દોડતા દોડતા – શીતલ જોશી

દોડતા દોડતા હાંફવાનું નહીં

જિંદગી જીવતા થાકવાનું નહીં

 .

આથમે સૂર્ય માથે ચડેલો છતાં

રાત પડશે એવું ધારવાનું નહીં

 .

પ્રેમ જેવું કશું આપવું જો પડે

આપવાનું, કદી માગવાનું નહીં

 .

એક ખીલ્લી હલે છે હજી ભીંત પર

ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં

 .

એક બે વેંત ઊંચા ફરે, છો ફરે

કોઈનું કદ કદી માપવાનું નહીં

 .

આપવો હોય તો જીવ આપો ‘શીતલ’

કાળજું કોઈને આપવાનું નહીં.

 .

( શીતલ જોશી )

કરામત – દિનેશ કાનાણી

તોપખાનામાં સલામત હોય છે

એ જ શાંતિની કરામત હોય છે

.

સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં

એ જગાઓ તો અનામત હોય છે !

 .

પાનખર જેને કહીએ આપણે

વૃક્ષની ઝીણી મરામત હોય છે

 .

એમ લાગે છે હવે આ જીવને

હર ઘડી જાણે કયામત હોય છે

 .

છે પનારો કાવ્ય સાથે દિલ તણો

દોસ્ત ! બાકી તો ખુશામત હોય છે.

 .

( દિનેશ કાનાણી )

તો જ આવું – દિનેશ કાનાણી

છળકપટથી દૂર રાખે તો જ આવું

વાતને મંજૂર રાખે તો જ આવું

 .

પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ?

આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું

.

આવવું છે એટલે તો હું કહું છું

જીવને મજબૂર રાખે તો જ આવું

 .

એક બે છાંટા નથી ગમતા કદીયે

લાગણીનું પૂર રાખે તો જ આવું

 .

મેં પ્રતીક્ષા ક્યારની પડતી મૂકી છે

મળવું છે, દસ્તુર રાખે તો જ આવું

 .

( દિનેશ કાનાણી )

સરનામું – તેજસ દવે

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું…

 .

ઉંમરનો થાક હવે વરતાતો જાય અને

સુઝેલા ઘાવ નહિ રુઝે

શૈશવના વીતેલા દિવસોની યાદ હવે

આંખો ને કેમ કરી સૂઝે ?

 .

આંખોની આરપાર આવેલા આંસુને

સહેજ અમે ટેરવાથી લૂછ્યું

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું

 .

હમણાં લગ જે દીવો અજવાળા પાથરતો

આજે એ અંધારે બીતો

ઓરડાના અંધારે ટોળે વળીને આજ

વાતે ચડી છે ચાર ભીંતો

 .

ખાલીપો રોજ રોજ મોટો થયો છે ભાઈ

ઊગી છે આજ એને પૂછ્યું

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું

 .

આંગળીના ટેરવાથી આપતો દિલાસાને

આંસુ ના થાય તોય રાજી

શેરીમાં દોડતા એ શૈશવના દિવસોથી

કેટલીક હારવાની બાજી ?

 .

( તેજસ દવે )

આ જગત – ધ્વનિલ પારેખ

આ જગત એ રીતે સમજાતું રહ્યું,

એટલે ભીતરથી સર્જાતું રહ્યું.

 .

રાતભર ઓશીકું ભીંજાતું રહ્યું,

રાતભર એ દ્રશ્ય ભજવાતું રહ્યું.

 .

કોણે પેલે પાર બોલાવ્યો મને ?

એ ઘડીથી મન આ બદલાતું રહ્યું.

 .

હા, મરણની કૂંપળો ફૂટી ગઈ,

ધીમે ધીમે ઝાડ ફેલાતું રહ્યું.

 .

શત્રુ સામે હોય એવું ક્યાં લખ્યું ?

ભીતરે પણ યુદ્ધ ખેલાતું રહ્યું.

 .

( ધ્વનિલ પારેખ )

મનની ચોપાટ – તેજસ દવે

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

છીપલાની જેમ હુંય આવતો કિનારે ને

દરિયામાં ધ્યાન પછી રહેતું

 .

ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર

લાગે છે દૂર છતાં પાસે

આપણીય વચે દીવાલ જાય તૂટી તો

આપણેય મળવાનું થાશે.

 .

આવજો કહીને તારા લંબાતા હાથને

મારાથી દૂર કોણ લેતું ?

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

 .

દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને

છૂટતા કિનારા તો ઠીક

તારાથી દૂર હવે એકલા રહીને મને

લાગે છે મારીએ બીક

 .

મનની ચોપાટ મારે એકલા જ રમવાની

તોય કોક જીતવા ના દેતું

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

છીપલાની જેમ હુંય આવતો કિનારે ને

દરિયામાં ધ્યાન પછી રહેતું

 .

( તેજસ દવે )

ખાલીપો – તેજસ દવે

રાધાએ પાડેલી તરફડતી ચીસ અને

વેદના તો કેમ કરી માપું

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

ગોકુળને ગામ તમે આવો ના શામ

તો રાધાને મથુરા લઈ આવું

અંધારું થાય પછી પૂનમ થઈ જાય

એવો ચાંદો હું રોજ ક્યાંથી લાવું ?

 .

ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો

હું કરવતથી કેમ કરી કાપું ?

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

સપનામાં આવીને અધવચે આમ તમે

અમને ના એકલા જગાડો

અમે વિંધાશું આરપાર વાંસળીની જેમ

તમે આવીને અમને વગાડો

 .

કદંબના આ ઝાડ હવે સૂકા થઈ જાય

અને બાળીને જાત મારી તાપુ ?

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

( તેજસ દવે )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

હું તને પ્રેમ કરું છું

એની માત્ર મને ખબર છે.

