નામની ધજા – ગણેશ સિંધવ “બાદલ”

આ અફાટ રણ વચ્ચે,

રેતની ટેકરી પર ચડીને

દૂર દૂર નજર દોડાવું છું

ક્યાંય તારા નામની ધજા

ફરકતી જોઈ શકતો નથી.

સમગ્ર રણને ઘોળીને પીધાં પછી પણ

કહી ના શકું,

“હવે મને દર્દ થતું નથી.”

મારા આ દર્દની

વ્યથાને કણસતો કણસતો

સવારે ઊઠું છું ત્યારે

સૂરજના કિરણોનું ઈન્જેક્શન

કારગત નીવડે છે.

ને તારા નામની ધજાને

ફરકતી જોવા મારી નજર

અધીરી બનીને…………….

 .

( ગણેશ સિંધવ “બાદલ” )

એટલું તો કર – કિસ્મત કુરેશી

ભૂલ્યો હું ત્યાંથી પાછો ગણું, એટલું તો કર,

રેતી ઉપર ન ઘર હું ચણું, એટલું તો કર.

 .

દિલ મારું ગૂંચવાય છે શબ્દોની જાળમાં

મુજ દર્દ  મૌનમાં હું વણું, એટલું તો કર.

 .

મારે ક્યાં કોઈ આંખ તણી કીકી થાવું છે ?

કો’આંખનું ન માને કણું, એટલું તો કર.

 .

ઠંડે કલેજે કીધાં ઘણી લાગણીનાં ખૂન,

મારું અહમ હવે તો હણું, એટલું તો કર.

 .

પૂછે તું, ‘હા’ કહી હું ધરી દઉં છું ખાલી જામ,

એકાદ વાર ‘ના’ હું ભણું, એટલું તો કર.

.

ઊગમણું લાખ યત્ને યે किस्मतમાં ના રહ્યું,

ના ખૂંચવાય આથમણું, એટલું તો કર.

 .

( કિસ્મત કુરેશી )

जमीं से पहले – राजेश रेड्डी

जमीं से पहले खुले आसमान से पहले

न जाने क्या था यहाँ इस जहान से पहले

 .

हमें भी रोज ही मरना पडता है मौत आने तक

हमें भी जिन्दगी देनी है जान से पहले

 .

खयाल आते ही मंजिल से अपनी दूरी का

मैं थक सा जाता हूँ अक्सर थकान से पहले

.

जो मेरे दिल में है उसके भी दिल में है, लेकिन

वो चाहता है कहूँ मैं जुबान से पहले

 .

हमें पता है हमारा जो हश्र होना है

नतीजा जानते हैं इम्तिहान से पहले

 .

( राजेश रेड्डी )

NOTHINGNESS – ગુણવંત શાહ

મેં તારી રાહ જોઈ –

છેલ્લું કિરણ

અંધારાને શરણે ગયું ત્યાં સુધી.

પછી

નિ:શ્વાસને સોણલાં ફૂટ્યા;

ને

ભીનીભીની વીજળી ય ચમકી

પણ

મેઘલી રાતે મને સંભળાતા પગરવમાં

તારા ઝાંઝરે સાદ ન પુરાવ્યો.

ગઈ રાતે તો

હતું જ કે તું આવશે

પણ … … …

હવે તું આવે ત્યારે

કદાચ હું નહિ હોઉં.

અને છતાં ય

મારું ન-હોવું પણ

ભર્યું ભર્યું બની રહેશે;

તું

આવે

તો !

 .

( ગુણવંત શાહ )

વહાલપ – માણેકલાલ પટેલ

તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ

એવું જો કોઈ મને પૂછે

તો

હું તો વેલ બનવાનું જ પસંદ કરું

કેમ કે,

ફૂલ રાતે ખરી પડે છે

જ્યારે વેલ રાત-દિવસ

લીલીછમ રહી

વહાલપ વરસાવ્યા કરે છે.

ખીલીને ખરવા કરતાં

જો

લીલોતરીનું અવિરત વહાલપ

વેલ બની વીંટળાઈ રહેવામાં
મળતું હોય તો પછી એના પર

ફૂલ ખીલે કે ન ખીલે તેથી શું ?

 .

( માણેકલાલ પટેલ )

તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર

તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો !

 .

એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો !

 .

-અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !

 .

તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે, રાત અને દિવસ.

 .

પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઈ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો – અને તું ત્યાં આવીને ઊભો રહ્યો !

 .

દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીતની વચ્ચે થઈને, રસળતો રસળતો તારે દ્વારે આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર તને સંભળયો, અને મારી એવી એક ફૂલની અંજલિ માટે, તું મારે આંગણે દોડ્યો આવ્યો !

 .

હે રાજાના રાજા ! ત્યારે જ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, અને બીજા તમામ ભિખારીછે !

.

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

મને ગમશે…- અલ્પા નાયક મોદી

અરેરે…..!

તું આમ હતાશ શાને થઈ ગયો ?

તું ખરી ગયેલું પુષ્પ હશે તો

મને તારામાં રસ સીંચી

ભમરો થઈને તારી સમીપ આવવાનું ગમશે

તારી પાનખરને વસંત બનાવી

મને તારી પ્રિયતમા થવાનું ગમશે.

તારી નિરાશાઓને

આશાને ઊર્મિઓ વડે ભીંજવવાનું ગમશે.

તારા દર્દ અને

મારા આનંદની અદલાબદલી કરવાનું મને ગમશે.

તારી આંખોના અશ્રુ છીનવી લઈ

તને મારા હોઠનું હાસ્ય આપવાનું મને ગમશે.

મારું વ્યક્તિત્વ તને સમર્પી દઈ

તારી પ્રતિભા ખીલવવાનું મને ગમશે.

અવિરત તને યાદ કરી

મને ભૂલી જવાનુંય મને ગમશે.

તારામાં જ મારો પ્રાણ પૂરી

તારું અટલ અસ્તિત્વ ટકાવી રાખવાનું મને ગમશે !

 .

( અલ્પા નાયક મોદી )

અષાઢ – રત્નો

અસાડ આવ્યો હો સખી, કેમ કરી કાઢું દન;

નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.

 .

અસાડો રે ઘન ઉલટ્યો, માગ્યા વરસે રે મેહ;

વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

 .

મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર;

કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

 .

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝળકે રે મન;

દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

 .

લીલા ચરણા અવનીએ ધર્યા, તરુવર ગેરગંભીર;

પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

 .

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;

રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન.

.

( રત્નો )

ઓફિસ – ગુણવંત શાહ

ક્યારેક

સ્ટિરિયો પરથી વહેતા

બેગમ અખ્તરના શબ્દોને

ઘૂંટડેઘૂંટડે પીએ છે મારા કાન.

એમ થાય કે

શબ્દો સાથે વહ્યા કરું, બસ વહ્યા કરું

પણ

આ સવાદશ તો થયા

અને

હજી તો મારે … … …

ક્યારેક

ઝરૂખે બેઠો

જોઈ રહું છું શ્રાવણની જલધારા

થાય છે કે

નાહ્યા કરું બસ નાહ્યા કરું

અને

ભીંજવી દઉં મારા કોરાકોરા જીવનને

પણ … … …

 .

( ગુણવંત શાહ )

ગીત ગાવા આવ્યો હતો – રવીન્દ્રનાથ ટાગોર

હું જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે !

 .

મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી, હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયેલાં ગીતનું !

 .

પરિમલનો ભંડાર તો અણઊઘડ્યો રહ્યોછે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !

 .

મેં એ સૌન્દર્યસાગરની તો ઝાંખી પણ ક્યાં કરી છે ? કે એના શબ્દો – એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસારા થતા એના આછા પદધ્વનિને જ મેં ક્યારેક સાંભળ્યો છે !

 .

સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમં જ આટલો બધો વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી, ઘરમાં અજવાળું આવ્યું નથી. એને અંદર આવવાનું કયે મોંએ હું કહું ?

 .

કોઈક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું, પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !

 .

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )