૧.
સપનાઓ છે
પતંગિયાં જેવાં જ
ઊડ્યા કરે છે
એક મનથી બીજે
ઝાકળ ભીની પાંખે.
૨.
તરલ હતાં
વાદળ કીકીઓમાં
ઘેરાયેલા ને
સમય થંભી ગયો
ઉભયની સામે જ.
૩.
ઢળતી સાંજે
હવે આવે છે યાદ
મન મળ્યાનું
ત્યાં ફૂલ ખીલી ગયું
પાનખરની ડાળે.
( ઉમેશ જોષી )
૧.
સપનાઓ છે
પતંગિયાં જેવાં જ
ઊડ્યા કરે છે
એક મનથી બીજે
ઝાકળ ભીની પાંખે.
૨.
તરલ હતાં
વાદળ કીકીઓમાં
ઘેરાયેલા ને
સમય થંભી ગયો
ઉભયની સામે જ.
૩.
ઢળતી સાંજે
હવે આવે છે યાદ
મન મળ્યાનું
ત્યાં ફૂલ ખીલી ગયું
પાનખરની ડાળે.
( ઉમેશ જોષી )
આ કોની રિયાસત, આ કોની ઈમારત ?
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?
આ ધરા આભ કોના ? અહીં રાજ કોના ?
આ કોની નમાજો ને કોની ઈબાદત
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?
હવાઓ નિરંતર, કિરણ પણ નિરંતર
અહીં સૂર્ય ને ચંદ્ર ઊગે નિરંતર
મળે તેજ સામે તિમિરને ઈજાજત
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?
અહીં શહેર શેરી, ને, મસ્જિદ ન ડેરી
સતત ચાલતી શ્વાસોની હેરાફેરી
અહીંયા જ જહન્નમ, અહીંયા જ જન્નત
હશે કલ્પના કે હશે એ હકીકત ?
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?
( ચિનુ મોદી )
ઝાકળના પેગ પાંચ મારી ગુલાબ ઝૂમે ઐસી ક્યૂં આંખ લાલઘૂમ
કેમ કરી દારૂનાં ટીપાં ટપોરી બની બેઠાં દરખની લૂમ
હમકો ના કુચ બી માલૂમ
પતલી ગલીસે કબીર કોઈ આયા
ને વડને સમેટી લીધો બીજમાં
દર્પણને ડૂલ કરી, ગુલ કિયા અપ્પુનકા
પડછાયા ખીજમાં ને ખીજમાં
અપને હી બંદે કો અગુવા કરીને કૈસે મુરશિદ ભી ખુદ હુવા ગુમ
હમકો ના કુચ બી માલૂમ
ટપકા ડાલુંગા ઉસે વિરહીનાં આંસુની જેમ
મારી પાંપણની ધારથી
ખલકત કો બોલું ખલ્લાસ : વાર કર ડાલું
આશિકના તેજ હથિયારથી
નામ કોઈ પૂછે તો હમકો ક્યા કહને કા ; મજનૂ યા મૌલાના રુમ
હમકો ના કુચ બી માલૂમ
( હરીશ મીનાશ્રુ )
આંખ મીંચીએ તો અંધારું થાય,
એથી સૂરજ કંઈ આથમી ન જાય !
મનમાં તો એમ હોય આપણું ઉગાડેલું અંધારું આપણને ઢાંકશે,
બાકસને હાથવગું રાખશું ને ખપ પડ્યે ચપટીભર અજવાળું આપશે,
આમ જીવતર કંઈ ઝળહળતું થાય ?
આંખ મીંચીએ તો અંધારું થાય.
બીજાની ઝળહળથી પોતાના પડછાયા કેમ કરી બાળવા ?
બારી ને બારણાં તો બંધ કરી દઈએ પણ ચાંદરણાં કેમ કરી વાળવાં ?
કદી અંધારું ઓલવી શકાય ?
આંખ મીંચીએ તો અંધારું થાય.
( વિમલ અગ્રાવત )
સત કહો કે ભ્રમણા
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા
તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા,
સત કહો કે ભ્રમણા.
તેજ-તિમિરની રંગછટાનાં દ્રશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં,
ટહુકા કરશે હમણાં,
સત કહો કે ભ્રમણા.
( વિમલ અગ્રાવત )
કાફલો ઊપડવાની તૈયારી હતી,
આખું આકાશ સંકેલીને
ઊંટની પીઠે લદાઈ ગયું હતું,
વહેતી નદીને
મશકમાં બંધ કરી દેવાઈ હતી,
ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓ
રણઝણી રહી હતી,
કાફલો થનગની રહ્યો હતો
ક્ષિતિજની લકીરમાં સમાઈ જવા,
સહુની આંખો મંડાઈ હતી
ઊગમણા દેશ તરફ,
સહુના પગ હવે
આ ઊપડ્યા કે ઊપડશે…
પણ, મારા પગ જાણે ગળી ગયા હતા
હૈયેથી સાદ ઊઠતો હતો-
“અરે થોભો, થોભો !
કોઈ જણસ રહી ગઈ છે
આ વેરણછેરણ નિશાનીઓમાં…”
પણ કોઈ સાંભળતું ન હતું
સૌને ઉતાવળ હતી
આગળ ને આગળ જવાની
ને હું રેતના ઢૂંવાઓ વચ્ચે
રેત થઈને વીખરાતા મારા મનના
કણકણને સમેટવા-બાંધવા
મથી રહી હતી…
( ઉષા ઉપાધ્યાય )
અધકચરી ભ્રમણાનું જાળું ગજવામાં લઈ હરે-ફરે છે,
થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.
જાંબુડી તડકાને સ્પર્શી, પળમાં એ સોનેરી કરશે;
ગરમાળા ઘેઘૂર ઉનાળું, ગજવામાં લઈ હરે-ફરે છે.
છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે,
ખપ પૂરતું એ સ્મિત છિનાળું ગજવામાં લઈ હરે-ફરે છે.
વૈરાગી વાઘાની સળનાં ચાઠાં ક્યાંથી હોય શરીરે !
એ તો કાયમ પોત સુવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.
વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઊઘડે ?
શંકાનું લોખંડી તાળું ગજવામાં લઈ હરે-ફરે છે.
( ભાર્ગવ ઠાકર )
કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે,
ધરાથી લઈને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયાં,
બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઊગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડુબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
દરેક બાળકના સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર,વહાલ થઈને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
પ્રથમ તમારે હવા ને અહીંયાં, બનાવવાની છે શ્વાસ સૌનો,પછીથી શ્રદ્ધા જિવાડવાની,
તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
( ગૌરંગ ઠાકર )
ચાલ દરિયે, ઝંખના બેહદ હતી,
નાવ પાણી-પાણી ને ગદગદ હતી.
પત્ર હાથોહાથ દેવા ઈચ્છતી,
આ હૃદયની લાગણી કાસદ હતી.
ચાંદનીનું તેજ પણ કાળું હતું,
મન વસી તિથિ નિરંતર વદ હતી.
રોજ વધતું શહેર, ઘટતું ગામડું,
‘ક્યાં જવું’ વિચારમાં પરિષદ હતી.
મોલ ઉપર હાથ હળવે ફેરવી,
આ હવા આવી, તે નખશીખ મદ હતી.
એથી આગળ ના કશું જોઈ શક્યો,
તું જ મારી દ્રષ્ટિની સરહદ હતી.
( હર્ષદ ચંદારાણા )
તને યાદ છે ?
આવા જ વરસતા એક
શ્રાવણમાં સાવ અડોઅડ,
સાવ અડોઅડ ભીંજાતાં
આપણે ઊભાં હતાં;
ને ત્યારે
આપણી આંખોમાં
છવાયેલું હતું-
લીલુંછમ ઘાસ.
અને આજે,
આ શ્રાવણમાં
એવા જ વરસાદમાં
તારી આંખોમાં છે-
ખુલ્લા આકાશનું મૌન
અને,
મારી આંખોમાં
યાદના દરિયાનો ઘૂઘવાટ….!!
( દુર્ગેશ ઉપાધ્યાય)