રોકા જરી

ક્યાં જશે આ પ્રાણ અન્તરિયાળ કે રોકા જરી,

લાગણીઓ પર મુકાશે આળ કે રોકા જરી.

.

કોણ લે તારા વગર સમ્ભાળ કે રોકા જરી,

દુ:ખ હજુ છે સાવ ન્હાનું બાળ કે રોકા જરી.

.

કેટલો ચાલે છે કપરો કાળ કે રોકા જરી,

તું થકી છે પંડની કૈં ભાળ કે રોકા જરી.

.

‘આવજે ‘કહેતાં પડે છે ફાળ કે રોકા જરી,

આ ક્ષણો છે પારધીની જાળ કે રોકા જરી.

.

નીકળી જાજે પરોઢે સાવ ઠંડે વાયરે,

છે દસે દિશામાં ઊઠી ઝાળ કે રોકા જરી.

.

શક્ય છે કે કાલ પસ્તાવો જ કરવાનો રહે,

આજનું એકાન્ત છે વિકરાળ કે રોકા જરી.

.

કે ફરીથી કઈ રીતે ને ક્યાં હશે મળવું લખ્યું?

ખૂબ ઝડપી છે જીવન-ઘટમાળ કે રોકા જરી.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

હાથમાં બરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

એકદંડિયા મહેલની વચ્ચે હેડકી હકડેઠઠ દીધી છે

ગરમાળા નીચે બેસીને ચાંદનીને ગટગટ પીધી છે

.

રૂંવાંમાં મલ્હાર સીંચીને દીપક ચારે તરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

ચકરડીનું શિલ્પ થઈને ઊભવું પામ્યા ચોકની વચ્ચે

ટહુકા થઈ ગ્યા તીરકામઠાં વહોરવા જાતા લોકની વચ્ચે

.

સૂણે ન એવો સનમ દીધો છે સાથે ઊના હરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

( સંદીપ ભાટિયા )

રે અલ્લાલાબેલી

ઓરમોર ચારેકોર ઊછળે છે દરિયાનો વૈભવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

ડગમગ નવના ફોતરે જંગ જીવતરના જીતવા અલ્લાલાબેલી,

ભીતરમાં કોણ આ કોતરે પ્રસંગ કળતરના મિતવા અલ્લાલાબેલી.

જળ ચોપાસ પણ દિલમાં લાગે દવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

આભ હો વાદળીયા પણ મનમાં ખાલીપાના આભાસ અલ્લાલાબેલી,

ગાભ હો વીજળીયા પળભરમાં માલીપાના અજવાસ અલ્લાલાબેલી.

ગાજવીજ ગોરંભાયા તાંડવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

હારેલાં હલ્લેસે શ્વાસનાં પંખી સૂસવાતા સઢમાં અલ્લાલાબેલી,

થાકેલા ઉલ્લાસે યાદના સંગી ઘૂમરાતા ગઢમાં અલ્લાલાબેલી.

ઘૂઘવાતા પવનમાં કોના રવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે રહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

( અવિનાશ પારેખ )

ઝૂંપડપટ્ટીના સોકરાનું ગીત

મા મને ચોંદો આલ કે ચોંદામાં પોણી સે,

લોકો બધાયે કે’સ કે ચોંદામાં પોણી સે.

પેલા સાપાવાળા સાપે’સ કે ચોંદામાં પોણી સે.

એ તો રાજી થઈ નાચે’સ કે ચોંદામાં પોણી સે.

આખી રાત્ય તરહે મર્યો

ન મોઢું સુકાણું સેક;

પાણી વ્હેતું શેઠ ઘેર,

એની ભરઈ ગઈ છે નેક.

ખોટા ટેન્કરના વાયદા કરે’સ કે ચોંદામાં પોણી સે…

સાત દન નાયે થયા,

ન શરીર ગંધ મારે’સ

સામડીએ ચાઠાં પડ્યાં

ન ભૂતડાનું માલેસ કરે’સ

હું તો ખજવાળી લોઈ કાઢે’સ કે ચોંદામાં પોણી સે…

પન્નર દન ધોયે થયાં,

કપડાં કાળાં મેસ;

કૉંમ કોઈ આલે નહિ

હડ હડ લોક કરે’સ

અરે, તગડી મને મેલે’સ કે ચોંદામાં પોણી સે…

ટેન્કર આજ આયુ નઈ,

ન તરસ્યો હું મરે’સ;

રૂપિયાનું પાઉચ અલાય,

અર્ધે પછીત ધોએ’સ

અને અરધું લે’રથી પે’શ કે ચોંદામાં પોણી સે.

મને લઈ જા મા, ચોંદાને દેશ કે ચોંદામાં પોણી સે.

.

( મહેશ દવે )

પ્રેમ-કલ્પનો રોપ

ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું.

પરબ માંડીને પબની પડખે બેઠો છું

પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા !

હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા.

ખદબદતી માખોની વચ્ચે બેઠો છું

આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે;

સુખવાસી સૌ છાકમછોળે, ઝાકમઝોળે, ચંદન ચોળે જુગ જુગ જૂની વ્યાસ-પ્રથા છે

નથી કોઈની નજર કેમ હું બેઠો છું ?

બાકી તો હું બુટ્ટી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

તત્વ ફત્વની મારામારી, ધરમકરમની ધક્કાબારી નથી વાદના ખૂંટા;

લોક-લ્હેકથી શી હવા, છાંયડો જરી પંજરી, ઠાર્યાં જળ ભર માણસાઈના ઘૂંટા

કેસર લઈને ન્હોર કાપવા બેઠો છું

પ્રેમ-કલ્પનો રોપ ચોપવા બેઠો છું ……પરબ માંડીને.

.

( પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’ )

ઈચ્છાનું તો એવું

ઈચ્છાનું તો એવું,

જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું.

.

માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો

જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો

ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું

ઈચ્છાનું તો એવું

.

જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા

નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં

અગર ઢળી એ પડેય તોયે કોને જઈને કહેવું ?

ઈચ્છાનું તો એવું

.

ઈચ્છાઓનો રંગ એક છે પાનની માફક લીલો

ક્ષીણ થવા એ લાગે ત્યારે બની જાય છે પીળો

છેવટે તો ડાળી ઉપરથી ‘ટપાક’ દઈને ખરવું

ઈચ્છાનું તો એવું

.

( સંધ્યા ભટ્ટ )

હોડી મધ્યે ઝીણો છેદ છે

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ,

ક્રિયાપદોના કૂંડાળામાં, શબ્દને છળી શકાશે નંઈ.

.

વડવાયુંની વચમાં બાંધ્યા

સુગરીઓએ માળા,

ગામની વચ્ચે સીમ ફૂટ્યાના

થઈ રહ્યા હોબાળા,

.

શેઢા પરના આવળ-બાવળ લણી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ; સહેજમાં મળી શકાશે નંઈ,

.

ઝાકળ જેવું આંખમાં ફૂટ્યું

પગને ફૂટ્યાં પાન,

માણસ થઈને બન્યો ચાડિયો

ગાઈને લીલાં ગાન,

.

ભર્યા ભાદર્યા ખેતર વચ્ચે ફરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

નદી કિનારે ભીની રેત પર

લખીને થાક્યો નામ,

હાથ હલેસાં, તનની હોડી,

જાવું સામે ગામ,

હોડી મધ્યે ઝીણો છેદ છે, તરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

( ડાહ્યાભાઈ પટેલ “માસૂમ” )

હવે તો હાથ પણ થાક્યા

તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા

દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા

.

મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની

સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા

.

રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી

બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા

.

અભિગમ આક્રમક એનો રહ્યો છે હર સમસ્યામાં

ધજાઓ શ્વેત ફરકાવી હવે તો હાથ પણ થાક્યા

.

ગમે ત્યાંથી કલમ પર નામ આવી જાય છે એનું

શકું ના એને અટકાવી હવે તો હાથ પણ થાક્યા

.

( ઉર્વીશ વસાવડા )

મૃત્યુ : એક કારકુનનું

[ગઈ કાલે વાયા જય વસાવડા એ સમાચાર મળ્યા કે “ગુજરાતીના ઉમદા કવિ, ‘ડાર્ક & ઇન્ટેન્સ’ રચનાઓના સર્જક વિપિન પરીખ(૮૦)નું નિધન થયું છે. એમની ચોટદાર મર્મવેધક રચનાઓનો વારસો જ હવે જીવંત રહેશે”. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે.  મોટી વાત પણ સાદી સીધી ભાષામાં લખવાની એમની  શૈલી મને પ્રિય હતી. કવિ અને તેની કવિતા કદી મરતી નથી. વિપિન પરીખ અક્ષરદેહે સદાયે જીવંત રહેશે.  વિપિનભાઈને એમના જ એક કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ.]

હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે

એવું અભિમાન હવે નથી રહ્યું.

એક દિવસ

દુનિયાની કાયાપલટ કરવાની

હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી

દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ છે.

જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ

૧૦૧ નંબરની બસમાં

મારી બેઠક ખાલી નહીં રહે.

ઓફિસમાં

ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે

ટાંપીને બેઠેલો ક્લાર્ક

સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે.

કહેશે : મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા.

પણ ભલા, એક ક્લાર્ક ખાતર

ઓફિસ બંધ થોડી જ રાખી શકાય છે ?

બપોરે ટી ટાઈમમાં

ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે.

હું નહીં હોઉં

ને

રજિસ્ટરમાંથી એ મારું નામ કાઢી નાખશે.

.

( વિપિન પરીખ )

.

વિપિન પરીખની મારી સાઈટ પર પોસ્ટ થયેલ અન્ય કવિતાઓ…

હાથમાં નથી

એક ચિત્ર

તલાશ

ફૂલ

અર્થશાસ્ત્ર

.

આયના ફૂટ્યા

કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં,

ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં.

.

કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર,

ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં.

.

લો આવજો મલશું સ્મરણના મેળામાં,

એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં.

.

ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો,

ફૂલ આવેશમાં આવીને કેટલાં ચૂંટ્યાં?

.

ભરીને ખોળામાં એની કરચ ગણું સપનાં,

એના હાથેથી જે મિસ્કીન આયના ફૂટ્યા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )