એ પછી હું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

બધા જ રસ્તા પૂરા થાય એ પછી હું છું,

કશું જ ક્યાંય ના દેખાય એ પછી હું છું.

.

બધા જ ગ્રંથ અને સમજણો અધૂરા છે,

જરાક આટલું સમજાય એ પછી હું છું.

 .

બધા જ અક્ષરો… ઉચ્ચાર – અર્થમાં સરખા,

બધું જ મૌનમાં બોલાય એ પછી હું છું.

 .

નજરમાં જાય સમેટાઈ બધું ઈચ્છા થઈ,

નજરમાં કૈં જ ના સમાય એ પછી હું છું.

 .

બધી જ સીમા બધા અંત તો ઈશારા છે,

લખાણ બ્હારનું વંચાય એ પછી હું છું.

 .

બધું જ જોઈ શકે તું થતું અહીં મિસ્કીન,

અને અજાણ્યો બની જાય એ પછી હું છું.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રેમ,

ગમા-અણગમા પે’લે પારના

સહ અસ્તિત્વનું અખંડ

વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન

વિચાર શૂન્યતાનો પડઘો

એ જ પ્રેમ !

સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું

રસાયણ એ જ પ્રેમ

સત્ય ખોજની શરૂઆત અને

અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ

રાધાતત્વ એ જ પ્રેમ.

 .

તું ગંધ-સુગંધ, નાસિકા અમે !

 .

(૨)

નમ્રતા,

અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર

શા પટે વિસ્તાર એ જ નમ્રતા

સ્વીકારના ચરમશિખરે,

સ્વ-લોપનો સૂવર્ણ કળશ

એ જ નમ્રતા !

પરમતત્વની સાવ લગોલગ પહોંચી,

તેને પામી ગયાની

પરખનું નામ નમ્રતા.

કીડીનાપગની ઝાંઝર થઈ,

એકત્વના ગીતનું ગુંજન

એ જ ‘કબીરાઈ’,

નમ્રતાનું અનંત પોત !

 .

તું મલમલ, માદરપાટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

કૈંક જાણે કે – રાકેશ હાંસલિયા

કૈંક જાણે કે થવામાં છે,

આજ મૂંઝારો હવામાં છે.

 .

કેમ લંબાશે મદદ માટે ?

હાથ પંડિતોના પૂજામાં છે !

 .

સાંભળે છે વાત બસ દિલની,

કોઈના ક્યાં એ કહ્યામાં છે !

 .

ઊંચકાવે તું જ ગોવર્ધન,

જોર ક્યાં મારી ભુજામાં છે !

 .

શૂન્યથી મનને ભરી દેતું,

કૈંક એવું આ જગામાં છે !

 .

મૌન બેઠાં છે બધાં શાથી ?

ખોફ કોનો આ સભામાં છે ?

.

પ્રાર્થના ? ‘રાજેશ’ના હોઠે !

આજ નક્કી એ નશામાં છે !

 .

( રાકેશ હાંસલિયા )

બારી – હર્ષ બ્રહ્મભટ્ટ

બારી ખોલી

સસલાની જેમ તરત

અંદર આવ્યો તડકો;

પછી

સન્નાટો લઈને આવી બપોર;

પછી આવી સૂમસામ સાંજ;

પછી હળવેકથી પ્રવેશી

ઉદાસ રાત,

પણ-

વરસાદની વાંછટ જેવો એ

સમય

રહી ગયો

બારી બ્હાર.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર

પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે;

ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !

 .

પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે;

ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !

 .

ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે;

જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !

 .

હોઈ શકે ખરેખર સાચા તવંગરો એ;

દારિદ્રયના જે દેશે મશહૂર થઈ શકે છે !

 .

( કરસનદાસ લુહાર )

હું શું કરું ? – પ્રીતમ લખલાણી

ઝરમર ઝરમર

વરસતા આભને જોઈને

અમસ્તા જ

બારી ખોલું છું

અને પછી ઘડીક માટે

વિચારોના વંટોળે ચઢી જાઉં છું…

શું કરું ?

બસ ફક્ત અહીંથી ઊભીને

પેલા મન મૂકીને વરસતા

આભને નિરખ્યા કરું કે પછી

હડી કાઢતો બહાર દોડી જાઉં…

પણ મને દ્વિધામાં જોઈને

મારા વિચારો પર

ખડખડાટ હસતું

કંઈ પણ વિચાર કર્યા વગર

બસ બારીને ઉઘાડી જોઈ

ગઈકાલ સાંજથી

ટૂંટિયું વળીને પડેલું ઘર

દોડી ગયું

હરખ ઘેલા

આભ સંગે

છબછબિયા કરવા !

 .

( પ્રીતમ લખલાણી )

મા એટલે…(પાંચમી માસિક શ્રદ્ધાંજલિ)

1-Mummy-Home-001

(23/08/1938 – 25/12/2012)

મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર ..

મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય …

મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે ..

મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા,

મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ…

મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ??

મા એટલે વહેંચ્યા પછી પણ અવિરત વધતું વહાલ…

મા એટલે મને લેવા પોતાની જિંદગીને મોતના હાથમાં સોંપીને મારો હાથ ઝાલીને દુનિયામાં લઇ આવતો દેવદૂત….

મા એટલે બાબી,

મા એટલે કારેલાનું શાકમાં રહેલું ગોળનું ગળપણ..

મા એટલે રસોઈ કરતા સાડીને છેડે લુછી જતો હાથ..

મા એટલે મારા હાસ્યમાં જોવાતું એનું હાસ્ય મારા દુઃખનું એની આંખમાંથી વહી જતું આંસુ…

મા એટલે મને સૌથી સમજાતી અને સમજતી વ્યક્તિ…

મા એટલે મારે માટે ખાટ્ટી મીઠી દાળ…

મા એટલે મોળો ભાત અને દહીં…

મા એટલે સૌના સપનામાં જાત ને ખોઈ નાખતું વ્યક્તિત્વ…

માનું સરનામું જે દુનિયાના કોઈ પણ દેશના ઘરમાં રસોડું હોય એવી વ્યક્તિ….

મા એટલે સૌથી પહેલી જાગીને સૌથી મોડી સુતી વ્યક્તિ….

માનો સ્પર્શ એટલે કોઈ પણ દુ:ખની પહેલી દવા..

મા એટલે મારા દુઃખમાં આખી રાતનો ઉજાગરો..

મા એટલે મારા સુખમાં પોતાની ચિંતાનો સદૈવ વૈભવ માણતી વ્યક્તિ…

મા એટલે મારી જિંદગી ને પહેલા થી છેલ્લા બિંદુ સુધી એનું ઋણી બનાવી દેતું વ્યક્તિત્વ..

મા એટલે અનુભવની પાઠશાળા….

મા એટલે પોતાના વ્યક્તિત્વ અને જીવનને કૈક કેટલાય ટુકડામાં કાપીને પણ અખંડ રહેતું એક વ્યક્તિત્વ..

મા એટલે દુનિયાનો સૌથી પહેલો જાદુગર જે એને મળેલા તમામ દુખોને સુખમાં અને હાસ્યમાં બદલી નાખી શકે…

મા એટલે પોતાનું વ્યક્તિત્વ અને ખુશી ભૂલી જવાની તાકાત ધરાવતી વ્યક્તિ…..

મા એટલે અર્ધી ઊંઘમાં અનુભવાતો વાળમાં આંગળીઓ વાળો હાથ….
મા એટલે શું ??  જેનો એક માત્ર અંશ હું …મારો અણુ એ અણુ એટલે મા….

 .

(પ્રીતિ ટેલર )

મૃત્યુ – અનિલ ચાવડા

(૧)

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

 .

(૨)

એક દિવસ

મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !

 .

(૩)

એનાં લગ્ન થયા હશે ?

કોની સાથે ?

કોઈ બાળક હશે ખરું ?

કે પછી નિસંતાન ?

જો નિસંતાન હોય તો

એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે ?

કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને ?

પણ મૃત્યુ બાપડું ‘કેવું’…

નપુંસક !

મૃત્યુ નામની એક નપુંસક ચીજ

એક દિવસ બધાને સંભોગી લેશે…

 .

( અનિલ ચાવડા )

વધઘટ કરો – આહમદ મકરાણી

દીપના ઉજાસમાં થોડીઘણી વધઘટ કરો

જાતના સહવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

પૂમડાં માફક સહજ આકાશમાં ઊડી જઈશ;

ફૂંકથી વાતાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

થૈ જશે મદહોશ, પાગલ આ ભ્રમર પણ-

ફૂલની સુવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

જિંદગીનું એક નાટક તો સતત ભજવાય છે

પાત્રની ગુંજાશમાં થોડીઘણી વધઘટ કરો

 .

માન મારું તો વધે છે યા ઘટે છે-જોઈએ,

રોજના લિબાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

( આહમદ મકરાણી )

એ તરફ – શૈલેશ ટેવાણી

જવું જ હોય તો જરા ચાલો ને એ તરફ,

અહીં છે ઘર અજાણ તો ચાલો ને એ તરફ.

 .

દિશા બતાવી થાય છે દરવેશ પણ અલોપ,

બચી છે જરી હામ તો ચાલો ને એ તરફ.

 .

અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,

રસ્તો નથી અજાણ તો ચાલો ને એ તરફ.

 .

માટીની મહેક છે અને એકાદ ગ્હેક  પણ,
ટોળું છુટી ગયું છે તો ચાલો ને એ તરફ.

 .

સરનામું આમ પણ હવે ઝાંખું થતું રહ્યું,

છૂટી ગયું છે ગામ તો ચાલો ને એ તરફ.

 .

( શૈલેશ ટેવાણી )