લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

હું તને પ્રેમ કરું છું

એની માત્ર મને ખબર છે.

પણ તારી કને એકરાર

કઈ રીતે કરવો

એની સૂઝ હજી સુધી

પડતી નથી.

 .

(૨)

રાતના જાગી જાઉં છું ત્યારે

અચાનક ઓશિકાને વળગી

પડું છું.

તું ન હોય તો

શું કરું ?

છે કોઈ જવાબ તારી કને ?

 .

(૩)

ચિતાના લાકડા જેવાં

દરિયાનાં મોજાંઓ :

એના પર કોઈએ

ગોઠવી છે મારી નાવ.

-દરિયો જાણે સ્મશાનભૂમિ.

 .

(૪)

માણસ

સમયને પીંજે છે

ને માણસને પીંજે છે

કાળ.

 .

(૫)

જે વ્યક્તિ

એક વાર આવીને જાય છે

તે પાછી નથી આવતી

અને અગર આવે છે તો

એની એ રહેતી નથી.

 .

(૬)

સપનાં, શબ્દો, પ્રવૃત્તિ, વાસના,

ઈચ્છા, ઝંખના, ઉપાસના, મૌન,

અવકાશ, પગલાઈ, ઓથાર,

પાતળીહવા, નિરાકાર સુગંધ

આ બધાં શબ્દોથી કવિતા થાય,

કે કવિતા જાય ?

 .

(૭)

વાદળોના સરોવરમાં

ચંદ્રની નૌકા

તર્યા કરે…

.

(૮)

હું આંખ મીચું છું

ત્યારે મને

માત્ર તું જ

દેખાય છે.

તું આંખ મીંચે છે

ત્યારે…?!

 .

(૯)

આપણી વચ્ચે

જે અવકાશ

એમાં જ તો આપણો

સહવાસ.

 .

(૧૦)

ચોવીસે કલાક

સાથે ને સાથે રહીએ

તો

વિરહનો આનંદ શું છે

એનાથી

કાયમના વંચિત રહી જઈએ.

 .

( સુરેશ દલાલ )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

મારી બારીના

આંધળા કાચ પર

રાતે

કોનો પડછાયો

આવ-જા કરે છે ?

.

(૨)

કાગડાને

ભલે મોરના પીંછા પહેરાવો

પણ એ

કેકારવ નહીં કરી શકે.

 .

(૩)

એકલી એકલી

મીણબત્તી બળતી રહી…

અજવાળું પાથર્યાનો

આનંદ લૂંટવાને બદલે

બળતરાની વ્યથા

ઘૂંટતી રહી…

.

(૩)

કોઈ દારૂડિયાએ નશામાં કહેલી

રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી.

એના મૂળ તો ક્યાંક

કોઈક કરુણ કથા-વ્યથામાં

હોવા જોઈએ…

 .

(૪)

પ્રવાસેથી પાછો ફરેલો હું

એનો એ હોવા છતાં

કૈંક જુદો હોઉં છું.

જળમાં ડૂબકી માર્યા પછી

વિસ્મય ધોવાઈ નથી જતો

પણ કોઈક નવી છાલકનો

ઉઘાડ થાય છે.

 .

(૫)

મારા શબ્દ પરથી

મૌનની ત્વચા

ઉતરડી શકાતી નથી

 .

(૬)

આખી રાત વરસતો

વરસાદ હતો કે

કોઈકનો અશ્રુપાત ?

 .

(૭)

આપણા

જીવનના વનમાં

પશુઓ ત્રાડ પાડે છે

અને

પંખીઓ છૂપ છે.

 .

(૮)

પથ્થરોની વચ્ચે રહીને

રડવાનો

કશો જ અર્થ નથી.

વહેતાં ઝરણાંને માટે

આંસુ સારશું

તો એનું કલનાદમાં

રૂપાંતર થઈ જશે.

 .

(૯)

એક વાર

પાનખરની સાવ સુક્કી

ડાળીને મેં ચૂમી

અને એના પર ફૂલ પ્રકટ્યું

ત્યારે મને પોતાને થયું

કે મારામાં પણ એક

વસંત લપાઈ છે.

 .

(૧૦)

તારે કંઠથી

મારું નામ સરે છે

ત્યારે જેટલું મધુર લાગે છે

એટલું ક્યારેય લાગતું નથી.

 .

( સુરેશ દલાલ )

…પ્રવેશું છું ગઝલમાં – લલિત ત્રિવેદી

કવિમિત્રો ! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં

.

ઇનાયત હો… કે ખુશનુમા પ્રહર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું ઝાકળમય બગીચાની લહર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

નજર કરજો કે રજ સરખી બહર લૈને પ્રવેશું છું ગઝલમાં

કિરણના તંતુ ભીતર રહગુજર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

કવિ કહે છે – ગુપત ! તારી ખબર લૈને પ્રવેશું છું ગઝલમાં

સમય કહે છે – સબદ ! તારી ઉંમર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ન કેવળ હોમઊંચો નાભિસ્વર લૈને પ્રવેશું છું ગઝલમાં

ઋષિમુનિઓ ! હું ઘર સરખું શિખર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ઝીણા ઝીણા રદીફોકાફિયા …એથીય મિસરા કૂણેરા

ટગરની પાંખડી ભીતર બસર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

રખે માનોકે કાગળમાં છું નમણી એક મરજાદ પંડિત !

સબર એક શબ્દ માટે ઉમ્રભર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

( લલિત ત્રિવેદી )

કવિ – અજય સરવૈયા

(૧)

કવિ જેવો હોય છે તેવો દેખાતો નથી,

જેવો દેખાય છે તેવો હોતો નથી,

વળી જેવો દેખાવાનો પ્રયત્ન કરે છે

તેવો તો બિલકુલ હોતો નથી.

હોવા અને દેખાવા વચ્ચે ઘણો ભેદ છે

એવું કેટલાક માને છે.

હોવું અને દેખાવું અભિન્ન છે

કેટલાક એવું પણ માને છે.

કવિએ કેવા દેખાવું જોઈએ ?

કવિએ કેવા હોવું જોઈએ ?

કોઈ નથી જાણતું.

 .

(૨)

કવિ શું જુએ છે ? શું દેખાડે છે ?

વસ્તુઓ ને એમના સંબંધો

વ્યક્તિઓ ને એમના સંબંધો

વસ્તુઓ ને વ્યક્તિના સંબંધો

આપણે જે રીતે જોવા ટેવાયેલા છીએ

ને જે રીતે જોવા ટેવાયેલા નથી

કવિ એ જુએ છે

એ દેખાડે છે

જે છે એના જે નથી સાથેના સંબંધો

જે નથી એના જે નથી સાથેના સંબંધો

 .

( અજય સરવૈયા )

ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે,

હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.

 .

ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં,

ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.

 .

મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા,

ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.

 .

લાગણીનું, ભાવનું, સ્પંદનનું ચલણી માત્ર નાણું,

કામ ના આવે કશી સમજના કે અક્ષર ત્યાં જવું છે.

 .

કોઈને ના કોઈની સ્હેજે પડી સૌ મસ્ત ખુદમાં,

એકસરખા હોઈએ જ્યાં બ્હાર-અંદર ત્યાં જવું છે.

 .

ને ઘણીયે વાર ઘર છોડી અને જાવા ચહું ત્યાં,

રોકતાં ને પૂછતાં આ દ્વાર-ઊંબર, ક્યાં જવું છે ?

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મળ્યા’તા – હર્ષ બ્રહ્મભટ્ટ

કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા,

કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.

 .

ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં,

જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.

 .

સાવ સાચા લાગતા માણસ કનેથી,

સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.

 .

રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા જે,

બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.

 .

ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના,

એકસરખા સર્વને અવસર મળ્યા’તા.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ડાળ મારી – ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,

ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

 .

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,

જે દશા તારી થઈ  છે એ દશા મારી નથી.

 .

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,

એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

 .

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,

આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

 .

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,

જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

 .

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,

દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

 .

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,

ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

 .

( ખલીલ ધનતેજવી )

માણસની વસ્તી – અશરફ ડબાવાલા

માણસની વસ્તી જોને મને છોડતી નથી,

મારીયે હસ્તી જોને મને છોડતી નથી.

 .

હું બંદગી કરું તો કરું કેમ કોઈની ?

આ લયપરસ્તી જોને મને છોડતી નથી.

 .

ઊડવાથી પર થવાનાં છે કારણ અનેક પણ,

પાંખો અમસ્તી જોને મને છોડતી નથી.

 .

નહિતર તો માહિતીના શિખર પર બિરાજું છું,

જૂની આ પસ્તી જોને મને છોડતી નથી.

 .

અશરફ ! હું કેમ પહોંચું ચરણની સીમા સુધી ?

પગલાંની મસ્તી જોને મને છોડતી નથી.

 .

