મૂળ સોતો – ખલીલ ધનતેજવી

.

મૂળ સોતો જે ઉખાડે છે મને,

એ નવેસરથી ઉગાડે છે મને.

 .

ઊંઘના ફૂર્ચા ઊડે છે રાતભર,

તું ખરા સ્વપ્ના અથાડે છે મને.

 .

ઓળખું છું ટેરવાના સ્પર્શને,

કેમ તું પીંછું અડાડે છે મને.

 .

એ પ્રથમ ઘાયલ કરે છે, એ પછી,

એ જ ખુદ મલ્લમ લગાડે છે મને.

 .

ક્યાંક અડક્યો’તો સુંવાળા હાથને,

એ પછી ફૂલો દઝાડે છે મને.

 .

કો’ ઉમેરે મારામાં મારાપણું,

કોઈ મારામાં ઘટાડે છે મને.

 .

એક બે ડગ ચાલવાનું મન નથી,

તોય ઈચ્છાઓ ભગાડે છે મને.

.

આમ પણ હું ભાનમાં ક્યાં છું તબીબ,

કેમ તું શીશી સુંઘાડે છે મને ?

 .

આ ઊથલપાથલ ખલીલ અંદરની છે,

કોક મારામાં પછાડે છે મને !

 .

( ખલીલ ધનતેજવી )

હું માંડ છૂટ્યો છું – આહમદ મકરાણી

.

રહેવા દે મને જંજાળથી હું માંડ છૂટ્યો છું;

ઘડીભર શૂન્ય થૈ વિચારથી હું માંડ છૂટ્યો છું.

.

મને જંગલ અને ઝાડી ભીતરથી સાદ પાડે છે;

મને જકડી જતા સંસારથી હું માંડ છૂટ્યો છું.

 .

થયું કે બુદ્ધની માફક સદા નિર્લેપ થૈ જાઉં,

હૃદય બાળી જતા અંગારથી હું માંડ છૂટ્યો છું.

 .

બનીને અજનબી દેશે મને વિહાર કરવા દો;

જગતના ખોખલા વહેવારથી હું માંડ છૂટ્યો છું.

 .

બધીયે કાળની ગણના બની બેકાર જીવનમાં,

અનોખા અંકના સુમારથી હું માંડ છૂટ્યો છું.

 .

( આહમદ મકરાણી )

તું માન કે ન માન – લાલજી કાનપરિયા

.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

હળવેથી હાથોની તાલી મારીને તું પૂછી લે વાત વણપૂછી.

જોને જરાક તારી ભીતરા ડોકાઈને ભીની આ આંખોને લૂછી.

 .

અંતરના ખૂણામાં ઊગેલું હોય તે આપણામાં અદકેરું હોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

થઈને ભીનાશ મારી રગરગમાં વ્યાપીને ટપકે છે ઝાકળની જેમ.

કોળેલી કૂંપળને જાળવીને જીવ જેમ પાણી સીંચે છે કોઈ એમ.

 .

મૂળ સોતા ઉખડેલાં વૃક્ષોનાં પર્ણોમાં લીલી લીલાશ મેં તો જોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

( લાલજી કાનપરિયા )

લઘુકાવ્યો

૧.

એકાદ મોતી બંધાશેની આશામાં

છીપ જેવી મારી આંખ

સપનાનાં લાખો બુંદ ઝીલે છે.

પણ સપનાં તો સરી જાય છે

પાન પરના ઝાકળની જેમ !

 .

( વજેસિંહ પારગી )

 .

૨.

ડાયવોર્સ

પેપર પર

સહી કરતા કરતા

ભૂંસાઈ ગયા

સપ્તપદીના સાતેય પગલાં !!!

.

( દિનેશ કાનાણી )

 .

૩.

ખરે  બપોરે

ગાડી ખેંચી રહેલા

ભૂખ્યા ઊંટની

હોજરીમાં હાંફે છે

ધોમધખતું રણ

 .

( પુષ્કરરાય જોષી )

 .

૪.

સંબંધ તો

સાપની જેમ સરકી ગયો

ને જીવ હજી

સ્મરણોની કાંચળી આગળ

મહુવર વગાડ્યા કરે છે.

 .

( વજેસિંહ પારગી )

 .

૫.

નિષ્ઠા

.

અત્તરના રવાડે ચડેલી

સુગંધ

ફૂલોથી અલગ

રહી શકે છે;

પણ

ફૂલો કદી સુગંધથી

અલગ નથી રહેતાં.

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

 .

૬.

રેત ભેગી જ્યાં કરું, જળ નીકળે,

એ રીતે રણ આખામાં છળ નીકળે,

અંત માટે કહો હવે શું જોઈએ;

શબ્દ ખોલું ને હળાહળ નીકળે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

 .

૭.

મોંઘવારી

 .

હે કૃષ્ણ !

મારે તને મળવું છે,

પણ…

મારી પાસે

ચપટી

તાંદુલ નથી.

 .

(રામુ પટેલ ડરણકર )

 .

૮.

મૃત્યુ

 .

બગીચામાં

પ્રવેશનારના હાથમાં

ખાલી છાબ જોઈને

ફૂલો ફફડી ઊઠ્યાં-

અરે ! આપણામાંનું કોઈ

મૃત્યુ નથી પામ્યું;

છતાં કોણે મોકલી

આ શબ-વાહિની ?

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?-આફ્ટરશોક – હરેશ ધોળકિયા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કચ્છમાં ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ જનજીવન વેરવિખેર થઈ ગયું. પણ બહુ ઓછા સમયમાં કચ્છ ફરી ઊભું થઈ ગયું. ભૂકંપની ટૂંકા ગાળાની જે અસરો થઈ તે ટૂંકા ગાળામાં લગભગ હલ પણ થઈ. પણ ભૂકંપની લાંબા ગાળની જે અસરો થઈ હશે તેની અસર કદાચ ૨૦-૨૫ કે એથી વધારે વર્ષો પછી જ ખબર પડશે.

 .

ભૂકંપ થયા પછીના સમયમાં નજીકની વ્યક્તિ સાથે એક એવી ઘટના બની કે ત્યારે મને લાગ્યું કે ભૂકંપ કરતાં પણ હૃદયકંપ વધારે વિનાશક અને ખતરનાક છે.

 .

આવા અનેક જાતના ભૂકંપો વ્યક્તિના જીવનમાં પણ આવતા રહે છે. અને તે પછી તેના આફટરશોક પણ.

 .

આવા જ એક આફટરશોકની વાત લઈને શ્રી હરેશભાઈએ આ નવલકથા લખી છે. આ અગાઉ તેમણે “ખંડિત અખંડ”, “અંગદનો પગ” અને “બિન્દાસ” નવલકથા લખી છે. હરેશભાઈની શૈલી સરળ છે. પહેલેથી છેલ્લે સુધી વાચકને જકડી રાખવાની જવાબદારી તેમણે સુપેરે નિભાવી છે.

 .

આફ્ટરશોક – હરેશ ધોળકિયા

પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

પૃષ્ઠ: ૧૬૦

કિંમત: રૂ. ૧૨૫.૦૦

પૂછશો ના શી રીતે – ખલીલ ધનતેજવી

.

પૂછશો ના શી રીતે જીવાય છે.

શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.

 .

તે છતાં પીંછાં સલામત છે હજી,

રોજ આ કાયા સતત પીંખાય છે.

 .

જે તમે લખતા નહોતા પત્રમાં,

એ તમારી આંખમાં વંચાય છે !

 .

હું હવે મોટા ગજાનો થઈ ગયો છું,

પીઠ પાછળ મારી વાતો થાય છે.

 .

આ બધી તારીફ રહેવા દે હવે,

અમને શબ્દોની રમત સમજાય છે.

 .

એ ભલે સંતાઈને આવે અહીં,

છેક ફળિયામાં સુગંધ ફેલાય છે.

 .

બસ ખલીલ આ અશ્રુ લૂછી લો હવે,

ત્યાં કોઈની ઓઢણી ભીંજાય છે.

 .

( ખલીલ ધનતેજવી )

લાવારસ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

.

જુઓ, ભાઈ !

સાવ એવું નથી કે

આપણને મહાન બનવાનું ન ગમે;

આપણને ય ગમે !

પણ-

આપણી ઝંખનાઓને

લિમિટમાં રાખવી સારી !

ધારો કે

બોર્ડની પરીક્ષાનો પહેલો જ દિવસ હોય

અને-

પિતાના આકસ્મિક મૃત્યુના ખબર આવે….

