૯. મારી જીવનકથા – મામાસાહેબ ફડકે, નવજીવન પ્રકાશન મંદિર

૧૪૦. મેઘાણીચરિત – કનુભાઈ જાની, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન

૧૪૧. મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ – ઝવેરચંદ મેઘાણી, આદર્શ પ્રકાશન

૧૪૨. મેથેમેજિક – નગેન્દ્ર વિજય, યૂરેનસ બુક્સ

૧૪૩. મેરા રંગ દે બસન્તી ચોલા –  વિષ્ણુ પંડ્યા, ડો. આરતી પંડ્યા, નવભારત સાહિત્ય મંદિર

૧૪૪. મિયાં ફુસકી (સંપુટ-૩ ભાગ ૧-૫) જીવરામ જોષી, નવભારત સાહિત્ય મંદિર

૧૪૫. મૂળ સોતાં ઊખડેલાં – કમળાબેન પટેલ

૧૪૬. મૃત્યુ મરી ગયું – ઉષા શેઠ, આર. આર. શેઠની કંપની

૧૪૭. યુદ્ધ-૯૧ – નગેન્દ્ર વિજય, પુષ્કર્ણા પબ્લિકેશન્સ

૧૪૮. યુવા હવા – જય વસાવડા, નવભારત સાહિત્ય મંદિર

૧૪૯. રસ સુધા – સુધાબેન મુનશી, વૈભવી મુનશી-દેસાઈ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૦. રાખનું પંખી – રમણલાલ સોની, પ્રકાશક: ડો. રેણુકા શ્રીરામ સોની

૧૫૧. રામાયણની અંતરયાત્રા – નગીનદાસ સંઘવી

૧૫૨. રાવજી પટેલ-જીવન અને સર્જન – મોહંમદ ઈશાક શેખ, પાર્શ્વ પ્રકાશન

૧૫૩. રુદ્રવીણાનો ઝંકાર – ભાનુ અધ્વર્યુ, સંપા. ચંદુ મહેરિયા, ગુજરાત ખેત વિકાસ પરિષદ

૧૫૪. રેશમી ઋણાનુબંધ – સુરેશ દલાલ, ઈમેજ પ્રકાશન

૧૫૫. રંગતરંગ (ભાગ ૧-૬) – જ્યોતીન્દ્ર દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૬. લિ. હું આવું છું – ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન, સંપા. વિનોદ મેઘાણી અને હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૫૭. લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો –ડો. મહેશચંદ્ર પંડ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૫૮. વજુ કોટકનો વૈભવ – સંપા. મધુરી કોટક, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૫૯. વનાંચલ – જયંત પાઠક, સાહિત્ય સંગમ

૧૬૦. વાંકદેખાં વિવેચનો – જયંત કોઠારી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૧. વિચારોનાં વૃંદાવનમાં – ગુણવંત શાહ, આર. આર. શેઠની કંપની

૧૬૨. વિદિશા – ભોળાભાઈ પટેલ, આર. આર. શેઠની કંપની

૧૬૩. વિનોદની નજરે – વિનોદ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૪. વિનોદવિમર્શ – વિનોદ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૫. વિહોણી (ગ્રામીણ ગુજરાતની વિધવાઓ) – વર્ષા ભગત ગાંગુલી, સેતુ

૧૬૬. વીસમી સદીનું ગુજરાત – સંપા. શિરીષ પંચાલ, બકુલ ટેલર, જયદેવ શુક્લ, સંવાદ પ્રકાશન

૧૬૭. વેવિશાળ – ઝવેરચંદ મેઘાણી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૬૮. શબ્દકથા – હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૬૯. શિવતરંગ – શિવ પંડ્યા, સાધના પ્રકાશન

૧૭૦. શિક્ષણકતહઓ – દિલીપ રાણપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૧. શિક્ષણના સિતારા – ઈશ્વર પરમાર, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૭૨. શ્રેષ્ઠ ઉમાશંકર – સંપા. નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ,  ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૩. સચરાચરમાં – બકુલ ત્રિપાઠી, આર. આર. શેઠની કંપની

