સુખદુ:ખ છે – હેમેન શાહ

સુખદુ:ખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહિ

ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.

 .

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

 .

તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,

કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.

 .

માપી, ગણી શકો એ બધું કામનું નથી,

 જો છે મહત્વનું તો એ તોળી શકાય નહિ.

 .

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

 .

અંતે ખરી જવાનીને તાકાત જોઈએ,

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

 .

( હેમેન શાહ )

આંખમાં અનુરાગ – હરિશ પંડ્યા

આંખમાં અનુરાગ જેવું હોય પણ, ના હોય પણ,

ચાંદમાં પણ દાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

લાકડાંને ક્યાં સુધી સંકોરવાં એ તો કહો,

તાપણીમાં આગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

સાંજનાં પંખી બધાં ફરે છે ક્યાં જવા ?

આ  નગરમાં બાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

ધૂળનો ઢગલો ગણીને હાથ નાંખો ના તમે,

રાફડામાં નાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

સૂર્યને જોતાં જ પંખી ગીતને આલાપતાં,

કોઈ એમાં રાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

( હરિશ પંડ્યા )

એક લસરકે – ગુણવંત ઉપાધ્યાય

એક લસરકે

અજવાળું અજવાળું કરતી

ચરણકમળની ધૂળ !

ભલે કોઈને હોય નહીં પણ અમને ભલી કબૂલ !

 .

અંજાતી જ્યાં આંખ જરાશી

અંધારું અટવાતું

પ્હો ફાટતા, ઝાકળ વચ્ચે

મારગ કરતું જાતું

કોણ કહે છે :

ઝાકળભીની ડાળી સંગે ફૂલ સરીખું ઝૂલ ?!

 .

અંતર પર અંતરની ભીની

પીંછી મઘમઘ ફોરે

પૃથ્વી પટ પર ચિત્ર અલૌકિક

રોજ કોણ આ દોરે ?

અનહદ ઊંડી

સહેજ અચંબિત આંખે ઝલમલ સૂર્ય-કિરણને પૂર !

 .

અજબ અચંબો ગજબ અજંપો

મીઠી નિદ્રા ત્યાગે,

મારામાં સૂતેલું કોઈ

આળસ મરડી જાગે

જોઉં જોઉં ત્યાં

દશે દિશા ને મધ્યે ફરકે પીતવર્ણ પટકૂળ !

 .

( ગુણવંત ઉપાધ્યાય)

કપરું હોય છે – સંધ્યા ભટ્ટ

ખેલવાનું, હારવાનું ખૂબ કપરું હોય છે

જાતને સમજાવવાનું ખૂબ કપરું હોય છે

 .

પોતપોતાનું મળે છે આભ તો સૌ કોઈને

પંખી માફક ઊડવાનું ખૂબ કપરું હોય છે

 .

પૂર્ણમાંથી અલ્પ, પાછું અલ્પમાંથી પૂર્ણ પર

ચંદ્રગતિએ ચાલવાનું ખૂબ કપરું હોય છે

 .

કાળું કાળું ઘટ્ટ અંધારું બધે વ્યાપેલું હો,

તે સમય અજવાળવાનું ખૂબ કપરું હોય છે

 .

સાંજનો વૈભવ ગુલાબી નભમાં સુંદરતા ભરે,

તે સમેટી ડૂબવાનું ખૂબ કપરું હોય છે

 .

( સંધ્યા ભટ્ટ )

થાકી જાશો – પરાજિત ડાભી

ખોટા સરવાળા જેવો હું ગણતાં ગણતાં થાકી જાશો,

માણસ નામે પુસ્તક છું હું ભણતાં ભણતાં થાકી જાશો.

 .

પીડા પાર વગરની થાશે, દર્દોથી ઉબકાઈ જવાના,

જખમો લોહીઝાણ મળ્યાછે, ખણતા ખણતા થાકી જાશો.

 .

