અધૂરી વાત – પ્રણવ પંડ્યા

સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં

મને આવડતા બે ટહુકા ધરીને મૌન થઈ જાઉં

 .

બધે અંધારપટ છે લાગણીનો જાણું છું, તો પણ

હું કોઈ આગિયા શો સંચરીને મૌન થઈ જાઉં

 .

નથી ઊંચકી શકાતો ભાર ભાવુકતાનો ભાષાથી

નજરથી વાત કરું, તુર્ત જ કરીને મૌન થઈ જાઉં

 .

અવાજો પર્ણને નહિ, બસ પવનને હોય છે અહીંયા

સતત થાતું મને : હું પણ ખરીને મૌન થઈ જાઉં

 .

ઘણીયે વાત બાકી છે, જરા શી રાત બાકી છે

અધૂરી વાત પાછી આદરીને મૌન થઈ જાઉં

 .

ઉઘાડ્યા હોઠ એને ના સમય ઝાઝો થયો તોયે

હવે લાગ્યા કરે છે કે ફરીને મૌન થઈ જાઉં

 .

( પ્રણવ પંડ્યા )

નગર – શીતલ જોશી

હતું શું, છે નગરમાં આપના બોલો

રહ્યું શું છે નગરમાં આપના બોલો

 .

અજાણ્યા થઈ મળે છે એકબીજાને

થયું શું છે નગરમાં આપના બોલો

 .

ગલી, ઘર, બારણાં, બારી અને ભીંતો

નવું શું છે નગરમાં આપના બોલો

 .

તળિયેથી ઉલેચીને બધ્ધું પી ગયાં

વધ્યું શું છે નગરમાં આપના બોલો

 .

ન ખાલીપો, ન પડછાયા નથી ડૂમો

બચ્યું શું છે નગરમાં આપના બોલો

 .

ગયા જેઓ, કદી પાછા નથી આવ્યા

જવું શું છે નગરમાં આપના બોલો

 .

હકીકત સાવ પોલી છે હકીકતમાં

નર્યું શું છે નગરમાં આપના બોલો

 .

( શીતલ જોશી )

સારું છે તમને – શીતલ જોશી

સારું છે તમને એની જાણ નથી

મારા ભાથામાં એક્કે બાણ નથી

 .

હું તને ઓળખું છું એ રીતે

આપણે કોઈ ઓળખાણ નથી

 .

એ જ હાંફી ગયા જે કહેતા’તા

જિંદગી ઢાળ છે ચઢાણ નથી

 .

અવગણ્યો એટલે સલામત છું

એકે બાજુથી ખેંચતાણ નથી

 .

ભીંત પર બેઉ હાથના થાપા

આથી સાદું બીજું લખાણ નથી

 .

( શીતલ જોશી )

દોડતા દોડતા – શીતલ જોશી

દોડતા દોડતા હાંફવાનું નહીં

જિંદગી જીવતા થાકવાનું નહીં

 .

આથમે સૂર્ય માથે ચડેલો છતાં

રાત પડશે એવું ધારવાનું નહીં

 .

પ્રેમ જેવું કશું આપવું જો પડે

આપવાનું, કદી માગવાનું નહીં

 .

એક ખીલ્લી હલે છે હજી ભીંત પર

ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં

 .

એક બે વેંત ઊંચા ફરે, છો ફરે

કોઈનું કદ કદી માપવાનું નહીં

 .

આપવો હોય તો જીવ આપો ‘શીતલ’

કાળજું કોઈને આપવાનું નહીં.

 .

( શીતલ જોશી )

કરામત – દિનેશ કાનાણી

તોપખાનામાં સલામત હોય છે

એ જ શાંતિની કરામત હોય છે

.

સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં

એ જગાઓ તો અનામત હોય છે !

 .

પાનખર જેને કહીએ આપણે

વૃક્ષની ઝીણી મરામત હોય છે

 .

એમ લાગે છે હવે આ જીવને

હર ઘડી જાણે કયામત હોય છે

 .

છે પનારો કાવ્ય સાથે દિલ તણો

દોસ્ત ! બાકી તો ખુશામત હોય છે.

 .

( દિનેશ કાનાણી )

તો જ આવું – દિનેશ કાનાણી

છળકપટથી દૂર રાખે તો જ આવું

વાતને મંજૂર રાખે તો જ આવું

 .

પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ?

આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું

.

આવવું છે એટલે તો હું કહું છું

જીવને મજબૂર રાખે તો જ આવું

 .

એક બે છાંટા નથી ગમતા કદીયે

લાગણીનું પૂર રાખે તો જ આવું

 .

મેં પ્રતીક્ષા ક્યારની પડતી મૂકી છે

મળવું છે, દસ્તુર રાખે તો જ આવું

 .

( દિનેશ કાનાણી )

સરનામું – તેજસ દવે

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું…

 .

ઉંમરનો થાક હવે વરતાતો જાય અને

સુઝેલા ઘાવ નહિ રુઝે

શૈશવના વીતેલા દિવસોની યાદ હવે

આંખો ને કેમ કરી સૂઝે ?

 .

આંખોની આરપાર આવેલા આંસુને

સહેજ અમે ટેરવાથી લૂછ્યું

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું

 .

હમણાં લગ જે દીવો અજવાળા પાથરતો

આજે એ અંધારે બીતો

ઓરડાના અંધારે ટોળે વળીને આજ

વાતે ચડી છે ચાર ભીંતો

 .

ખાલીપો રોજ રોજ મોટો થયો છે ભાઈ

ઊગી છે આજ એને પૂછ્યું

આંખોના ઓરડામાં બેઠેલી ઈચ્છાએ

સપનાનું સરનામું પૂછ્યું

 .

આંગળીના ટેરવાથી આપતો દિલાસાને

આંસુ ના થાય તોય રાજી

શેરીમાં દોડતા એ શૈશવના દિવસોથી

કેટલીક હારવાની બાજી ?

 .

( તેજસ દવે )

આ જગત – ધ્વનિલ પારેખ

આ જગત એ રીતે સમજાતું રહ્યું,

એટલે ભીતરથી સર્જાતું રહ્યું.

 .

રાતભર ઓશીકું ભીંજાતું રહ્યું,

રાતભર એ દ્રશ્ય ભજવાતું રહ્યું.

 .

કોણે પેલે પાર બોલાવ્યો મને ?

એ ઘડીથી મન આ બદલાતું રહ્યું.

 .

હા, મરણની કૂંપળો ફૂટી ગઈ,

ધીમે ધીમે ઝાડ ફેલાતું રહ્યું.

 .

શત્રુ સામે હોય એવું ક્યાં લખ્યું ?

ભીતરે પણ યુદ્ધ ખેલાતું રહ્યું.

 .

( ધ્વનિલ પારેખ )

મનની ચોપાટ – તેજસ દવે

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

છીપલાની જેમ હુંય આવતો કિનારે ને

દરિયામાં ધ્યાન પછી રહેતું

 .

ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર

લાગે છે દૂર છતાં પાસે

આપણીય વચે દીવાલ જાય તૂટી તો

આપણેય મળવાનું થાશે.

 .

આવજો કહીને તારા લંબાતા હાથને

મારાથી દૂર કોણ લેતું ?

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

 .

દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને

છૂટતા કિનારા તો ઠીક

તારાથી દૂર હવે એકલા રહીને મને

લાગે છે મારીએ બીક

 .

મનની ચોપાટ મારે એકલા જ રમવાની

તોય કોક જીતવા ના દેતું

દરિયાની રેતીમાં ચીતરેલું નામ તારું

દરિયાના મોજાં સંગ વહેતું

છીપલાની જેમ હુંય આવતો કિનારે ને

દરિયામાં ધ્યાન પછી રહેતું

 .

( તેજસ દવે )

ખાલીપો – તેજસ દવે

રાધાએ પાડેલી તરફડતી ચીસ અને

વેદના તો કેમ કરી માપું

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

ગોકુળને ગામ તમે આવો ના શામ

તો રાધાને મથુરા લઈ આવું

અંધારું થાય પછી પૂનમ થઈ જાય

એવો ચાંદો હું રોજ ક્યાંથી લાવું ?

 .

ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો

હું કરવતથી કેમ કરી કાપું ?

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

સપનામાં આવીને અધવચે આમ તમે

અમને ના એકલા જગાડો

અમે વિંધાશું આરપાર વાંસળીની જેમ

તમે આવીને અમને વગાડો

 .

કદંબના આ ઝાડ હવે સૂકા થઈ જાય

અને બાળીને જાત મારી તાપુ ?

શામ તમે આવો તો ભીતરનો ખાલીપો

થોડો હું તમને પણ આપું

 .

( તેજસ દવે )