૧૭૪. સત્યકથા – મુકુંદરાય પારશર્ય, લોકમિલાપ ટ્રસ્ટ

૧૭૫. સધરા જેસંગનો સાળો – ચુનીલાલ મડિયા, નવભારત સાહિત્ય મંદિર

૧૭૬. સમયરંગ – ઉમાશંકર જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૭. સમાજ-સુધારાનું રેખાદર્શન – સ્વ. નવલરામ જગન્નાથ ત્રિવેદી, ગુજરાત વિદ્યાસભા

૧૭૮. સમુડી – યોગેશ જોષી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૭૯. સમુદ્રાન્તિકે – ધ્રુવ ભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૮૦. સાત પગલાં આકાશમાં – કુન્દનિકા કાપડીઆ, નવભારત સાહિત્ય મંદિર

૧૮૧. સદ્ભિ: સંગ: – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૧૮૨. સરસ્વતીચંદ્ર (ભાગ ૧-૪) – ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ

૧૮૩. સર્જકની આંતરકથા – સંપા. ઉમાશંકર જોષી, ગંગોત્રી ટ્રસ્ટ

૧૮૪. સર્જકની શિક્ષણગાથા – સંપા. ઈશ્વર પરમાર, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૮૫. સરદાર સાચો માણસ સાચી વાત – ઉર્વીશ કોઠારી, સત્ય મીડિયા

૧૮૬. સંઘર્ષના સથવારે નવસર્જન – માર્ટિન મેકવાન, ગુજરાત ખેતવિકાસ પરિષદ

૧૮૭. સાંબરડાથી સ્વમાનનગર – હર્ષદ દેસાઈ, ચંદુ મહેરિયા, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ

(સુરત)

૧૮૮. સોક્રેટિસ – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૧૮૯. સ્મરણમંજરી – રઘુનાથ બ્રહ્મભટ્ટ, એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ

૧૯૦. સ્મરણરેખ – સંપા. હર્ષદ ત્રિવેદી, ગુજરાતી સાહિત્ય પરિષદ

૧૯૧. સ્મૃતિઓનું શાંતિનિકેતન – અમૃતલાલ વેગડ, આર. આર. શેઠની કંપની

૧૯૨. શબ્દઠઠ્ઠા – રજનીકુમાર પંડ્યા, રન્નાદે પ્રકાશન

૧૯૩. શિયાળાની સવારનો તડકો – વાડીલાલ ડગલી, આર. આર. શેઠની કંપની

૧૯૪. શેરખાન – વિજયગુપ્ત મૌર્ય, યુરેનસ બુક્સ

૧૯૫. હરિજન સંત અને લોકસાહિત્ય (કંઠસ્થથી ગ્રંથસ્થ) – ડો. દલપત શ્રીમાળી

૧૯૬. હવામાં ગોળીબાર – મન્નુ શેખચલ્લી, નવભારત સાહિત્ય મંદિર

૧૯૭. હાથમાં ઝાડુ માથે મેલું – ડો. રમેશચંદ્ર પરમાર, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ

(સુરત)

૧૯૮. હિંદુત્વ એક અધ્યયન – કાન્તિ શાહ યજ્ઞ, પ્રકાશન

૧૯૯. હિંદુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો – મકરન્દ મહેતા, અમી પબ્લિકેશન

૨૦૦. વ્યથાનાં વીતક – જોસેફ મેકવાન, આર. આર. શેઠની કંપની

સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો-ભાગ-૧

આપણી ભાષાના સૌથી સારા ૧૦૦ કે ૨૦૦ પુસ્તકો ક્યા તો તે કહેવું ઘણું મુશ્કેલ છે. અને વ્યક્તિએ વ્યક્તિએ કદાચ આ લીસ્ટ જુદું જુદું બને. કારણ કે દરેક વ્યક્તિની પસંદગી અને રસના ક્ષેત્રો અલગ અલગ હોવાના.

.

