ઢાઈ અક્ષર પ્રેમના

સર્વ સગપણમાં સમાયા ઢાઈ અક્ષર પ્રેમના,

તે છતાંયે ક્યાં કળાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

છે સતત વસ્ત્રો વણ્યા કરવાની આદત આપણી,

પણ કદી એમાં વણાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

જે સહજ ભાવે મીરાં થૈ ઝેરપ્યાલી પી ગયા,

કૃષ્ણરૂપે પણ પમાયા ઢાઈ અક્ષર પ્રેમના.

.

છે તફાવત એ જ તો વામન અને વિરાટનો

ક્યાં કદી માપી શકાયા ઢાઈ અક્ષર પ્રેમના ?

.

તું નથી સમજી શક્યો બસ આ સરળ શી વાતને,

તેં નહીં, એણે બનાવ્યા ઢાઈ અક્ષર પ્રેમના !

.

( હર્ષ બ્રહ્મભટ્ટ )

સાંજ થઈ ગઈ છે

Sunset point - Saputara

આભ અજવાળો – સાંજ થઈ ગઈ છે,

ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે.

.

ઝાડ જો ! કહી રહ્યું પંખીને,

‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’

.

ત્યાં… ભલા-બૂરાના હિસાબનીશો,

મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે.

.

સરહદો પરનો પહેરો તેજ કરો,

ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે.

.

‘ગામડું કોણ લઈ ગયું ?’ પૂછે,

ગામડાવાળો – સાંજ થઈ ગઈ છે.

.

રક્તના વહી ગયા પછીથી ઘા

થઈ જશે કાળો – સાંજ થઈ ગઈ છે.

.

રાતની તૈયારી કરો ! ચાલો !

ઢોલિયા ઢાળો – સાંજ થઈ ગઈ છે.

.

( શોભિત દેસાઈ )

કરી શકું

થોડોય જાત સાથે પરિચય કરી શકું,

આ પાર કે ઓપારનો નિર્ણય કરી શકું.

.

એવું દે દર્દ વિશ્વને વિસ્મય કરી શકું,

અંદર બહાર સઘળું ગઝલમય કરી શકું.

.

કાં તો શીખવ કે સૌથી સહજ પર બની શકું,

કાં તો શીખવ કે સૌનો સમન્વય કરી શકું.

.

કાણી આ હથેળી છે પરંતુ મઝા જુઓ,

ધારું છું ત્યારે પાત્ર એ અક્ષય કરી શકું.

.

મારે તો તને જોવી છે તેથી ઉદાસ છું,

ઈચ્છું તો તને આ પળે તન્મય કરી શકું.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

એકવેરિયમની ગઝલ

ચોતરફ જળ છે કે મૃગજળ માછલી મૂંઝાય છે

કાચના ઘરમાં પળેપળ માછલી મૂંઝાય છે

.

આટલો બંધિયાર, છીછરો હોય દરિયો શી રીતે ?

સહેજ ડૂબકીમાં મળે તળ માછલી મૂંઝાય છે

.

છીપલાં, શેવાળ, પરપોટા બધું હાજરાહજૂર

ને છતાં આભાસ કેવળ માછલી મૂંઝાય છે

.

દોડતા રહેવું સતત ને પહોંચવું ના ક્યાંય પણ

આ સફર તો છે નર્યું છળ માછલી મૂંઝાય છે

.

પારદર્શક કેદની આગળ જગત કેવું હશે ?

વ્યર્થ કરવી રોજ અટકળ માછલી મૂંઝાય છે

.

( ઉર્વીશ વસાવડા )

હું છતને આકાશ

હું

છતને

આકાશ

ગણતો

નથી.

અનીતિની

બદબૂ વછોડતી

શ્રીમંતોની

રંગબેરંગી

ઝૂંપડપટ્ટીઓને હું

દિવાનેખાસ

ગણતો નથી.

અબળાઓ પર

બળાત્કાર કર્યા કરીને

મેટરનીટી હોમ્સને

ચેકો ફાડી

આપવાની વૃત્તિને

હું કદી કુમાશ

ગણતો નથી.

બે દિવસેય માંડ મળતી

અડધી રોટલી પંડ્યનું

ગલૂડિયું ઝુંટવી

જાય ત્યારે ઝાંપે જઈ

શૂન્યમાં તાકતી કાબરીને

હું આમેય

નિરાશ ગણતો નથી.

આપણે જ

ઊભી કરેલી લાચારીઓને

ભાગ્યનો દોષ દઈને

‘કાશ’: ગણતો નથી. તમે ભલે

ગમે તે કહો, છતને હું આકાશ ગણતો નથી.

.

(જયંત દેસાઈ)

બસ નિરંતર…

આ તો સાલ્લુ, સાવ કેવું ? એક આભ નીચે રહેવાનું, ‘ને જીવવાનું,

‘ને આભમાં કંઈ કેટલાંય બાકોરાં, તેમાં ધોળે દિવસે તારા દેખાય,

આમ તો, બારે માસ કોરુંધાકોડ હોય, રાત્રે સૂર્યા સ્વપ્ન પરી બનીને ઊતરે,

વરસે તો અનરાધાર, નહીં તો માવઠું, ઝુરાપો ચૂવ્યા કરે દિન રાત, બસ નિરંતર.

.

આ તો સાલ્લુ, સાવ કેવું ? હાથમાં હાથ પકડીને ચાલવાનું,

’ને બસ ચાલ્યા જ કરવાનું, ભલે ને રસ્તા જુદા જુદા.

આમ તો, મંઝિલે નહીં તો, અંતે મસાણે પહોંચવાનું તો સાથ સાથે.

રાહ જુએ તારી વળાંક વળાંકે, ઝુરાપો પોરો ખાય, બસ નિરંતર.

.

આ તો સાલ્લુ, સાવ કેવું ? આંખોમાં આંખો પરોવીને, બેસી રહેવાનું,

’ને બસ જોયા કરવાનાં શમણાં, ‘ને આ શમણાં તો પાછાં નરી ભ્રમણા.

આમ તો આ આંખોમાં બેતાળાં, મોતિયો ને ઉપરથી પાછી આ ઝામર

તેના પર પથરાયેલો ઝાકળભીનો ઝુરાપો લૂછ્યા કરવાનો, બસ, નિરંતર.

.

( ઉપેન્દ્ર ત્રિવેદી )

બાઘો

આ સાલ્લો નકામો કામચોર,

બ…સ, ક્યારનો ફૂલને જ જોઈ રહ્યો છે;

ફૂલમાં એવડું બધું તે શું જોવા જેવું ?

[ટોળામાં ગુસપુસ – ગણગણાટ – કોલાહલ;]

માણસ ખતરનાક લાગે છે

ટોળું ઊપડ્યું, ફૂલને લઈ મૂક્યું,

પ્રયોગશાળાની મેજ પર.

સિતમો સહ્યા એ પુષ્પે;

નિર્ણય થયો:

બીજાં ઘણાં બધાં ફૂલો જેવું જ આ ફૂલ છે;

હજુએ પેલો, ફૂલ સામે તાકતો ઊભો છે.

એને સમજાતું નથી – બધાની જેમ;

પુષ્પને પામવું એમાંયે ગુન્હો ?

.

( લિસા કુચાસ્કી, મૂળ કૃતિ : અમેરિકન, અનુવાદ : માવજી સાવલા)

આઠે પ્રહર રહે

બેચાર પગથિયાંની અગર ચઢ-ઊતર રહે,

પ્રત્યેક મુલાકાત સહજ ને સભર રહે.

.

શબ્દો સ્વયમ છે બ્રહ્મ હમેશાં ખબર રહે,

વાણી શું મૌનમાંય તે ધારી અસર રહે.

.

આ શું કે તું સદાય ઉપર ને ઉપર રહે,

આ શું કે અમારોય સદા ઊંચો સ્વર રહે.

.

એ પણ ખરું એ કોઈ વગર ચાલતું નથી,

આ પણ ખરું એકાન્ત આ સાલ્યા વગર રહે.

.

અત્તરને છાંટવાના અભરખાઓ મૂક મન,

કર એવું તું જ ખુશ્બુ બને તરબતર રહે.

.

મિસ્કીન હું જ ઝોકે ચઢી જાઉં છું નહીંતર,

એનું સ્મરણ, એ સ્પર્શ તો આઠે પ્રહર રહે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

જે ઊંઘે છે

જે ઊંઘે છે એને ઊંઘવા દો.

એ સુખી છે.

.

જે જાગે છે એને જાગવા દો.

એને જાગવું છે.

.

જે ભોગવી લીધું એને ભૂલી જાઓ..

એ નથી.

.

જે દુ:ખે છે એને દુ:ખવા દો.

એને પાકવું છે.

.

જે જાય છે એને જવા દો.

એને જવું છે.

.

જે આવે છે એને આવવા દો.

એ આપણું છે.

.

જે રહ્યું છે તે રહેશે.

એને પામવું છે.

.

જે નષ્ટ થાય એને નષ્ટ થવા દો.

એ સપનું છે.

.

( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : હિના એન. સોની )