આકાશ, અપના અપના ! – ધીરુ મોદી

.

વિશાળ વટવૃક્ષને છાંયડે …

દરમાં સતત આવ-જા કરતી કીડીએ

આકાશ વિશે ઘણું સાંભળ્યું હતું

પણ એણે કદી આકાશ જોયું નહોતું.

 .

એકવાર આકાશ જોવાને બહાને

તક મળતા આ કીડી

ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક ઊંટ પર ચઢી ગઈ

 .

…લાંબી ચરણયાત્રા…પૂરી થઈ

ને છેક ઊંચે ગોળાકાર ગાદી સરખા પોચા ઢેકા પર બેઠી.

 .

પછી શ્વાસ હેઠે બેસતાં

ઊંચે જોઈને

એણે આકાશને પૂછ્યું:

-અરે ઓ આકાશ!

બોલ, હજીય તું કેટલું ઊંચું ?

 .

( ધીરુ મોદી )

પરીકથા – અવિનાશ પારેખ

.

બધાંને

હંમેશા એ જ જોઈતું હોય

જે

આપણી પાસે ન હોય

એવામાં

આપણી પાસે શું છે

એ વાત કરવાનો કોઈ અર્થ ખરો

 .

આપણે વાત કરીએ

કોઈક

અજાણ્યા અદ્દભુત વિશ્વની.

 .

પરીકથાનો

આમ જ તો થાય

આરંભ…

 .

( અવિનાશ પારેખ )

કોને ખબર – પરાજિત ડાભી

.

ટાઢ, તડકા, સૂર્યનું કારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર,

આંખમાં જે સ્વપ્નનું ભારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

શબ્દ સઘળા સોળ આની આ ગઝલમાં અવતરેલા તે છતાં,

દર્દનું અકસીર મારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

સાંજ ઢળવા નીડમાં પાછા ફરી શકતા નથી એ ખગ વિશે,

વૃક્ષ સાથે એક જે સગપણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

ઝાંઝવાનાં અર્થની પોઠો બધી રઝળ્યા કરે ગઝલો મહીં,

ધોમધખતું શબ્દનું જે રણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

આજ ઓળખ એટલે તો કોઈને પણ કોઈની મળતી નથી,

કાલ સૌની આંખમાં દર્પણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

.

( પરાજિત ડાભી )

રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ

.

રસ્તા વચ્ચે પડાવ આવશે

મારી સાથે લગાવ આવશે

 .

આજે તું છો ઊભે પાણી

તને કોક પર ભાવ આવશે

 .

સામે આવ્યું ઠેલ નહીં તું

એ જ બની પ્રસ્તાવ આવશે

 .

જો અંધારાં ઓળખશે તું

અજવાળાંની નાવ આવશે

 .

કાળો પીળો તાવ આવશે

તૂરી કડવી રાવ આવશે

 .

ઘર-ઉંબર નહીં છોડે તો પણ

ઘણા કારમા ઘાવ આવશે

 .

આંગણ ફળિયું કૂવો પાદર

ફરી ફરી ના દાવ આવશે

 .

આઠે અંગો ઝૂર્યા કરશે

કોઈ સ્વજન ના કામ આવશે

 .

વહી ગયા એ વણજારા તો

વચમાં ખાલી વાવ આવશે

 .

( મણિલાલ હ. પટેલ )

તને ફોન કરું છું – સુરેશ દલાલ

.

તને ફોન કરું છું

ફોન મૂકવો પડે એટલે મૂકું છું.

ફરી પાછી લાગે છે ફોનની તરસ

હું વ્યાકુળ થઈને

તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.

હું સ્વસ્થ રહીને

તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.

એક વહેરાઈ ગયેલા જીવને

તું કરવત થઈને વહેર નહીં

કાનને શોષ પડે છે તારા અવાજનો

જીભ ઝંખે છે તારા નામને

એથી જ તો હું ફોન કરું છું.

ફોન મૂકું છું.

મારી તરસનો કોઈ અંત નથી.

 .

( સુરેશ દલાલ )

છે લાગણીની વાત – ભગવતીકુમાર શર્મા

.

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,

હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

 .

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,

મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

 .

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,

જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

 .

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ

મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

 .

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ;

અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

 .

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,

છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

 .

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,

સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

.

( ભગવતીકુમાર શર્મા )

કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’

.

બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,

બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.

 .

કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?

કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.

 .

છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,

પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.

 .

એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,

જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.

 .

ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,

આંખોની સામે સાત સમંદર કશું નથી.

 .

‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,

બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’ )