આરપાર મેગેઝિનનો ૨૯ ઓગષ્ટ ૨૦૦૫ (વર્ષ-4 અંક ૪૪ સળંગ અંક ૨૦૦)નો અંક સો ટચનાં ૨૦૦ ગુજરાતી પુસ્તકો વિશેષાંકરૂપે પ્રકાશિત થયો હતો. જેમાં ગુજરાતી ભાષાના ૨૦૦ પુસ્તકોના નામ અને તેનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૨૦૦ પુસ્તકો આરપારની ટીમની નજરમાં સો ટચના છે. પરંતુ એમાંથી આપણને પણ ઘણાં નવા પુસ્તકોના નામ મળશે.

.

૧. અખેપાતર – બિન્દુ ભટ્ટ, આર. આર. શેઠની કંપની

૨. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઈ, મહાદેવ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ

૩. અમદાવાદનો ઈતિહાસ – નારાયણ દેસાઈ, ગુજરાત વિદ્યાસભા

૪. અમાસના તારા – કિશનસિંહ ચાવડા, ગૂર્જર પ્રકાશન

૫. અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ (ભાગ-૧-૨-૩)- હરકિસન મહેતા, પ્રવીણ પુસ્તક ભંડાર

૬. અમે બધાં – ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭. અરધી સદીની વાચનયાત્રા (ભાગ ૧) –સંપા. મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ

૮. અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી, સુમન પ્રકાશન

૯. અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૦. આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ – નગેન્દ્ર વિજય, યૂરેનસ બુક્સ

૧૧. આત્મકથા અથવા સત્યના પ્રયોગો – મોહનદાસ કરમચંદ, ગાંધી નવજીવન ટ્રસ્ટ

૧૨. આપણા કસબીઓ ( ભાગ ૧-૨) – જોરાવરસિંહ જાદવ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૧૩. આપણા પ્રતિનિધિ સારસ્વતો સંપા. રમેશ મ. શુક્લ, પ્રવીણ પુસ્તક ભંડાર

૧૪. આપણી પ્રસન્નતા આપણા હાથમાં – અવંતિકા ગુણવંત, આર. આર. શેઠની કંપની

૧૫. આપ કી પરછાઈયાં – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૧૬. આ પણ ગુજરાત છે દોસ્તો ! – ડો. વિદ્યુત જોષી, સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ (સુરત)

૧૭. આરોગ્યધન – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૧૮. આંગળિયાત – જોસેફ મેકવાન, આર. આર. શેઠની કંપની

૧૯. ઈન્હેં ના ભુલાના – હરીશ રઘુવંશી, રન્નાદે પ્રકાશન

૨૦. ઈશ્વરનો ઈન્કાર – નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, જમનાદાસ કોટેચા-અબ્દુલભાઈ વકાની

૨૧. ઈંગ્લિશ ! ઈંગ્લિશ ! – દિગીશ મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૨. ઉપરવાસ કથાત્રયી – રઘુવીર ચૌધરી, આર. આર. શેઠની કંપની

૨૩. ઉંઝાજોડણી પણ – રામજીભાઈ પટેલ, સરોજ રા. પટેલ

૨૪. એ લોકો – હિમાંશી શેલત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૫. એકત્રીસ સુવર્ણમુદ્રાઓ – સૌરભ શાહ, પ્રિન્સેસ સ્ટ્રીટ પબ્લિશિંગ હાઉસ

૨૬. એક્શન રિપ્લે (ભાગ ૧-૨) – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૨૭. એન્જોયગ્રાફી – રતિલાલ બોરીસાગર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૨૮. ઓથાર (ભાગ ૧-૨) – અશ્વિની ભટ્ટ, વોરા એન્ડ કંપની

