ચાર લઘુકાવ્યો

(૧)

એણે જ્યારે જાણ્યું કે માણસ પાસે

સિંહ વાઘ દીપડા ચિત્તા અજગરની તાકાત નથી

નથી બિલ્લી ઘુવડ વરુ ઝરખની ચાલ છાનીછપની

એરુ ને કાનખજૂરા વીંછી મધમાખીના ડંખ પણ નથી

ત્યારે એને થયું

માણસ પાસે આ નથી ને તે નથી-ની

વાત જો હોય સાચી

તો એ કેવી સારી વાત છે

બસ, ‘માણસ’ હોવું એ જ મોટી વાત છે.

 

( જયા મહેતા )

 .

(૨)

બધી જ લાગણીઓ

અને સંબંધો

જ્યાં અટકી જાય છે

તેને હું પ્રેમ કહું છું.

 .

( પ્રદીપ પંડ્યા )

 .

(૩)

નિદ્રાના લીલાછમ્મ બગીચામાંથી

હું અનિદ્રાના કાળાઘોર જંગલમાં

ભમ્યા કરું છું

એક માત્ર મારા

ખોવાઈ ગયેલા પંખીની તલાશમાં.

 .

( સુરેશ દલાલ )

 .

(૪)

આ…. આખો દિવસ,

તડકામાં બેસી રહેતા રસ્તા,

દાઝતા નહિ હોય ?

અને જ્યારે

એના પરથી બસ પસાર થાય ત્યારે,

બસના ભારથી એને પીડા થતી હશે કે પછી

બે ક્ષણ છાંયો મળ્યાનો સંતોષ ?

 .

( ગાયત્રી )

દીવો છે – નીલેશ પટેલ

.

કઠેરા પર આ માટીના કુંડામાં પણ બગીચો છે,

સવારે જોઉં છું ઝાકળનો પર્ણો પર પસીનો છે.

 .

તમારા ઘરમાં અજવાળું વધારે હોય તો શું છે ?

બધાના ઘરમાં ફાનસ ને ખૂણામાં એક દીવો છે.

હવે વરસાદ રોકાઈ ગયો ને નીકળ્યો તડકો,

મને સમજાવ આવીને હજી તું કેમ ભીનો છે ?

 .

સૂરજ આકાશે ને છાંયો ધરા પર સ્થાન બદલે છે,

અમારો સાથ દુ:ખમાં છોડી દે એવા ય મિત્રો છે.

 .

હવે પરિવાર પર આ ધારાધોરણ તારા છોડી દે,

હજી ઘરમાં ઉંમરમાં તારાથી મોટા વડીલો છે.

 .

જો ઘરની હોય કંઈ તકરાર તો આપસમાં સમજીએ,

અહીં રસ્તે ને મહોલ્લે અંદરોઅંદર કજિયો છે.

 .

બધાએ પુસ્તકો વાંચીને તારણ સાચ્ચું કાઢ્યું છે,

ખરેખર એક સર્જક તો આ દુનિયાનો અરીસો છે.

 .

( નીલેશ પટેલ )

આશા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

મારી મમ્મી

ગઈ કાલે એક માટલું લાવી;

ટકોરા મારીને તપાસ્યું.

 .

આજે તે

શ્રીફળ લાવી;

ટકોરા મારીને તપાસ્યું.

 .

આવતી કાલે-

તે મારા માટે

છોકરો જોવા જવાની છે….

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

સરી જાય રેતી – પ્રફુલ્લ નાણાવટી

.

અમારી કથા તો નદી જેમ વહેતી,

સતત બે કિનારાની વચ્ચે જ રહેતી.

 .

સમય જો કે સંકેત આપી ગયો’તો

નથી તોયે રાખી અમે સાવચેતી.

.

ઘડી બે ઘડીની આ તો રમત છે,

પછી હાથમાંથી સરી જાય રેતી.

 .

અમારી કરણી ને કથની છે એક જ,

જમાનો શું કરશે અમારી ફજેતી ?

 .

પ્રથમ રાજ રસ્તા યે ઝૂકતા સલામે,

હવે તો ગલી પણ નથી નોંધ લેતી.

 .

( પ્રફુલ્લ નાણાવટી )

ચાર ચાર ચાવીનું ઝૂમખું – ગાયત્રી ભટ્ટ

.

મારા ઝૂડામાં ચાર ચાર ચાવીનું ઝૂમખું

ને ઝૂમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ

 .

પહેલી તે ચાવીથી પાણિયારું ખૂલે ને ખૂલે કંઈ પાંપણનો ભાર

માટલાને વીંછળતી હું રે વીંછળાઈ જાઉં; ધોઉં જ્યાં નિજનો આકાર

નિજને ફંફોસતી હું રે ભીંજાઈ જાઉં-

ને કમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ

 .

બીજી તે ચાવીથી દેવળિયું ખૂલે; ને ખૂલે આતમના આધાર

દીવડો પેટાવીને જાતને સમેટું ત્યાં અંધારા ભાગે ઓ પાર

ભીતરના તારને છેડવાને બેસું-

ને મનખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ

 .

ત્રીજી તે ચાવીથી પરસાળિયું ખૂલે ને ખૂલે કંઈ અણકથી વાતો

ચાકડે ચઢેલ મૂઈ અમથી આ જાતમાંથી ફૂટે કંઈ અવનવી ભાતો

વાતે વાતે તે કંઈ વણી લઉં વારતા-

ને આયખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ

 .

ચોથી તે ચાવીથી મેડિયું રે ખૂલે ને ખૂલે કંઈ અણદીઠા દેશ

છાનીછમ્મ વેલ મારી પાંગરતી વેરાતી સૂંઘી લ્યે પાછલી રવેશ

સામટા કંઈ મોરલીયા નાચી રે ઊઠે-

ને ઝરુખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ

 .

( ગાયત્રી ભટ્ટ )

નાનીલુ (તેલુગુકાવ્યો)- એન. ગોપી

કેવો તપારો અનુભવાય છે

આ પૃષ્ઠો પર

શું શબ્દોને પણ

આવ્યો હશે તાવ ?

*

સપનાંઓનો

ક્યારેય અંત આવે છે ખરો ?

માત્ર થોડીવાર માટે

રહે છે મોકૂફ.

*

એક જ હાથ ચલાવી શકે

તલવાર અને હલ્લેસું બંને

પસંદગી તમારે કરવાની.

*

બહાર નીકળતાં વ્હેંત જ

વરસાદે પીછો કર્યો

ભાગ્યો

તો સામે વાવાઝોડું !

*

કાવ્યો રહે છે તમારાં

લખાયા સુધી

પછી તો એ

સમયને સોંપેલ વસિયતનામું.

 .

( એન. ગોપી, અનુ. ઉર્વીશ વસાવડા )

માણસ : એક મહાશાળા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

આકાશને કહો

થોડું સંકુચિત બને,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

પવનને કહો

થોડો પક્ષપાત રાખે,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

પંખીને કહો

ચણતાં પહેલાં દાણા ચાખે,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’

.

હું

એટલે

અધૂરા પત્રો

ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઈ ક્ષણની શાહી

અગણિત રાતોના મીઠા-કડવા ઉજાગરાઓ

અધૂરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે

અડધોઅડધ સળગાવી દીધેલી ડાયરી

ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ

ટેબલ પર જ્યાં ત્યાં વીખરાઈ પડેલા શબ્દો

પીળાશથી ઘેરાયેલો પહાડ

ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ…

અરધી રાતે આંખ વચાળે ફફડી ઊઠેલાં સપનાંઓની ચીસ

બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મૂરઝાઈ ગયેલું લોહી રંગનું ફૂલ

અને

તું

એટલે

આ બધાયનું મૂળ !

‘શ્રદ્ધા…’

 .

( જિગર જોષી ‘પ્રેમ’ )

 

આજે ફરી – પન્ના નાયક

.

આજે ફરી ખુશ છું

કેટલે વર્ષે

મારી જાળીવાળી બારી પર

દૂધધોયો શરદનો ચાંદ ટંકાયો છે.

આમ તો

જ્યારે નજર થતી

ત્યારે

હાથમાં આવતું

કાળુંધબ્બ અંધારું

અથવા

અથડાતો

કોઈ તોફાની ચહેરો

ક્યારેક દેખાતી

બારી નીચે બેઠેલી

ભૂખી બપોર

તડકા નીચે પોતાને સંતાડતી.

કોઈ કોઈ વાત તો

શૂન્યનાં મીંડાઓ

અનેક પ્રશ્નાર્થને ગળી જતાં !

પણ

આજે તો

મઘમઘતી હવા

ચાંદનીનાં વસ્ત્રો પહેરી

લ્હાણી કરે છે

વીસરાયેલાં ગીતોની.

થાય છે-

આજની રાતને

મારા કાવ્યસંગ્રહના

ઉઘડતે પાને મૂકી દઉં !

 .

( પન્ના નાયક )

લે વાત કર – હનીફ સાહિલ

ખૂબ ચર્ચાયો હતો, લે વાત કર

એક પડછાયો હતો, લે વાત કર

.

બહાર-ભીતર સૌ દિશામાં વિસ્તરી

હું સમેટાયો હતો, લે વાત કર

.

અપરિચિત એ જ લાગે છે હવે

ખૂબ સમઝાયો હતો, લે વાત કર

.

જલપરીની આંખના ઊંડાણમાં

સૂર્ય સંતાયો હતો, લે વાત કર

 .

પાંગરે છે એ ગઝલ થઈને હવે

શબ્દ ધરબાયો હતો, લે વાત કર

 .

( હનીફ સાહિલ )