હિન્દુ

શું વાત
કરો છો, યાર!
‘હિન્દુ’ એ કોઈ ઈન્ડુ છે
કે ઊભી ચમચીથી
તડાક દઈને તોડી ને ઓહિયા કરી જાવ?
અથવા તો મન ફાવે તેમ
સેવીને, પાર પાડી નાખો
ગમે તેવા ઈરાદાઓ!?…
હિન્દુ, એ કોઈ ધર્મનું નામ
પણ નથી કે જેણે
વિસ્તારવાદની ગ્રંથીથી
પીડાવું પડ્યું હોય !
હિન્દુ એ ચિંતનધારા છે
જેણે આખા વિશ્વમાંથી
ઊતરી આવેલા માનવ ટોળાંઓને
ગળે લગાડ્યા છે…
હજારો વર્ષોથી આ ધારામાં
વહેતા મનુષ્યોનો ઈશ્વર
એમનાં ચિદાત્મામાં વસે છે
તેથી એમને દેવસ્થાનોમાં
નિયમિત જવાનું, જરૂરી રહેતું નથી.
હિન્દુ એ જીવનરીતિ છે, જે,
એને દબાવી-કચડી-રોંદી
નાખવાના પ્રયત્નોને પણ…
ક્ષમા જ આપશે,..અને એ જ
એના અગાધ બળની સાબિતી છે !
ગરોળીના કપાયેલા
અવયવની જેમ એનું આંતર્સત્વ
ગમે ત્યાંથી પાછું
ફૂટી નીકળશે…
અથવા પોતાના અશ્મિમાંથી
સળવળીને એ પાછું
ઊભું થઈ જશે,
દેવહુમા પક્ષીની જેમ!
તમે, એને યાર…
કદાપિ, નષ્ટ નહીં કરી શકો!!

(જયંત દેસાઈ)

શ્રાવણ વરસે…

શ્રાવણ વરસે સરવડે

નદિયું જળબંબોળ

કાંઠે બેસી કુંવારકા,

નહાતી માથાબોળ.

કુંવારકાના રૂપને

માણે એક જુવાન

જળમાં તરતી માછલી

શી રમણી છે બેધ્યાન.

પગમાં પહેરી ઝાંઝરી

છમછમ છમછમ થાય

શ્રાવણિયા તડકા પરે,

ચળકે કૂણી કાય.

જુવાન હસિયો ઝરુખડે,

કુંવારકાને જોઈ

કુંવારકાયે જુવાનને

ભીને લુગડે મોહી.

પરભવ કેરી પ્રીતના

ટહુકી ઊઠ્યા મોર

આજ મળી ગ્યાં આભ પરે

ચંદ્ર ને ચકોર….

(યોગેશ પંડ્યા)

તમે શરણે થશો કે ?

સમયની આણ વર્તે છે, તમે શરણે થશો કે નહિ ?

બધેબધ તેજ વરસે છે, તમે શરણે થશો કે નહિ ?

કદી ભીનાશ અડકે છે ? તમે શરણે થશો કે નહિ ?

અધર પર સ્મિત ચમકે છે… તમે શરણે થશો કે નહિ ?

તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી…

બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે નહિ ?

દઝાડે એ, સતાવે છે, હરાવે છે, રડાવે છે…

છતાં રમવા નિમંત્રે છે, તમે શરણે થશો કે નહિ ?

પ્રલોભન ભૂલ કરવાનાં અહીં ડગલે ને પગલે છે…

જીતેલી બાજી સરકે છે, તમે શરણે થશો કે નહિ ?

(બકુલેશ દેસાઈ)

અજ્ઞાત !

ગલીને નાકે

યુવાન છોકરી કપડું પાથરીને

મેઘધનુષ વેચવા બેઠી હતી.

.

કેટલાક લોકોએ

છોકરી પણ જોઈ

અને મેઘધનુષ પણ જોયાં.

.

કેટલાક લોકોએ

માત્ર છોકરી જોઈ

પણ મેઘધનુષ જોયાં નહીં.

કેટલાક લોકોએ

માત્ર મેઘધનુષ જોયાં

પણ છોકરી જોઈ નહીં.

.

કેટલાક લોકોએ

છોકરી પણ ન જોઈ

અને મેઘધનુષ પણ ન જોયાં.

અહિંયા તો કશું જ નથી

એમ માનીને-

.

(ધીરુ મોદી)

પરભુભાઈ !

આ સુખ છાતી ભીંસે છે, ઓ પરભુભાઈ

ને દુ:ખ બેઠું રીસે છે, ઓ પરભુભાઈ !

ફ્રીઝ, ટી.વી., વોશિગ મશીનના ચક્કરડાં

દર હપ્તે મને પીસે છે, ઓ પરભુભાઈ !

દેવું, ગરીબી, અભાવ, તંગી ને ટેન્શન

તમાશા…ખાલી ખીસે છે, ઓ પરભુભાઈ !

વ્યાજ પઠાણી શાહુકારો ગયા છે લઈ

કૈં પરસેવા ખમીસે છે, ઓ પરભુભાઈ !

સાંજ પડી છે જીવનની ને છીએ નિરાશ

દૂ…ર દીવાઓ દીસે છે, ઓ પરભુભાઈ !

લે ગણતાં થાકી, સૂઈ ગયા તારો હિસાબ

અને, સો કેટલા વીસે છે? ઓ પરભુભાઈ !

(જયંત દેસાઈ)

કોણ છે?

હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?

http://www.heenaparekh.com

પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

(આહમદ મકરાણી)

મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)



તારી બારી પર

તારી બારી પર

ઝરમર ઝરમર વરસાદ પડે છે

તે હું છું

તારી બારી પર

એક ફૂલ ઝૂકેલી ડાળી છે

તે હું છું

તારી બારી પર

એક પંખીનો ટહુકો છે

તે હું છું

તારી બારી પર

હવાની અદ્રશ્ય લ્હેરખી છે

તે હું છું.

ઉઘાડ-બંધ થતી તારી બારી

તે પણ હું છું

તારી બારીની અંદર

કે બહાર

માત્ર હું છું

(ઉમાકાન્ત શ્રીનાથ)

ચિરએકલપણાના પ્રવાસી

ન એકેય બારી કદી પણ ન વાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉદાસી ફૂલોની મહેંક બારમાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ સાથે થતી મોજ ખાસ્સી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી હવેલી અમે એમાં દાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉજાણીમાં કેવળ અમે ને ઉદાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અગોચર સફર ને અદીઠો ખલાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ ભીતરના કાયમ નિવાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

દત્તાત્રય ભટ્ટ