( અશરફ ડબાવાલા )

કરતાં રખડપટ્ટી – મધુમતી મહેતા

ભલે કોઈ ના આવ્યું, સાથમાં કરતાં રખડપટ્ટી

ક્ષિતિજો વિસ્તરી ગઈ જાતમાં કરતાં રખડપટ્ટી

 .

ઝીણી નજરે તપાસ્યાં છે અમે મહેલો ને ખંડેરો

સમયની રાખ આવી હાથમાં કરતાં રખડપટ્ટી

 .

અમે ફરતાં હતાં અમને જ રાખી મધ્યમાં કાયમ

ઝરણ ને ધોધ આવ્યાં વાતમાં કરતાં રખડપટ્ટી

 .

સમયની ગર્તમાં ગૂંચવાઈને છુટ્ટા પડી ગ્યા જે

મળી ગ્યા એ ચરણની છાપમાં કરતાં રખડપટ્ટી

 .

કશું પિંજર નથી હોતું કશું બંધન નથી હોતું

કરે છે મોજ મહેતા આભમાં કરતાં રખડપટ્ટી

 .

( મધુમતી મહેતા )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

શિયાળાના ઠંડાગાર આકાશમાં

સવારના  પ્હોરમાં સૂરજ

પાછલી રાતનો કામળો ઓઢીને

વાદળના પથ્થર જેવા પગથિયાં

ચડતાં ચડતાં હાંફી ગયો…

એની હૂંફ હજીયે

હવામાં સંભળાય છે.

 .

(૨)

કેટલાક લોકો,

‘આવતીકાલ’ના વચનને ભરોસે હોય છે

અને વર્ષો સુધી એને દરવાજે

ભટક્યા કરે છે.

પણ ‘આવતીકાલ’ કદી આવતી નથી.

 .

(૩)

કોઈક વાર હું એને કહું છું, શરાબ

કોઈક વાર કહું છું, જામ

કોઈક વાર કહું છું, ઈશ્વર

કોઈક વાર બીજ, કોઈક વાર છોડ

કોઈક વાર શિકાર, કોઈક વાર…

હું તને તારા નામે ન બોલાવું

ત્યાં સુધી આ બધું રહસ્ય જ રહે છે.

 .

(૪)

કેટલાંયે રહસ્યો વિસ્ફોટિત થઈ રહ્યા છે

પણ એમને પ્રકટ કરીને

અને ઉઘાડાં પાડીને

હું એમને હાંસીપાત્ર નહીં કરી શકું.

મારી ભીતર કશુંક આનંદથી

વિસ્ફોટિત થઈ રહ્યું છે,

પણ ત્યાં હું મારી આંગળી મૂકી નહીં શકું.

 .

(૫)

એક વખત પ્રિયતમાએ એના પ્રિયતમને પૂછ્યું :

પ્રિય,

તેં તો દુનિયામાં ઘણાં સ્થળો જોયાં છે !

હવે-આ બધામાંથી શ્રેષ્ઠ શહેર કયું ?

એણે કહ્યું : ‘જ્યાં મારી પ્રિયતમા રહે છે તે’.

.

(૬)

પ્રેમીઓ

શરાબ પીએ છે

રાત ને દિવસ, દિવસ ને રાત

અને ચીરી નાખે છે મનના નકાબ,

જ્યારે પ્રેમના નશામાં ચકચૂર થાય

ત્યારે શરીર અને આત્મા એક જ થઈ જાય.

 .

(૭)

પ્રેમ,

એક એવી જ્વાળા છે

કે જ્યારે એ પ્રકટે છે

ત્યારે બધું જ બાળી નાખે છે.

કેવળ રહે છે ઈશ્વર.

 .

(૮)

હું કવિ નથી,

કવિતાથી મારો જીવનનિર્વાહ કરતો નથી

મારા જ્ઞાનની ડંફાસ મારવાની પણ

મને જરૂરિયાત જણાઈ નથી.

કવિતા પ્રેમનો શરાબ છે

અને મારી પ્રિયતમાના હાથે જ

એને સ્વીકારું છું.

.

(૯)

હું મરણ પામું ત્યારે

મારો અગ્નિસંસ્કાર કરજો

આ મારા શરીરમાંથી

પ્રકટતો ધુમાડો

હવા પર લખશે :

તમારું નામ… તમારું નામ…

 .

(૧૦)

રોજ સવારે

મારી આંખમાં

તારો ચહેરો ઊગે છે

મને ખબર નથી પડતી

કે આકાશ મારી આંખમાં છે

કે મારી બારી બહાર ?

 .

( સુરેશ દલાલ )