સત કહો કે ભ્રમણા-વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા,
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દ્રશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં,
ટહુકા કરશે હમણાં,
સત કહો કે ભ્રમણા.

( વિમલ અગ્રાવત )

વણજાર-ઉષા ઉપાધ્યાય

કાફલો ઊપડવાની તૈયારી હતી,
આખું આકાશ સંકેલીને
ઊંટની પીઠે લદાઈ ગયું હતું,
વહેતી નદીને
મશકમાં બંધ કરી દેવાઈ હતી,
ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓ
રણઝણી રહી હતી,
કાફલો થનગની રહ્યો હતો
ક્ષિતિજની લકીરમાં સમાઈ જવા,
સહુની આંખો મંડાઈ હતી
ઊગમણા દેશ તરફ,
સહુના પગ હવે
આ ઊપડ્યા કે ઊપડશે…
પણ, મારા પગ જાણે ગળી ગયા હતા
હૈયેથી સાદ ઊઠતો હતો-
“અરે થોભો, થોભો !
કોઈ જણસ રહી ગઈ છે
આ વેરણછેરણ નિશાનીઓમાં…”
પણ કોઈ સાંભળતું ન હતું
સૌને ઉતાવળ હતી
આગળ ને આગળ જવાની
ને હું રેતના ઢૂંવાઓ વચ્ચે
રેત થઈને વીખરાતા મારા મનના
કણકણને સમેટવા-બાંધવા
મથી રહી હતી…

( ઉષા ઉપાધ્યાય )

હરે-ફરે છે-ભાર્ગવ ઠાકર

અધકચરી ભ્રમણાનું જાળું ગજવામાં લઈ હરે-ફરે છે,
થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

જાંબુડી તડકાને સ્પર્શી, પળમાં એ સોનેરી કરશે;
ગરમાળા ઘેઘૂર ઉનાળું, ગજવામાં લઈ હરે-ફરે છે.

છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે,
ખપ પૂરતું એ સ્મિત છિનાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વૈરાગી વાઘાની સળનાં ચાઠાં ક્યાંથી હોય શરીરે !
એ તો કાયમ પોત સુવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઊઘડે ?
શંકાનું લોખંડી તાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

( ભાર્ગવ ઠાકર )

પ્રભુ તો લાંબી રજા ઉપર છે-ગૌરંગ ઠાકર

કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે,
ધરાથી લઈને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયાં,
બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઊગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડુબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

દરેક બાળકના સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર,વહાલ થઈને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

પ્રથમ તમારે હવા ને અહીંયાં, બનાવવાની છે શ્વાસ સૌનો,પછીથી શ્રદ્ધા જિવાડવાની,
તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

( ગૌરંગ ઠાકર )

સરહદ હતી-હર્ષદ ચંદારાણા

ચાલ દરિયે, ઝંખના બેહદ હતી,
નાવ પાણી-પાણી ને ગદગદ હતી.

પત્ર હાથોહાથ દેવા ઈચ્છતી,
આ હૃદયની લાગણી કાસદ હતી.

ચાંદનીનું તેજ પણ કાળું હતું,
મન વસી તિથિ નિરંતર વદ હતી.

રોજ વધતું શહેર, ઘટતું ગામડું,
‘ક્યાં જવું’ વિચારમાં પરિષદ હતી.

મોલ ઉપર હાથ હળવે ફેરવી,
આ હવા આવી, તે નખશીખ મદ હતી.

એથી આગળ ના કશું જોઈ શક્યો,
તું જ મારી દ્રષ્ટિની સરહદ હતી.

( હર્ષદ ચંદારાણા )

તને…-દુર્ગેશ ઉપાધ્યાય

તને યાદ છે ?
આવા જ વરસતા એક
શ્રાવણમાં સાવ અડોઅડ,
સાવ અડોઅડ ભીંજાતાં
આપણે ઊભાં હતાં;
ને ત્યારે
આપણી આંખોમાં
છવાયેલું હતું-
લીલુંછમ ઘાસ.
અને આજે,
આ શ્રાવણમાં
એવા જ વરસાદમાં
તારી આંખોમાં છે-
ખુલ્લા આકાશનું મૌન
અને,
મારી આંખોમાં
યાદના દરિયાનો ઘૂઘવાટ….!!

( દુર્ગેશ ઉપાધ્યાય)

પડછાયા-રાધિકા પટેલ

૫.
એક દિવસ
પડછાયાથી પીછો છોડાવવા-
હું મારો જ પડછાયો
ઘોળીને પી’ય ગયો;
પડછાયો આખા શરીરમાં ફેલાવા લાગ્યો.
માથું ચકરાવા લાગ્યું.
એક મોટો કરડાટ….
અને ટુકડે-ટુકડા થઈ વેરાઈ ગયો હું…!
દરેક ટુકડામાંથી ઊભો થયો
ફરી
પડછાયો.

૬.
ખુલ્લી આંખે
આમ-તેમ
અહીં-તહીં ભટક્યા કરું છું
પડછાયો પહેરીને…!
કંટાળીને મેં આંખો મીંચી દીધી.
ફેંકી દીધો પડછાયાને-
ક્ષિતિજની પેલે પાર.
એ ફરી આવી ગયો…
સપનાઓ પહેરીને
આંખોની આગળ-પાછળ એ રમ્યા કરે છે
અડકો-દડકો…!
ખો આપ્યા કરે છે
સૂર્યને અને સપનાઓને
વારાફરતી….!

૭.
આખી રાત સપનાઓથી
ચોળાયેલા-ચૂંથાયેલા પડછાયા પર
ઈસ્ત્રી ફેરવવા આવી ગયો
સૂરજ…!

( રાધિકા પટેલ )

પડછાયા-રાધિકા પટેલ

૧.
મેં
પડછાયામાંથી
એક પંખી બનાવ્યું;
અને એ ઊડી ગયું આભમાં-
ઊંચે ને ઊંચે…!
હું ઊભો છું અહીં-
ખાલીખમ વૃક્ષની જેમ.

૨.
પડછાયો ચીતરી
મેં એક હરણ બનાવ્યું;
હું એને સ્પર્શ કરું-એ પહેલાં જ એ ભાગી ગયું…!
હું દોડ્યા કરું છું-
એની પાછળ-પાછળ…..
આજ લગી.

૩.
મારા ઘરના પછવાડે
મેં એક પડછાયો વાવ્યો,
સીંચી-સીંચીને મોટો કર્યો;
હવે એ બની ગયો છે-
ભોરિંગ વડલો…!
એની વડવાયુએ પાશમાં લીધું છે-
મારું આખું ઘર.

૪.
મેં મારા પડછાયાને
એક જાદુઈ બોટલમાં બંધ કરીને રાખી મૂકેલ છે;
હું ગમે ત્યારે
“આબરા-કા-ડાબરા…” બોલીને
એમાંથી કાઢ્યા કરું છું-
અવનવી રંગબેરંગી કવિતાઓ…!

( રાધિકા પટેલ )

બની ગયો-‘બેજાન’ બહાદરપુરી

બડભાગિયો ખરો તું સૂરજ બની ગયો !
હું કમનસીબ એવો કે રજ બની ગયો !

તું વિહરે ગગનમાં કેવા દમામથી,
ને સ્પર્શવા તને હું ગોરજ બની ગયો !

સરવર જળે રહી હું પંકાયો પંક થઈ,
ને નીરમાં રહી તું નીરજ બની ગયો.

તારી તલાશમાં હું યાયાવરી કરીને,
જો, અન્યની નજરમાં અચરજ બની ગયો.

‘બેજાન’ આવવાનો દઈ કોલ તું ગયો,
સહ્યાદ્રિની હું શાશ્વત ધીરજ બની ગયો.

( ‘બેજાન’ બહાદરપુરી )

વારતામાં-મયંક ઓઝા

સદીઓ ખૂલી રહી છે એક પળની વારતામાં,
દરિયાઓ ઊમટ્યા છે વાદળની વારતામાં.

પ્રત્યેકને મળે છે કેવો મજાનો અવસર !
છે ઘાસનું તણખલું ઝાકળની વારતામાં.

ના થઈ શક્યો વિસામો કે કોઈનો સહારો,
કાંટો મને ય વાગ્યો, બાવળની વારતામાં.

આનંદ, ભય, ઉદાસી, ઉત્સાહ ને હતાશા,
ડોકાય એક સાથે અટકળની વારતામાં.

મેળો ન શબ્દનો છે, ના છે કલમની ચીસો,
હોડી તરી રહી છે, કાગળની વારતામાં.

( મયંક ઓઝા )