ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’

.

નહિ કાંઈ ચાલે ચલણને કહી દો,

ગમે તેવા જક્કી વલણને કહી દો.

 .

બહુ તેજ રફતાર છે જિંદગીની,

હવે પગ ઉપાડે ચરણને કહી દો.

 .

કવિતા ગમે ત્યારે પ્રગટી શકે છે,

ગુલાબી આ વાતાવરણને કહી દો.

 .

બહુ પારદર્શક છે દ્રષ્ટિ અમારી,

ભરખી જશે આવરણને કહી દો.

 .

વધી છે બહુ ભીડ વૃદ્ધાશ્રમોની,

ચિંતા કરે નહિ શ્રવણને કહી દો.

 .

તને ભૂલવાની કોશિશ કરું છું,

ટોળે વળે નહિ સ્મરણને કહી દો.

.

‘હમદમ’ એક મિસ કોલ મારીને આવે,

ઉતાવળ નથી કંઈ મરણને કહી દો.

 .

( તુરાબ ‘હમદમ’)

સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા

.

એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે,

છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે.

 .

કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે;

દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે.

 .

જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો;

એ માછલીનું મન તો જળને અતિક્રમે.

 .

જોકે સપાટી પર તું રમે છે રમત બધી;

પાસું તું ફેંકજે કે જે તળને અતિક્રમે.

 .

આ એ જ છે અશરફ જે કસબમાં ભળી ગયો;

નિષ્ફળ ગયો ને તોય સફળને અતિક્રમે.

.

( અશરફ ડબાવાલા )

વાજિંત્ર છે – એસ. એસ. રાહી

.

વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે,

આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે.

 .

શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે,

વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે.

 .

એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ,

તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે.

 .

પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી,

મારી ગઝલ એ પાંચ વખતની નમાજ છે.

 .

મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો,

તું પણ ખુદાની જેમ શું બંદાનવાજ છે.

 .

(એસ. એસ. રાહી )

ઝળહળ થઈએ – તુરાબ ‘હમદમ’

.

ઝાંખુ ઝાંખુ ઝળહળ થઈએ,

સાચી ખોટી અટકળ થઈએ.

.

ચોરી ચૂપકીથી પણ વાંચે,

કોઈ સુગંધી કાગળ થઈએ.

 .

સ્પર્શ કોઈનો દસ્તક દેશે,

દરવાજો યા સાંકળ થઈએ.

 .

મોતી સમજી દોડશે કોઈ,

ફૂલની ઉપર ઝાકળ થઈએ.

 .

છેક સમીપે પહોંચી શકીએ,

એમની આંખનું કાજળ થઈએ.

 .

યાદ કવિતા આવશે કોઈ,

શબ્દોરૂપે અંજળ થઈએ.

 .

અડધા અડધા થાય છે ‘હમદમ’,

બે જ ઘડી જો વિહવળ થઈએ.

 .

( તુરાબ ‘હમદમ’ )

એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ

.

કાન્તના પ્રેમની વિભાવના

કલાપીનો પ્રણય-ત્રિકોણ

રોમિયો અને જુલિયેટ

કે ઑથેલો અને ડેસ્ડેમોના

-આ બધાંના પ્રેમની

નિષ્ફળતાની વાત

જેમને કરવી હોય તે કર્યા કરે

પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં

એને કારણે નથી ઊડતાં

એવું ઓછું બને છે ?

 .

દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી

કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય

પણ આવું બધું સાંભળી

કોઈ પ્રેમ કરવાનું માંડી વાળતું નથી.

 .

છરી અને ઘાને

કાયમનો સંબંધ છે

એટલા માટે

કોઈએ મારે શરીર નથી જોઈતું

એવું કહ્યું નથી.

અને શરીરમાં તો હોય છે

ધબકતું હૃદય-

આ હૃદય

માત્ર આપણે માટે નહીં

બીજા કોઈને માટે ધબકતું હોય છે.

પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી

અને પ્રેમની બેચેનીની

તો કોઈ જુદી જ વાત છે.

 .

( સુરેશ દલાલ )

તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

.

સમી સાંજે, ઝૂકી આંખે, બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે,

સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે.

 .

અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે, ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,

મળીને જાતને સામે, જરા અમથું હસી લઈને, ખુદીને છેતરી જાવું… તને મોડેથી સમજાશે

 .

ઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,

પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે.

 .

લઈ તિરાડ ચહેરા પર, ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને,

સફેદી થઈ, અરીસે જઈ, ધરીને મૌન હોઠો પર, નજરથી કરગરી જાવું… તને મોડેથી સમજાશે.

 .

( જિગર જોષી ‘પ્રેમ’ )

ચાલ્યો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

.

કોઈ પોતામાં ઊતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થૈ ચાલ્યો,

કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થૈ ચાલ્યો.

 .

કોઈમાં શબ્દ બ્રહ્મ થૈ ખૂલ્યો, કોઈ શબ્દોની પાર થૈ ચાલ્યો,

સાવ ખાલી થઈ ગયો કોઈ, ને કોઈ બેસૂમાર થૈ ચાલ્યો.

 .

કોઈ આનંદમય થયો હરપળ ને કોઈ અશ્રુધાર થૈ ચાલ્યો,

કોઈ બેઠો બધુંય ભૂલીને, કોઈ સ્મરણોની હાર થૈ ચાલ્યો.

 .

આ પશુ, પંખી, માનવી, પુષ્પો કોઈને તીર્થ સમ બધું લાગ્યું,

કોઈ પોતે જ પરમ પાવનનું આગવું તીર્થદ્વાર થૈ ચાલ્યો.

.

કોઈ સાધુ ને કોઈ સંસારી ભક્ત કોઈ અને કોઈ યોગી,

એકના ભાગ બધાએ પાડ્યા, એય એકે હજાર થૈ ચાલ્યો.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

વાર લાગે છે – નીતિન વડગામા

.

અગમનો અર્થ સમજાતાં ઘણીયે વાર લાગે છે.

પરમનું પોત પરખાતાં ઘણીયે વાર લાગે છે.

 .

નરી આંખે બધાયે અક્ષરો ના ઊકલે બંધુ

વણલખી વાત વંચાતા ઘણીયે વાર લાગે છે.

 .

અચાનક આંગણામાં સાત રંગો સામટા આવે

છતાં નખશિખ રંગાતા ઘણીયે વાર લાગે છે.

 .

તિરાડો પાડશે તરત જ તમારાં વેણની ઠોકર,

પછી સંબંધ સંધાતાં ઘણીયે વાર લાગે છે.

.

ખબર છે જૂજવે રૂપે તત્વ તો એક છે તો પણ,

ધજાના ભેદ ભૂંસાતાં ઘણીયે વાર લાગે છે.

.

ઉતાવળ ના કરો ખોટી જરાયે દાદ દેવામાં

ગઝલનો તાગ લેવાતાં ઘણીયે વાર લાગે છે.

 .

( નીતિન વડગામા )

દિવસ ઉથલાવતાં – ડો. મનોજ એલ. જોશી ‘મન’

.

દિવસ ઉથલાવતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે,

ને રાતો વાંચતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

ઉપરથી લાગતું સ્હેલું ! ખરેખર ખૂબ અઘરું છે,

ભીતરથી જાગતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ

પ્રથમથી આપતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ

લગોલગ ચાલતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે !

નહીં તો જીવતા રહેવું ! ખરેખર ખૂબ અઘરું છે.

 .

( ડો. મનોજ એલ. જોશી ‘મન’ )