આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

.

.

શાંતિના આ શબ્દો… – માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

પૃષ્ઠ : ૬૩

કિંમત : રૂ. ૨૫/-

મા એટલે…(પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ)

Mummy in Fort Wyne (USA)
(23.08.1938 – 25.12.2012)

‘માની શું ઉંમર હતી ? માને ઉંમર નથી હોતી.

શું નામ હતું ? માને નામ નથી હોતું.

મા ક્ષર નથી હોતી, અ-ક્ષર છે.’

( ચંદ્રકાંત બક્ષી )

*

માતા કદી મરતી નથી,

અને બાળક કદી મોટો થતો નથી.

( બરકત વીરાણી ‘બેફામ’ )

*

મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી.

*

મા ક્રિયાપદ છે, નામ નથી.

( સુરેશ દલાલ )

*

મા એટલે મૂંગા આશીર્વાદ

મા એટલે વહાલ તણો વરસાદ.

મા એટલે વહાલ ભરેલો વીરડો

મા એટલે મંદિર કેરો દીવડો.

( દેવેન્દ્ર ભટ્ટ )

*

મરે છે ત્યારે સ્ત્રી મરે છે, માતા કદાપિ મરતી નથી.

( બરકત વીરાણી ‘બેફામ’ )

વિપર્યય – માર્જોરી પાઈઝર

પ્રારબ્ધના ફાંસલામાં કે હતાશામાં સપડાશો નહીં,

વ્યથા અને કદરૂપાપણાથી દબાઈ-કચડાઈ ન જશો,

કારણ કે બધાંની પાછળ રહી છે વિશ્વની અપરિમિતતા,

દરેક ક્રિયાની વિઅપરીતક્રિયાનું નિર્વિવાદ સૌંદર્ય ને સંપૂર્ણતા,

આરંભમાં આરંભાયેલા અંતની અપરિહાર્યતા,

અંતથી આરંભાયેલા આરંભની અપરિહાર્યતા.

અનેકની વુપુલતામાંથી જન્મી છે અંતિમ એકતા.

અંતર્ગત એકતામાંથી જન્મ્યા છે લાખો, કરોડો,અબજો, અનેકાનેક.

કોઈ એક નથી અને છતાં બધાં એક છે.

હતાશાથી ફાંસલામાં સપડાશો નહીં,

કારણ કે કદાચ હતાશામાંથી કેટલીયે નવી વસંત જન્મશે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

હું બહાર આવી રહી છું

શોકના દરિયામાંથી,

અનેક મૃત્યુની દિલગીરીમાંથી,

કરુણતાની અપરિહાર્યતામાંથી,

ગુમાવેલા પ્રેમમાંથી,

વિનાશના ભયાનક વિજયમાંથી.

હું જોઈ રહી છું,

જીવન, જે જીવવાનું છે,

હાસ્ય, જે હસવાનું છે,

આનંદ, જે માણવાનો છે,

પ્રેમ, જે સિદ્ધ કરવાનો છે.

છેવટે હું શીખી રહી છું

જીવનનો મહાવિજય.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

તોફાની પાણી – માર્જોરી પાઈઝર

કેવાં તોફાની પાણીમાં હું તરી રહી છું

છેલ્લા કેટલાક મહિનાઓથી !

હું જાણતી નથી કે કિનારે પહોંચીશ

કે વચ્ચે જ ડૂબી જઈશ.

હૃદય અને આત્માના કેવા ઝંઝાવાત મેં સહ્યા છે,

ફંગોળાઈ છું અહીં-ત્યાં;

કેટલીયે વાર હતાશામાં,

આ બધી વ્યથા ને આંધીને કારણે

મેં બધી જ આશા છોડી દીધી હતી

અને છતાં, ભાંગી પડેલી ને થાકેલી,

અનિશ્ચિત, હલી ઊઠેલી પણ હજીયે આખેઆખી,

હું લંગડાતી લંગડાતી, આશ્રય ને મરમ્મત માટે

બંદર તરફ જાઉં છું.

 

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

હિંમત – માર્જોરી પાઈઝર

ભય છવાઈ જય ત્યારે હિંમત એકઠી કરો;

અસીમ બોજો હોય ત્યારે એ પૂરી પડાય છે,

પૂરતી અને જોઈએ એ કરતાં વધારે બધા માટે

કટોકટીના સમયે, ભયાનક ખોટના સમયે

હિંમત એકઠી કરવાનું ન ભૂલો-

અગાધ ગર્તામાં એ જીવનદોરી છે.

જ્યારે બીજું બધું જ નિષ્ફળ જાય,

ત્યારે પોતાને મદદ કરવા હિંમત ભેગી કરો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

બળ – માર્જોરી પાઈઝર

હું મને

ભીતરથી સબળ બનાવી રહી છું.

મારા આત્માને બાંધવા માટે

પોલાદના પટ્ટા વણી રહી છું.

મારા હાથને મજબૂત બનાવવા

એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું-

થાક અને સહનશક્તિના

તાણાવાણાથી

હું મારા મનને દ્રઢ કરી રહી છું.

જેમણે વેદના ભોગવી છે એ તમામનાં

ભજનકીર્તન અને ગીતોના બંધનથી

હું મારી શ્રદ્ધાને બાંધું છું.

સમય થતાં,

સરસ પોલાદની જેમ વળવા માટે

હું સ્વસ્થ થઈશ

પણ ભાંગી પડીશ નહીં.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

વ્યથામુક્તિ – માર્જોરી પાઈઝર

.

મારી જિંદગી ખંડિયેર છે, નિષ્ફળતા છે, એમ અનુભવતી,

આસપાસની બધી બાબતોથી અળગી

હું ઉદાસીનતાથી એકલવાયી બેઠી.

સાવ ભાંગી પડેલી હું

ભીતરથી ખાલીખમ હતી.

જીવન કે મૃત્યુ માટે હવે

જરાયે દરકાર નહોતી.

મારાં સંતાપ અને ઉદાસીનતામાં

હું એકલી હતી

પણ ઉદાસ થઈને હું જમીન પર બેઠી,

ત્યાં તો સૂર્યે મારી તરફ હાથ લંબાવ્યો

ને મારા મોઢાને સ્પર્શ કર્યો

એટલે મારી વ્યથામુક્તિનો આરંભ થયો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

નિર્બલ – માર્જોરી પાઈઝર

હું વિનાશથી નિર્બલ થઈ જાઉં ત્યારે

મને સમુદ્ર પાસે જવા દો.

અતાગ સમુદ્રને કાંઠે મને બેસવા દો.

રાતદિવસ સતત પછડાતાંને ઊછળતાં રહેતાં

મોજાંઓ મને નિહાળવા દો.

મને સમુદ્રકાંઠે બેસવા દો

અને કાતિલ સમુદ્રી પવનોને

પોતાના ઠંડાગાર ભીના હાથ વડે મારા ગાલ પર

થપાટો મારવા દો

હું ફરી પાછી સ્વસ્થ થાઉં ત્યાં સુધી

રાતે મને આકાશ નિહાળવા દો

અને તારાઓને વાત કરવા દો

અસીમ ક્ષિતિજો અને અજાણ્યાં વિશ્વોની,

હું ફરી પાછી શાંત ને સબળ થાઉં ત્યાં સુધી.

   .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પીછેહઠ – માર્જોરી પાઈઝર

મારો આત્મા કેમ વારંવાર

ધકેલે છે પોતાને હતાશાની ઊંડી ગર્તામાં ?

પછી મારી દુ:ખી અવસ્થા બદલ

હું ફક્ત રડી શકું છું અને

એકલી રહેવા ઇચ્છું છું.

પછી મારા કોચલામાં ભરાઈ જાઉં છું

અને મારે કાંઈ કહેવાનું નથી.

અને છતાં બહાર બધું સહીસલામત,

સૂર્ય પ્રકાશે છે, બાળકો રમે છે,

અને હું એકલી જ બેતાલ.

આવ, આવ, મારા હૃદય, હિંમત રાખ,

વ્યથાનો સામનો જલદી કર

અને ફરી પાછું જીવન પાસે જા.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )