કોઈ નથી – ખલીલ ધનતેજવી

સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી,

કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.

 .

આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી,

આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.

 .

વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો,

ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.

 .

નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની,

છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.

 .

એટલે ના ગમતી વાતો સાંભળી લેવી પડે,

આ જગત આખાના મોઢે ઢાંકણું કોઈ નથી.

 .

શ્વાસની ધૂણી ધખાવીને બદન તાપ્યા કરો,

રાત ટાઢીબોળ છે ને તાપણું કોઈ નથી.

 .

સુખ કે દુ:ખ, મિત્રો કે શત્રુ, આપણા કે પારકા,

સૌની સાથે પ્રીત છે, અળખામણું કોઈ નથી.

 .

છે ખલીલ એવા ય ધરખમ માણસો આ શહેરમાં,

પોતપોતાનામાં પણ પોતાપણું કોઈ નથી.

 .

( ખલીલ ધનતેજવી )

શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત !

સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ

જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !

 .

પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ,

પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું છે દોસ્ત !

 .

અસ્તિત્વ ખંડ-ખંડ બનાવ્યું છે કોણે દોસ્ત !

એ જાણશે તો જાણશે એકત્વ શું છે દોસ્ત !

 .

ઈચ્છાના નખથી થાય ઉઝરડાઓ શ્વાસ પર

આના સિવાય બીજું તો વૃદ્ધત્વ શું છે દોસ્ત !

 ,

( પ્રમોદ અહિરે )

કબૂલ – એષા દાદાવાળા વ્યાસ

.

દરિયો ખારો છે કબૂલ,

પણ એમાં માછલીની ભૂલ

આંસુઓ આવી જાય છેક એવી રીતે…

ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?

 .

માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો

ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું,

આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા

એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું

 .

પણ એમ કરી ભીતર ખાલી જો થાતું,

તો આંસુનું આવવું વસૂલ

દરિયો ખારો છે, કબૂલ…!

 .

કોઈ માણસના હોય કે માછલીના હોય

દોસ્ત,આંસુ તો આંસુ કહેવાય,

રડવું આવે ત્યારે રડી લેવાનું

એને પાણીની જેમ ના પીવાય….!

 .

હૃદયના રસ્તેથી એ આંખોમાં આવે,

એનું ઠેકાણું નથી કૈં દૂર…

દરિયો ખારો છે કબૂલ…

.

દરિયાનું પાણી ને આંખોનું પાણી

બે ઉની ખારાશ તમે માપી જોજો

મારું માનો તો એકને હોઠે

ને એકને હૈયે મૂકી તમે ચાખી જોજો

 .

આંસુનાં મોજાં ના હોય એ તો ટીપામાં હોય,

એનાં આવે ન કોઈ દિ પૂર…

દરિયો ખારો છે કબૂલ…!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

બે ગઝલ – ખલીલ ધનતેજવી

(૧)

.

ભીતર પરપોટા ફૂટે છે,

દિલની નાજુક નસ તૂટે છે.

 .

ફાંટ ભરીને આપ્યું તોયે,

દાનતમાં મુઠ્ઠી ખૂટે છે.

 .

વેરભાવ સૌ છોડી બેઠા,

ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે.

.

એમ ફટાફટ બોલી દો છો,

જાણે કે ધાણી ફૂટે છે.

.

રાખ ખલીલ અત્તરનો ફાયો,

માણસમાં ખુશબો ખૂટે છે.

 .

(૨)

 .

આ બધા ઠાઠબાટ રહેવા દે,

જિન્દગીને સપાટ રહેવા દે.

 .

કોક મહેમાન અચાનક આવે,

ઓસરીમાં જ ખાટ રહેવા દે.

 .

જા સજાવી દે ઘર નવેસરથી,

માત્ર જૂનું કબાટ રહેવા દે.

 .

ખોડીબારું જ એક પૂરતું છે,

બંધ આ ગાડાવાટ રહેવા દે.

 .

એ ખલીલ આવશે સમી સાંજે,

ભરબપોરે ઉચાટ રહેવા દે.

.

( ખલીલ ધનતેજવી ‌)

સુરાલયમાં સિજદાની – હરીશ મીનાશ્રુ

તને એકમાંથી બહુની તમન્ના,

બહુથી મને એક જોવાની ઈચ્છા

કરે છે તું પ્યાલામાંથી ખાલી સુરાહી,

કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

 .

પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી

 .

સુરાલયમાં સિજદાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી

 કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી

 .

ઊંચકીએ જો કર તો પ્રજળતી મશાલો વળી વીંઝીએ હાથ તો રંગતાળી

પ્રલયની ક્ષણો કે પ્રણયની ક્ષણોમાં રહ્યો ના ફરક : કેટલા ભાગ્યશાળી

 .

ઘડી બે ઘડીમાં જ સોંપી જવાના, હતી એવી ને એવી પૃથ્વી તમારી

મુબારક હો તમને આ મટકી અધૂરી, ભરેલી જે અડધી અને અડધી ખાલી

 .

સ્મરણનો અને અંતરસનો અનુભવ : તરસ ને પરાકોટિ રસનો અનુભવ

ન પીશું ન પાશું સહજ ઊભા રહીશું, ફક્ત હોજે કૌસરમાં ચરણો પખાળી

 .

અનોખી છે શરિયત ને શ્રદ્ધા અનેરી, અદાઓ અમારી ઈબાદતની નોખી

તમે જેને ઝાકળ-ભીનું પુષ્પ કહો છો, અમે કહીએ રહેમતની ફાટેલ પ્યાલી

 .

પણે કલ્પવૃક્ષોનાં પર્ણો ચરે છે કોઈ કામરૂદેશની કામધેનુ

અમારી અરજ : મંદ લહરી પવનની અને લીમડાની મીઠી એક ડાળી

 .

તમે આજ આવ્યાં કે બેઠાં છે અઢળક કબરની કનેના સરગવાને ફૂલો

બીજી તો કઈ રીત છે વ્યક્ત કરવા અવાચક રહીને અમારી ખુશાલી

 .

સરવડાંની માફક વરસતી કયામત, ગણી લઈને એને ય નમણી નિયામત

અને ઘૂંટ પર ઘૂંટ ભરતા રહીશું શબદના ઝીણા વસ્ત્રથી આમ ગાળી

 .

છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ

અમે માત્ર મરશિદના મોઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી

.

( હરીશ મીનાશ્રુ )

શ્રદ્ધાંજલિ – ઉશનસ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા)

મૂર્ધન્ય સાહિત્યકાર ઉશનસ ( નટવરલાલ કુબેરદાસ પંડ્યા ) નું વલસાડ મુકામે નિધન.

 .

વડોદરાના સાવલી-સદ્દમાતાના ખાંચામાંથી નોકરી અર્થે વલસાડ-લક્ષ્મી શેરી મુકામે સ્થાયી થયેલા ઉશનસ સાહેબે આખરી વર્ષોમાં વલસાડને જ વતન બનાવીને વલસાડને ગૌરવ બક્ષ્યુ હતું. સુરતને જેમ “નર્મદ નગરી” કહેવામાં આવે તેમ વલસાડને હું “ઉશનસ નગરી” કહેવાનું પસંદ કરતી. તેમનો જન્મ વડોદરાના સાવલીમાં તા. ૨૮/૦૯/૧૯૨૦ના રોજ થયો હતો. વલસાડની આર્ટસ કોલેજમાં તેમણે ઘણાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી. મારા માતા-પિતાને તેમના હાથ નીચે અભ્યાસ કરવાનો પણ અવસર મળ્યો હતો. જ્યારે મેં તેમને અનેક કાર્યક્રમોમાં સાંભળ્યા છે તથા ખભે થેલો લટકાવીને વલસાડના રસ્તાઓ પર ચાલતા જોયા છે. ક્યારેક અમારા ઘરે પણ કોઈ કામ માટે આવતા. મારા પપ્પા તેમને કહેતા કે મારી દીકરીને પણ સાહિત્યમાં બહુ રસ છે ત્યારે સાંભળીને બહુ ખુશ થતા.

 .

વીર નર્મદદક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં જ એમને ડિલ. લિટ.ની ઉપાધિથી નવાજવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગના આધારે તેમનો વધુ પરિચય મેળવીએ.

 .

નામ

નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ઉપનામ

ઉશનસ

જન્મ

28-9-1920 , સાવલી – વડોદરા

અભ્યાસ

  •  એમ.એ.

વ્યવસાય

  • વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય

જીવન ઝરમર

  • વિપુલ અને વિવિધ કવિતાઓ
  • બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.

સન્માન 

  • 1972 – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1963-67 –  નર્મદ સુવર્ણચંદ્રક *
  • સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
  • શ્રી અરવિંદચંદ્રક +

મુખ્ય રચનાઓ

  • કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +,  ભારતદર્શન,  , રૂપના લય, આરોહ અવરોહ
  • વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
  • પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
  • જીવનચરિત્ર – સદમાતાનો ખાંચો

 .

ઉશનસ સાહેબનું જાણીતું કાવ્ય “વળાવી બા આવી” આ સાથે મૂકું છું.

 .

વળાવી બા આવી

“રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;

સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”

.

કવિશ્રીની સ્મશાનયાત્રા આજે (૦૬/૧૧/૨૦૧૧) બપોરે ૨.૦૦ વાગ્યે એમના નિવાસસ્થાનેથી  નીકળશે.

 .

વલસાડ વતી હું કવિશ્રીને હાર્દીક શ્રદ્ધાંજલિ પાઠવું છું.

આંગણું ઢાળીને – કૈલાસ અંતાણી

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ

હજુ પદરવ સંભળાય નહીં ડેલીએ.

.

ડેલીએ અડીને સાવ ઊભા છે તોય

બધા રસ્તાઓ લંબાતા ચાલ્યા

ડેલીબંધ બેસીને પહોંચાયું ક્યાંય

અમે સ્મરણોના ચીલાઓ ઝાલ્યા

 .

એ રીતે ઉંબરમાં બેઠી કે ચાલ

જરા સાંકળ ખખડે તો હવે ખોલીએ.

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ…

 .

ઢાળેલા આંગણામાં ઘેરાતું આભ

અને ચાલી ક્યાં ચકલાંની ટોળી

ઝોકે ચડું ને ત્યાં પદરવના અણસારે

કોણ જાય પાછું ઢંઢોળી

 .

છાતીમાં ડૂમો થઈ મૂંઝાતી વાત

હવે બોલીએ તો કઈ રીતે બોલીએ

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ…

 .

( કૈલાસ અંતાણી )

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

ઝરૂખો નથી ને અટારી નથી;

હું કરતો પ્રતીક્ષા તે બારી નથી.

 .

હજી કોઈ ચકલીઓ બેસે છે ત્યાં,

છબી ભીંતથી મેં ઉતારી નથી.

.

હજી ચાંદની ત્યાં જ પથરાય છે;

અગાશીમાં પેલી પથારી નથી.

.

ટપાલી તો નાખી ગયો થોકડો;

ચબરખીયે એમાં તમારી નથી.

 .

કવિતા મળી જે તે વાંચું છું હું;

મેં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ સુધારી નથી.

 .

( ભગવતીકુમાર શર્મા )

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

આજથી હું ખિસ્સામાં પેન નહીં, છરી રાખીશ.

મારાં સફેદ ઈસ્ત્રીબંધ વસ્ત્રોને મેં આગ લગાવી છે.

હવે ધીમે ધીમે બ્હીતાં બ્હીતાં બોલે તે હું નહીં

એક શબ્દ બોલીશ ને આખો મહોલ્લો ધ્રુજી ઊઠશે.

કોણ લાંચ માગે છે ? – મારી સામે લાવો.

એનાં કાંડાને હું કાપી નાખીશ.

કોણ રસ્તામાં સૌભાગ્યવતીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ભાગી

જાય છે ?

લાવ, એની ગરદન મરડી નાખું.

કોણ છે એ નફ્ફટ ટેક્સી-ડ્રાઈવર

જે માંડમાંડ ઊભા રહેતા દર્દીને હોસ્પીટલ લઈ જવાની નિષ્ઠુર

ના પાડે છે ?

ઊભો કરો એને મારી સામે,

એની ટેક્સીની સાથે એને જીવતો જલાવી દઈશ હું !

ક્યાં છે પેલો દાદો જે દૂરથી એકનજરથી

લોકોને ફફડતા રાખી ઘરમાં ગોંધી રાખે છે, શિયાવિયા કરાવે છે ?

અહીં લાવો, એની જાંઘ ફેડી, માંસના ટુકડા શિયાળવાંને ફેંકીશ.

નિર્દોષોને ત્રાહિ ત્રાહિ કરાવતી કોર્ટની કચેરીને તાળાં લગાવો.

કોણ સુફિયાણી વાતો કરે છે ? કોણ જુઠ્ઠાં વચનોથી લોકોને

છેતરે છે ?

આંખે પાટા બાંધી એ સૌને એક લાઈનમાં ઊભા કરો

એકએકને બંદૂકની ગોળીથી ઉડાવી દેવા માંગુ છું.

આજની રાત મને રોકશો નહીં.

હું ઈસુને દફનાવીને આવ્યો છું.

 .

( વિપિન પરીખ )

તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ

તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?

જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો,

 .

તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ?

જો ના જોવા હોય તો તમે આંધળા છો,

 .

તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ?

જો ના કર્યો હોય તો તમે મૂંગા છો,

 .

મને ખરેખર અફસોસ છે કે

તમને બોલતાં, સાંભળતાં અને દેખતા કરવા માટે

 .

હું કવિતા લખ્યા સિવાય કશું જ કરી શકતો નથી.

 .

( ભાવેશ ભટ્ટ )