કાં પૂરો વિસ્તાર કરવો – રિષભ મહેતા

કાં પૂરો વિસ્તાર કરવો; કાં સમેટાઈ જવું

કાં રહો અકબંધ કાં કણકણમાં વેરાઈ જવું

 .

સૌ હયાતીના પુરાવા માગશે તારી કને

ક્યાંક તારે પણ પ્રભુ; ક્યારેક દેખાઈ જવું !

 ,

હે ગઝલ ! તું સ્હેજ  પણ દુર્બોધ ના બનતી કદી

આપણે જાતે તરત શ્રોતાને સમજાઈ જવું.

 ,

એ જ તો મારા ચહેરાની ખૂબી છે દોસ્તો

સ્હેજમાં કોઈ અભણ-જણનેય વંચાઈ જવું !

 ,

આ સમય પણ સ્તબ્ધ છે; એનેય સમજાતું નથી

દોસ્ત ! એકાએક તારું આમ બદલાઈ જવું !

 ,

ફૂલ હું ને તું મહેક મારી હતી; ઊડી ગઈ-

એમ પણ ક્યારે તને ગમતું’તું બંધાઈ જવું !

 ,

શક્યછે કે ખૂબ હું તેથી વગોવાઈ ગયો

જે ઉચિત માન્યું હતું બધ્ધામાં વહેંચાઈ જવું…!

 ,

( રિષભ મહેતા )

વર્ષો થયાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બે કદમ છેટું હતું પણ ત્યાં જતાં વર્ષો થયાં,

મનથી, શ્રદ્ધાથી ખરેખર ઝૂકતાં વર્ષો થયાં.

 .

મ્હેં મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો,

કોચલું તોડી લીલુંછમ ઊગતાં વર્ષો થયાં.

 .

બાપદાદાના સમયની એક જે મૂર્તિ હતી,

ધૂળ એની પાંપણોથી લૂછતાં વર્ષો થયાં.

 .

માણસો સીધા-સરળ મળતા હતા પણ તે છતાં,

આંખ મીંચીને ભરોસો મૂકતાં વર્ષો થયાં.

 .

બંધ રહેવાની મથામણમાં દુ:ખી-દંભી થયા,

ખૂલવું સ્હેલું હતું પણ ખૂલતાં વર્ષો થયાં.

 .

રાખવા જેવું હતું જે યાદ ન આવે કશું,

ને દુ:ખદ સઘળા પ્રસંગો ભૂલતાં વર્ષો થયાં.

 .

એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કીન ખરું,

છોડવું કોને હતું ? તે છૂટતાં વર્ષો થયાં.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

આબરૂ લઈ લીધી – અનિલ ચાવડા

.

તાળીઓની ગુંજની કે દાદની આબરૂ લઈ લીધી,

સ્ટેજ પર મૌન રહી, સંવાદની આબરૂ લઈ લીધી.

 .

પથ્થરો તો ઠીક છે લોઢુંય કૂંપળ થાય એ પળમાં,

તેં નહીં ભીંજાઈને વરસાદની આબરૂ લઈ લીધી.

 .

સ્તંભને અડવામાં જો દાઝી ગયો તો દોષ એ કોનો ?

કશ્યપે કે ઈશ્વરે પ્રહલાદની આબરૂ લઈ લીધી ?

 .

આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,

જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.

 .

આ તમારું મૌન મારા મૌનમાં અક્ષરશ: ઓગાળી,

શબ્દના સૌ છીછરા અનુવાદની આબરૂ લઈ લીધી.

 .

( અનિલ ચાવડા )

કેન્વાસ – હેમેન શાહ

કેન્વાસ પર એક ઊભી રેખા દોરી હતી.

બાકી અવકાશ

સામે ઊભેલી વ્યક્તિ કહે,

આ તો ગાંધીજી !

આ ગાંધીજીની લાકડી

અને ગાંધીજી પડદા પાછળ.

પણ લાકડી તો બીજા પણ રાખે કદાચ.

તો એ રેખાને ચશ્માંની દાંડી તરીકે

પણ તો જોઈ શકાય.

 .

બીજો માણસ કહે,

આમાં તો પૃથ્વીનો આખો ઈતિહાસ આવી જાય.

પણ સીધી રેખા પૃથ્વી કેવી રીતે બને ?

કેમ ? રેખાને વાળો અને બે છેડા ભેગા કરો

તો પૃથ્વી ના બને ?

પછી તો પૈડું પણ આ જ

અને શૂન્ય પણ આ જ.

ઓહો ! આમાં તો

evolutionની નિર્થકતાનો પણ ભાવ છે.

 .

ત્રીજો કહે,

આ સીધી રેખામાં તો આખું કલા-જગત છે,

કલમ પણ આ જ, પીંછી પણ ને ટાંકણું પણ.

રેખાને તમે વચ્ચે વચ્ચેથી જાડી કરો

તો નૃત્ય કરવા તત્પર સ્ત્રી પણ બને.

અને ખૂબી જુઓ કે

આ એ કલમ છે જેમાંથી શબ્દ ટપક્યો નથી.

એ પીંછી જેમાંની ચિત્ર થયું નથી.

ટાંકણું પથ્થરની રાહ જુએ છે.

અને નૃત્ય પણ થવાનું બાકી છે.

 .

ચોથો કહે,

આ રેખાથી એક સીમા બંધાઈ જાય છે.

રેખા હટાવીને માત્ર કેન્વાસને જુઓ.

કેટલા અનંત વિકલ્પો છે.

 .

( હેમેન શાહ )

છીપ ખોલીને જોઉં… – યોગેશ જોષી

.

સ્વાતિ નક્ષત્રની એ વરસાદી સાંજ

ફરી પાછી

આ ચોમાસે

પંખી માળામાં પાછું ફરે તેમ

ઊડતી ઊડતી ઊડતી

આવી ચડી

મારી ભીતર…

કશાય કારણ વિના જ

કોઈ જન્મની ઉદાસી

ઘેરાવા લાગી ઘનઘોર

મારી ભીતર…

કોઈ વિરાટકાય પંખી

ઈંડું સેવે તેમ

મારી ભીતર

એ વરસાદી સાંજ

સેવવા લાગી કશુંક!!!

મરજીવાની જેમ

હું

ડૂબકી મારું છું

મારી ભીતર…

દરિયો આખો ડહોળું

હાંફું

ગૂંગળાઉં…

શ્વાસ લેવા આવું જરી બહાર

ફરી

ડૂબકી…

…છેવટે

હાથમાં આવે છે

એક છીપ…

છીપ

ખોલીને જોઉં છું

તો અંદર

મોતીના બદલે

દરિયો!!!

 .

( યોગેશ જોષી )

માણસ – ભગવતીકુમાર શર્મા

બાણ વગરની શૈયા પર પોઢેલો માણસ;

ભીતરના જખ્મોથી રક્તનીંગળતો માણસ.

.

યુધિષ્ઠિર તો એને શાના મળવા આવે ?

પણ ઈશ્વરનું નામ સતત ઉચ્ચરતો માણસ.

 .

ભીષ્મપ્રતિજ્ઞા એણે તો ક્યારેય ન લીધી;

તોય અડગ નિર્ધારનું પાલન કરતો માણસ.

 .

દ્યુતસભામાં પાંડવ કેવળ પાંચ નહોતા;

ચીર દ્રૌપદીનાં આંખે બાંધેલો માણસ.

 .

વિષાદ પર અર્જુનનો એકાધિકાર નહોતો;

કૃષ્ણ-પ્રતીક્ષાના રણમાં ડૂબેલો માણસ.

 .

( ભગવતીકુમાર શર્મા )

રમત – ( સિતાંશુ યશશ્ચંદ્ર )

.

હવે તમતમારે રમો નિરાંતે ફીલ્ડમાં,

હું તો જરાક બેઠો છું,

બાઉન્ડરી લાઈનની બહાર,

બેન્ચ ઉપર.

ના, ના, તમારી સાથે જ છું: પણ હવે જરા ત્યાં.

આટલો બધો ટાઈમ ગ્રાઉન્ડમાં રમ્યો છું

એટલે રમતની જે મઝા છે એ તો જાણું જ ને, પૂરેપૂરી ?

તમે દિલથી રમો, દિમાગ લગાવીને, કૌવત કસીને દેહનું.

તમારી એકેએક ખૂબીને જોનારો બેઠો છે

બાઉન્ડરી લાઈનની સહેજ જ બહાર, એની ગેરેન્ટી.

એકેએક ખૂબી તમારી જાણે છે, તમારી ચપળતા

અને ચાલાકી અને અજોડ આવડત માણે છે ને બિરદાવે છે,

બહારથી,

એ ખ્યાલે મેદાનમાં તમનેયે મઝા આવશે થોડીક વધારે.

ને ભૂલો.

મેંયે એટએટલી ભૂલો કરી છે,

રમતમાં ને રમતમાં,

કે તમે એવી ચિંતા કરતા નહીં.

તમારાથી જો થઈ જાય કોઈ ભૂલ, રમતમાં,

તો થાય.

મારાથીયે થઈ’તી,

વાંધો નહીં.

ને હું ક્યાં અમ્પાયર છું, કે સ્કોરર ?

આ તો જરા બેઠો છું, બે ઘડી નિરાંતે.

રમો તમતમારે નિરાંતે, મન મૂકીને,

કોઈ બીજું છે જ નહીં, રમત સિવાય, એમ;

જાણે સ્ટેડિયમ ખીચોખીચ છે, ચારે તરફ, એમ.

ખાલીપા અને ખીચોખીચ વચ્ચેની ખડીની લાઈનને

લગભગ અડીને

હાલ તો હું બેઠો છું બે ઘડી.

જોઉં છું મોજથી, જરાક બાઉન્ડરી બહારથી,

જાણે તમારી સાથે જ છું.

 .

( સિતાંશુ યશશ્ચંદ્ર )

સમય-ગાથા – સુધીર પટેલ

.

કશું ના હતું એ સમયમાંય સરતો સમય,

ને બ્રહ્માંડમાં રોમેરોમે ફરકતો સમય !

 .

કદી પદ્મ સરખો પમરતો સમય !

વખત પર કળિકાળ રૂપે વીફરતો સમય !

 .

પહેરીને પીળાશ ધીરેથી ખરતો સમય !

કદી રૂપ કૂંપળનું લૈ પાછો ફરતો સમય !

 .

અગોચર ફરે જ્ઞાન ત્રિકાળનું લૈ ભીતર,

પૂછે કોઈ, ઉત્તર બધા લૈ ઊભરતો સમય !

 .

કદી થૈને વામન, સહજ બાથમાં લ્યે ત્રિલોક;

કદી ખુદના વિરાટની ઝાંખી કરતો સમય !

 .

સમય કોને કે સાંભળે આ સમયને ‘સુધીર?’,

તો કોલાહલોની વચ્ચે મૌન ધરતો સમય !

 .

( સુધીર પટેલ )

…પણ ખરો – સુરેન્દ્ર કડિયા

ઝરણું કદી, કદી હું નદી હોઉં પણ ખરો

તાજા-કલમ લખું ને પછી રોઉં પણ ખરો

 .

કોઈ કહો મને કે લઘુથીય લઘુ શું ?

કીડીની પાદુકા મળે તો ધોઉં પણ ખરો

 .

મણકાની જેમ હું વીખેરી દઉં મને પ્રથમ

ભેગો કરી-કરીને પછી પ્રોઉં પણ ખરો

 .

મુઠ્ઠીમાં ઉછેરું છું નભોમય નિબિડતા

તારકનું તેજ ટીપે-ટીપે ટોઉં પણ ખરો

 .

સંતોએ ગોઠવી છે રમત, બસ રમ્યા કરું

ખુદને જડું જરીક, જરી ખોઉં પણ ખરો

 .

( સુરેન્દ્ર કડિયા )

કહો કે એકડો ઘૂંટું ! – ભાનુપ્રસાદ પંડ્યા

.

ગણિતમાં સાવ છું કાચો – કહો કે એકડો ઘૂંટું !

પડું વે’વારમાં પાછો – કહો કે એકડો ઘૂંટું !

 .

જનો કાબિલ છે ભાગાકારમાં-શીખું ગુણાકારો,

પડે ખોટા ગુણાકારો – કહો કે એકડો ઘૂંટું !

 .

પઢાવે બાદબાકીના વડીલો દાખલા અઘરા,

મથું કરવા હું સરવાળો – કહો કે એકડો ઘૂંટું !

 .

ભણાવો દોસ્તીના પાઠો ગુરો ! દ્રષ્ટાંત આપીને,

ન જાણું પ્રેમનો પાડો – કહો કે એકડો ઘૂંટું !

 .

તમે તો લાલ પીળો, વાદળી, મૂળ રંગ સમજાવ્યા,

જવા ભૂલી હવે કાળો – કહો કે એકડો ઘૂંટું !

 .

હિસાબો પાપપુણ્યોના સમજવાની કરું કોશિશ,

રહ્યો વીતી આ જન્મારો – કહો કે એકડો ઘૂંટું !

 .

કિતાબો ન્હોય – દીવાલો, કસોટી ન્હોય-ઘૂંટવાનું,

ન મળતાં એવી શાળાઓ – કહો કે એકડો ઘૂંટું !

 .

( ભાનુપ્રસાદ પંડ્યા )