સાચવજે – ડાહ્યાભાઈ પટેલ “માસૂમ”

જળની વાણી રૂપરમણામાં ભરી ભરી તું જળ સાચવજે,

પરપોટામાં કેદ કમલવત સંકેતો ને પળ સાચવજે.

.

રાતોનું પ્રતિબિંબ ઝીલીને વાવની અંદર ઊતર્યો છે પણ

શબ્દ પગથિયું, અર્થ ગડથોલું, પકડી લે સાંકળ; સાચવજે.

.

ધોધમાર એવો વરસ્યો કે શરમાયેલી રાત ઓગળી,

અજવાળાની ટશરો ફૂટે એ પહેલા તું સળ સાચવજે.

.

મન ક્યારે ખોવાઈ જવાનું, પડશે એની સહેજ ખબર ના,

ઊઘડવા આતુર છે એવું ભીતરનું તું તળ સાચવજે.

.

નિરવધિના કાળમાં પૃથ્વી સમભાવોની સાથ ભલે હો,

મહાદેવને શિર ઝીંકાતાં ગંગાનાં એ જળ સાચવજે.

.

ગર્ભાશયમાં કેદ સભરતા, મનને હણશે કોણ હવે,

મુક્તિના અતિરેકની સામે તારું નકળંક બળ સાચવજે.

.

ખેતર થઈ ખેડાઈ જવાનું ‘માસૂમ’ તારું કામ નથી,

બળદ ડોક પર રહે રણકતો, પણ તું તારું હળ સાચવજે.

.

( ડાહ્યાભાઈ પટેલ “માસૂમ” )

ધોધમાર વરસાદ – મનીષ પરમાર

ધોધમાર વરસાદ પાછો આવશે,

પર્વતોમાં સાદ પાછો આવશે.

.

ફૂટતા’તા મોરના ટહુકા સતત-

ઘાસમાં ઉન્માદ પાછો આવશે.

.

એક ખેતર પત્ર જેવું કોરું છે,

ચાસનો અવસાદ પાછો આવશે.

.

હું મને ભૂલી ગયો એવું બન્યું-

પત્ર વરસો બાદ પાછો આવશે.

.

ફૂલ ખીલે કોઈના અરમાનનું,

ખાનગી સંવાદ પાછો આવશે.

.

( મનીષ પરમાર )

જવા દે દોસ્ત – કાજલ ઓઝા-વૈદ્ય

જવા દે દોસ્ત,

તું થાકી જઈશ,

મારી મૂળ રંગોની ઓળખ જ

ઝાંખી થઈ ગઈ છે.

મને મેળવણી શિખવવાની

જીદ શા માટે કરે છે ?

.

મારી લગભગ ઠીંગરાઈ ગયેલી

સુષુપ્ત સંવેદનશીલતા

હવે માત્ર સ્થૂળ સ્પર્શની જ

ભાષા ઉકેલી શકે છે.

મને – પકડીને ચૂંથી નાખીશ

ત્યારે માંડ, તારી હાજરીની

નોંધ લઈ શકીશ હું !

.

મારી અપેક્ષાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં

તારી આંખોમાં લોહી ઊતરી આવશે

મને સ્વસ્થતા અને આત્મવિશ્વાસના

પાઠ શીખવતાં

તારી જાતને ખોવા લાગીશ તું !

.

અને

આ બધાં પછીયે

માની લઈએ કે

તું મારા સુધી પહોંચી પણ ગયો તો,

શું તારી બધી જ લાગણીઓને

યથાવત ઢોળી શકીશ મારી ઉપર

.

છે…ક ત્યાં સુધીમાં તો…

જવા દે, દોસ્ત તું થાકી જઈશ !

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

ગઈકાલની ગલીઓમાં – સુરેશ દલાલ

મારે ગઈકાલની ગલીઓમાં ઘૂમવું નથી

આવતીકાલનો ભલે ઊગે સૂરજ :

મારે કાલના આકાશને ચૂમવું નથી.

.

પળપળની પાંદડીઓ મ્હેકે બિડાયેલી

એમાં ભમરો લપાયો છે ગુંજન સહિત

એક એક પાંદડી તો આપમેળે ખૂલશે

એક એક પાંદડીમાં રણઝણતું ગીત

સ્મરણ ને સ્વપ્ન : એ તો પારકા પ્રદેશ :

મારે એવા વેરાનમાં ઝૂલવું નથી.

.

હું તો આજનો ને અબઘડીનો માણસ રહ્યો

મારી ક્ષણની સાથેની છે નિસ્બત આ ગૂઢ

દરિયો ભલેને ઊછળે અનંતનો

હું પાગલ થઈ પળપળના પીઉં છું ઘૂંટ

મારે ઊગવું નથી કે આથમવું નથી

મારે ગઈકાલની ગલીઓમાં ઘૂમવું નથી.

.

( સુરેશ દલાલ )

એટલે જાણ્યું અમે – સુરેન્દ્ર કડિયા

વાતમાંથી વાત નીકળી એટલે જાણ્યું અમે

ઝળહળેલી જાત નીકળી એટલે જાણ્યું અમે

.

આગિયાને ચીરવા જાતાં જ ચિરાઈ ગઈ

એક કાળી રાત નીકળી એટલે જાણ્યું અમે

.

મોરનાં પગલાં પડેલાં ત્યાં જ એ થંભી ગયો

આ પવન પર ભાત નીકળી એટલે જાણ્યું અમે

.

કુંડળી ને કુંડલિની બેઉ જાગ્રત થઈ ગયાં

એક એવી ઘાત નીકળી એટલે જાણ્યું અમે

.

કોઈ પણ રીતે અમે મક્તા થઈ શકતા નથી

અંતમાં શરૂઆત નીકળી એટલે જાણ્યું અમે

.

( સુરેન્દ્ર કડિયા )

ઉડાન – હિના પારેખ “મનમૌજી”

ઓર્કુટની ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ કોમ્યુનિટી દ્વારા તેની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા બે વર્ષની જેમ જ ઈ-મેગેઝિન “e_vachak”નું,  ૨ જૂનના રોજ જય વસાવડાના હસ્તે ઈ-વિમોચન કરવામાં આવ્યું.  આ ઈ-મેગેઝિનમાં મારી કવિતા “ઉડાન” પણ પ્રકાશિત થઈ છે.  જે અહીં માણી શકશો.

[આ ઈ-મેગેઝિન PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો]

કાંઈ ન માગું નાથ – સુરેશ દલાલ

ચાલવા માટે રસ્તો જોઈએ : ઝાલવા માટે નાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

કંઠમાં એકાદ ગીત દઈ દે

હોઠ ઉપર એક સ્મિત

આંખના મારા આંસુમાં હું

ભીંજવી દઉં પ્રીત.

દિવસ હોય કે રાત પણ મને જોઈએ તારો સાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

દરિયો મારે જોઈતો નથી

ઝરણું હોય તો બસ,

હું તો તારા વ્હાલમાં વ્હાલમ

થઈ જાઉં છું વશ.

આશ્લેષ અને આલિંગને સકળને લઉં બાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

.

( સુરેશ દલાલ )

જ્યોં કી ત્યોં ધર – ફારુક શાહ

“સો ચાદર સુર મુનિ ઓઢી,

ઓઢી કે મૈલી કીન્હી ચદરિયા

દાસ કબીર જતન સે ઓઢી,

જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…”

– કબીર સાહેબ

.

અમણે-તમણે નજર ઠેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

મૂળમાંથી સબ સપન ખેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

.

સુલગ રહેલી ધડકન ઢૂંઢે અધર ઉધર બાંસૂરી અવિરત

હળફળતા તલસાટ સેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

.

સાંસ-ઉસાંસ આ અવળ-સવળ કંઈ, રાત ભરી આલમ તરવરતી

બૂમ જોરથી આભ ફેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

.

સોસ ભરેલા કણ્ઠ હમારે ઔર રેત કા દરિયા સામે

જલ પીવન કી કરી પેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

.

છાઈ ગઈ ઘનઘોર બદરિયા, ચારોં પાસ ત્રિભંગ ધરે હે

સુરત-નિરત ઈહ જુગત ખેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા

.

( ફારુક શાહ )

ફેર કૈં પડતો નથી – નીતિન વડગામા

પ્રશ્ન પૂછો કે ન પૂછો ફેર કૈં પડતો નથી,

સહેજ અથવા સાવ ઝૂકો ફેર કૈં પડતો નથી.

.

આજ સુકાઈ ગયું છે એ સુગંધોનું સરોવર,

ફૂલ ચૂંટો કે ન ચૂંટો ફેર કૈં પડતો નથી.

.

સાવ લાગે છે બધિર લોકો નગરના આ બધા,

ચીસ પાડો કે ટહુકો ફેર કૈં પડતો નથી.

.

છેક તળિયેથી તૂટેલો છે ઘડો સામે ભર્યો,

હોય આખો કે અધૂરો ફેર કૈં પડતો નથી.

.

કોઈ મીઠો આવકારો ના મળે તો સાવ સામે,

આંખ હો કે હો ઝરૂખો ફેર કૈં પડતો નથી.

.

( નીતિન વડગામા )

મહોરાં ઉતારો તો – જયા મહેતા

મહોરાં ઉતારો તો દેખાય કદાચ

.

શિયાળનો ચહેરો

વાઘ વરુ કે લોંકડીનો ચહેરો

શ્વાન ઝરખ કે ગર્દભનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

નરો વા કુંજરો વા કહ્યા પછી

ધર્મરાજ યુધિષ્ઠિરનો ચહેરો

.

એકલવ્યનો અંગૂઠો માગી લીધા પછી

ગુરુવર્ય દ્રોણાચાર્યનો ચહેરો

.

સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પછી

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો ચહેરો

.

ચહેરા તો કેટકેટલા

મહોરાં ઉતારીને જોતાં રહેવું

.

કદાચ ક્યારેક દેખાઈ જાય

ભલા ભોળા માનવીનો ચહેરો

.

( જયા મહેતા )