રમત – ( સિતાંશુ યશશ્ચંદ્ર )

.

હવે તમતમારે રમો નિરાંતે ફીલ્ડમાં,

હું તો જરાક બેઠો છું,

બાઉન્ડરી લાઈનની બહાર,

બેન્ચ ઉપર.

ના, ના, તમારી સાથે જ છું: પણ હવે જરા ત્યાં.

આટલો બધો ટાઈમ ગ્રાઉન્ડમાં રમ્યો છું

એટલે રમતની જે મઝા છે એ તો જાણું જ ને, પૂરેપૂરી ?

તમે દિલથી રમો, દિમાગ લગાવીને, કૌવત કસીને દેહનું.

તમારી એકેએક ખૂબીને જોનારો બેઠો છે

બાઉન્ડરી લાઈનની સહેજ જ બહાર, એની ગેરેન્ટી.

એકેએક ખૂબી તમારી જાણે છે, તમારી ચપળતા

અને ચાલાકી અને અજોડ આવડત માણે છે ને બિરદાવે છે,

બહારથી,

એ ખ્યાલે મેદાનમાં તમનેયે મઝા આવશે થોડીક વધારે.

ને ભૂલો.

મેંયે એટએટલી ભૂલો કરી છે,

રમતમાં ને રમતમાં,

કે તમે એવી ચિંતા કરતા નહીં.

તમારાથી જો થઈ જાય કોઈ ભૂલ, રમતમાં,

તો થાય.

મારાથીયે થઈ’તી,

વાંધો નહીં.

ને હું ક્યાં અમ્પાયર છું, કે સ્કોરર ?

આ તો જરા બેઠો છું, બે ઘડી નિરાંતે.

રમો તમતમારે નિરાંતે, મન મૂકીને,

કોઈ બીજું છે જ નહીં, રમત સિવાય, એમ;

જાણે સ્ટેડિયમ ખીચોખીચ છે, ચારે તરફ, એમ.

ખાલીપા અને ખીચોખીચ વચ્ચેની ખડીની લાઈનને

લગભગ અડીને

હાલ તો હું બેઠો છું બે ઘડી.

જોઉં છું મોજથી, જરાક બાઉન્ડરી બહારથી,

જાણે તમારી સાથે જ છું.

 .

( સિતાંશુ યશશ્ચંદ્ર )

સમય-ગાથા – સુધીર પટેલ

.

કશું ના હતું એ સમયમાંય સરતો સમય,

ને બ્રહ્માંડમાં રોમેરોમે ફરકતો સમય !

 .

કદી પદ્મ સરખો પમરતો સમય !

વખત પર કળિકાળ રૂપે વીફરતો સમય !

 .

પહેરીને પીળાશ ધીરેથી ખરતો સમય !

કદી રૂપ કૂંપળનું લૈ પાછો ફરતો સમય !

 .

અગોચર ફરે જ્ઞાન ત્રિકાળનું લૈ ભીતર,

પૂછે કોઈ, ઉત્તર બધા લૈ ઊભરતો સમય !

 .

કદી થૈને વામન, સહજ બાથમાં લ્યે ત્રિલોક;

કદી ખુદના વિરાટની ઝાંખી કરતો સમય !

 .

સમય કોને કે સાંભળે આ સમયને ‘સુધીર?’,

તો કોલાહલોની વચ્ચે મૌન ધરતો સમય !

 .

( સુધીર પટેલ )

…પણ ખરો – સુરેન્દ્ર કડિયા

ઝરણું કદી, કદી હું નદી હોઉં પણ ખરો

તાજા-કલમ લખું ને પછી રોઉં પણ ખરો

 .

કોઈ કહો મને કે લઘુથીય લઘુ શું ?

કીડીની પાદુકા મળે તો ધોઉં પણ ખરો

 .

મણકાની જેમ હું વીખેરી દઉં મને પ્રથમ

ભેગો કરી-કરીને પછી પ્રોઉં પણ ખરો

 .

મુઠ્ઠીમાં ઉછેરું છું નભોમય નિબિડતા

તારકનું તેજ ટીપે-ટીપે ટોઉં પણ ખરો

 .

સંતોએ ગોઠવી છે રમત, બસ રમ્યા કરું

ખુદને જડું જરીક, જરી ખોઉં પણ ખરો

 .

( સુરેન્દ્ર કડિયા )

કહો કે એકડો ઘૂંટું ! – ભાનુપ્રસાદ પંડ્યા

.

ગણિતમાં સાવ છું કાચો – કહો કે એકડો ઘૂંટું !

પડું વે’વારમાં પાછો – કહો કે એકડો ઘૂંટું !

 .

જનો કાબિલ છે ભાગાકારમાં-શીખું ગુણાકારો,

પડે ખોટા ગુણાકારો – કહો કે એકડો ઘૂંટું !

 .

પઢાવે બાદબાકીના વડીલો દાખલા અઘરા,

મથું કરવા હું સરવાળો – કહો કે એકડો ઘૂંટું !

 .

ભણાવો દોસ્તીના પાઠો ગુરો ! દ્રષ્ટાંત આપીને,

ન જાણું પ્રેમનો પાડો – કહો કે એકડો ઘૂંટું !

 .

તમે તો લાલ પીળો, વાદળી, મૂળ રંગ સમજાવ્યા,

જવા ભૂલી હવે કાળો – કહો કે એકડો ઘૂંટું !

 .

હિસાબો પાપપુણ્યોના સમજવાની કરું કોશિશ,

રહ્યો વીતી આ જન્મારો – કહો કે એકડો ઘૂંટું !

 .

કિતાબો ન્હોય – દીવાલો, કસોટી ન્હોય-ઘૂંટવાનું,

ન મળતાં એવી શાળાઓ – કહો કે એકડો ઘૂંટું !

 .

( ભાનુપ્રસાદ પંડ્યા )

…ત્યારની વાત – લલિત ત્રિવેદી

.

( એક હુસ્નેખયાલ )

 .

પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની આ વાત છે…

આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની આ વાત છે…

 .

સૃષ્ટ પર પ્હેલી વખત એક જ થવા મળતાં’તાં ફૂલો ને પવન

પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની આ વાત છે…

 .

પાણીને ખળખળ મળી…કવિતા મળી મરમરની હરએક વૃક્ષને

પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું ત્યારની આ વાત છે…

 .

ગીત સૂણી કોઈ બોલ્યું મ્હેક છે ને કોઈ બોલ્યું ગ્હેક છે

ઋતુઓએ માટીનું ભાષાંતર કરેલું ત્યારની આ વાત છે…

 .

શું પછી ટશરો સખીની આંખમાં ફૂટી અને ટહુકા થયા !

એક જણ પલળ્યો અને ઝરણું ફૂટેલું ત્યારની આ વાત છે…

 .

ફૂલ…પંખી…પ્રેમીઓ… એકાંતમાં ઘરથી અલગ મળતાં હતાં

તે સ્થળે “ઉદ્યાન” નામે પાંગરેલું ત્યારની આ વાત છે…

 .

તે સમે વરસાદમાં આવી કસક ને મોરને રંગો ફૂટ્યા

મેં તને જોઈ ને અજવાળું થયેલું ત્યારની આ વાત છે…

 .

તું પછી આઘો જઈ કોઈ સ્થળે રહેવા ગયો તે યાદ કર

આપણું એક જ હતું તે ઘર પડેલું ત્યારની આ વાત છે…

 .

( લલિત ત્રિવેદી )

એક સપનું – હિતેન આનંદપરા

.

એક સપનું રોજ સાંજે આંખમાં આવી ચડે છે,

ને ભૂલાયેલી દિશામાં સ્મૃતિઓ ટોળે વળે છે.

 .

શિલ્પ કોતરવાની ઘટના તો અનુસંધાન કેવળ,

સૌ પ્રથમ તો શિલ્પી એને પોતાના મનમાં ઘડે છે.

 .

આપણો વારો હવે આવ્યો જ સમજો એમ ધારી,

બોલવા તૈયાર થઈએ એ ક્ષણે પડદો પડે છે.

 .

હોય વીંટી કે પછી તાવિજ કે માળા વગેરે,

જેમની શ્રદ્ધા હો જેવી, એમને એવા ફળે છે.

 .

પ્રેમલગ્નોમાં વિકટ જે પ્રશ્ન છે એ કુંડળીનો,

કોઈની એમ જ મળે છે, કોઈ એને મેળવે છે.

 .

( હિતેન આનંદપરા )

જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી

માનવીની જાતનો ઈતિહાસ મેં જોયો નથી,

જિંદગી જોઈ નથી કે શ્વાસ મેં જોયો નથી.

 .

તું મને મંદિર કે મસ્જિદને બતાવી પૂછમાં,

ત્યાં નહીં મસ્તક નમે, વિશ્વાસ મેં જોયો નથી.

 .

તું કહે છે રોજ ઊગે સૂર્ય તારા શ્હેરમાં,

કોઈ પણ ચ્હેરા ઉપર અજવાસ મેં જોયો નથી.

 .

સાવ ખોટી ઓળખાણો આપશો ના શેખજી,

સર્વવ્યાપી આ ખુદાને ખાસ મેં જોયો નથી.

 .

માનવીને શોધવાની વાત છે તો સાંભળો,

આપણામાં છે નહીં, ચોપાસ મેં જોયો નથી.

 .

( પરાજિત ડાભી/તમન્ના આઝમી )

આયખામાં… – ‘વિવશ’ પરમાર

.

આંખમાં તસવીર તારી તરવરે છે આજ પણ;

ભીતરે લાગેલ અગ્નિ ક્યાં ઠરે છે આજ પણ ?

.

ઝૂરવાનું ભાગ્યમાં મારા લખેલું છે સદા;

આંખમાં ઉજાગરા હીબકા ભરે છે આજ પણ.

 .

પામવાની ઝંખના પણ ક્યાં સુધી લઈ ગઈ મને;

શબ્દ જ્યાં એરણ પરેથી અવતરે છે આજ પણ.

 .

એ જ છે રસ્તા અને છે એ જ જાણીતી સફર;

તે છતાં કો’ માર્ગ મારો આંતરે છે આજ પણ.

 .

પાંદડું ખરતા અટૂલી ડાળખી ઝૂર્યા કરે;

કૂંપળો જેવું નસેનસ પાંગરે છે આજ પણ.

 .

ઝાંઝવા માફક નસીબ આજેય પણ છળતું મને;

આયખામાં રણ સરીખું વિસ્તરે છે આજ પણ.

 .

( ‘વિવશ’ પરમાર )

હું ખોવાયો છું ! – સતીશ વૈષ્ણવ

.

મેં છીંકણી રંગનું પેન્ટ

અને ચોકડીવાળો બુશકોટ પહેર્યાં નથી.

મને કપાળે વાગ્યાનું નિશાન નથી.

મને ગુજરાતી વાંચતાં, લખતાં આવડે છે.

હું વાંચતી વખતે ચશ્માં પહેરું છું.

મને ડાબા હાથે કામ કરવાની આદત નથી.

મારા માનવા પ્રમાણે…

હું અસ્થિર મગજનો નથી.

મારા માતા-પિતાની તબિયત સારી છે.

મારી પત્નીએ જમવાનું છોડી દીધું નથી.

મારો પુત્ર નિશાળે નિયમિત જાય છે.

કોઈએ મને ઠપકો આપ્યો નથી.

કોઈને કહ્યા વિના હું ક્યાંય ચાલ્યો ગયો નથી.

ઘરમાં જ બેઠો છું.

છતાં

હું ખોવાયો છું !

 .

( સતીશ વૈષ્ણવ )