ખળભળ થાતી બહુમાળીમાં, ઝાંખો ઝાંખો જીવ બળે છે,

ખરવા લાગ્યા કૈંક મિનારા, ચણતા ચણતા થાકી જાશો.

 .

તાકા રેશમના વણનારા હાથ મશીને બાંધેલા છે,

ઝીણાં મલમલ છોડ કબીરા, વણતા વણતા થાકી જાશો.

 .

કાચાં પાકાં સપનાંઓનાં, અરધાં પરધાં ઓધાનો છે,

શબ્દો અવતરવા લાગે તો, જણતા જણતા થાકી જાશો.

 .

( પરાજિત ડાભી )

શું ગાંધીજી એક અવ્યવહારુ મહાત્મા હતા? – ગુણવંત શાહ

આપણી વચ્ચે એક એવો મહામાનવ થઇ ગયો, જે પોતાની જાતને છેતરવા તૈયાર ન હતો. જે મનુષ્ય પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરી શકે ખરો? એ મહામાનવ મરવા તૈયાર હતો, પરંતુ કોઇને મારવા માટે તૈયાર ન હતો. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એ માણસનો એક્સ-રે આખી દુનિયાને જોવા મળ્યો. ફોટોગ્રાફ છેતરે, પરંતુ એક્સ-રે કદી ન છેતરે. એણે લોકોને કહ્યું: ‘મરતાં પણ સત્ય ન છોડવું.’ ૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીની સાંજે એણે દેહ છોડ્યો, પણ સત્ય ન છોડ્યું. એના પવિત્ર જીવનનો છેલ્લો ઉદ્ગાર હતો: ‘હે રામ.’
.
ઇ.એમ. ફોસ્ર્ટરની માન્યતા હતી કે આપણી શતાબ્દીના શ્રેષ્ઠત્તમ પુરુષ તરીકે ગાંધીજીને માનવામાં આવે. આર્નોલ્ડ ટોયાન્બીને દ્રઢ વિશ્વાસ હતો કે એવું જ માનવામાં આવશે. ડૉ. એ. એમ. હોમ્સે કહ્યું હતું: ‘ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઇસુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવી હતા.’ આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૩૧ને દિવસે લખેલા પત્રમાં જણાવ્યું:
.
આદરણીય મિસ્ટર ગાંધી,
.
મારા ઘરે આવેલા તમારા મિત્ર સુંદરમની હાજરીનો લાભ લઇને હું તમને થોડીક લીટીઓ પાઠવી રહ્યો છું. તમે તમારાં કાર્યો દ્વારા એવું બતાવી આપ્યું છે કે હિંસા સિવાય પણ સફળ થઇ શકાય છે. આપણે આશા રાખીએ કે તમારું ઉદાહરણ તમારા દેશની સરહદો પાર કરીને બધે પ્રસરી જશે અને એક એવી આંતરરાષ્ટ્રીય સત્તાની સ્થાપનામાં મદદરૂપ થશે, જેને સૌ આદર આપે અને જે નિર્ણય લેશે તથા યુદ્ધમૂલક સંઘર્ષોનું સ્થાન લઇ શકશે.
.
તમારો,
.
એ. આઇન્સ્ટાઇન
.
મને એવી આશા છે કે હું તમને કોઇ દિવસ રૂબરૂ મળી શકીશ.
.
‘‘‘
.
શું ગાંધીજી અવ્યવહારુ મહાત્મા હતા કે?  જો સાચું બોલવાની ટેવ અવ્યવહારુ બાબત હોય તો એક વર્ષ માટે કાયમ જૂઠું બોલવાનો સંકલ્પ કરી જુઓ! એક જ વર્ષમાં તમને ખબર પડી જશે કે તમારા મિત્રો તમારા પર ભરોસો મૂકવા તૈયાર નથી. કદાચ તમારી પત્ની કે બહેન કે માતા પણ તમારા પ્રત્યે અણગમો ધરાવવા લાગશે. એક જ વર્ષમાં તમે બિઝનેસમાંથી કે નોકરીમાંથી લગભગ ફેંકાઇ જશો. જો અહિંસા કરતાં હિંસા વધારે વ્યવહારુ હોય તો જીવનમાં ડગલે ને પગલે હિંસા આચરવાનું શરૂ કરી જુઓ! કદાચ એક જ મહિનામાં તમે જેલભેગા થશો અને તમારી કિંમત ફૂટી કોડીની થઇ જશે. શું સ્વચ્છતાનો આગ્રહ રાખનારા ગાંધીજી અવ્યવહારુ હતા? તો તમારે અસ્વચ્છતા જાળવવાની ઝુંબેશ શરૂ કરવી જોઇએ.
.
જો શરાબનું વ્યસન વ્યવહારુ હોય તો ગરીબ લત્તાઓમાં જઇને માંડ ગુજરાન ચલાવતી પત્નીઓની અવદશા નજરે નિહાળજો. જો સાદો આહાર અવ્યવહારુ જણાય તો કેવળ પાંચ વર્ષ માટે મિષ્ટાન સાથે તળેલો અને તીખો તમતમતો આહાર જ લેવાનો સંકલ્પ કરી જુઓ! શું કોઇ પણ શાણો મનુષ્ય શાંતિને ‘અવ્યવહારુ’ ગણીને મારામારી અને કાપાકાપીથી ભરેલા હુલ્લડ કે યુદ્ધને વ્યવહારુ ગણી શકશે? તો તો જગતના સૌ ડાહ્યા મનુષ્યોએ અફઘાનિસ્તાન, લિબિયા, ટ્યુનિશિયા, સિરિયા કે યેમનમાં સેટલ થવા માટે પડાપડી કરવી જોઇએ.
.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો બાળકોને માનવ-બોમ્બ તરીકે ઉપયોગમાં લે છે. બોલો ક્રૂરતા વ્યવહારુ કે કરુણા? ખરી વાત એ છે કે: સત્ય જ વ્યવહારુ છે, અસત્ય નહીં. અહિંસા જ વ્યવહારુ છે, હિંસા નહીં. શાંતિ જ વ્યવહારુ છે, યુદ્ધ નહીં. સ્વચ્છતા જ વ્યવહારુ છે, અસ્વચ્છતા નહીં. જે ગામમાં રહેતો પ્રત્યેક માણસ ગુંડો, ચોર કે લફંગો હોય એવું ગામ કદી પણ ટકી ન શકે. ધર્મ જ વ્યવહારુ છે, અધર્મ નહીં. ધર્મ એટલે જ માનવધર્મ.
.
સંસારમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં બે દેશો વચ્ચે યુદ્ધની નોબત ખડી થાય છે. એવે વખતે કોનો પક્ષ લેવો? સત્ય જ્યારે આવી આકરી કસોટીએ ચડે ત્યારે સાપેક્ષતા (relativity) આપણી મદદે આવે છે. ગાંધીજી આવે વખતે શું કરે? સાંભળો:
.
યુદ્ધમાત્રને હું સર્વથા ખરાબ ગણું છું,
પરંતુ લડતના બે પક્ષોના
આશયો તપાસીશું તો આપણને
માલૂમ પડશે કે:
એક સાચો છે અને બીજો ખોટો છે.
દાખલા તરીકે અ જો બ નો
