બેઉ મળ્યાં તો – કૃષ્ણ દવે

તારી આંખે હરણાં કૂદ્યાં, મારી આંખે ઝરણાં,

બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં.

 .

તેં કીધું, ‘મારું દિલ દરિયા જેવું વિશાળ છે હોં’

મેં કીધું, ‘મારામાં તારા નામની નિશાળ છે હોં’

રુંવેરુંવેમાં સતત વ્હાલનાં છલકાતાં બોઘરણાં.

 બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં.

 .

મેં કીધું, ‘હું ઝાડ બનું તું ડાળ બનીને ફૂટે ? ‘

તેં કીધું, ‘હું ડાળ બનું તું ફૂલ બનીને ઊગે ?’

તેં મારામાં મેં તારામાં પાથરિયા પાથરણાં.

બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં

 .

( કૃષ્ણ દવે )

ધુમાડો થઈને – ઋત્વીન શાહ

ધુમાડો થઈને પ્રસરવાની આદત,

અને એમ ચોમેર ફરવાની આદત.

 .

હવે સાવ ખાલી થયા લાગણીથી,

નડી છે વધારે નીતરવાની આદત.

 .

લઈ ડૂબશે તમને સાચું કહું છું,

ઊંડે ને ઊંડે ઉતરવાની આદત.

 .

રોજે આ પાટી થઈ જાય કોરી,

નવેસરથી રોજે ચીતરવાની આદત.

 .

હકીકતમાં પડછાયાની બીક નીકળી,

હતી જેને દીવાની ડરવાની આદત.

 .

( ઋત્વીન શાહ )

હવા વગર – ચિરાગ ઝા

અહીં કશું બળતું નથી હવા વગર,

છતાં તને ગમતું નથી હવા વગર.

 .

મને હતું જાતે વધે છે રણ, પછી,

ખબર પડી ! વધતું નથી હવા વગર.

.

આ લાગણીનું વાદળું છે જડભરત !

અવર જવર કરતું નથી હવા વગર.

 .

પતંગિયાને આટલી ખબર હતી !

એ આગને અડતું નથી હવા વગર.

 .

મળી શકે છે વારસામાં “ઝા”પણું.

સ્વભાવથી ડરતું નથી હવા વગર.

.

( ચિરાગ ઝા )

હવામાં પલાંઠી – ચિરાગ ઝા

હવામાં પલાંઠી લગાવી બતાવો !

તમારું વજન છે ઉઠાવી બતાવો !

 .

મને તો હતું કે ધુરંધર તમે છો !

ગુરુના ગુરુને હટાવી બતાવો.

 .

પછી તો તમારી જ ચર્ચા થવાની,

બધાના અવાજો દબાવી બતાવો.

 .

અમે તો અમારું કરી લઈશું જાતે,

તમે પણ તમારું ચણાવી બતાવો.

 .

સવાલો તમારા સફાચટ હજમ છે,

અમારા જવાબો પચાવી બતાવો.

 .

( ચિરાગ ઝા )

રાબેતા મુજબ – ચિન્મય શાસ્ત્રી

આપણો નિષ્ફળ પ્રણય હંમેશ રાબેતા મુજબ,

ભાગતાં શૂન્યો વધે અવશેષ રાબેતા મુજબ.

 .

આપનું હૈયું અજાણ્યા ગામ જેવું લાગતું,

હોય ક્યાંથી ભોમિયાનો વેશ રાબેતા મુજબ.

 .

દર્પણો સામે રહીને કાંસકો દોષિત બન્યો,

ટેવવશ ખરતા રહે છે કેશ રાબેતા મુજબ.

 .

ક્યાં તરે નાવડી મેહફૂઝ સાગરમાં કદી ?

કેમકે જળનો રહે છે દ્વેષ રાબેતા મુજબ.

 .

એકદમ સીધી લીટીનો માર્ગ પણ વાંકો પડે,

જ્યાં મજલ થઈ સાંપડે જો ઠેસ રાબેતા મુજબ.

 .

( ચિન્મય શાસ્ત્રી )

પ્રાર્થના – મકરંદ મુસળે

હે પ્રભુ,

તું મારી જીભને

‘કહેવા’નું ગૌરવ અને ‘બોલવા’ની અધીરાઈ વચ્ચેનું

સમતોલન શીખવ.

‘મૌન’નો પ્રભાવ અને ‘ચૂપ રહેવા’ની કાયરતા; વચ્ચેની

પાતળી ભેદરેખા સમજાવ.

 .

હે પ્રભુ,

તું મારી આંખને

માત્ર ‘જોવા’ના મોહમાંથી મુક્તિ અપાવી ‘નીરખવા’નો

ઉત્સવ ઉજવવા પ્રેરિત કર.

 .

હે પ્રભુ,

તું મારા કાનને

‘સાંભળી’ લેવાની નફ્ફટાઈથી દૂર લઈ જઈ ‘શ્રવણ’

કરવાની એકાગ્રતા પ્રદાન કર.

 .

હે પ્રભુ, મારા નાકને

માત્ર હવાને શ્વાસમાં ફેરવવાનું મશીન બની રહેવાને બદલે,

હવાની બદલાતી તાસીરને સૂંઘવાનું સામર્થ્ય પ્રદાન કર.

 .

હે પ્રભુ,

મારી ત્વચાને

અડકવાના હડકવાથી બચવાની સમજ અને હર્ષના સ્પર્શને

સ્વીકારવાની સહજતા આપ.

 .

( મકરંદ મુસળે )

સાકી – કુમાર જૈમિની શાસ્ત્રી

હવામાં કેફ છે, વાતાવરણ ચકચૂર છે સાકી

અહીં તો કાંકરીચાળોય ઘોડાપૂર છે સાકી

 .

પરિચિત ગંધની પાછળ અમે ખેંચાઈ તો આવ્યા

લથડતી ચાલ છે ને ઘર અમારું દૂર છે સાકી

 .

અહીં પીનારાનાં ઓવારણાં લેવાય છે હરપલ

અહીંનાં ઝુમ્મરોમાં બાદશાહી નૂર છે સાકી

 .

કહી દો રાતને, છેલ્લા પ્રહરનો દોર માણી લે-

બચેલા શ્વાસ પૂરતો માપસર સુરુર છે સાકી

.

અહીંની ફર્શ, છત, દીવાલ મિસ્ર-એ નઝમ લાગે

તરન્નુમમાં તમારું બાજતું નૂપુર છે સાકી

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

સ્મિતનું નામ – કુમાર જૈમિની શાસ્ત્રી

અણગમતું કે મનગમતું એ કહેવું ક્યાં સહેલું છે

હોઠ સુધી આવેલા સ્મિતનું નામ સતત અટકેલું છે

 .

કંઈક મનોમન કહો-સાંભળો

સ્વગત ઘટે તે ઠીક-

કાન વગર પણ દીવાલ સાંભળે

પરંપરાગત બીક-

 .

સૌને સૌની મમત મુબારક, મમત મુજબનું ઘેલું છે

હોઠ સુધી આવેલા સ્મિતનું નામ સતત અટકેલું છે

 .

સ્વપ્નલોકમાં ખૂલે ઝરૂખા

શાંત અને ગમગીન-

બબ્બે પલ વચ્ચેના ગાળામાં

મૌન વસે સંગીન-

 .

કાયમ નવતર વાત કહું પણ થાય મને કે કહેલું છે

હોઠ સુધી આવેલા સ્મિતનું નામ સતત અટકેલું છે

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

કોણ રોકી શકે – ભાવિન ગોપાની

એક પંખી ગગનમાં ઊડી જાય તો કોણ રોકી શકે ?

ને હૃદય વૃક્ષનું જો તૂટી જાય તો કોણ રોકી શકે ?

 .

 સ્વપ્નના વૃક્ષને ના ધરી હો ધરા ક્યાંય ઉગવા છતાં

વૃક્ષ દીવાલમાંથી ઊગી જાય તો કોણ રોકી શકે ?

 .

આ જીવનમાં પ્રથમ વાર માણીને વરસાદની સાંજ જો-

કોઈ ફૂદાંને પાંખો ફૂટી જાય તો કોણ રોકી શકે ?

 .

આપણે બે મળી પ્રેમની દોરશું એક રંગોળી પણ,

ત્યાં વિરહનો પવન પગ મૂકી જાય તો કોણ રોકી શકે ?

 .

બંધ ઘરમાં પવનથી ખુલી જાય બારી કદી એમ જો,

મનને માળવાનો મારગ ખૂલી જાય તો કોણ રોકી શકે ?

 .

સાવ સુક્કી ને તરસી નજર પાસથી નીકળે તે છતાં,

એક વાદળ વરસવું ભૂલી જાય તો કોણ રોકી શકે ?

 .

આંગણે હોય અવસર ને સરભરા લાખ રાખો છતાં,

કોઈ મહેમાન થઈને દુ:ખી જાય તો કોણ રોકી શકે ?

 .

( ભાવિન ગોપાની )

ગંગાસતી – પ્રણવ પંડ્યા

એકતારાનો મળ્યો છે વારસો, ગંગાસતી

તોય બેધારુ જીવે છે માણસો, ગંગાસતી

 .

રાંક થઈને ર’યા, ન ભક્તિ થઈ છતાંયે, કેમકે

કો’ક અંદરથી કરે છે કારસો, ગંગાસતી

 .

એક રાશિ ને પ્રવાસી બેય એક જ પંથના

પાનબાઈ શો મને પણ જાણશો, ગંગાસતી

 .

શબ્દ છે શીલવંત સાધુ, વારેવારે હું નમું

શીખવે જે જીવવાના સાહસો, ગંગાસતી

 .

ભાગ્યમાં તો એકપણ વીજળીનો ચમકારો નથી

શું કરું મોતીનું ? એ સમજાવશો, ગંગાસતી !

.

( પ્રણવ પંડ્યા )