પણ તારી કને એકરાર

કઈ રીતે કરવો

એની સૂઝ હજી સુધી

પડતી નથી.

 .

(૨)

રાતના જાગી જાઉં છું ત્યારે

અચાનક ઓશિકાને વળગી

પડું છું.

તું ન હોય તો

શું કરું ?

છે કોઈ જવાબ તારી કને ?

 .

(૩)

ચિતાના લાકડા જેવાં

દરિયાનાં મોજાંઓ :

એના પર કોઈએ

ગોઠવી છે મારી નાવ.

-દરિયો જાણે સ્મશાનભૂમિ.

 .

(૪)

માણસ

સમયને પીંજે છે

ને માણસને પીંજે છે

કાળ.

 .

(૫)

જે વ્યક્તિ

એક વાર આવીને જાય છે

તે પાછી નથી આવતી

અને અગર આવે છે તો

એની એ રહેતી નથી.

 .

(૬)

સપનાં, શબ્દો, પ્રવૃત્તિ, વાસના,

ઈચ્છા, ઝંખના, ઉપાસના, મૌન,

અવકાશ, પગલાઈ, ઓથાર,

પાતળીહવા, નિરાકાર સુગંધ

આ બધાં શબ્દોથી કવિતા થાય,

કે કવિતા જાય ?

 .

(૭)

વાદળોના સરોવરમાં

ચંદ્રની નૌકા

તર્યા કરે…

.

(૮)

હું આંખ મીચું છું

ત્યારે મને

માત્ર તું જ

દેખાય છે.

તું આંખ મીંચે છે

ત્યારે…?!

 .

(૯)

આપણી વચ્ચે

જે અવકાશ

એમાં જ તો આપણો

સહવાસ.

 .

(૧૦)

ચોવીસે કલાક

સાથે ને સાથે રહીએ

તો

વિરહનો આનંદ શું છે

એનાથી

કાયમના વંચિત રહી જઈએ.

 .

( સુરેશ દલાલ )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

મારી બારીના

આંધળા કાચ પર

રાતે

કોનો પડછાયો

આવ-જા કરે છે ?

.

(૨)

કાગડાને

ભલે મોરના પીંછા પહેરાવો

પણ એ

કેકારવ નહીં કરી શકે.

 .

(૩)

એકલી એકલી

મીણબત્તી બળતી રહી…

અજવાળું પાથર્યાનો

આનંદ લૂંટવાને બદલે

બળતરાની વ્યથા

ઘૂંટતી રહી…

.

(૩)

કોઈ દારૂડિયાએ નશામાં કહેલી

રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી.

એના મૂળ તો ક્યાંક

કોઈક કરુણ કથા-વ્યથામાં

હોવા જોઈએ…

 .

(૪)

પ્રવાસેથી પાછો ફરેલો હું

એનો એ હોવા છતાં

કૈંક જુદો હોઉં છું.

જળમાં ડૂબકી માર્યા પછી

વિસ્મય ધોવાઈ નથી જતો

પણ કોઈક નવી છાલકનો

ઉઘાડ થાય છે.

 .

(૫)

મારા શબ્દ પરથી

મૌનની ત્વચા

ઉતરડી શકાતી નથી

 .

(૬)

આખી રાત વરસતો

વરસાદ હતો કે

કોઈકનો અશ્રુપાત ?

 .

(૭)

આપણા

જીવનના વનમાં

પશુઓ ત્રાડ પાડે છે

અને

પંખીઓ છૂપ છે.

 .

(૮)

પથ્થરોની વચ્ચે રહીને

રડવાનો

કશો જ અર્થ નથી.

વહેતાં ઝરણાંને માટે

આંસુ સારશું

તો એનું કલનાદમાં

રૂપાંતર થઈ જશે.

 .

(૯)

એક વાર

પાનખરની સાવ સુક્કી

ડાળીને મેં ચૂમી

અને એના પર ફૂલ પ્રકટ્યું

ત્યારે મને પોતાને થયું

કે મારામાં પણ એક

વસંત લપાઈ છે.

 .

(૧૦)

તારે કંઠથી

મારું નામ સરે છે

ત્યારે જેટલું મધુર લાગે છે

એટલું ક્યારેય લાગતું નથી.

 .

( સુરેશ દલાલ )

આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ

‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.

 .

પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે સ્ત્રીજાતિ પ્રત્યેનો અનાદર. નારી પ્રત્યેના તુચ્છ ભાવમાં જ કૌરવોનો નાશ હતો.

 .

આપણા દેશમાં સાધુપુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ અનાચાર થતો જોઈ અંતર વલોવાઈ જાય ને પોકારી ઊઠે કે, ‘આ નહીં જ થઈ શકે’ એવા થોડા હોય છે.

 .

ખરે વખતે જે અંતરથી હિંમતથી માણસે બહાર આવવું જોઈએ, તે ન આવી શકે તેને નવા યુગમાં સ્થાન નથી.

 .

ભીષ્મના પાત્રસર્જન દ્વારા મહાભારતકાર એક એ સત્ય પણ કહે છે કે જૂની સંસ્કૃતિ વિદાય લેતી હોય છે, નવી સંસ્કૃતિ ઊભી થતી હોય ત્યારે તેને થોડો વખત કાંટાની પથારીમાં સૂવું પડે છે. આપણે અત્યારે પણ કંઈક આવી જ દશા ભોગવી રહ્યા છીએ. અત્યારે આપણે આવા ફેરફારમાં થોડી વ્યથા અનુભવી રહ્યા છીએ. પણ એ ફેરફાર આવી જ રહ્યો છે, એમ સમજીને જે એને ઝીલશે તે જ ટકી શકશે, બીજા નહીં.

 .

( નાનાભાઈ ભટ્ટ )