દેશ પચાવી પાડવા માગતો હોય
તો બ દેખીતી રીતે જ અન્યાયનો
ભોગ બન્યો છે.
બંને શસ્ત્રોથી લડે છે.
હિંસક યુદ્ધમાં હું માનતો નથી,
તેમ છતાં ન્યાયી ધ્યેયવાળો બ
મારા નૈતિક ટેકાને તથા આશીર્વાદને પાત્ર છે.
.
(‘હરિજન’, ૧૮-૦૧-૧૯૪૨)
.
અમેરિકાના ‘Time’ મેગેઝિનના કવર (Volume XVII, November ૧૯૩૦) પર ગાંધીજીની તસવીર પ્રગટ થઇ હતી. ગાંધીજી ત્યારે ૬૧ વર્ષના હતા. એમની પાસે સત્ય સિવાયની બીજી કોઇ મિલકત ન હતી, અહિંસા સિવાયનું બીજું કોઇ શસ્ત્ર ન હતું અને પ્રાર્થના સિવાયની બીજી કોઇ શક્તિ ન હતી. આમ છતાં બ્રિટિશ સલ્તનતને સૌથી વધારે ડર ગાંધીજીનો લાગતો હતો. આજની પરિભાષામાં આવી અંદરની તાકાતને ‘સોફ્ટપાવર’ કહી શકીએ.
.
દુનિયાને બંદૂકપાવર, બોમ્બપાવર અને મિસાઇલપાવર કેવો પ્રભાવશાળી હોય તે તો સમજાય છે, પરંતુ સત્યપાવર, કરુણાપાવર અને પ્રેમપાવર કેવો પ્રભાવશાળી હોય તે નથી સમજાતું. પરિણામે માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહેતા કે આજનો જમાનો ‘ગાઇડેડ મિસાઇલ અને અનગાઇડેડ મનુષ્યો’ દ્વારા પેદા થતી સમસ્યાઓની પજવણી પામ્યો છે. આજની અશાંત, અસ્વસ્થ અને અકરુણાવાન દુનિયામાં યુદ્ધ વિનાનો એક મહિનો પણ જતો નથી.
.
કેટલાક ઇસ્લામી દેશો એવા છે, જ્યાં મારામારી કે કાપાકાપી વિનાનો એક કલાક પણ જતો નથી. ઇજિપ્તમાં તખ્તપલટો થયો તેમાં ખૂબ જ ઓછી હિંસા થઇ છે. વિચાર આવે કે: આપણે આજે અફઘાનિસ્તાનના નાગરિક નથી તેથી કેટલા નસીબદાર છીએ! વિશ્વશાંતિ આપણું સમણું છે અને યુદ્ધ દુનિયાની વાસ્તવિકતા છે. હૃદયમાં ઊગેલી પંક્તિઓ આજે ગાંધીજયંતી છે તેથી અહીં પ્રસ્તુત છે:
.
માનવતાને થયું
કે એવરેસ્ટનું આરોહણ કરું.
ગાંધીજીએ એ ઇચ્છા પૂરી કરી!
.
પાઘડીનો વળ છેડે
.
અસહકાર અને અસહકારીઓની
મશ્કરી કરનારાઓ ઘણી વાર
મેલી ટોપી, ઢંગધડા વિનાનાં કપડાં,
વધેલી હજામત વગેરેને
અસહકારીઓનાં લક્ષણો ગણે છે.
પણ મહાત્માજી જેવી સ્વચ્છતા
બહુ ઓછા રાખતા હશે.
શ્રીમતી સરોજિની નાયડુએ એક વાર
કહેલું કે મહાત્માજી
એક યુવતી જેવી ચીવટ
શારીરિક સ્વચ્છતા માટે રાખે છે.
તેમના નખ પણ સ્વચ્છ હોય છે.
તેમની હજામત ચડેલી તો
કોઇએ જોઇ નહીં હોય.- રામનારાયણ વિશ્વનાથ પાઠક
.
(રા. વિ. પાઠક ગ્રંથાવલિ-૩, પાન ૬૫૬)

.

( ગુણવંત શાહ )

.

( સૌજન્ય : દિવ્યભાસ્કર )

જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી

ઝાંઝવા પીતી રહું, રોકી શકે ક્યાં રણ મને !

સાવ સૂકી રેતનું છે તીવ્ર આકર્ષણ મને !

 .

વૃક્ષના જેવી કફોડી છે દશા મારી જુઓ,

ઝંખના આકાશની ને મૂળનું વળગણ મને !

 .

સૂર્યની સાથે ક્ષિતિજે આથમી જાવું અફર,

ને સતત શોધ્યા કરે અજવાસનું પ્રાંગણ મને !

 .

આયનામાં કેટલાં વર્ષો પછી જોયું અને,

મામલો ગંભીર છે; ના ઓળખું હું પણ મને !

 .

જિંદગી વિશે બધાંઆભાસ આછા-પાતળા,

છું વમળમાં, મૂંઝવે પ્રશ્નો હજી હરક્ષણ મને !

.

આમ હોવાનું ગમે છે, છે ખબર બસ એટલી;

પણ હયાતીનાં હજી જડતાં નથી કારણ મને !

 .

( દક્ષા બી. સંઘવી )

જળ બની – આહમદ મકરાણી

હુંય આવી જાઉં અંતે પાઘડીનો વળ બની,

ને ભુલાતો જાઉં કોઈ ગતસમયની પળ બની.

 .

આ સમયના વૃક્ષ પર માનવ ઝૂલે પણ ક્યાં સુધી ?

મોત કેરા હાથમાં એ જઈ શકે છે ફળ બની.

 .

કેટલાં ડગલાં ભરે એની ખબર ક્યાંથી પડે ?

આ ધરા પણ છેતરે છે હરઘડી જ્યાં છળ બની.

 .

હર દશા સામે રહી છે પૂતળું થૈને સદા,

કેટલીને ભાંગવી ! ઊભો નિરર્થક બળ બની.

 .

આમ હોવું આગ વચ્ચે ચોતરફ ભડકે બળે;

હરઘડી વરસી રહી એની કૃપા તો જળ બની.

 .

( આહમદ મકરાણી )

એ જ વેળા – કરસનદાસ લુહાર

શુષ્કતાની એ વિલક્ષણતા જ અલગારી હતી;

રણ વચોવચ છમ્મલીલી એક જે ક્યારી હતી.

 .

ભરબપોરે ધૂળની પીડાને તેં ઠારી હતી;

પાડીને કુમકુમ પગલીઓ કેડી શણગારી હતી.

 .

હું વિજય પામું હતો એવો જ આશય એટલે

તેં જ જાણી જોઈને આખી રમત હારી હતી !

 .

સ્વપ્ન તારાં આવતાં’તાં મારી આંખોમાં સતત,

સાવ ટૂંકી રાતને મેં ખૂબ વિસ્તારી હતી.

 .

વિશ્વ આખુંયે જઈ સામે પડી ઊભું હતું,

એ જ વેળા તેં કરી મારી તરફદારી હતી.

 .

આપણે ખુશીઓ ભલે રાખી અલગ; પણ છેવટે

વેદના જે કંઈ હતી બેઉની સહિયારી હતી.

 .

( કરસનદાસ લુહાર)

પહોંચ્યા હતાં – સાહિલ

માંડ પગલાં ઉંબરે પહોંચ્યા હતાં

પણ વિચારો પાદરે પહોંચ્યા હતાં

 .

સહુ ગણતરીમાં જ ગોથાં ખાય છે

જ્યાં પહોંચ્યા આશરે પહોંચ્યા હતાં

 .

નોંધ-નકશા હાથમાં એમ જ રહ્યાં

મંઝિલે તો ઠોકરે પહોંચ્યા હતાં

 .

ના થયું આખર સુધી નક્કી કશું

ક્યાં સુધી એકંદરે પહોંચ્યા હતાં

 .

દોડવાનું બીડું લઈ જન્મયાં છતાં

મૃગજળો ક્યાં સ્ત્રોવરે પહોંચ્યા હતાં

 .

લીલીછમ વનરાઈનાં શમણાં લઈ

લોક ઝાડી ઝાંખરે પહોંચ્યા હતાં

 .

પળ મહીં પહોંચી ગયા શેરી સુધી

એ ય ક્યાં સાહિલ ઘરે પહોંચ્યા હતાં ?

 .

( સાહિલ )