૨૯. અંતિમ અધ્યાય – મનુભાઈ પંચોળી દર્શક, આર. આર. શેઠની કંપની

૩૦. કર્મ- પ્રિયકાન્ત પરીખ, નવભારત સાહિત્ય મંદિર

૩૧. કવિતાનો સૂર્ય – મહેશ દવે, ઈમેજ પબ્લિકેશન

૩૨. કાળો અંગ્રેજ – ચિનુ મોદી, પાર્શ્વ પ્રકાશન

૩૩. કિમ્બલ રેવન્સવુડ – મધુ રાય, વોરા એન્ડ કંપની

૩૪.કુંતી (ભાગ ૧-૨) – રજનીકુમાર પંડ્યા, આર. આર. શેઠની કંપની

૩૫. કૃષ્ણનું જીવનસંગીત – ગુણવંત શાહ, આર. આર. શેઠની કંપની

૩૬. કેલીડોસ્કોપ (ભાગ ૧-૨) – મોહમ્મદ માંકડ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૩૭. કોસ્મોસ – નગેન્દ્ર વિજય, યુરેનસ બુક્સ

૩૮. ખેલંદો (ભાગ ૧-૨) – મહેશ યાજ્ઞિક, રન્નાદે પ્રકાશન

૩૯. ખીલ્યાં મારાં પગલાં – પ્રીતિ સેનગુપ્તા, આર. આર. શેઠની કંપની

૪૦. ગલબા શિયાળની ૩૨ વાતો – રમણલાલ સોની, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૧. ગાતા રહે મેરા દિલ – સલિલ દલાલ, સત્ય મીડિયા

૪૨. ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો – દલપત શ્રીમાળી, મુક્તાનંદ પ્રકાશન

૪૩. ગાંધીચરિત – ચી. ના. પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

૪૪. ગાંધીયુગનું ગદ્ય (ભાગ ૧) – દલપત પઢિયાર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૫. ગુજુભાઈની બાળવાર્તાઓ/દીવાસ્વપ્ન – સંસ્કાર સાહિત્ય મંદિર

૪૬. ગિરાસમાં એક ડુંગરી – મરિયા શ્રેસ મિત્સ્કાબેન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૪૭. ગીતામંથન – કિશોરલાલ વ. મશરૂવાલા, નવજીવન પ્રકાશન મંદિર

૪૮. ગુજરાત – ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ

૪૯. ગુજરાત પાણીની અને સામુદ્રિક સમસ્યા (સંરક્ષણની દ્રષ્ટિએ) – અધ્યા.(ડો.) કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા),  માહિતી ખાતું ગુજરાત રાજ્ય

૫૦. ગુજરાતના વિકસતા સમુદાયો – ઉર્મિલા પટેલ, મંગળ પ્રભાત

૫૧. ગુજરાતની અસ્મિતા – રજની વ્યાસ, અક્ષરા પ્રકાશન

૫૨. ગુજરાતમાં કલાના પગરવ – રવિશંકર રાવળ, કલારવિ ટ્રસ્ટ અને આર્ચર

૫૩. ગુજરાતમાં દુષ્કાળો (આર્થિક-સામાજિક અસરો) – રોહિત શુક્લ, ગુજરાત સામાજિક સેવા મંડળ

૫૪. ગુજરાતી થિયેટરનો ઈતિહાસ – હસમુખ બારાડી, નેશનલ બુક ટ્રસ્ટ

૫૫. ગુજરાતી નવલકથા – રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ

૫૬. ગુજરાતી પ્ત્રકારિત્વનો ઈતિહાસ – ડો. રતન રુસ્તમજી, માર્શલ ગાંડિવ સાહિત્ય મંદિર

૫૭. ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક – સંપા. ડો. મહેશ ચોકસી, ધીરેન્દ્ર સોમાણી

૫૮. ચેતનાની ક્ષણે – કાંતિ ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર

૫૯. ચીનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ – આદર્શ પ્રકાશન

૬૦. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો – સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન

૬૧. ચંદ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ દ્વિઅંકી સંપા. ડો. સુરેશ દલાલ, ગુજરાત સાહિત્ય અકાદમી

૬૨. છિન્નપત્ર – સુરેશ હ. જોષી, પાર્શ્વ પ્રકાશન

૬૩. છકો-મકો (ભાગ ૧ થી ૫) – જીવરામ જોષી, નવભારત સાહિત્ય મંદિર

૬૪. જગાડાકુનાં વેરનાં વળામણાં (ભાગ ૧-૨) – હર્કિસન મહેતા, પ્રવિણ પુસ્તક પ્રકાશન

૬૫. જનમટીપ – ઈશ્વર પેટલીકર, આર. આર. શેઠની કંપની

૬૬. જયપ્રકાશની જીવનયાત્રા – કાન્તિ શાહ, યજ્ઞ પ્રકાશન

૬૭. જય સોમનાથ – ક. મા. મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૬૮. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – મૃદુલા મહેતા, હરિ ઓમ આશ્રમ (નડિયાદ)

