શાંતિનિકેતન (ચિત્રકથા-૨)

સંતોષાલય

.

સંતોષાલય

.

સંતોષાલય

મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં આવ્યું.

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

.

.

દેહલી

નવા ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘર છે એનું નામ દેહલી. ૧૯૦૯માં એને બનાવવામાં આવ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ કવિ એકલા ઘણાં દિવસો સુધી આ ઘરમાં રહ્યા હતા. અહીં તેમણે અનેક કાવ્યો અને નવલકથાઓની રચનાકરી. વર્તમાનમાં દેહલીમાં ‘મૃણાલિની આનન્દ પાઠશાળા’ નામે બાળકો માટે વિદ્યાલય ચલાવવામાં આવે છે. કવિપત્નીના સ્મરણમાં ૧૯૬૧માં આ શિશુ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

શાંતિનિકેતનના મંદિરની પાસે પૂર્વ દિશામાં એક ઉંચો માટીનો ઢગલો છે જેનું નામ છે ‘તીન પહાડ.’ આ એક નાનકડા પહાડ જેવું છે. જેના ઉપર વિશાળ વડનું વૃક્ષ છે. પહેલા એની સામે એક પાણી વગરનું તળાવ હતું. મહર્ષિ દેવેન્દ્રનાથે શાંતિનિકેતન માટે પાણીની સમસ્યા દૂર કરવા આ તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ એમાં પાણીનો સંગ્રહ થયો નહીં. તળાવ ખોદતી વખતે જે માટી નીકળી હતી તેનાથી ત્રણ માટીના ઢગલા બન્યા. આ કારણથી જ આ જગ્યાનું નામ તીન પહાડ પડ્યું. બાદમાં બે ઢગલાનો નાશ થયા પછી પણ આ જગ્યાનું નામ તીન પહાડ જ રહ્યું. દેવેન્દ્રનાથ તીન પહાડ પાસે ઉભા રહીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા અને અહીં જ ધ્યાનમગ્ન થતા હતા. શિશુ રવીન્દ્રનાથ અહીં એકલા ફર્યા કરતા હતા.

.

તાલધ્વજ

.

તાલધ્વજ

.

તાલધ્વજ

ઉપાસના મંદિરની પાસે શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે ‘તાલધ્વજ’ આવેલું છે. તાડના વૃક્ષની આજુબાજુ ગોળાકાર કરીને માટીથી આ ઘર બનાવવામાં આવ્યું છે.  આશ્રમના શરૂઆતના સમયના શિક્ષક તેજસચંદ્ર સેન અહીં વસવાટ કરતા હતા. રવીન્દ્રનાથે ‘વનવાની’ કાવ્ય તેજસચંદ્ર માટે લખ્યું હતું જેમાં તેમને ‘કુટીરવાસી’ કહીને સંબોધ્યા હતા. વર્તમાન સમયમાં અહીં આશ્રમની મહિલાઓની કાર્યચર્ચાનું કેંદ્ર છે.

                                                                                                                                                                                          ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૧)

શાંતિનિકેતનની પહેલા મુલાકાત વિશે લખ્યું હતું અને સ્કુલમાં માઈક પર રજૂઆત કરવાની તક પણ મળી હતી. જે અહીં સાઈટ મૂકવાની ઈચ્છા છે પણ ક્યાં મૂકાઈ ગયું છે તે મળતું નથી.

તો હાલ મારી શાંતિનિકેતનની બીજી મુલાકાત ચિત્રોમાં રજૂ કરું છું. મેં જે ક્રમમાં ફોટોગ્રાફ્સ લીધા હતા તે પ્રમાણે જ હું અહીં મૂકીશ.

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

શાંતિનિકેતનની દક્ષિણ દિશામાં પ્રથમ ફાટક પાસે દીવાલોથી ઘેરાયેલું નળિયાની છતવાળું જે ઘર છે એનું નામ ‘દ્વિજ વિરામ’. રવીન્દ્રનાથના મોટાભાઈ દાર્શનિક દ્વિજેન્દ્રનાથ ટાગોર પોતાના જીવનના અંતિમ સમયમાં અહીં રહ્યા હતા. આ ઘરનું નામકરણ સ્વયં રવીન્દ્રનાથે કર્યું હતું. દ્વિજેન્દ્રનાથ પશુ અને વૃક્ષ પ્રેમી હતા. તેમણે અહીં ફૂલો અને ફળોના વૃક્ષો વાવીને આંગણાને સુસજ્જ બનાવ્યું હતું.

.

.

ક્લાસરૂમ

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

નેપાલ રોડની પૂર્વ દિશામાં વિશ્વવિદ્યાલય કેન્ટિનની  પાસે બે માળનું હિન્દી ભવન છે. ૧૯૩૯ની ૩૧મી જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ દ્વારા હિન્દી ભવનનું ઉદ્ધાટન થયું હતું. રાયબહાદુર મોતીલાલ, વિશેશરલાલ, હલવાસિયા ટ્રસ્ટની આર્થિક સહાયથી આ ભવનનું નિર્માણ થયું હતું. અહીં હિન્દી સાહિત્યનું પુસ્તકાલય છે. ભવનની અંદરની દીવાલો પર વિનોદબિહારી મુખોપાધ્યાય દ્વારા નિર્મિત નિર્મિત મધ્ય યુગના સાધુ સંતોના જીવન વિશેના ચિત્રો છે. ઈંદિરા ગાંધીએ આ ભવનમાં અભ્યાસ કર્યો હતો.

.

વિશ્વભારતી કેન્ટીન

.

શિક્ષકને બેસવાની જગ્યા

.

બ્લેકબોર્ડ

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

 હિન્દીભવનની પશ્ચિમ દિશામાં બે માળનું ‘ચાઈનભવન’ છે. ૧૯૨૧-૨૨માં અધ્યાપક સિલભા લેભિ શાંતિનિકેતનમાં પ્રથમ વખત ચીની ભાષા અને બૌદ્ધ શાસ્ત્રની આલોચનાનું સૂત્રપાત કર્યું હતું.  ત્યારથી રવીન્દ્રનાથના મનમાં આ વિષય માટે જિજ્ઞાસા જાગી અને તેના જેના ફલસ્વરૂપ આ ભવનનું નિર્માણ થયું. ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે રવીન્દ્રનાથે આ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ચાઈનાભવનના પુસ્તકાલયમાં ચીની સાહિત્ય અને બૌદ્ધ શાસ્ત્રના અમૂલ્ય અને દુર્લભ પુસ્તકો અને પોથીઓ છે. વર્તમાનમાં આ ગ્રંથાગાર આખા એશિયામાં મહત્વપૂર્ણ છે. આ ઘરની દીવાલો પર નંદલાલ બસુએ ચિત્રો બનાવ્યા છે. અહીં ચીનીભાષા ઉચ્ચ સ્તર સુધી ભણવાની અને સંશોધન કરવાની વ્યવસ્થા છે.

                                                                                                                                                                                            ક્રમશ:

પ્રેમ – યોગેશ વૈદ્ય

.

૧.

તારી વાડના ટેકે મૂકેલી

મારી સાઈકલ

આખી રાત ભીંજાતી રહી

ઓસમાં.

 .

હું હજુ પણ

૯-૪૫ની બસમાં

બારીવાળી સીટ પર

મારો રૂમાલ પાથરી રાખું છું.

 .

૩.

આખ્ખી શેરી દેખાતાં

તારા ઘરનો પડછાયો

ભળી જાય છે

મારા ઘરના પડછાયામાં.

 .

૪.

ક્યારેક ક્યારેક

બે દૂરના ટેલિફોનને જોડતો

વાયર

બની જાય છે-જૂઈની વેલ.

 .

( યોગેશ વૈદ્ય )

અમને ફરક પડે છે ! – ભાવેશ ભટ્ટ

 .

એક પાંદડું ખરે, તો અમને ફરક પડે છે !

 કોઈ દીવો ઠરે, તો અમને ફરક પડે છે !

  .

થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને,

 આકાશ થર-થરે, તો અમને ફરક પડે છે !

.

પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય,

 એ જણ ડૂબી મરે, તો અમને ફરક પડે છે !

 .

બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ, ત્યાં,

 ભેંકાર પાંગરે, તો અમને ફરક પડે છે !

 .

કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે,

 પણ દોસ્ત આખરે, તો અમને ફરક પડે છે !

  .

( ભાવેશ ભટ્ટ )

.

 

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

ખલિલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી એમને કહે છે, “અમને પીડા અંગે જણાવો.” અલમુસ્તફા કહે છે કે, “તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે. કોશેટામાંથી પતંગિયું નીકળે છે એમ જ પીડામાંથી જ્ઞાન નીકળે છે.”

આ સવાલ સ્ત્રી પાસે પુછાવીને ખલિલ જિબ્રાને એક સુંદર વાત કરી છે. પીડા સાથેનો સ્ત્રીનો સંબંધ જૂનો છે. એ દરેક વખતે પોતાની અંદર ઘવાતી, પીડાતી આવી છે. સ્ત્રીનું જ્ઞાન ક્યારેય સ્વીકારાયું નથી. સ્ત્રીની આવડત, સમજદારી કે અધ્યાત્મ વિશે સતત સવાલો ઊઠતા રહ્યા છે. આજની અર્બન સ્ત્રીને સફળ થવા માટે એ જ સંઘર્ષ કરવો પડે છે જે આજથી હજારો વર્ષ પહેલાં પુરાણકાળની સ્ત્રીને કરવો પડતો હતો.

ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. એક કથા કહે છે કે આમ્રપાલી નામની ગણિકાએ બુદ્ધ પાસે દીક્ષા માંગી હતી, પરંતુ બુદ્ધે એવું કહીને એને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો કે, “ફરસી નીચે મસ્તક મૂકવું કે વિકરાળ વાઘના મુખમાં પડવું સરળ છે, પરંતુ ગણિકાના મોહમાં ફસાવું એથીયે વધુ ભયાનક છે.”

બુદ્ધનો ઉછેર કરનાર ધાત્રી મહાપ્રજાપતિ ગૌતમીને સંસાર ત્યાગીને ભીખ્ખુ સંઘમાં ભળવું હતું. એણે ત્રણ વાર વિનંતી કરી અને બુદ્ધે ત્રણ વાર ના પાડી.

એ સિવાયના કેટલાક ધર્મોમાં સ્ત્રીઓને દીક્ષા આપવાનો કે દર્શનનો નિષેધ છે. આ કેમ છે, શા માટે છે એ વિશેનો સવાલ દરેક વખતે, દરેક યુગમાં, દરેક સ્ત્રીએ પૂછ્યો છે.

રાજ્યસભાની વચ્ચે જે દ્વૌપદીએ કુરુવંશના અનેક વડિલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે, “મારા પતિ પહેલા મને હાર્યા કે પોતાની જાતને ?” ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્વૌપદીએ વર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએ ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં.

એક સ્ત્રીએ જ – એની સાસુ કુંતીએ જ એને પાંચ પુરુષો વચ્ચે વહેંચાવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં એણે અનૌરસ કર્ણના મોઢે ‘વેશ્યા’ શબ્દ સાંભળવો પડ્યો ત્યારે કોઈએ ઊભા થઈને એનો પક્ષ ન લીધો !

સમાજની આ આખીયે વ્યવસ્થા સ્ત્રી વિરોધી શા માટે છે એ સવાલ હવે ખરેખર મહત્વનો બનતો જાય છે. કારણ કે સ્ત્રી સમાજવ્યવસ્થાના પાયામાં છે. દરેક વખતે કોઈ પણ સમાજ જ્યારે હચમચી ઊઠે ત્યારે એના પાયા – એના પાયામાં રહેલી સ્ત્રી હચમચી ઊઠી છે એમ ચોક્કસ માની લેવું.

સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે, કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જ સમાજવ્યવસ્થાને આધીન રહે છે. સમાજવ્યવસ્થા તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના ચારિત્ર્ય પર આ સમાજવ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈ પણ સમાજ જ્યારે પણ સ્ત્રીને અવગણીને આગળ વધે છે ત્યારે એ સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી.

જેમને વેદો-પુરાણોમાં શુદ્ર તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા નથી, કારણ કે ત્યાં સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે કારણ કે નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.

સ્ત્રીનો સ્વભાવ એક જ પુરુષ સાથે બંધાઈને રહેવાનો અને સલામતી ઝંખવાનો છે, પરંતુ એ સહી શકે એનાથી વધારે અત્યાચાર એના ઉપર ગુજારવામાં આવે ત્યારે એમાંથી જન્મેલો વિદ્રોહ સર્વનાશ સર્જે છે. સ્ત્રીનો વિદ્રોહ સમાજને બદલે છે – બદલવાની ફરજ પાડે છે.

બહુ શાંતિથી વિચારીએ તો સમજાશે કે પુરુષ ભાગ્યે જ બદલાયો છે. આજથી ૨૦ વર્ષ પહેલાંના પુરુષમાં અને આજના પુરુષમાં ઝાઝો ફરક નથી પડ્યો. એની જરૂરિયાત, માનસિકતા અને માન્યતા આજે પણ એ જ છે જે આજ થી ૨૦ વર્ષ પહેલાં હતાં. મા-બહેન-પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ છે. એને માટે ત્યારે પણ સ્ત્રી મનોરંજન અને ઉપભોગનું, સવલતનું અને સેવાનું સાધન હતી આજે પણ છે. એને માટે ત્યારે એની પત્નીએ એનું કહ્યું માનવું જરૂરી હતું આજે પણ છે…

ખરું પૂછો તો છેક પુરાણોના કાળથી પુરુષના મન અને વિચારોમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી પરંતુ સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઈ છે. એણે પોતાનો વિકાસ જાતે સાધ્યો છે અને એનું કારણ એની પીડા છે. ફિનિક્સ પંખી પોતાની જ રાખમાંથી ઊભું થાય છે. એવી રીતે સ્ત્રી દરેક વખતે પોતાના જ વિનાશમાંથી નવું સર્જન કરે છે.

જેમ બીજને ઊગવા માટે ધરતીમાં દબાવવું પડે છે એમ દબાયેલી, કચડાયેલી સ્ત્રી ફણગો ફોડીને વિકસે છે અને વિશાળ વૃક્ષ બની જાય છે. જ્યારે પુરુષ માટીની જેમ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. ભર્તૃહરિએ પોતાના એક શ્લોકમાં આ વાત કહી છે.

મનુસ્મૃતિમાં મનુએ પતિ-પત્નીને એમનો ધર્મ સમજાવવાની સાથે જ પતિને પત્નીનો આદરસત્કાર કરવાનો આદેશ અપ્યો છે. મનુએ પત્નીનું માનસન્માન શા માટે કરવું જોઈએ એ વર્ણવવા ત્રીજા અધ્યાયમાં કેટલાક શ્લોકો રચ્યા છે.

-“જ્યાં સ્ત્રીનો આદરસત્કાર થાય છે ત્યાં દેવીદેવતાઓ પ્રસન્ન થાય છે પણ જ્યાં એમનો સત્કાર થતો નથી ત્યાં યજ્ઞયાજ્ઞાદિ સર્વ ધર્મક્રિયાઓ વિફળ નીવડે છે.”

-જ્યાં પત્ની, ભગિની, પુત્રી, દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કરે છે તે કુળ તત્કાળ નાશ પામે છે પણ જ્યાં તેઓ શોક કરતી નથી તે કુળ હંમેશાં વૃદ્ધિ પામે છે.

-‘આદરસત્કાર નહીં પામેલી પત્ની, બહેન વગેરે સ્ત્રીઓ જે ઘરને શાપ આપે છે તે ઘરો જાણે કૃત્યાથી હણાયાં હોય તેમ ચારેબાજુથી નાશ પામે છે.’

-‘ઐશ્વર્યેચ્છુ પુરુષોએ સત્કારના પ્રસંગોમાં તથા ઉત્સવોમાં દાગીના, વસ્ત્રો અને ખાનપાનોથી સ્ત્રીઓનો નિત્ય સત્કાર કરવો.’

સ્ત્રીઓ વિશેના પરસ્પર વિરોધી આટઆટલાં મંતવ્ય છતાં આ જગત સ્ત્રી વિના ચાલી શકે તેમ નથી એ સત્ય છે. કોઈ નવલકથા, વ્યાખ્યાન, કવિતા કે સિનેમા પણ સ્ત્રીની હાજરી વિના રસહીન-અર્થહીન બની જાય છે.

સ્ત્રીઓની કથાઓ અત્યંત પ્રચલિત છે. મહાભારત, રામાયણથી શરૂ કરીને આપણી વાર્તાઓમાં સ્ત્રીઓનાં જુદાં જુદાં પાત્રો જોવા મળે છે. આમાંનાં કેટલાંક પાત્રોનો માત્ર નામોલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહાભારત અને રામાયણમાં આવાં પાત્રો ઘણાં મહત્વનાં હોવા છતાં એમના વિશે ખાસ કશું લખાયું નથી.

એમની પીડા, એમની મનોવ્યથા, એમના સુખ કે એમની સમજદારીની કથા મેં એમના જ મુખે લખવાનું નક્કી કર્યું છે.

‘હું’ – ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં લખાતી આ કથા સ્ત્રીની પોતાની કથા છે.

આ કોઈ ઇતિહાસ, સંશોધન કે બીજા સંદર્ભ ગ્રંથો પર આધારિત દાખલા-દલીલો ટાંકીને કરવામાં આવતો શાસ્ત્રાર્થ નથી જ. આ કથા છે, એવી સ્ત્રીની, જેમને કંઈ કહેવું છે…એમની પોતાની કથા તમે જાણો, સાંભળો એવું કદાચ આ સ્ત્રી પણ ઇચ્છતી હશે.

એવાં સંવેદનો, જેને તમે પોતીકાં માન્યાં હશે એવી લાગણીઓ, જેમાં ક્યાંક તમે તમારું પ્રતિબિંબ જોઈ શક્યા હશો.

સ્ત્રી હોય કે પુરુષ – સંવેદનોની તીવ્રતા ભિન્ન હોઈ શકે સંવેદનાઓ ક્યારેય ભિન્ન નથી હોતી.

આ કથા કહેવાનું એકમાત્ર કારણ એ છે કે જેને ક્યારેય મહત્વ નથી આપવામાં આવ્યું અથવા જેમના શબ્દ આપણા સુધી નથી પહોંચી શક્યા એવી સ્ત્રીને પુરાણોનાં પાનાંઓમાંથી જગાડીને સદીઓથી એની આંખો પર છવાઈ ગયેલાં ઊંઘનાં આવરણ હટાવીને મારે કશુંક એવું કહેવું છે, જેમાં એ સ્ત્રી તો છે જ – સાથે સાથે થોડીક હું છું, થોડાક તમે છો અને થોડીક આપણી સહભાગે વહેંચાતી સમસંવેદનાઓ છે.

આ દ્વૌપદી ‘આજની’ છે…હજી જીવે છે ક્યાંક, તમારામાં અને મારામાં પણ !

( કાજલ ઓઝા વૈદ્ય )

દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

પ્રકાશક : આર. આર. શેઠની કંપની પ્રા. લિ.

પૃષ્ઠ : ૨૫૫

કિંમત : રૂ. ૧૯૫/-

કંટકો કાપી – જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’

.

કંટકો કાપી બધે ગુલઝાર કર,

કષ્ટ આપી જાતનો ઉદ્ધાર કર.

 .

ધર્મના વાડા ફગાવીને પછી,

તું સડેલી નાતને પડકાર કર.

 .

વાડથી છૂટી પડે જો વેલ તો,

જિંદગીભરનો ખરો આધાર કર.

નાહજે તું રાતદિન પ્રસ્વેદથી,

હોંશથી સ્વપ્નાં બધાં સાકાર કર.

 .

રોજ રસ્તો એક લેતાં જાનવર,

ચાલ, તું કેડી નવી સ્વીકાર કર.

 .

થરથરે તારી નજરથી મોત પણ,

આંખથી એવી અમીની ધાર કર.

 .

સિદ્ધિઓના વાવટા ફરક્યા કરે,

રોજ એવાં કામ બે-ચાર કર.

( જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’ )

બાલમાને – લાલજી કાનપરિયા

.

શમણું તો આવે ને જાય મારા બાલમા !

શમણાનો કરીએ ના સંગ

રંગો તો આવે ને જાય મારા બાલમા !

ઘૂંટીએ એક પાક્કો તે રંગ !

 .

ઝાકળની જેમ આ આયખું ઓચિંતુ

ઊડી જાશે રે પલકમાં

આંખ્યુંમાં ઝાંખપ વળી જાય એ પ્હેલાં તું

નીરખી લે છબિ ઝલકમાં !

 .

લાગણી તો આવે ને જાય મારા બાલમા !

લાગણીના પારખીએ ઢંગ !

ઈચ્છા તો હોય ઘણું ઊંચે ઊડવાની પણ

આકાશ પડે અહીં ટૂકું

.

ઝાડવું ન જાણે કે લીલુંછમ્મ પાન અહીં

થૈ જાશે એક દિ’ સૂકું !

વાયરો તો આવે ને જાય મારા બાલમા !

સાચવીએ આપણો પતંગ !

 .

( લાલજી કાનપરિયા )

હરિ ! હું બાવળ, તું ગુલમોર – હર્ષદ ચંદારાણા

.

હરિ ! હું બાવળ, તું ગુલમોર

.

તારી છાતીના છાંયે, હર પળ ટાઢક થાતી

ઝરમરતાં રાતાં ફૂલો, ઝીલું ને થઉં રાતી

હરિ ! હું કલબલ, તું કલશોર

 .

તારી ગાઢ ઘટાઓમાં હું ખોવાયેલું તેજ

તું શોધે પણ જડું નહીં, હું ડોકું કાઢું સ્હેજ

હરિ ! હું ઝિલમિલ, તું ઘનઘોર

 .

તારી સૌરભ છાંટે ભૂરકી, રેશમ થાતા થોર

મારા ડિલે કાંટા, તારી પાંદડિયુંને તોર

હરિ ! હું ચાકર, તું ઠાકોર

 .

હરિ ! હું બાવળ, તું ગુલમોર

 .

( હર્ષદ ચંદારાણા )

લખાશે ? – અશોક ત્રિવેદી

.

અંતરની આ વાત, લખાશે ?

પડખાં ફરતી વાત, લખાશે ?

 .

સ્મરણોના રણમાં તરફડવું

તારી મારી વાત, લખાશે ?

 .

ટોચ ઉપરથી એવાં ગબડ્યાં

નીચે ઝંઝાવાત, લખાશે ?

 .

દગો સુકાની મધદરિયે દે,

માણસ ડૂબ્યા સાત, લખાશે ?

 .

અહીં સ્મિત પણ ક્યારે છળશે

માણસ છે કમજાત, લખાશે ?

 .

આજ કફનની નીચે સૂતો ?

જીવતરનો સૂર્યાસ્ત, લખાશે ?

 .

( અશોક ત્રિવેદી )

બધું જ કહી દીધા પછી – સર્વેશ્વરદયાલ સકસેના

.

બધું જ કહી દીધા પછી

કંઈક એવું છે જે રહી જાય છે,

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે પડછાયો છે મારા પવિત્ર વિશ્વાસોનો,

તે પૂંજી છે મારા મૂંગા અભ્યાસોની,

તે આખીયે રચનાનો ક્રમ છે,

તે જીવનનો સંચિત શ્રમ છે,

બસ એટલો જ હું છું,

બસ એટલો જ મારો આશ્રય છે,

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે વેદના છે જે અમને, તમને, બધાને અપનાવે છે,

સચ્ચાઈ છે-અજાણ્યાના પણ હાથ પકડીને

ચાલવાનું શીખવે છે,

એ વિરામ છે-દરેક ગતિને નવો જન્મ આપે છે,

આસ્થા છે-રેતીમાં પણ નૌકા ચલાવે છે,

તે તૂટેલા મનનું સામર્થ્ય છે.

તે ભટકતા આત્માનો અર્થ છે.

તમે એમને વાચા નહીં આપતા.

 .

તે મારાથી અથવા મારા યુગથી પણ ઉપર છે,

તે ભાવિ માનવની મિરાત છે, પૃથ્વી પર છે,

બર્બરતામાં પણ તે દેવત્વની કડી છે

તેથી ધ્વંશ અને વિધ્વંશથી તે મોટી છે,

અંતરાલ છે તે-નવો સૂર્ય ઉગાડી લે છે,

નવા લોક, નવી સૃષ્ટિ, નવાં સ્વપ્નાં આપે છે,

તે મારી કૃતિ છે

પણ હું એમની અનુકૃતિ છું,

તમે એમને વાચા નહીં આપતા.

 .

( સર્વેશ્વરદયાલ સકસેના, અનુ. સુશી દલાલ )