Category Archives: કવિતા-સમગ્ર

દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી

મારે દુનિયા જેને સુખ કહે છે

એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી.

મને ખબર છે કે રતિક્રીડા

એ ચામડીનું સુખ છે.

સૌન્દર્ય એ આંખનું સુખ છે.

સ્વાદ એ જીભનું સુખ છે.

પ્રશંસા એ કાનનું સુખ છે.

વાહન એ પગનું સુખ છે.

સત્તા એ અહંકારનું સુખ છે.

અને સુગંધ એ નાકનું સુખ છે.

એ બધાં સુખોના ટોળામાં

હું મારું સુખ ગોતવા જાઉં છું

એ બધાં રમકડાં જેવાં સુખો જોઈને

હું ભોળવાઈ જાઉં એટલો

હવે શિશુ રહ્યો નથી.

( અનિલ જોશી )

અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી

અહમની  સરહદોમાંથી  નીકળવું ખૂબ અઘરું છે

અને  સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

કોઈ  મહેણું  નહીં  મારે કે મેં કોશિશ નથી કીધી

હું  જાણું  છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે

હું  જઈ  એકાંતમાં  બેઠો  છતાંયે  ફેર ન  પડ્યો

જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

ખુદાનું  નામ લઈ આગળ વધો કેડી મરણની છે

જીવન  પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે

ફરી દુર્ઘટના જેવો રાઝ આ મારો દિવસ ઉગ્યો

સૂરજની  જેમ  ધીમે  ધીમે ઢળવું ખૂબ અઘરું છે

 

 

( રાઝ નવસારવી )

વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ

                ડોટકોમ વ્રુંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે

                કે કયા કયા નામ એમાં રાખું? 

ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ

                તો રાધા રીસાય એનું શું? 

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ

                ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? 

પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી

                કે કોને છોડું ને કોને ચાખું?

ગીતાજી ડોટકોમ એટલું ઉકેલવામાં

                ઉકલી ગઈ પંડિતની જાત

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે

                ને એજ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સૂર, નરસૈંયો

                થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખુ ઝાંખુ.

એ જ ફ્કત પાસવર્ડ મોકલી શકે છે

                જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ

એને શું વાયરસ ભૂંસી શકવાના

                જેને ચીર પૂરી આપે ઘનશ્યામ

ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે

                હું કોઈ દિવસ વિન્ડો ન વાખું.

 

( કૃષ્ણ દવે )

એ જ આવશે-ચંદ્રકાંત શેઠ

એનો ફોન!

એનો અવાજ!

આખો મારો વાસ

-મારો અસબાબ અધ્ધર પગે!

આંગણાંએ ખોલી દીધા દરવાજા!

ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર…

બારીઓ ય ખુલ્લી ફટાક…

ગોખે ગોખે આંખ…

શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી…

સ્વચ્છ રાત્રિ!

નરી છલોછલ ચાંદની!!

ચાંદ તો પછી દૂર ન હોય…

હોય આટલામાં જ-નજીકમાં…

મેં ચિત્તને કહ્યું: ચકોર થા

પણ એણે તો

ઘરની ઊંચી અટારીએ ચડી

કરવા માંડ્યું છે કા…કા…

એ જ આવશે,

એ જ!!

 

( ચંદ્રકાંત શેઠ )

આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ

તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી-

હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત

ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં  ભાર  છે  મિત્રોના  મૌનનો

હું  શું  કહી  ગયો છું મને ખ્યાલ પણ નથી

 

 

( હરીન્દ્ર દવે )

બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, 

ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, 

પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો

ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,

જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું  તરસ્યા  હતા  સાંનિધ્ય  જેનું  પામવા માટે,

ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?

હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા  સર્જકને  ત્રાંસી  આંખથી  જુએ જૂના સર્જક,

ઘણાં વ્રુક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

( હિતેન આનંદપરા )

સમયનો…ધૂળ ડમરીનો

સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,

તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે.

પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી?

ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.

પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ;

પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,

ત્યજી દે, મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

ઉદાસીને તું જાણી લે, ઉદાસીથી રહીને દૂર…

બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.

તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,

તું બિંદુ છે, સમષ્ટિનો પીછો કરવાનું છોડી દે.

તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

 

( ડો. રઈશ મનીઆર )

सफर में धूप तो होगी

सफर में धूप तो होगी जो चल सको तो चलो

सभी हैं भीड में तुम निकल सको तो चलो

किसी के वास्ते राहें कहाँ बदलती हैं

तुम अपने आप को खुद बदल सको तो चलो

यहाँ किसी को कोई रास्ता नहीं देता

मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो

कहीं नहीं कोई सूरज धुवाँ धुवाँ है फिजा

खुद अपने आप से बाहर निकल सको तो चलो

यही है जिन्दगी कुछ ख्वाब चंद उम्मीदें

ईन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो

 

( निदा फाजली )

દુ:ખાન્ત એ નથી…

દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે-

દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી જિંદગીનો પત્ર હંમેશા ખરાબ દશામાં અહીં ત્યાં ફર્યા કરે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે તમારા પ્રિયજનને તમારી જિંદગીનો સમગ્ર પત્ર લખી લો અને પછી તમારી પાસેથી તમારા પ્રિયજનનું નામ-સરનામું ખોવાઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે જિંદગીના લાંબા રસ્તા પર સમાજનાં બંધન પોતાના કાંટા વેરતા રહે અને તમારા પગમાંથી આખી જિંદગી રક્ત વહેતું રહે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે લોહીલુહાણ પગથી એક એવી જગા ઉપર ઊભા હો જેની આગળ કોઈ રસ્તો તમને બોલાવતો ન હોય-

દુ:ખાન્ત એ નથી કે તમે તમારા ઈશ્કના ધ્રૂજતા શરીર માટે આખી જિંદગી ગીતોના પહેરણ સીવતા રહો-

દુ:ખાન્ત એ હોય છે કે એ પહેરણો સીવવા માટે તમારી પાસેથી વિચારોનો દોર ખોવાઈ જાય અને તમારી કલમ-સોયનું છિદ્ર તૂટી જાય…

 

( અમૃતા પ્રીતમ, અનુવાદ: જયા મહેતા )