પ્રથમ મિલન – પન્ના નાયક

આપણું પહેલવહેલું મિલન.

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 ..

આપણે નદીકિનારે બેઠાં હતાં

કે દરિયાકિનારે ?

વહેતાં હતાં પાણી કે

હતો મોજાંનો ઘુઘવાટ ?

હવામાં તરતી હતી, એ કોની હતી સુગંધ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

મેં કઈ સાડી પહેરેલી ?

ગુલમહોરી કે

ચેરીબ્લોસમી ?

તારા સ્પર્શ જેવી રેશમી કે

વીંટીમાંથી પસાર થઈ જાય એવી ઢાકઈ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

. ..

ઓઢી હતી મેં શાલ કે

પહેર્યું હતું ખૂલતું બ્લાઉઝ ?

તું જોતો હતો તે

હતો નભનો કે

મારા ભાલનો ચાંદલો ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણે બેઠાં હતાં ત્યારે

વરસતી હતી ચાંદની ?

સંભળાતી હતી

વૃક્ષોનાં પાંદડાંમાંથી ચળાઈને આવતી

મર્મર ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

 .

આપણા સંયોગની ભાગ્યરેખાની વાત

કરતાં કરતાં આપણે ઊઠેલાં

ને લંબાવેલા તારા હાથમાં મેં મૂકેલો મારો

હાથ

થોડો છેટો

કે

જરા નજીક ?

ત્યારે મોંસૂઝણું થયેલું

કે સમી સાંજ ?

મને કેમ યાદ નથી ?

તને યાદ છે ?

.

( પન્ના નાયક )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

સાત અશ્વનો રથ, પણ સૂરજ થાકે ચાર પ્રહરમાં;

દશે દિશામાં સૂસવી, બંદી થાય પવન ગહવરમાં !

છો કહેવાતો એ રત્નાકર, છો કૌસ્તુભ હૃદયે ઝગે;

છો દર્પ ધરે ઊંચા કુળનું, છો ગરજે વા છો ચગે !

.

અઢળક નદીઓનો સ્વામી છે છતાંય

ઉદધિ સૂનમૂન થઈ જાય અમાસે !

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

છે પ્રેમ વિના માનવીનું સંવિદ, ચાપ વિનાનું બાણ;

જલ વિણ જ્યમ, અવનિ ઉદ્ધવજી ! ખંડ-ખંડ, નિષ્પ્રાણ !

ના, ગોકુળના પાયામાં, ઉદ્ધવ ! કોઈ વાસના નથી;

ને મથુરાના સહુ છદ્મ, અ-ધર્મો આજકાલના નથી !

 .

મદ્ય ભરેલા ઘટમાં સો સો તીરથજળ ભર્યાથી

ઉદ્ધવ ! શું પાવન થઈ જાશે ?!

.

અમને છાંડી, એક દિવસ, ઉદ્ધવજી !

જો જો, માધવ બહુ પસ્તાશે !

 .

( વીરુ પુરોહિત )

ગમતું નથી – અંજુમ ઉઝયાન્વી

પારકો આધાર લૈને, ચાલવું ગમતું નથી !

રોજ માથે ભાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

રાહમાં તડકો બિછાવી, તું દિલાસો દે નહીં

કોઈનો ઉપકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

એક તરફી લાગણીની હઠ મને ભારે પડી

રંજ પારાવાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

ગાર માટીની વસાહતનાં નિસાસા લાગશે

મેઘ અનરાધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

પારકી પાંખે ઘણાં ઉડવા મથે છે આભમાં

કોઈના દરકાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

મેં હવાની દેખતાં, દીપક ઠાર્યા હતા

રોજની તકરાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

સાત સાગર મેં તરી લીધા અજાણી ધૂનમાં

હાથમાં પતવાર લૈને, ચાલવું ગમતું નથી !

.

ઘાટ હું કોના ઘડું, પથ્થર બધા ભાગી ગયા

ચો-તરફ ઓજાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

આપજે અંજુમ થોડા આગિયા તું દાનમાં

રાહમાં અંધાર લૈને, ચાલવું ગમતું નથી !

 .

( અંજુમ ઉઝયાન્વી )

સીધો જવાબ દે – શૈલેશ ટેવાણી

મન તે નથી આ મન તો છે શું ? સીધો જવાબ દે,

તન તે નથી આ તન તો છે શું ? સીધો જવાબ દે.

 .

કંઈયે નથી ઉદાસ તો આ પાનખર છે શું ?

ફૂલો વિનાનો બાગ છે શું ? સીધો જવાબ દે.

 .

એકાદ ભીનું સ્વપ્ન હજુ ઝરમરે અહીં,

વર્ષા નથી વેરાન છે શું ? સીધો જવાબ દે.

 .

પહેલાં હતું જે ઝાડ અહીં ઝાડ તે નથી,

ટહુકો ગયો તેં ત્યાં જ છે શું ? સીધો જવાબ દે.

 .

લખવાનું કંઈ નથી તો હજુ તું લખે છે શું ?

તેનું સૂરણ નથી તો છે શું ? સીધો જવાબ દે.

 .

( શૈલેશ ટેવાણી )

સીધો જવાબ દે – શૈલેશ ટેવાણી

માટી નથી નથી એ મમત સીધો જવાબ દે,

દોસ્તો નથી નથી એ રમત સીધો જવાબ દે.

 .

ઓચિંતુ કેમ આંસુ ખર્યું આ લિબાસમાં,

કેવી અહીં પડી’તી વિપત સીધો જવાબ દે.

 .

ભૂલ્યો બધું જે તેજ મળ્યું માર્ગમાં બધે,

કોણે કરી છે ઊંધી શરત સીધો જવાબ દે.

 .

ટોળું વળીને કોઈ તને પૂછે છે હર સવાલ,

સાચું શું છે ને જૂઠ ખપત સીધો જવાબ દે.

 .

તારી કશી જ વાત હવે પૂછી શકું તને;

શાને વળ્યો છે તું ય પરત સીધો જવાબ દે.

 .

( શૈલેશ ટેવાણી )

બ્રેક લઈએ – હરકિસન જોષી

કશું કંઈ બદલવું નથી, ટેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

સમુંદર ઉપરના ગણી મોજ થાક્યા

અને મોતિયા બેઉ આંખોના પાક્યા;

હવે તટની રેતીમાં જઈ શેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

.

બધા માર્ગ અધવચ્ચે અટકી જવાના

મુસાફર થઈ વ્યગ્ર ભટકી જવાના

સફર કો’ સમય પારની છેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

જુઓ, સૂર્ય ડૂબવાની વેળા નિકટ છે,

નયનસમ્ય કેસરિયો આકાશી પટ છે

ઈસુ સંગ વાળુ કરી કેક લઈએ

સમય બ્રેકનો છે, જરા બ્રેક લઈએ !

 .

કયામતમાં એ ક્યાં ઈર્શાદ બોલે

શબદના તરાજુએ આપણને તોલે

જત વેળ સાથે ગઝલ બે’ક લઈએ

સમય બ્રેકનો છે, જરા રેક લઈએ !

 . ( હરકિસન જોષી )

હું બદલાવા તૈયાર છું – ઇયાન્લા વાન્ઝાન્ટ

હું મારી જતને બદલવા માટે તત્પર છું.

 .

હું મારા મનને, મારા હૃદયને, જીવનને અને આસપાસની સમગ્ર સૃષ્ટિનો અભિગમ બદલવા તૈયાર છું. હું શું કરું છું અને કેવી રીતે કરું છું તેમાં પણ બદલાવા તત્પર છું.

 .

હું જે કંઈ બદલય છે તે સમજવા માગું છું. જે બદલાયું છે અને બદલય છે તે કેવાં ચમત્કારિક પરિણામો લાવી શકે છે એ સમજવા માટે હું એકદમ આતુર છું.

 .

હું કશું જ કરી શકું એમ નથી. તેથી જ હું પવિત્ર શક્તિને –મારા આત્માના સ્તર પર સ્પર્શી મને સાચવે અને બદલે તે માટે જાતને એને-શરણે ધરું છું.અને સમજું છું કે ઈશ્વરે મારું જે સર્જન કર્યું તે હું જ છું.

 .

ઈશ્વરની સંપૂર્ણ યોજના પ્રમાણે હું બદલાવા માગું છું. મારા મનને બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવી, મારા હૃદયને નવીન તાજગીથી હે પ્રભુ તમે ભરી દો-એમ જ થવા માટે તમારી કૃપા માગું છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

હું છું… – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારામાં રહેલી ઈશ્વરીય શક્તિની કૃપાથી હું તાજગી અનુભવું છું. શક્તિશાળી બનું છું અને શુદ્ધ બનું છું.

 .

મારાં પગલાં વ્યવસ્થિત છે, સચવાયેલાં છે અને કૃપાપાત્ર છે.

.

હું યોગ્યપાત્ર છું, હું ઉત્કંઠ પાત્ર છું.

 .

હું ઈશ્વરના પ્રેમથી આકાર પામેલી છું અને ઘડાયેલી છું.

 .

પ્રભુએમને પ્રેમથી સોંપેલાં નિયત કાર્યો માટે હું મારી ચતુરાઈ, જ્ઞાન, શક્તિથી સજ્જ છું.

 .

હું શાંતિથી, પ્રેમથી આગળ વધું છું.

 .

મારા પોતાના વિશ્વની બધી જ બાબતો અને હરકોઈ પરિસ્થિતિમાં મને પ્રભુએ અઢળક શુભ વસ્તુઓથી કૃપાપાત્ર બનાવી છે.

 .

હું હવે પ્રભુના પૂર્ણ આશીર્વાદથી આગળ વધું છું. અને ક્યારેય એ નહીં ભૂલું કે મારું જીવન માતાપિતાની શક્તિથી આકાર પામેલું છે. એ માટે હું તમારી ઋણી છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

આંતરિક શક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

કૃપાનિધાન મંગલ શક્તિ-

 .

તમે મને જ્યારે કહ્યું કે ચાલો આપણે ઈશ્વરના દરબારમાં જઈએ ત્યારે હું ખૂબ આનંદથી ગદ્દગદ થઈ ગઈ.

 .

જ્યારે મારું હૃદય વેદનાના અકથ્ય ભારથી ભારે હતું ત્યારે કે મારું મન મૂંઝવણથી ભરેલું હતું કે દુ:ખથી ભાંગી પડ્યું ત્યારે હું ઈશ્વરના દરબારમાં પ્રવેશ કરું છું.

 .

મારા બધા જ પૈસા પૂરા થઈ ગયા. અને બેંકના ખાતામાં પણ કશું ન રહ્યું ત્યારે, જ્યારે મારાં ખૂબ નજીકનાં સ્વજનોએ મારી સાથે છેતરપિંડી કરી અને પીઠ પાછળ દગો દીધો. મારા અત્યંત મુશ્કેલ એવા પ્રયત્નોની કદર ન કરી કે હું સાવ ખોવાયેલી લાગી અને માર્ગ શોધવામાં ભૂલી પડી ત્યારે, મેં ઈશ્વરના દરબારમાં પ્રવેશ કર્યો.

 .

હે પ્રભુ, તમારા દરબારમાં મનની શાંતિ છે. કેટલી સલામતી, કેટલી સભરતા-કેવું સ્પષ્ટ માર્ગદર્શન છે. કેટલું જતન કરો છો.

 .

તમારો પ્રેમ કેવો બિનશરતી છે. પ્રેરણા, રાહત અને છુટકારો છે-તમારી અગાધ કરુણા, પવિત્ર આનંદ, અપાર ક્ષમાવૃત્તિ; કેટલી શક્તિ છે તમારામાં.

 .

જ્યારે તમે તમારા દરબારમાં આવવાનું કહ્યું ત્યારે હું આનંદવિભોર બની ગઈ.

 .

પ્રભુ, તમારા આમંત્રણ માટે આભાર-મારું હૃદય અને મન ખૂબ હળવાશ અનુભવે છે.

 .

આ બધા માટે હું તમારી ખૂબ ઋણી છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )