હયાતી-પ્રજ્ઞા દી. વશી

દોડતો કેવો રહ્યો એ દરબદર
જિંદગી ! હાંફી રહી કારણ વગર !

ભર વસંતે એટલો મ્હોરી ઊઠું
કે પછી ફરકે નહીં કો, પાનખર.

વૃક્ષની ડાળે નિરાંતે ઝૂલતું,
ક્યાં ગયું એ માતબર લીલું નગર ?

કેદ કરવું મારે આખું વિશ્વ, પણ
દ્રષ્ટિ આપી તે ય પાછી માપસર

મન થયું બસ એટલે આવી પડી
ઘર નથી, તો કાફી છે મીઠી નજર.

ચાર ભીંતોને તમે જ્યાં ઘર કહ્યું
ત્યાં અમે જીવી લીધું બસ ઘર વગર.

મૌનના સંવાદ એવા બોલકા,
ખાલીપો મુજ થૈ ગયો બસ તરબતર.

શબ્દ સાથે હર ક્ષણે જીવી મરી,
આ હયાતી એટલે થૈ ગઈ અમર.

( પ્રજ્ઞા દી. વશી )

અંસુઅન લીલા-જગદીપ ઉપાધ્યાય

નમણી આંખો વત્તા આંસુ,
કામણગારી સત્તા આંસુ.

ચાલ પિછાણી શકો નહીં તો,
ખવડાવી દે ખત્તા આંસુ.

કૈંક ઝવેરાતોથી અદકી,
મોંઘામૂલી મત્તા આંસુ.

જુદાઈની જ્યાં વસ્તી રહેતી-
પ્રેમનગરના લત્તા આંસુ.

ડાળ ગઝલ કેરી વાસંતી,
લીલાં લીલાં પત્તા આંસુ.

( જગદીપ ઉપાધ્યાય )

વાત જ ક્યાં છે ?-કૃષ્ણ દવે

મારા જેવી એકા’દિ પણ ત્યાં લીલીછમ વાત જ ક્યાં છે ?
પથ્થર તોડીને ઉગવાની એનામાં તાકાત જ ક્યાં છે ?

એવો દાવો છે જ નહીં કે મધદરિયે ભૂલા ના પડીએ,
પણ અમને અજમાવી જુએ એવો ઝંઝાવાત જ ક્યાં છે ?

ઊગવાનું અહીં છે જ નહીં તો આથમવાની વાત જ કેવી ?
મારી છે પોતાની દુનિયા એમાં દિવસ રાત જ ક્યાં છે ?

તું દેખાડે છે જે વસ્તુ એ જ ખરું આકાશ હોય તો,
સૂરજ, ચાંદો, વાદળ, પંખી, તારાઓની ભાત જ ક્યાં છે ?

કોણ પૂછે છે અહીં પાયાને ? બધા ટોચ પાછળ ભાગે છે
મૂળ મૂકી નિરાંતે ઊગે ઉઘડે એવી જાત જ ક્યાં છે ?

ઉપરછલ્લા ઘા જીલી જીલીને હું કંટાળી ગ્યો છું
એક ઝાટકે જાય સોંસરો એવો અહીં આઘાત જ ક્યાં છે ?

( કૃષ્ણ દવે )

પાર કાઢે-ચંદ્રેશ શાહ

લાગણીની ધાર કાઢે,
તું ગજબનો સાર કાઢે !

છે જડીબુટ્ટી આ શબ્દો,
મનનો કેવો ભાર કાઢે !

રાખવું ટટ્ટર છે સર, પણ
તે ફૂલોનો હાર કાઢે !

દર્દમાંથી જો ગઝલ જન્મે,
દર્દમાંથી બહાર કાઢે !

દુશ્મનોનું ભાગ્ય તો જુઓ,
દોસ્ત ખુદ હથિયાર કાઢે !

નામ હરિનું ભજ તું ચંદ્રેશ,
ભવમાંથી એ પાર કાઢે !

( ચંદ્રેશ શાહ )

શિવાલય હો કે મસ્જિદ હો !-હરકિસન જોષી

જરૂરી બસ ઝૂકી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !
નડે તારું ચૂકી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !

તિમિર ઘેરી વળે એવી અમાસી ઘોર નિદ્રાથી;
સફળ તારું ઊઠી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !

ગમે તે માર્ગથી પ્યારે, કમળ ચરણો સુધી તારું
થશે સાર્થક પૂગી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !

ન જો દીવો કે ફાનસ, મીણબત્તી પણ ફક્ત જોજે,
પતંગાનું કૂદી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !

પરમ આકાશ છે એ તો નથી ત્યાં ભેદ મારગનો;
તજી ડાળી ઊડી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !

( હરકિસન જોષી )

બે રચના-અનિલ દેવપુરકર

૧.
પારદર્શકતા પણ
અભેદ્ય દીવાલ લાગવા માંડે
એવા તદ્રુપ ઐક્યની અભિપ્સા
જો પરમ ગતિ હોય તો,
એ દિશાની અંતિમે
-તારા દ્વારે આવીને ઊભા રહેવાની
આકરી જહેમત મેં લીધી છે.
હવે,
એ અભેદ્ય દીવાલને ખેરવી નાખવાની
તણખલું ઉપાડવા જેવી
હળવી જહેમત તો
તું લે…!!

૨.
ભલે દૂર દૂરની
પરંતુ,
સામસામી બારીમાં ઊભા રહી
કોઈ જોઈ ન જાય એવી તકેદારી સાથે
આંગળીઓનાં ઈશારે
બહેરા-મૂંગાની ભાષામાં
વાત કરતાં ત્યારે
સહજ રીતે સમજાઈ જતી વાતો
લાંબા ગાળા પછી
આજે
એકબીજાના મોઢામોઢ
અડોઅડ ઊભા રહી ઘાંટા પાડીને બોલવા છતાં
કેમ નહીં સમજાતી હોય ?!

( અનિલ દેવપુરકર )

જો આમ આવે-ધ્રુવ ભટ્ટ

અમારી છે આંખો અમારાં છે ચશ્માં કહે તારા દર્શનથી શું ભાન આવે ?
તમારા છે ગ્રંથો તમારી જ વાણી કહો કેમ કરતાં મને ગ્યાન આવે ?

મને તું જમાના ન બતલાવ રસ્તા જનમ આ કે પછીના જનમના
મને ક્યાં ખબર છે કે જન્મો તે શું છે અમે તો હતાં ત્યાં ઘણાં ગામ આવે.

અમે ‘કોણ હું ?’ જેવી પરવા કરી નહીં, ન પૂછી તને મેં તમારીયે ઓળખ
ઘણાં હોય પાત્રો ઘણી હોય ઘટના બીજું તો કહાણીમાં શું કામ આવે ?

અમે કંઈ ન જાણ્યું નથી કાંઈ માંડ્યું જરા બસ આ બેસીને ગીતો જ ગાયાં
અને ફક્ત ભરકંઠ પીવાનું સમજ્યા ભલે જામ આવે કે અંજામ આવે

અમારે નથી કોઈ મંજિલ કે સસ્તા ખૂટે કે વિસામેય રોકાઈ જઈએ
મુકામો ઉતારા બધુંયે અમારું આ મારગની માટીમાં રમમાણ આવે

ના ભણવું ન ગણવું રખડવું રઝડવું મને ક્યાંય પુસ્તકનાં પાનાં અડ્યાં નહીં
મને જે અડ્યા તે તરતમાં હવા થઈ તરતમાં નદી થઈને જો આમ આવે

( ધ્રુવ ભટ્ટ )

ઓ દરિયા ! -ચિનુ મોદી

દરિયા ! ઓ દરિયા ! ડુબાડી તો જો;
સૂરજ ! ઓ સૂરજ ! દઝાડી તો જો.

આંખો ઓ આંખો ! છે ચેલેન્જ મારી,
લીલાંછમ બે સપનાં બતાડી તો જો.

ગગન ! ઓ ગગનિયા ! તને કહું છું,
મને તારલા જેમ પછાડી તો જો.

ઘણાં વર્ષથી હું સદેહે અહીં છું,
અહીંથી મને તું ઉખાડી તો જો.

થયા બંધ શ્વાસો ને લોહી અટકતું-
નિર્જીવ છું; પણ, ઉપાડી તો જો.

( ચિનુ મોદી )

કસબામાં-મનીષા જોષી

વન નજીકના એક નાનકડા કસબામાં હું રહું છું.
થોડાંક ઘરોની વસ્તીવાળા આ કસબામાં
આજકાલ ભયનું વાતાવરણ છે.
પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે
બાહર સૂતેલા જણને.
કસબાના પુરુષો રાતપાળી કરીને
વારાફરતે પહેરો ભરે છે.
મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું,
કલ્પના કરી રહી છું એ વાઘની.
કેવો કદાવર હશે એ ?
એના શક્તિશાળી પંજાથી
એ મને પકડમાં લેશે,
મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં…
કે પછી કમરથી ઊંચકીને
દોડી જશે પલકવારમાં ?
એ ઉગામશે એના તીક્ષ્ણ નખ
અને ઉઝરડા પાડશે મારી ત્વચા પર
એ વખતે રોમાંચની એક કંપારી
જરૂર ફરી વળશે મારા શરીરમાં.
મને ખાઈ જતાં પહેલાં
એ એક નજર પરોવશે મારી આંખોમાં ?
મને જોવી છે
એની બે સળગતી આંખો.
પછી ભલે, એ કરી નાખે મને હતી ન હતી.
મારે પાર કરી જવી છે,
વન અને કસબા વચ્ચેની
એ સીમા.

( મનીષા જોષી )

તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો-પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી

જો તમે પ્રવાસ નહીં કરો,
પુસ્તકો વાંચશો નહીં,
જો તમે જીવનનો રવ નહીં સાંભળો,
તમે તમારી પીઠ નહીં થપથપાવો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે તમારું આત્મગૌરવ ગુમાવશો,
તમે બીજાની મદદ લેવામાં કતરાશો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે તમારી આદતોના ગુલામ બની જશો,
દરરોજ એ જ જાણીતા માર્ગ ઉપર ચાલ્યા કરશો,
જો તમે તમારી ઘરેડ છોડશો નહીં,
જુદા-જુદા રંગ પહેરશો નહીં,
અને તમે અજાણ્યા સાથે બોલશો નહીં-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે આંખને ચમકાવતી અને
હૃદયના ધબકારને તેજ કરતી
આવેગોની અનુભૂતિની અને
તેનાં બળૂકાં સંવેદનોની અવગણના કરશો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

તમે તમારા કાર્યસ્થળ અને સ્નેહ-સંબંધથી સંતુષ્ટ ન હોવા છતાં
જો તે બદલશો નહીં,
સલામતી સામે અનિશ્ચિત જોખમ નહીં ઉઠાવો,
જો તમે તમારાં સપનાં પાછળ દોડશો નહીં-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

જો તમે જીવનમાં એક વાર પણ
વાજબી સલાહથી
જાતને,
દૂર ભાગી જવા નહીં દો-
તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો.

( પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી )