માણસ : એક મહાશાળા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

આકાશને કહો

થોડું સંકુચિત બને,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

પવનને કહો

થોડો પક્ષપાત રાખે,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

પંખીને કહો

ચણતાં પહેલાં દાણા ચાખે,

થોડુંક તો

માણસ પાસેથી શીખે !

 

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’

.

હું

એટલે

અધૂરા પત્રો

ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઈ ક્ષણની શાહી

અગણિત રાતોના મીઠા-કડવા ઉજાગરાઓ

અધૂરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે

અડધોઅડધ સળગાવી દીધેલી ડાયરી

ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ

ટેબલ પર જ્યાં ત્યાં વીખરાઈ પડેલા શબ્દો

પીળાશથી ઘેરાયેલો પહાડ

ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ…

અરધી રાતે આંખ વચાળે ફફડી ઊઠેલાં સપનાંઓની ચીસ

બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મૂરઝાઈ ગયેલું લોહી રંગનું ફૂલ

અને

તું

એટલે

આ બધાયનું મૂળ !

‘શ્રદ્ધા…’

 .

( જિગર જોષી ‘પ્રેમ’ )

 

આજે ફરી – પન્ના નાયક

.

આજે ફરી ખુશ છું

કેટલે વર્ષે

મારી જાળીવાળી બારી પર

દૂધધોયો શરદનો ચાંદ ટંકાયો છે.

આમ તો

જ્યારે નજર થતી

ત્યારે

હાથમાં આવતું

કાળુંધબ્બ અંધારું

અથવા

અથડાતો

કોઈ તોફાની ચહેરો

ક્યારેક દેખાતી

બારી નીચે બેઠેલી

ભૂખી બપોર

તડકા નીચે પોતાને સંતાડતી.

કોઈ કોઈ વાત તો

શૂન્યનાં મીંડાઓ

અનેક પ્રશ્નાર્થને ગળી જતાં !

પણ

આજે તો

મઘમઘતી હવા

ચાંદનીનાં વસ્ત્રો પહેરી

લ્હાણી કરે છે

વીસરાયેલાં ગીતોની.

થાય છે-

આજની રાતને

મારા કાવ્યસંગ્રહના

ઉઘડતે પાને મૂકી દઉં !

 .

( પન્ના નાયક )

લે વાત કર – હનીફ સાહિલ

ખૂબ ચર્ચાયો હતો, લે વાત કર

એક પડછાયો હતો, લે વાત કર

.

બહાર-ભીતર સૌ દિશામાં વિસ્તરી

હું સમેટાયો હતો, લે વાત કર

.

અપરિચિત એ જ લાગે છે હવે

ખૂબ સમઝાયો હતો, લે વાત કર

.

જલપરીની આંખના ઊંડાણમાં

સૂર્ય સંતાયો હતો, લે વાત કર

 .

પાંગરે છે એ ગઝલ થઈને હવે

શબ્દ ધરબાયો હતો, લે વાત કર

 .

( હનીફ સાહિલ )

મારી પેઢી – માર્ટિન ઑલવુડ

.

મારી પેઢીએ ઝંખના કરી

એક મા-ની

તેને સાંપડી

પત્તાં રમનારી એક પૌઢા !

 .

સૂતી વેળાએ મારી પેઢી ઝૂરતી’તી

એક બાપને માટે

પેલા થાકીને ચૂર થયેલા વેપારી માટે નહિ !

 .

મારી પેઢી તલસતી હતી,

એક સરસ ઘર માટે

અને તેને મળી હિજરત !

 .

મારી પેઢીએ શમણાં જોયાં

કાવ્ય લખવાનાં,

તેને જાહેરખબર લખવાની નોકરી મળી !

 .

એક વધારે સારી દુનિયા રચવા ઈચ્છતી’તી

મારી પેઢી :

તેણે નરસંહાર માટે વધારે સારાં શસ્ત્રો સર્જ્યાં !

.

મારી પેઢી જન્મી

ત્યારથી જ

પોતાની મૈયતમાં મદદ કરતી આવી છે !

 .

સુંદર, સુડોળ બલિષ્ઠ દેખાય છે

મારી પેઢી :

મૂંગા અરીસાની સામે ઊભી હોય ત્યારે સ્તો !

 .

( માર્ટિન ઑલવુડ, અનુ. ઉદયન )

 .

મૂળ કૃતિ : સ્વીડિશ

બીલીપત્ર – મનસુખલાલ ઝવેરી

૧.

આ સાંજરે ઉદય શો અહીં સૂર્ય કેરો

કે એહનાં કિરણના બસ સ્પર્શમાત્રે

મારાં વિષાદ, કડવાશ, વિરાગ કેરાં :

ઊડી ગયાં ધુમ્મ્સ ! ને

ભૂગર્ભમાં ક્યહિંય ડૂકી ગયેલ પેલી

સૌએ સજીવ થઈ ગૈ સરવાણી સામટી !

ગાઈ રહ્યું વિહગ ગીત ગળું ભરી ભરી !

 

૨.

તારી આંખે અજબ ભર્યું આ શું ય કે

આ શું તેણે

ખેંચી મારા મહીંથી મુજને,

મૂકી દીધો અનન્તે !

તું દ્વાર મારું અમરત્વનું :

સ્પર્શ તારે

મારો ગયો મરણનો થઈ પાશ ઢીલો !

 

૩.

તારી આંખમાં એવું કયું સંગીત ભર્યું છે

કે તે મારા અહંના નાગને

એના દરમાંથી બહાર ખેંચી કાઢે છે :

ને પોતાને તાને તાને

બંકિમ છટાથી ડોલાવીને,

વિષધરને બનાવી દે છે સુન્દર !

 

( મનસુખલાલ ઝવેરી )

આપણે – જયન્ત પાઠક

સૂરજને જોવાની તાલાવેલીમાં

આખી રાત જાગીએ

ને પછી

સૂરજ વગરનું સવાર પડે !

આખી રાત

આકાશના મધપૂડાને નિચોવ્યા કરીએ

મધમાખોના ડંખ સહીએ

ને પછી સવારમાં

કાણો પડિયો ચાટવા મળે !

પંખીને પામવા

પહેરેલું વસ્ત્ર નાખીએ

ને

ભાયગ આગળ ભોંઠા પડીએ !

જિંદગીને ખભે બેસાડીને

જાળવી જાળવી ચાલીએ

ને ચાલી ચાલી આવીએ

આખરે તો

એક નાજુક ટેકે ટેકવાઈ રહેલી

મરણની ભેંકાર ભેખડ ઉપર !

આપણી ધારણાઓની ધાર

વારે વારે વાગ્યા કરે

ને આપણે

લોહીલુહાણ…લોહીલુહાણ…

 

( જયન્ત પાઠક )

શું થયું ? – કમલ વોરા

.

રેતીમાં પગ ખોડવાથી શું થયું ?

કે રણોમાં દોડવાથી શું થયું ?

 .

કાચ તો યે કાચ બસ કેવળ રહ્યો

આયનાઓ ફોડવાથી શું થયું ?

.

તું સમયના સાપનો ફુત્કાર જો

કાંચળી તરછોડવાથી શું થયું ?

 .

રક્તમાં ઘૂમતાં વમળ અટક્યાં નહીં

શબ્દ યાદો જોડવાથી શું થયું ?

.

જો દિશાઓ આભ આ સામે ઊભા

માત્ર ભીંતો તોડવાથી શું થયું ?

 .

( કમલ વોરા )

મૃત્યુ – પ્રકાશ દવે

.

બારીમાંથી

રોજ ડોકિયું કરી

પાંગરી રહેલા વૃક્ષને

હું નિરખ્યા કરું છું

 .

વીતેલા પ્રસંગોને

તપાસવા માટે

હું રોજ એક એક પાંદડું તોડી

માઈક્રોસ્કોપ હેઠળ

તેનું નિરીક્ષણ કરું છું

.

અને વિચારું છું

કે

આ વૃક્ષને

પાનખર સાથે કંઈ સંબંધ ખરો ?

 .

( પ્રકાશ દવે )

શાશ્વત સમુદ્ર – માર્જોરી પાઈઝર

.

સમુદ્રકિનારે મોજાંનાં તોફાન સામે

હું બેસું છું ત્યારે

મારી છાતી કૂટું છું

અને મને થયેલી ઈજા માટે રડું છું

અને તોયે મોજાં ઘૂઘવ્યા કરે છે.

હું નહીં હોઉં ત્યારેય,

મારા બધા જખમો અને શોક

સમયના સમુદ્રમાં ભુલાઈ ગયા હશે ત્યારેય

એ આમ જ ઘૂઘવ્યા કરતાં હશે.

હું અંતિમ નિદ્રામાં સૂતી હોઈશ ત્યારે

શાશ્વત મોજાં

આ રેતીને ધોઈ નાખશે

આજે ધોઈ નાખી છે એમ જ.

હે શાશ્વત સમુદ્ર,

મારા શોક અને જખમોને ધોઈ નાખ

અને મને ફરી પાછી સ્વસ્થ બનાવ.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )