મારી પ્રકૃતિ છે – મેકટીલ્ડ

.

અને ઈશ્વરે આત્માને કહ્યું :

વિશ્વનો પ્રારંભ થયો એ પહેલાંથી

મેં તારી ઈચ્છા કરી હતી.

અત્યારે પણ તને ઈચ્છું છું

જેમ તું મને ઈચ્છે છે એમ

જ્યાં બે જણની ઝંખના એકાકાર થતી હોય

ત્યાં પ્રેમ પૂર્ણ થતો હોય છે.

.

.

પ્રભુ ! તમે મારા પ્રિયતમ

મારી ઝૂરણા

મારું વહેતું ઝરણ

મારો સૂર્ય

અને હું તમારું પ્રતિબિંબ

.

.

મારી પ્રકૃતિ છે

કે હું તને સતત ચાહું છું

કારણ કે હું સ્વયં પ્રેમ છું

ઝૂરાપા અને મારી પ્રતીક્ષાને કારણે

હું તને ચાહું છું આટાઆટલી તીવ્રતાથી

કારણ કે તું એને હૃદયથી ચાહે

એવું ઝંખું છું, ઝૂરું છું

આ મારી શાશ્વતી તને

પ્રલંબકાળ માટે ચાહવા પ્રેરે છે

કારણ કે તેનો અંત નથી

.

.

ઈશ્વર કઈ રીતે આત્મા પર અવતરે છે –

હું મારા ભક્ત પર અવતરું છું :

ફૂલ પર ઝાકળની જેમ

 .

( મેકટીલ્ડ, અનુ. સુરેશ દલાલ )

 .

(તેરમી સદીની કવયિત્રી )

કોઈક નાનકડા શહેરમાં – મરીના સ્વેતાચાવા

.

કોઈક નાનકડા શહેરમાં

મને તારી સાથે રહેવું ગમે,

અનંત સંધ્યાકાળ

અને અનંત ઘંટનાદ.

શહેરની નાની અમથી હોટેલ-

કોઈ પ્રાચીન ઘડિયાળમાંથી આવતો ઝીણો ધ્વનિ,

જાણે કે કાળનાં ઝીણાંઝીણાં બુંદ.

અને ક્યારેક સાંજના કોઈક ભંડારિયા ખંડમાંથી

વાંસળી,

બારી પાસે ઊભેલો બાંસુરીને બજાવનાર

બારીમાંથી દેખાતાં આંખ ભરાઈ જાય એવડાં મોટાં ફૂલો

અને પછી

તું મને પ્રેમ નહીં કરે તોપણ હું ચલાવી લઈશ.

.

(મરીના સ્વેતાચાવા, અનુ. રજની મહેતા )

 .

મૂળ કૃતિ : રશિયન

અહમના કેટલાયે ખૂણા – સુરેશ દલાલ

.

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

હજી ઘણીયે વાર

અભાનપણે

જાણે બીજાની જ વાતો કરતો હોઉં, એમ-

કોઈકની નિષ્ફળતાની આડે

મારી સફળતાની વાતો કરી લઉં છું.

કંઠમાં હાર ઝૂલતો હોય

તોય મને

એક પાંદડીની સ્પૃહા.

મારા ભર્યા ભર્યા ખંડ મને લાગી રહે ઊણા.

 .

હજી ઘણીયે વાર

મારા કાન

ઝાઝો સમય કોઈને હું દઈ નહીં શકું.

બીજાની પ્રશંસાને ઘણીયે વાર હું સહી નહીં શકું.

વૈશાખના આકાશ જેવું મારું આ હૃદય,

-હજી કોરું.

ભીંજવશે મને ક્યારે કોની કરુણા ?

 .

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

( સુરેશ દલાલ )

પ્રેમનું પાગલપન – હાડેવીજે

.

પ્રેમનું પાગલપન એ નસીબની વાત છે

આટલું સમજાય પછી : બધું બાકાત છે

 .

છિન્નવિછિન્નને એ કરે છે એક

કડવાશ તો થાય દ્રાક્ષ જેવી મીઠી :

આ છે સત્યમય લેખ

 

પારકાને એ તો કરે પોતીકાં

અધમને એ તો ઉન્નત કરે

પામરને એ તો પરમ કરે :

એવી એની લાખેણી લીલા

 .

( હાડેવીજે, અનુ. સુરેશ દલાલ )

 .

[તેરમી સદીની કવયિત્રી]

.

તો શું કરો – ક્રિષ્ના પંડ્યા

.

આંખ જો દદડી પડે તો શું કરો

શ્વાસ જો લથડી પડે તો શું કરો

 .

કેટલું ચાહો તમે તો મૌન રહેવા

હોઠ જો ફફડી પડે તો શું કરો

 .

હોય ચાહત ઘરમહીં એકાંતની

દ્વાર જો ખખડી પડે તો શું કરો

 .

કેટલી જહેમત પછી પહોંચો ઉપર

ટોચ જો ગબડી પડે તો શું કરો

 .

( ક્રિષ્ના પંડ્યા )

શબરી મીરાં થઈને આવી – સુરેશ દલાલ

.

શબરી મીરાં થઈને આવી !

ગયા જનમનાં બોરાંઓને

બાજુ પર મૂકી દઈને એ

મંજીરા લઈ આવી

 .

રામ-શ્યામ તો એક છે :

પણ જુદા છે અવતાર

શબરી-મીરાં અલગ નથી

ને રણઝણ એક જ તાર.

મોહનજીને મન તો મીરાં

અઢળક અઢળક ભાવી.

 .

શામળિયાનો શ્યામ રંગ

મીરાંનો કંબલ કાળો

દૂજો કોઈ ડાઘ નહીં.

મારો હરિવર રહ્યો હૂંફાળો.

શિવધનુષ તો થયું મુરલિયા :

ઘટઘટમાં એ સૂરને જોને

દઈ દીધાં છલકાવી.

 .

( સુરેશ દલાલ )

હરિને જડી – રમેશ પારેખ

.

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,

મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી !

 .

ચુમું મારા ભાયગને કે ચુમું હરિને, સૈ

ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,

 .

કેમ કરી ઓળંગું, પરબત શી અવઢવની ઘડી !

 .

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી

હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી !

 .

મુંને આબંવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…..

.

( રમેશ પારેખ )

 

અને… – વીરેન મહેતા

.

છે આંખમાં જેની ફક્ત ભૂતો, વિગત, પાછળ અને…

ચૂકી જશે દ્રશ્યો ઘણાં નીચે, ઉપર, આગળ અને…

 .

પરબીડિયામાં સાચવીને સૂર્ય મોકલ્યો હતો

આવ્યાં જવાબી પત્રમાં ધુમ્મસ, બરફ, ઝાકળ અને…

 .

ખરતું, વરસતું ને કદી સરસર સરે ભીતર કશું

જાણે ત્વચા હેઠળ હશે વૃક્ષો, પવન, વાદળ અને…

 .

ઊભો હતો ઉંબર ઉપર અજવાશ સાયંકાળ લગ

ખૂલ્યાં નહીં એકે ય બારી, બારણાં, સાંકળ અને…

.

છાતી સમાણાં જળ મહીં તેથી જ તો રસ્તો થયો

સ્પર્શ્યા બનીને અંગૂઠો શાહી, કલમ, કાગળ અને…

 .

( વીરેન મહેતા )

અગાસી – ગાયત્રી ભટ્ટ

.

ઘર ન જાણે એવું કંઈ કરતી અગાસી

ચાંદ પર ચોરી-છૂપી મરતી અગાસી !

 .

સાંજ થાતાં રોજ નીખરતી અગાસી

ને સૂરજના તેજથી ડરતી અગાસી !

 .

તારલાઓ રાતભર ગણતી અગાસી

ને સવારે ફૂલ-શી ખરતી અગાસી !

 .

દેખ કેવાં ફૂલ બેઠાં વેલ પર આ

દ્રશ્ય ભીનાં આંખમાં ભરતી અગાસી

 .

હોઠ પર જ્યારે ગઝલ હોઠો લખે છે

લાગતી ત્યારે તો મધઝરતી અગાસી

 .

એકલી છું હું અને આ ઓરડો છે

ઓરડામાં ડોકિયાં કરતી અગાસી!

 .

( ગાયત્રી ભટ્ટ )

તું પાનું ફેરવ – વીરેન મહેતા

..

કેટલી ઘૂંટ્યા કરી બારાખડી, તું પાનું ફેરવ

અક્ષરોને પણ હવે ખાલી ચડી, તું પાનું ફેરવ

 .

જો ઘણાં વિશ્વો ઊઘડશે મુખડાથી અંતરા લગ

કેમ નાહક એક ગણગણતો કડી, તું પાનું ફેરવ

 .

ના કશું એ છળ સિવા જે ગઈ અને જે આવનારી

આપણા તો હાથમાં બસ અબઘડી, તું પાનું ફેરવ

 .

ચાલ, ખોલી નાખ, દરવાજો હવે તો સાતમો પણ

છો ઊડે મસ્તક પછી કે પાઘડી, તું પાનું ફેરવ

 .

આ સફેદી તો નથી જાગીર કોઈની જ, દોસ્ત

શબ્દ સાથે એટલે એ બાખડી, તું પાનું ફેરવ

 .

( વીરેન મહેતા )