સમજીને-આબિદ ભટ્ટ

સ્મિત વેર્યું ટહેલ સમજીને,
છે તમારી પહેલ સમજીને!

શ્વાસથી રોજ ભીંતને લીંપું,
ઝૂંપડીને મહેલ સમજીને !

ક્ષોભ, સંકોચ વિણ હૃદય ખોલ્યું,
આપ જણ છો ઠરેલ સમજીને !

વિસ્તર્યો હું ને હાથ ફેલાવ્યો,
શ્વાસ શાશ્વત ટકેલ સમજીને !

પ્રશ્ન જંજાળ, મોહ મુક્તિનો,
હોય તો દે ઉકેલ સમજીને !

શબ્દને એટલે મળ્યો ટેકો,
ભીતરેથી ઉઠેલ સમજીને !

( આબિદ ભટ્ટ )

સંવેદના-અશ્વિની બાપટ

હલકા હાથે પસવારો
કે
હળવેથી ખોતરો
કવિતા નીકળી આવે
એવી
સંવેદનશીલતાને
કવચમાં બીડીને
થોડી જ રાખી શકાય ?
રીઢી થઈ જાય
એટલી ઘસાઈ જશે
કે
કવિતા ડઘાઈને
અંધારે પુરાઈ જશે
એવા ડરથી
કોરાં પાનાં વચ્ચે
અર્થ સંભાવનાવાળા શબ્દો જોડે
સંવેદનશીલતાને દબાવી
થોડી સાચવી શકાય ?
પ્રેમમાં તણાઈને
તિરસ્કારથી પીંખાઈને
અવગણનાથી ગૂંગળાઈને
સહસ્ત્રમુખે ખીલે છે
સંવેદનશીલતા
દંગલોમાં કપાઈ મરશે
અત્યાચારમાં બળી જશે
સંઘર્ષમાં વહી જશે
કે
ઘરના કજિયાથી માંડીને
સાહિત્યના રાજકારણ સુધી
ફેલાયેલા
અટપટા લોકો વચ્ચે
અટવાઈ જશે-ના ડરથી
બુઠ્ઠી આંખે
નદી-પર્વત કે જંગલોમાં
કે
ધરાશયી પ્રેમના
સૂમસામ રસ્તાઓ પર
હવાફેર કરાવી
કવિતાને થોડી જ
જીવંત રાખી શકાય ?

( અશ્વિની બાપટ )

મિત્રો !-ગુલામ અબ્બાસ “નાશાદ”

એક છું, શ્રી સવા નથી મિત્રો !
માનવી છું, ખુદા નથી મિત્રો !

ભાગ્ય બદલી શકું ના કોઈનું,
લાગણી છું, દુઆ નથી મિત્રો !

પાપ સંતો જ ધોઈ જાણે છે,
વ્હેમ છે, આસ્થા નથી મિત્રો !

હડસેલી કોઈને જવું આગળ,
આવડત છે, કલા નથી મિત્રો !

આંખમાં જે મને સતત ખટકે,
આંસુ છે, ઝાંઝવા નથી મિત્રો !

લોકટોળામાં હોય જો દુશ્મન,
એક બે છે બધા નથી, મિત્રો !

ઘરને ફૂંકી તમાશો જોનારા,
એ કોઈ પારકા નથી મિત્રો !

હાસ્ય હોઠે પ્રણાલિકા કેવળ,
જિંદગી ખુશનુમા નથી મિત્રો !

બારણે એટલે ઊભો “નાશાદ”,
ક્યાંયે ઘરમાં જગા નથી મિત્રો !

( ગુલામ અબ્બાસ “નાશાદ” )

જોખ્યું-સંજુ વાળા

સાવ નકામું નમતું જોખ્યું
અમથું કાં અણગમતું જોખ્યું ?