૬૯. જીવતર નામે અજવાળું – મનસુખ સલ્લા, આર. આર. શેઠની કંપની

૭૦. જીવનનું પરોઢ – પ્રભુલાલ છગનલાલ ગાંધી, નવજીવન પ્રકાશન મંદિર

૭૧. જિંદગી જિંદગી – વિજયગુપ્ત મૌર્ય, પુષ્કરણા પબ્લિકેશન્સ

૭૨. તપસીલ – સંપા. હર્ષદ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમી

૭૩. તમે કહો છો તે આઝાદી ક્યાં છે – ઈન્દુકુમાર જાની, પીલલ્સ બુક હાઉસ

૭૪. તારક મહેતાનો ટપુડો – તારક મહેતા, નવભારત સાહિત્ય મંદિર

૭૫. થોડા નોખા જીવ – વાડીલાલ ડગલી, આર. આર. શેઠની કંપની

૭૬. દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૭. દિલીપ રાણપુરા સાહિત્ય વૈભવ – સંપા. યશવંત મહેતા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૭૮. દિવ્યાત્મા ગાડગે મહારાજ – ગોકુળભાઈ ભટ્ટ, નવજીવન પ્રકાશન મંદિર

૭૯. દિવાળીના દિવસો – પ્રાગજીભાઈ ભામ્ભી, પાર્શ્વ પબ્લિકેશન

૮૦. દીકરી વહાલનો દરિયો – સંપા. વિનોદ પંડ્યા, કાંતિ પટેલ, સમભાવ મિડિયા લિમિટેડ

૮૧. દ્રશ્યાવલોકન – અભિજિત વ્યાસ, રન્નાદે પ્રકાશન

૮૨. દ્વિરેફ વાર્તાવૈભવ – રા. વિ. પાઠક દ્વિરેફ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૩. ધરતીની આરતી – સ્વામી આનંદ, સંપા. મૂળશંકર મો. ભટ્ટ, લોકમિલાપ ટ્રસ્ટ

૮૪. ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારનાં સંસ્મરણો – લોકકલા ફાઉન્ડેશન

૮૫. ધૂમકેતુ વાર્તાવૈભવ – ધૂમકેતુ, સંપા. ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૮૬. નકલંક – મોહન પરમાર, લોકપ્રિય પ્રકાશન

૮૭. નવલ ગ્રંથાવલિ તારણ કાઢનાર : નરહરિ દ્વારકાદાસ પરીખ, ગૂજરાત વિદ્યાપીઠ

૮૮. નવસંધાન – સંપા. પ્રેમનાથ મહેતા, પીપલ્સ બુક હાઉસ

૮૯. નામરુપ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, આર. આર. શેઠની કંપની

૯૦. નાયિકા-પ્રવેશ સંપા. હિમાંશી શેલત, અદિતિ દેસાઈ, સમર્થ ટ્રસ્ટ

૯૧. નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી, રૂપાલી પ્રકાશન

૯૨. નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં –  સંપા. રમણ સોની

૯૩. નોખા ચીલે નવસર્જન – ઉર્વીશ કોઠારી, પૂર્વી ગજ્જર, નવસર્જન ટ્રસ્ટ

૯૪. પશ્ય ન્તી – સુરેશ જોષી, સાહચર્ય પ્રકાશન

૯૫. પાટણની પ્રભુતા-ગુજરાતનો નાથ-રાજાધિરાજ – કનૈયાલાલ મુનશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

૯૬. પીળું ગુલાબ અને હું – લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન

૯૭. પેડલ પર પૃથ્વી પરકમ્મા – મહેન્દ્ર દેસાઈ, પ્રવીણ પુસ્તક ભંડાર

૯૮. પેરેલિસિસ – ચંદ્રકાંત બક્ષી, નવભારત સાહિત્ય મંદિર

૯૯. પંચાજીરી – રમણલાલ છોટાલાલ મહેતા, પુન:પ્રકાશન – અમિત ર. મહેતા

૧૦૦. પંચામૃત – ભૂપત વડોદરિયા, નવભારત સાહિત્ય મંદિર

ઝંખના – પલ્લવી શાહ

“મને ખબર છે હું મીરાં નથી અને મીરાં બનવું હોય તો મીરાં જેવું થવું પડે અને મારામાં એવી શક્તિ નથી. મને ખબર છે હું નરસૈંયો પણ નથી. જો મારે નરસૈંયો થવું હોય તો નરસૈંયા જેવું થવું પડે, અને મારામાં એવી શક્તિ નથી. મને એવી ભક્તિ આવડતી નથી, એવાં નથી ભજન આવડતાં. છતાં પણ બેસુરા રાગે હું તારાં ભજન ગાવાનો પ્રયત્ન કરું છું અને હાથમાં તંબૂરો લઈને તારા ગાન ગાવાને બદલે હાથમાં કલમ લઈને તારી પાસે માંગણીઓ મૂકે જાઉં છું. દિવસે દિવસે એ માંગણીઓ વિરાટ થતી જાય છે. મને ખબર છે જે દિવસે માંગણીઓ પૂરી થઈ જશે અને મારી પાસે માંગવા માટે કાંઈ નહિ રહે ત્યારે મારા બેસુરા રાગે ગવાયેલ મારાં ભજન આપોઆપ સુરીલાં બની જશે અને પછી મીરાં અને નરસૈંયો મારામાં આપોઆપ સમાઈ જશે.”

.

“તેં મને મનુષ્ય તરીકે જન્મ આપી તારા હસ્તાક્ષર કરી દીધા. એની મને ખુશી ખુબ છે. આજે આ દુનિયા હું તારી આંખે જોઈ રહી છું. એ દુનિયા કેટલી મોટી છે ? એમાં વસતાં માનવીઓ, વૃક્ષો, ફૂલો, ફળો, પશુઓ, પંખીઓ વગેરે જોતાં આ આંખો ધરાતી જ નથી. આટલું વિશાળ આકાશ અને એટલો જ વિશાળ દરિયો. જ્યાં પણ નજર પહોંચે ત્યાં તારી કરામત હોય જ. તેં મનુષ્ય ને જન્મ આપ્યો એમાં પણ તારી કરામત, તું તો તારા હસ્તાક્ષર કરીને છૂટી ગયો, મને જન્મ આપ્યો અને તારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો અને મારા પર કેટકેટલી જવાબદારીઓનો બોજો નાખી દીધો છે, ખબર છે તને ? અને આ કાંઈ મારી એકલીની વાત નથી. દરેક મનુષ્ય કે જેને તેં આ ધરા ઉપર જન્મ આપ્યો છે તેની ઉપર કેટલો બોજો નાખી દીધો છે અને તું … તું ઉપર બેઠો બેઠો બધા તમાશા જોયા કરે છે. તને આ બધું જોઈને એમ પણ થતું નથી કે મારે હવે મનુષ્યને જન્મ આપવા બંધ કરવા જોઈએ ? ક્યાંથી થાય ? બોજો તો અમ મનુષ્ય એ વેંઢારાવાનો છે ને ? તારે ક્યાં કોઈ જવાબદારી છે ? આ બધી જવાબદારીઓને પૂરી કરતાં કરતાં, તારી નજદીક રહેવા, તારી સાધના કરવા સમય ફાળવવો હોય તો ફાળવી જ નથી શકાતો. છતાં પણ હું મનમાં ને મનમાં તો તને યાદ કર્યા જ કરીશ. તને ચાલશે ને ?”

.

( પલ્લવી શાહ )

કાગળ લખી મોકલ – ડો. નીલા ઠાકર-જાની

એકાંત ભીંસે છે મને, કાગળ લખી મોકલ

તું મુક્ત દીસે છે મને, કાગળ લખી મોકલ

.

શ્વાસોને ગણવા કેમ ? ના સમજાય કેમ લખું ?

દિવસો ઘણાં વીત્યા છે, તું, કાગળ લખી મોકલ

.

મારી ઉદાસ સાંજ તો પત્ર બની છે ક્યારથી

પરોઢની વ્યગ્રતાથી તું, કાગળ લખી મોકલ

.

હું ય ક્યાં આંસુભીનો કાગળ નથી લખતો ?

અક્ષરથી નહીં કોરાશથી, કાગળ લખી મોકલ

.

( ડો. નીલા ઠાકર-જાની )

જોતો રહ્યો – કાબિલ ડેડાણવી

એમ આખી જિંદગી તમને સતત જોતો રહ્યો.

રોજ જાણે કે નવી કોઈ વિગત જોતો રહ્યો.

.

કંઈક સૈકાઓ અહીં વીતી ગયા છે એ છતાં,

એક ઈશ્વરનેય આ માનવ ગલત જોતો રહ્યો.

.

મારી દ્રષ્ટિ જ્યારથી તારા સુધી પહોંચી નહીં,

હું ભરેલી આંખથી ખાલી જગત જોતો રહ્યો.

.

મારો વર્ષોનો અનુભવ કામ આવ્યો આ રીતે,

કોઈ બાળક જેમ હું જગની રમત જોતો રહ્યો.

.

પ્રેમયુગમાં કોઈ વસ્તુ કદરૂપી લાગી નહીં,

ફૂલની મોસમમાં કંટકની અછત જોતો રહ્યો.

.

હોત કેવળ જો મિલન તો પ્રેમ સસ્તો થઈ જતે,

હું જુદાઈમાં મહોબતની બચત જોતો રહ્યો.

.

કોઈના પણ પ્રેમની વાતો મને ગમતી રહી,

ચોતરફ હર પ્રેમમાં તમને ફક્ત જોતો રહ્યો.

.

જિંદગીમાં જેથી ત્રાસી મોત મેં માંગ્યું હતું,

અંત વખતે એ જ સૌ દુ:ખની અછત જોતો રહ્યો.

.

છેતરાયા કેટલા ‘કાબિલ’ જગતમાં એ છતાં,

ઝાંઝવાં પ્રત્યેની માનવની મમત જોતો રહ્યો.

.

( કાબિલ ડેડાણવી )

ચોમાસું – મુકેશ જોષી

બારીની બહાર ચાંદીની ઘૂઘરીઓ જેવો વરસાદ

દીવાલોની ભીતર ટી.વી.માંથી

રંગબેરંગી દ્રશ્યોનાં ઝાપટાં

ને હું જોયા કરું છું શૂન્યમનસ્ક

.

પવનના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીઓ

મારી ત્વચા વાંચે છે

પણ મારાં રૂંવાડાઓ સાવ બુદ્ધુ છે

.

છાપરા ઉપર ટપટપ ટપકતું સંગીત

મનને હીંચકા ખવડાવી શકે

પણ કાનને ટેવ જ નથી, વરસાદના વાજિંત્રો સાંભળવાની

.

જીભ ઉપર વરસાદનું ટીપું મૂકવાથી

આખા શરીરમાં ધીમે ધીમે રોમાંચ ફેલાઈ જાય

પણ જીભને વરસાદમાં ગેબનો પરસાદ પરખાતો જ નથી

.

હું મારી અભણ ઈન્દ્રિયોથી

માત્ર કેટલા ઈંચ વરસાદ શહેરમાં પડ્યો

એના સમાચાર ટી.વી.માં જોયા કરું છું

.

સામેની ઝૂંપડીમાં

થોડું થોડું પાણી ભરાવા લાગ્યું છે

એની ચિંતા વગર એક વૃદ્ધ

બેચાર બાળકોની સાથે ગીત ગાય છે :

ક્યાં છે ઊની રોટલી, ક્યાં છે ઊનું શાક

તો પણ તું મહેમાન છે, આવ રે વરસાદ

.

( મુકેશ જોષી )