નમસ્તસ્યૈ નમો નમ: (૨)

.

હે, મા ! જીવનમાં ન યાદ રાખવાનું અમે યાદ રાખીએ છીએ અને તારા અનેક ઉપકારોને ભૂલી જઈએ છીએ. ઘણી વખત સત્ય અસત્ય લાગે છે તો અસત્ય સત્ય ભાસે છે. ભ્રમિત થયેલાં અમે ઘણી વખત તારો અપરાધ પણ કરી બેસીએ છીએ. છતાં પણ તું ક્યારેય અમારા પર અપકાર કરતી નથી.

.

તારો ક્રોધ પણ માટી ખાતા અબુધ બાળકને વઢવા જેવો હોય છે. શા માટે તું અમને આટલું બધું હેત કરે છે એ અમારી સમજમાં આવતું નથી. અમે તો તારા માટે કંઈ જ કર્યું નથી. છતાંય ડગલેને પગલે તું અમારી સાથે જ હોય છે. તું જ અમારી પ્રેરણામૂર્તિ છે. છતાંય અમે કેવાં સ્વાર્થી છીએ ? સારું થાય તો એનો જશ અમે અમારી જાતને આપીએ છીએ અને ખરાબ કે ન ધાર્યું થાય તો એમાં તને નિમિત્ત બનાવીએ છીએ.

.

મોટા ફાયદા માટે તને નાની લાલચ આપીને તારી પાસેથી કામ કઢાવવા મથીએ છીએ. ત્યારે તને અમારી સ્વાર્થવૃત્તિ ઉપર હસવું આવતું હશે.

.

મા ! શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ભેદને અમે જાણતાં નથી. તારા તરફની અતૂટ ભક્તિને લીધે જો અમારા જીવનમાં કોઈ ચમત્કારો સર્જાતા હોય તો એને અંધશ્રદ્ધા માની અવગણવા કે શ્રદ્ધાનું પરિણામ સમજી આવકારવા એ જ અમને સમજાતું નથી. અંધશ્રદ્ધા વિશે તો ઘણા કહે છે. પણ તેઓ શ્રદ્ધાની સાચી સમજ આપી શકતા નથી.

.

એક કુટુંબમાં પણ અમે કંકાશ કર્યા વિના રહી શકતાં નથી. કોઈ અમારો વિશ્વાસ કરે તેમ નથી. અમે એ પણ જાણીએ છીએ કે જો સ્વાર્થ ન હોય તો કોઈ અમારી સાથે સંબંધ રાખી શકે તેમ નથી. છતાંય તું અમને તારા ચરણોમાં સ્થાન આપે છે. એનાથી બીજું મોટું અહોભાગ્ય અમારા માટે શું હોઈ શકે ?

.

જેનો ગુનો કરીએ એ જ અમને માફ કરે એ તો મા, આ જગતમાં તારા સિવાય કોઈ ન હોઈ શકે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नम:

ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नम:

.

રૌદ્રાને નમસ્કાર, નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સ્નામયી, ચંદ્રરૂપિણી અને સુખસ્વરૂપા દેવીને સતત પ્રણામ છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા તરફની અમારી શ્રદ્ધાને દ્રઢ બનાવજે કે જેથી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અમારી સમ્યક દ્રષ્ટિ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

.

( મન્નીમા )

નમસ્તસ્યૈ નમો નમ: (૧)

આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ લેખોને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપવા બદલ હું “મન્નીમા”નો આભાર માનું છું.

(૧)

.

હે, મા ! જાણવાના ભ્રમમાં જીવતાં અમે કંઈ જ જાણતાં નથી. સ્વાર્થ અને મોહમાં સપડાયેલાં અમે અનેકવાર ન કરવાનું કરી બેસીએ છીએ. અનેકવાર તારો અપરાધ થઈ જાય છે. છતાં પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે તારા સિવાય અન્ય કોઈનું શરણ સાંભરતું નથી.

.

સંસારી સંબંધીઓના સહયોગના મૂળમાં રહેલા સ્વાર્થે અમે ખૂબ નિરાશ થયાં છીએ. એમના પ્રેમને પીછાણી લીધો છે. એમના હેતને ઓળખી લીધું છે. કોઈનામાં વિશ્વાસ બેસતો નથી. સંસારના સંબંધો તરફની અમારી દોટ આંધળી છે તેથી સમગ્ર વિશ્વમાં ભટકીને આખરે તારી પાસે જ ક્ષમાની ઝોળી ફેલાવતાં ઊભા છીએ.

.

તું અમારી ભૂલોને ક્ષમા કર. અમને સદ્દબુદ્ધિ આપ અને સન્માર્ગે ચાલવાની શક્તિ આપ. તારી ભક્તિના રંગમાં રંગાવાની અમારી તીવ્ર ઈચ્છા છે. જીવનની ક્ષણેક્ષણ તારા નામ અને કામમાં વ્યતિત થાય એવી અમને તારા તરફથી પ્રેરણા મળી રહે તો જ અમારું જીવવું સાર્થક બને અન્યથા કૂવામાંના દેડકાંની જેમ ફૂલાઈને ફરનાર અમે માત્ર ભ્રમમાં જ જીવ્યા કરીશું.

.

અમે બોલીને તને શું કહીએ ? છતાં લાગણીવશ કેટલુંક બોલવા જેવું અને ન બોલવા જેવું પણ બોલાઈ જાય છે. એને તારી સ્તુતિ સમજીને સ્વીકારજે. ક્ષણેક્ષણ તું રક્ષા કરજે. દુ:ખ અને સુખની વ્યાખ્યા તું મને સમજાવજે.

.

કદાચ અમારા વર્તનથી કોઈને દુ:ખ થતું હોય તો અમને એટલી શક્તિ આપ કે ક્યારેય અમે કોઈનું દિલ ન દુભાવીએ. અમારા હ્રદયનું એવું પરિવર્તન કર કે જેમાં તારો નિવાસ થાય અને અમને ક્ષણેક્ષણના વર્તનમાં સતત જાગૃતિ રહ્યા કરે. તું જ અમને આ બધું શીખવ અને સમજ તેમજ શક્તિ પૂરાં પાડ.

.

કોઈ વાતની તું કસોટી કરે તો એમાંથી પાર ઊતરવાની પણ શક્તિ આપજે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:

नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम

.

દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે. જગત જનની જગતકારણ એટલે કે પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ ભદ્રાને નમસ્કાર છે. અમે તે જગદંબાને નિયમપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

.

મા ! અમારા હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા ચરણોમાં સ્થાન આપજે કે જેથી અહંકારથી અમે ફૂલાઈ ન જઈએ અને અજ્ઞાનથી, ભૂલથી અને બુદ્ધિ ભ્રાન્ત થવાના લીધે તારી ભક્તિમાં ઓટ ન આવે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

( મન્નીમા )

(

આયના ફૂટ્યા

કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં,

ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં.

.

કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર,

ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં.

.

લો આવજો મલશું સ્મરણના મેળામાં,

એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં.

.

ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો,

ફૂલ આવેશમાં આવીને કેટલાં ચૂંટ્યાં?

.

ભરીને ખોળામાં એની કરચ ગણું સપનાં,

એના હાથેથી જે મિસ્કીન આયના ફૂટ્યા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

ક્યાં હોય છે

આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે

આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે

.

મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો

શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે

.

જળમાં ઊંડે જઈને બસ એટલું જાણી શક્યા

માછલીને મન કશુંયે તળ અતળ ક્યાં હોય છે

.

પોતપોતાની પરકમા લઈને સહુ ઘૂમ્યા કરે

બેસવું ધૂણી ધખાવીને સરળ ક્યાં હોય છે

.

તારી ઝોળીમાં કયું ફળ છે હે બાવા ભરથરી

લાખ બાણું માળવાની પણ મમત ક્યાં હોય છે

.

( અરવિંદ ભટ્ટ )

રાબેતા મુજબ થાય છે

નાની અમથી વાતમાં સરહદ ચણાતી જાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જાળ નજરોની બહુ લાંબે સુધી ફેલાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

શાંત પાણીમાંય હોડી ધમપછાડા ખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

હર ક્ષણે પંખીની ખાલી આંખ ક્યાં વીંધાય છે !

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

વર્ષો પછી સંબંધનાં વસ્ત્રો ય સંકોચાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જળ નથી ત્યાં જળ, ક્ષિતિજે લ્હેરાતું દેખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

( હરિહર જોશી )

વિશ્વદર્શન

એક સાંજે-

સાત વર્ષના મારા દીકરાએ,

એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની

સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું-

મમ્મી ! તને ‘ફેઈસ રીડીંગ’ આવડે ?

હું જરા ચોંકી ગઈ…

પછી-સ્વસ્થ થઈ મેં પૂછ્યું

‘ફેઈસ રીડીંગ’ એટલે શું ?

એ બોલ્યો-

જો હું તને શીખવું.

હું એને એકીટશે જોતી રહી…

એ સડસડાટ બોલવા માંડ્યો,

આપણે જેની સાથે વાત કરતાં હોઈએ-

એનો ફેઈસ જોવાનો, એની આઈઝ જોવાની.

તેથી આપણને ખબર પડે કે-

તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?

હું ચૂપચાપ એની ભોળી આંખો જોતી રહી.

મને એની ભોળી-કુતૂહલ આંખોમાં-

અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા;

મને એ – ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો

તો શું…

હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ? !

.

( હિના મોદી )

સાહિબ-ત્રિપદી(3)

(3)

.

સાહિબ, સંભાળે છે ધૂરા

ઊગેલા મનસૂબા આપોઆપ જ થાતા પૂરા.

.

ટોળે વળતો સામેથી આ પંથ સામટો પગમાં.

મુકામ આવી જીવતો થાતો જાણે કે રગરગમાં.

.

કાળમીંઢ ચિંતાના પહાડો થાશે ચૂરેચૂરા !

સાહિબ સંભાળે છે ધૂરા.

.

વાવી જાતું કોણ અને અહીં કોણ ઉગાડી જાતું ?

ખેતરના ઊભા શેઢાને એનું અચરજ થાતું !

.

સૌની સાથે રહે સારથિરૂપે સાચા શૂરા

સાહિબ સંભાળે છે ધૂરા.

.

( નીતિન વડગામા )

સાહિબ-ત્રિપદી

(૧)

.

સાહિબ, આપો એવી માળા

એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં.

.

ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં !

પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં !

.

નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં !

સાહિબ આપો એવી માળા.

.

એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો.

ફાટેલા જીવતરનું વસ્તર હળવે રહીને સાંધો.

.

મધરાતે સૂરજ ઊગે ને થાય બધે અજવાળાં !

સાહિબ, આપો એવી માળા.

.

( નીતિન વડગામા )

બસ એ જ તો તકલીફ છે

ખોઈ બેઠો છું ચરણ બસ એ જ તો તકલીફ છે

તાગવું છે તપ્ત રણ બસ એ જ તો તકલીફ છે

.

સાવ જે સામે ઊભા એ હાથ ના ઝાલી શકે

ખૂબ ઊંડું છે કળણ બસ એ જ તો તકલીફ છે

.

એક યુગને આંબવાની હોડ માંડી આપણે

છે સિલકમાં એક ક્ષણ બસ એ જ તો તકલીફ છે

.

જન્મની સાથે ખુશી થાતા અહીં પ્રત્યેક, પણ

હોય છે સાથે મરણ બસ એ જ તો તકલીફ છે

.

દ્રશ્ય તો ચોખ્ખાં ચણક ચીતરેલ છે ચારે તરફ

આંખ પર છે આવરણ બસ એ જ તો તકલીફ છે

.

હોય ના સુખ જે કદી એ શોધવા દોડ્યા કરે

દોસ્ત અહીં પ્રત્યેક જણ એ જ તો તકલીફ છે

.

( ઉર્વીશ વસાવડા )

માનવ જીવનની અનંત સંભાવનાઓ

માનવ જીવનની અનંત સંભાવનાઓ-અરુણ ‘યોગી’ પારેખ

અમારી દમણિયા સોની જ્ઞાતિના ગૌરવ સમા પદ્મભૂષણ લોર્ડ ડો. ભીખુભાઈ પારેખ તથા તેમના અનુજ શ્રી અરુણ ‘યોગી’ પારેખને બે-ત્રણ વખત સાંભળવાનો મોકો મળ્યો. આજે અહીં શ્રી અરુણભાઈની એક નાનકડી પુસ્તિકા વિશે માહિતી આપું છું.

.

શ્રી અરુણભાઈની આ પુસ્તિકા ગાગરમાં સાગર સમાન છે. જેમાં એમણે શબ્દશક્તિ, ઈચ્છાશક્તિ અને વિચારશક્તિ અને આ તમામ શક્તિઓને પ્રાણવંત રાખતી ધ્યાનશક્તિને ઓળખવા પર ખાસ ભાર મૂક્યો છે. સાથે સાથે રોજ પ્રાર્થના કરવા અને ઘરમાં મંદિર રાખવા સૂચન કર્યું છે.

.

લેખક પરિચય :

.

શ્રી અરુણ ‘યોગી’ પારેખ લેખક, વક્તા અને પરિસંવાદ સંચાલક છે. પરમહંસ યોગાનંદના ઉપદેશો તથા ચિંતન અને ધ્યાનની પોતાની વર્ષોની સાધનાને આધારે સાન હોઝે, કેલિફોર્નિઆ સ્થિત અરુણ ‘યોગી’ પારેખ માને છે કે આપણાં જીવનની અનંત સંભાવનાઓનો અહેસાસ કરવાનો એક માત્ર માર્ગ આપણા વણથંભ્યા માનસિક વલણો તથા જીવનની અવિરત માંગોમાંથી માનસિક સભાનતાને થોડો સમય વેગળી કરવાનો છે.

.

મુંબઈ તેમજ અમેરિકાની એટલાન્ટીક યુનિવર્સિટીના દર્શનશાસ્ત્રના સ્નાતક અરુણ પારેખે ૧૯૯૯માં વહેલી નિવૃત્તિ લઈ જાહેર વ્યાખ્યાનો, પ્રશિક્ષણ ને પરિસંવાદો દ્વારા સમગ્ર અમેરિકા અને ભારતમાં લોકો સમક્ષ જીવનને સમૃદ્ધ કરવાનો રાહ ચિંધવાના ધ્યેયને તેમનું જીવન સમર્પિત કર્યું છે.

.

“મારા જીવનનો ઉદ્દેશ્ય જ જીવને મને જે કંઈ શીખવ્યું છે તેની ઉપયોગીતામાં સૌને ભાગીદાર બનાવવાનો છે.”

.

તેઓ લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા પોઝીટિવ એટિટ્યુડ અને રિટાયરમેન્ટના પ્રોગ્રામો ઓફર કરે છે.

.

લેખકના અન્ય પુસ્તકો :

Powers of Our Mind

Success Is Your Birthright

Meditation – A Way To Take Charge Of Your Life

Only One Life To Live

.

માનવ જીવનની અનંત સંભાવનાઓ

પ્રકાશક :

આરતી ઈન્ટેગ્રેટેડ ટ્રેઈનિંગ

Website: www.ArtiPresentations.com

Email: Yogi@ArtiPresentations.com

.

પ્રાપ્તિસ્થાન :

(૧) શ્રી ઉન્મેશ જે કાપડિયા, શિવમ, બી-૧ શિવશક્તિનગર, તાડવાડી, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯.

ફોન નં. ૦૨૬૧-૨૭૬૧૪૭૫

.

(૨) શ્રી અંજન લાલાજી, આર-૧૦/૨, બાંગુર નગર, જયશ્રીધન સોસાયટી, ગોરેગામ (પ.) મુંબઈ-૪૦૦૦૯૦. ફોન નં. ૦૨૨-૨૮૭૯૮૫૦૯.

.

પૃષ્ઠ : ૨૦

.

મૂલ્ય : Indian Rs. 20/-

US $ 5.00