નાનીમાનું ઘર

હવે તો તે છે ઘણું દૂર

જ્યાં એક વાર મને મળી હતી પ્રેમની હૂંફ.

મૃત્યુ પામી છે એ સ્ત્રી-મારી નાનીમા.

શાંતિની બખોલમાં પાછું સરી પડ્યું છે એ ઘર.

વાંચી ન શકું એટલી નાની બાળકી હતી હું,

પુસ્તકોમાં ફરતાં’તાં ત્યારે સાપોલિયાં

ને ઠરી જતું’તું મારું લોહી ટાઢાટમ ચાંદાની જેમ.

કેટલીયે વાર કરું છું વિચાર ત્યાં જવાનો-

બારીઓની અંધ આંખોથી અંદર ઝાંખવાનો

થીજી ગયેલી ત્યાંની હવાને વાંચવાનો

કે પછી ઘોર નિરાશામાં ઘેરાયેલી હું

મુઠ્ઠીભરી ત્યાંથી લઈ આવું અંધારું,

સુવાડું તેને મારા બેડરૂમનાં બારણાંની બહાર

જાણે વિચારોમાં ખોવાઈને પડેલું કૂતરું !

રસ્તો ભૂલી હવે માગું છું

અજાણ્યા ઘરે ઘરે પ્રેમના પરચૂરણની ભીખ.

તને ખચીત જ માન્યામાં નહીં આવે વહાલા,

એક વાર રહેતી હતી હું પેલા ઘરમાં

ગૌરવ અને પ્રેમની હૂંફ સાથે.

.

કમલા દાસ (અંગ્રેજી)

અનુવાદ : ઈન્દ્રજિત

ચકમકની પોટલી

તમરાં સજાવી શોધે છે બકબકની પોટલી,

ઢોળાઈ ગઈ છે રાતમાં ચકમકની  પોટલી.

.

કાપી સતત રહી છે સમયને દિવસ ને રાત,

લટકી રહી જે ભીંત પર ટકટકની પોટલી.

.

ભાષા જુદી જ હોય છે શિશુઓના વિશ્વની,

ચકલીનું નામ હોય છે ચકચકની પોટલી.

.

બાંધે છે રાતે વસ્ત્રથી મલમલના, નભને કોણ ?

જાણે બની ગયું છે એ તારકની પોટલી !

.

એ સામે આવશે તો થશે શું, નથી ખબર;

એનો વિચાર માત્ર છે ધકધકની પોટલી.

.

ભૂલી સમય વહાલ કરે આંખ, આંખને !

વેરાઈ રહી છે, જોઈ લો ! રકઝકની પોટલી.

.

(શોભિત દેસાઈ)

અસ્તિત્વ

હું મને પાંજરામાં પૂરું છું

અને એકાદ યુક્તિથી

સ્ટોપર લગાવી દઉં છું.

હું મને ત્રાજવામાં રાખું છું

અને જુદાં જુદાં વજનથી

જોખી જોઉં છું.

બધી યુક્તિઓ નકામી છે

બધાં વજન નિરૂપાય છે.

મારું અસ્તિત્વ જ અટ્ટાહાસ્ય કરે છે

હું

વહી

જાઉં છું

બધા

નિષેધોની

સુરંગમાં થઈ

અને રૂપાંતર પામું છું.

ક્યારેક ફૂલ

ક્યારેક તલવાર

ક્યારેક … …

ક્યારેક … …

.

નિર્મલપ્રભા બરદલૈ (અસમિયા)

.

અનુવાદ : ભોળાભાઈ પટેલ

હાલી નીકળ્યા

લઈ એક ‘ઠોસ નામ’ અમે હાલી નીકળ્યા

ખાલી કરીને ગામ અમે હાલી નીકળ્યા

.

બસ ‘નામની’જ પાટી ગળે બાંધી : બાકીનાં

સહુ ભૂંસી નામઠામ અમે હાલી નીકળ્યા

.

ઘેરી વળ્યા સંબંધ : અતિ કરગર્યા છતાં

સહુને કરી પ્રણામ અમે હાલી નીકળ્યા

.

દિવસે નહીં નિરાંત નહીં નિંદ રાતના

વિશ્રામ ના વિરામ અમે હાલી નીકળ્યા

.

ગોઠ્યું નહીં પ્રયાગમાં કે નાથદ્વારમાં

સહુ ત્યાગી તીર્થધામ અમે હાલી નીકળ્યા

.

જોયું નહીં કે માર્ગ કયો શ્રેયકર હશે !

નિષ્કામ કે સકામ : અમે હાલી નીકળ્યા

.

(અમૃત ઘાયલ)

તારી-મારી ભીતર

તારી-મારી ભીતર ભઈલા ક્યાંક મળે ના એક્કે દેરું,

તોય વાત આ નક્કી છે કે ભીતર એનું છે જ પગેરું.

પાંખો માંહે થાક લઈને નીડ ભણી આવે પંખેરું,

દૂર પણે ઝાલર વાગે છે ; નભ વેરે છે ગુલાલ ગેરુ.

શ્વાસ સમો જીવનની સાથે કાયમ એ ચાલ્યા કરવાનો,

વીત્યોકાળ નથી કંઈ ‘રજકણ’ કે બસ ઊભો થઈ ખંખેરું.

વાત ક્ષણોની એવી છે કે જેમ ઊતરતા જાઓ ઊંડા,

અજવાળાંઓ ઠરી જઈ ને સ્તબ્ધ બની પ્રગટે અંધેરું.

એક અજાયબ ઘટના સાલ્લી વરસોથી બનતી આવી છે,

સાંજ પડે ને સાવ અચાનક ‘સ્મરણ’ નામનો ડંખ એરુ.

સવાર સાથે સૂરજ છે ને વર્ષા સાથે ચાતક, એમ જ,

શબદ અમારો અમે શબદના જનમ જનમના છઈએ ભેરુ.

ન વાત કશી જ્યાં ‘પ્રેમ’ થઈ છે પ્રેમ-પદારથ પણ પીધાંની,

નામ સતત ચર્ચાયું છે આ બંદાનું તો વેંત ઊંચેરું.

(જિગર જોશી ‘પ્રેમ’)

વાતાવરણ તો બદલાય

મકાનોનાં બંધ દ્વાર,

નિર્જન માર્ગ,

લોકો મૌન,

મારી સોસાયટીનું વાતાવરણ

અકળાવી નાખે છે.

મન ઈચ્છે,

કોઈક તો દ્વાર ખોલે,

એકાદ શબ્દ બોલે,

કે પછી ક્યાંકથી

કોઈ પાગલ આવી

ચીસો પાડે.

કે તોફાની બાળકો

અહીં તહીં દોડે,

ને પછી રામ રામ કરતાં

ભલે ડાઘુઓની પસાર થાય સ્મશાનયાત્રા,

કોઈ મરણ પામ્યો હોય,

બાણું વર્ષનો ઘરડો,

સોસાયટીનું વાતાવરણ તો બદલાય.

.

(અમૃત મોરારજી)

[મોગરાવાડી, હનુમાન ફળિયા, વલસાડ]

ચકલી ગીત

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો

ચકલીની માફક નવાય છે ના… રે… ના

ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને

વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,

સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું

પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.

પૂર્વાપર સંબંધો ચકલીને કન્યાના બંધાયા કઈ રીતે ? એવું

કંઈ કોઈને પૂછાય છે ના… રે… ના

ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે

બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે

ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી

શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?

સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,

ચકલીને ભાગી શકાય છે ના… રે… ના

ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું

ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના

.

(નયન દેસાઈ)

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

Happy Friendship Day

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

.

મૈત્રી એ મનુષ્યની મોટામાં મોટી મિરાત છે. પૃથ્વી પર જન્મેલો કોઈ પણ માણસ આખાય આયુષ્યમાં જો મિત્ર વિનાનો રહે તો હું એને એની વ્યક્તિ તરીકેની મોટામાં મોટી નિષ્ફળતા કહું. મૈત્રીનું પંચાંગ નથી હોતું. મૈત્રી સહજપણે થાય છે. કોઈ પણ પ્રકારના સંબંધમાં સહજતા એ મોટામાં મોટી વસ્તુ છે. આ સહજતાની સાથે સાથે નિખાલસતા પણ હોવી જોઈએ. બે માણસ મળે અને ખુલ્લે દિલે વાત ન કરી શકે અથવા વાત કરતાં એવો ભય હોય કે ‘આમ બોલીશ તો શું લાગશે?’ તો એ સંબંધ કાચનો કહેવાય, સાચનો ન કહેવાય. મૈત્રીએ પણ અનેક અવસ્થામાંથી પસાર થવાનું હોય છે. કોઈ પણ સંબંધની કસોટી કાળ છે. સંબંધ શબ્દ બોલીએ એટલે જ એમાં જાણે અજાણે બંને પક્ષે નાની મોટી અપેક્ષાઓ હોય છે. આના કોઈ કોલ-કરાર નથી હોતા. પણ છૂપા, સૂક્ષ્મ આગ્રહો હોય છે. શબ્દો વિના એકમેકના મનોભાવને પામી જવા એ કદાચ મૈત્રીની પરાકાષ્ઠા છે. વફાદારીનો પણ એક ઋગવેદ હોય છે. આ ઋગવેદ હૃદયની લિપિમાં લખાયેલો હોય છે. હ્રદયની લિપિ ઉકેલી શકે તે મિત્ર. પતિ-પત્નીના સંબંધમાં પણ બે વ્યક્તિ એકમેકના માલિક ન થાય પણ મિત્ર થાય તો તે આદર્શ સંબંધ કહેવાય.

.

મૈત્રી એટલે સંવાદ. સંવાદ એટલે ડાયલોગ પણ ખરો ને હાર્મની પણ ખરી. મૈત્રીને કારણે માણસની એકલતાનું એકાંતમાં રૂપાંતર થાય છે. Loneliness અને Solitude વચ્ચે ભેદ છે. સાચા મિત્રો એકમેકના એકાંતની ઈજ્જત કરતા હોય છે.

.

શાળામાં ભણતા હોઈએ ત્યારે નસીબદારને મિત્રો મળે છે. એવા મિત્રો કે બંનેના અભ્યાસો જુદી વાટે ફંટાયા હોય, બંનેના વ્યવસાયો પણ જુદા જુદા હોય અને છતાંય એ મૈત્રીનાં મૂળિયાં કદીય ઊખડતાં નથી. નવા નવા મિત્રો થતા જાય છે પણ જૂના મિત્રો ડાળ પરનાં પાંદડાંની જેમ ખરતા નથી. એક કવિએ કહ્યું’તું કે મોટેભાગે ઓફિસ ફ્રેન્ડશીપ ૧૧ થી ૫ ની હોય છે અને છતાંય ઓફિસમાં પણ એવી મૈત્રી બંધાતી હોય છે કે ૧૧ થી ૫ ને ઓળંગીને ક્યાંક શાશ્વતી મુદ્રા પામે છે. આપણે ત્યાં મૈત્રીના ક્યારેક સંકુચિત અર્થ હોય છે. બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચે જ મૈત્રી હોય એવો સંકુચિત અર્થ કરવાની જરૂર નથી. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પણ શરીરને ઓળંગીને નર્યો અને નકરો મૈત્રીસંબંધ હોઈ શકે એવું કોઈ વિચારી શકતા નથી અને આવા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નસંતોષીઓ, હવનમાં હાડકાં નાખનારાઓ શરીરની બારાખડી ગોઠવી દે છે. અને માની લો કે ક્યાંક શરીરની બારખડી ગોઠવાઈ પણ હોય તો એ બંનેની સંમતિનું પરિણામ છે. એના પર ચોકીપહેરો ભરવાનો, ટીકાટિપ્પણ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. હું તો કોઈ પણ બે વ્યક્તિઓના સંબંધના સૌંદર્યને કમળ જેમ ઊઘડતું જોઉં છું ત્યારે જલકમલવત થઈ એ સૌંદર્ય માણવાનું વધુ પસંદ કરું છું. મૈત્રીની મોટામાં મોટી કરૂણતા એ છે કે બે વ્યક્તિઓ પ્રેમને નામે એકમેક પર ચોકીપહેરો ભરે. જેવી સંબંધમાં માલિકીની ભાવના પ્રવેશી એટલે વ્યક્તિ વસ્તુ થઈ ગઈ.

.

મને તો ઘણીવાર આખું જગત મૈત્રીમય લાગે છે. પ્રકૃતિમાં પણ ઘણીવાર મૈત્રીના જ દર્શન થાય છે. ફૂલ અને ઝાકળની મૈત્રી, ફૂલ અને પતંગિયાની મૈત્રી, જળ અને સૂર્યકિરણની મૈત્રી, સામસામી શરણાઈઓ વાગતી હોય એવી પંખીઓની મૈત્રી…..આખું આયુષ્ય જાણે આંબાવાડિયું ન હોય !

.

મૈત્રીની વાતો જેટલી ચાલે છે એટલી મૈત્રી વાસ્તવિકતામાં હોય છે ? મૈત્રીમાં હાથતાળી અને સંતાકૂકડી ન હોવી જોઈએ. મૈત્રીમાં સાપસીડીની રમત ન રમાય. કોઈકની ઉન્નતિ જોઈને આનંદ થવો જોઈએ અને મુશ્કેલી જોઈને દુ:ખ. વિશ્વજન તો થવાય ત્યારે થવાય. પણ મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી દેવદારના વૃક્ષો જેવી હોય છે. દેવદારના વૃક્ષો અમુક ઊંચાઈ પર જ ઊગતાં હોય છે. એવો મિત્ર હોવો જોઈએ કે જે આપણા એકાંતને અદ્રશ્ય ઈશ્વરની જેમ સમૃદ્ધ કરતો રહે.

.

મૈત્રી વિશે આટલી વાત કર્યા પછી પણ વૈયક્તિક કે સામૂહિક અનુભવોને કારણે હોય કે અન્ય કોઈ કારણે હોય છેવટે તો એટલું જ કહેવાનું રહે છે કે માણસે પોતે જ પોતાના મિત્ર થવું જોઈએ. એ મૈત્રી પરમ આત્મા સાથેની એટલે કે પરમાત્મા સાથેની.

.

સુરેશ દલાલ

પવન

કેટલી મનગમતી એંધાણી પવન,

આંગણે ભરતો રહે પાણી પવન.

દોડતો ચારે દિશાઓ ઊંચકી,

મારી માફક તારો બંધાણી પવન.

શ્વાસમાં પેસે કે કાચીંડો બને,

રંગ પલટે રાગ પરમાણી પવન.

રાતભર એકેક રગમાં સાંભળું,

હોય જાણે ફૂટતી ધાણી પવન.

તું લીલુંછમ ઝૂલતા શીખવી ગઈ,

થઈ ગયો છે ત્યારથી વાણી પવન.

લાલ દરવાજાનો જાણે બાદશો,

બેસતો બસ તંબુઓ તાણી પવન.

ઓગળેલો એ જ મિસ્કીન હાથ છે,

તું જવા દે કેમ એ જાણી પવન ?

(રાજેશ વ્યાસ “મિસ્કીન”)

હિન્દુ

શું વાત
કરો છો, યાર!
‘હિન્દુ’ એ કોઈ ઈન્ડુ છે
કે ઊભી ચમચીથી
તડાક દઈને તોડી ને ઓહિયા કરી જાવ?
અથવા તો મન ફાવે તેમ
સેવીને, પાર પાડી નાખો
ગમે તેવા ઈરાદાઓ!?…
હિન્દુ, એ કોઈ ધર્મનું નામ
પણ નથી કે જેણે
વિસ્તારવાદની ગ્રંથીથી
પીડાવું પડ્યું હોય !
હિન્દુ એ ચિંતનધારા છે
જેણે આખા વિશ્વમાંથી
ઊતરી આવેલા માનવ ટોળાંઓને
ગળે લગાડ્યા છે…
હજારો વર્ષોથી આ ધારામાં
વહેતા મનુષ્યોનો ઈશ્વર
એમનાં ચિદાત્મામાં વસે છે
તેથી એમને દેવસ્થાનોમાં
નિયમિત જવાનું, જરૂરી રહેતું નથી.
હિન્દુ એ જીવનરીતિ છે, જે,
એને દબાવી-કચડી-રોંદી
નાખવાના પ્રયત્નોને પણ…
ક્ષમા જ આપશે,..અને એ જ
એના અગાધ બળની સાબિતી છે !
ગરોળીના કપાયેલા
અવયવની જેમ એનું આંતર્સત્વ
ગમે ત્યાંથી પાછું
ફૂટી નીકળશે…
અથવા પોતાના અશ્મિમાંથી
સળવળીને એ પાછું
ઊભું થઈ જશે,
દેવહુમા પક્ષીની જેમ!
તમે, એને યાર…
કદાપિ, નષ્ટ નહીં કરી શકો!!

(જયંત દેસાઈ)