માથે આભ તૂટી પડ્યું હોય…

ને પગતળેથી ધરતી સરકી ગઈ હોય…

જીવનની અસલ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો હોય..

ત્યારે આખું વરસ બગડવાની બીકે

ભારે હૈયે, ધ્રુજતા હાથે, અસંતુલિત મન સાથે

પરીક્ષા આપતા રહેવાનું

આપણું તો ગજું નહીં ભાઈ !

 .

માની લો કે

કોર્ટમાં જબરદસ્ત મુકદ્દમો ચાલતો હોય,

ધારદાર દલીલો ચાલતી હોય,

હાર-જીતમાં મન અટવાયેલું હોય

અને-

માતાની અંતિમ વિદાયનો તાર હાથમાં આવે

તો તે તાર વાંચીને કશું જ બન્યું ન હોય તેમ

ઠંડા કલેજે તારને ખિસ્સામાં સરકાવીને

કેસ લડવાનું ચાલું રાખવાનું,

દલીલો પર દલીલો વરસાવીને અસીલને જીતાડવાનું

આપણું તો ગજું નહીં, ભાઈ !

કદાચ-

આવી આવી વ્યવહારુ તાકાત દેખાડીને

મહાન બનાતું ય હશે;

કો’કને પ્રેરણા ય મળતી હશે…

પણ-

આપણી ભીતર ધરબી દીધેલા

લાગણીના લાવારસનું શું ? !

એટલે જ કહું છું, મારા ભાઈ !

આપણી ઝંખનાઓને

લિમિટમાં રાખવી સારી !!

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

ભમરાઓએ – સુરેશ દલાલ

.

ભમરાઓએ ફૂલો પાસે જવાનું

માંડી વાળ્યું છે.

રેશમી ડંખ એમના ગુંજારવને

ઘેરી વળે છે.

રૂંધાઈ જાય છે એમનો કંઠ

ફૂલોની પાંખડીઓ એમની એમ રહે છે

અને ભમરાઓ પળવારમાં ખરી પડે છે.

પ્રેમનો જો આવો જ નતીજો હોય

તો ફૂલને બદલે

કાંટાથી વીંધાઈ મરવું વધારે સારું.

ફૂલો પાસે જતી વખતે અપેક્ષા હોય છે,

કાંટાઓ કોઈ અપેક્ષા

ઊભી કરતા નથી.

કાંટાઓ વધારે ખાનદાન છે.

ફૂલો તો એમની

બેવફાઈ માટે જાણીતાં.

 .

( સુરેશ દલાલ )

કોઈ કોઈવાર – લાલજી કાનપરિયા

.

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈ વાર

મારાં સ્મરણોમાં આવી તું પજવે ધરાર !

 .

સરનામું તારું ખોવાઈ ગયું તો કેમ કરી લખવો કાગળ !

સંદેશોય મોકલું કોની સંગાથ ? મારા આભલામાં એક્કે ના વાદળ !

 .

કોઈ કોઈવાર હજી કોઈ કોઈવાર

મારી આંખોથી વરસે છે આંસુની ધાર !

.

કોણ જાણે ક્યાં આથમી ગયા મારા ઝગમગતા સોનેરી દિવસ ?

રુદિયાની દાબડીમાં સાચવીને મૂકેલી લૂંટાઈ ગૈ કીમતી જણસ !

 .

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈવાર

મારા શમણાંમાં આવી તું મારે લટાર !

 .

( લાલજી કાનપરિયા )

કહાન હવે – વિનોદ ગાંધી

.

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

ગોકુળ છોડીને કહાન નીકળી તો ‘ગ્યા’તા

કે આવીશ હું એકવાર પાછો

વિરહિણી ગોપીઓ, તો વૈકુંઠ વહી ગઈ

હવે ગોકુળથી કાંઈ નથી નાતો,

ગોકુળમાં નંદજીનું સૂનું છે ઘર અને એકલું કદંબ થથરે છે,

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

સાચાજૂઠનું એવું પારખું થયું કે હવે

વાંસળીથી નીકળે ના સૂર,

આજે તો અણજાણ્યા કહાનજીને જોઈને

ભાગે છે ગાય ઘણી દૂર,

હુંફાળું દૂધ અને ટાઢુંટમ દહીં હવે કાનજીની જીભે ચચરે છે !

 .

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

 .

( વિનોદ ગાંધી )