વધ્યું વજન જ્યારે બાળકને
ફુગ્ગા સાથે રમતું જોખ્યું

વાલ-રતીની વડછડ મૂકી
ધારણથી ધમધમતું જોખ્યું

બજાર આખી ફરી-ફરીને
માત્ર આભ આથમતું જોખ્યું

સુખમાં ના સરવાળા માંડ્યા
દુ:ખ કદી ના દમતું જોખ્યું

લેખ-જોખનો છાંડ્યો મારગ
સઘળું એમાં શમતું જોખ્યું

પહેલાં કૃપાદ્રષ્ટિ ઝીલી
પછી વેણ તમતમતું જોખ્યું

તમે ગઝલની તુલના માગી
મેં ઝરણ રૂમઝૂમતું જોખ્યું

( સંજુ વાળા )

ખમ્મા ખમ્મા-સંજુ વાળા

સડેડાટ ને છાનું-માનું : ખમ્મા ખમ્મા
ઘઉં ભેળા કંકર દળવાનું : ખમ્મા ખમ્મા

વહી ગયા તે સહુ દસકાનું : ખમ્મા ખમ્મા
ભોળા ભાઈઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા

જેને છબછબિયાં કરવાની ટેવ પડી છે
એનું ઊંડા જળનું બહાનું : ખમ્મા ખમ્મા

લાદેલા અર્થોના ઉત્પાદન કરે જે
ના થઈએ કોઈ કારખાનું : ખમ્મા ખમ્મા

જર્જર થાવું, ફાટી પડવું લખ્યું હોય જ્યાં
છું એવા પુસ્તકનું પાનું : ખમ્મા ખમ્મા

કહો પ્રલય ‘ને ધરતીકંપને રહે પ્રામાણિક
છે મારું ઘર છેવાડાનું : ખમ્મા ખમ્મા

( સંજુ વાળા )

ત્યાં ચૂપ થઈ જવાનું-સંજુ વાળા

સેલ્ફીથી ધૂમ મચાવે ત્યાં ચૂપ થઈ જવાનું
પોતાનાં ગીત ગાવે ત્યાં ચૂપ થઈ જવાનું

નાચીને મન મનાવે ત્યાં ચૂપ થઈ જવાનું
નખનેય ના જલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

શાસ્ત્રાર્થ કે પ્રમાણો લિજ્જતથી પડતાં મૂકી
પંડિતજી પાન ચાવે ત્યાં ચૂપ થઈ જવાનું

વરસાદ વીજળીનો સંબંધ પૂછીએ તો
તું આંખ ઝિલમિલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

એ રોજ-રોજ મળવા આવે અચૂક કિન્તુ
બહાનાં નવાં જ લાવે ત્યાં ચૂપ થઈ જવાનું

ચંદન તળાવ પાળે, રૂમઝૂમતી ચાંદનીમાં
જો યાદ એ ના આવે ત્યાં ચૂપ થઈ જવાનું

ખુશ્બૂની બ્રાન્ડ બે-ત્રણ, રંગોની બે’ક વક્કલ
લઈ જાત ઝગમઘાવે ત્યાં ચૂપ થઈ જવાનું

એકાદ મધનું ટીપું જો મિત્રતા સ્વીકારે-
તો મોતીથી મઢાવે ત્યાં ચૂપ થઈ જવાનું

કલશોર, કેકા, ટહુકા લયમાં લસોટી પીવા
ઉપચાર એ બતાવે ત્યાં ચૂપ થઈ જવાનું

( સંજુ વાળા )

છલકાઈ ગઈ-સંજુ વાળા

સમજ પણ વિસ્તરીને છેવટે છલકાઈ ગઈ
ઘણીએ ધારણા તૂટી, જરા વળ ખાઈ ગઈ

કદી ઓવાળ શ્રીફળ-ચૂંદડી કાંઠે મૂક્યાં
નદી, દરિયાનો વૈભવ ભાળીને ભરમાઈ ગઈ

હજારો હાથ જેને ઝીલવા ઊંચે ઊઠ્યા
એ ઉલ્કા અધવચાળે આવીને વીખરાઈ ગઈ

અચંબો આપવાની ટેવ તારી આગવી
જ્યાં મળવાનું કહ્યું’તું એ જગા ભુલાઈ ગઈ

નવાનક્કોર તમને તોર ચડતા જોઈને
બિચારી કાચી-કૂણી લાગણી શરમાઈ ગઈ

ઊઘડવું જાદુપેટી જેવું એની વાતનું
કર્યું અરધું નિવેદન ને તરત બિડાઈ ગઈ

પ્રવાહી એકદમ થીજી ગયું તો આંખ થઈ
કદી આંખો પ્રવાહીમાં ફરી પલટાઈ ગઈ

( સંજુ વાળા )

તો હા પાડું-સંજુ વાળા

આ પથ્થરોમાંથી પણ કૈં જડે તો હા પાડું
તું ભીંત ભેદીને આવી મળે તો હા પાડું

હૂં ઢાળું એવા જ ઢાળે ઢળે તો હા પાડું
કાં અનુભવાય સતત તાળવે તો હા પાડું

નવાણ સાવ વસૂકી ગયાંછે આંખોનાં
ફરીથી તેજ એમાં તરવરે તો હા પાડું

અરજ, વિનંતી છતાં ના માને તે ઈશ્વરને
પ્રગટ થવું પડે હસ્તાક્ષરે તો હા પાડું

છે જન્મજાત જે આવાગમનની અવઢવમાં
એ આવે દોડતા ઉતાવળે તો હા પાડું

કહે છે સૌ કે તું મનમોજી જેવું મ્હાલે છે
મળી જવાય જો એ માળવે તો હા પાડું

બધી કળાઓ છે અકબંધ ચુપકીદીમાં
જરા તું ધ્યાન ધરી સાંભળે તો હા પાડું

( સંજુ વાળા )

કાવડ !-રિષભ મહેતા

એમ જુઓ તો બધું બરાબર; એમ જુઓ તો ગરબડ
એમ જુઓ તો બજાર ખુલ્લી; એમ બંધ છે સજ્જડ !

મને એક દિ’ ખૂણામાં લઈ જઈ ગઝલ કાનમાં બોલી-
‘ભલે ચાહતો હોય મને તું; મને ગમે ત્યાં ના અડ !’

સહેજ વિચાર્યું લાવ જરા હું ચિત્ર ભૂખનું દોરું
એ પહેલાં તો બળવા લાગ્યો કાગળ મારો ભડભડ !

હવે શ્રાપ દેવો તો કોને ? વાંક કાઢવો કોનો ?
શ્રવણ ખુદ છોડીને ભાગ્યો વસ્તી વચ્ચે કાવડ !

મને થાય કે હું દુનિયાને; તને જ કેવળ શીખવું…
કિન્તુ એ પહેલાં મને આ પ્રેમ ! જરા તું આવડ…!

( રિષભ મહેતા )

મૌનના ભડકા-અનંત રાઠોડ ‘અનંત’

વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી
દરરોજ ચાલે જીવ સટોસટ યુદ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી

તૈયાર થઈને હોંશથી, સામાન લઈને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી,
ને સહેજ માટે બસ ચૂકી ગયા એ બધા સપનાં વિશે મારે કશું કહેવું નથી

શરણાઈ લઈને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ વગર આવ્યો હતો
ને ગામમાં મૂકતો ગયો એ મૌનના ભડકા વિશે મારે કશું કહેવું નથી

મોટાં ઘરોની દીકરીની જેમ એ આવે અને એકાદ ક્ષણ જોવા મળે
એકાદ ક્ષણનાં એ ખુશીનાં ઠાઠ ને ભપકા વિશે મારે કશું કહેવું નથી

( અનંત રાઠોડ ‘અનંત’ )