મારું એકાંત – પન્ના નાયક

panna_naik_pic1

.

મને ગમે છે

મારું એકાંત.

 .

ઘોંઘાટ શમી ગયો હોય છે,

ચિત્ત શાંત થયું હોય છે,

પછી

મારી મારે માટેની શોધ

આરંભાતી હોય છે,

 .

અને

કાવ્યની પ્રથમ પંક્તિ

રૂમઝૂમ કરતી આવતી હોય છે

મારી પાસે,

 .

અને

હરજી હળવે હળવે

મૂકતા હોય છે હાથ

મારે ખભે…

.

( પન્ના નાયક )

બહિષ્કાર – પન્ના નાયક

એની કવિતાએ

સ્ત્રીઓને બહેકાવી છે.

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પોતાની સુષુપ્ત સંવેદનાને

ઢંઢોળવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં

પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી

એ બેડીઓને

ફગાવી દેવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પતિના અવસાન પછી

મુરઝાયેલા ફૂલ જેમ

બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને

તિરસ્કૃત કરવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

છોકરીઓની સદાયે અવગણના કરતા

આપણા દંભી હિંદુ સમાજને

વખોડવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

“પુરુષની બુદ્ધિના પાંજરામાં

લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું

મંજૂર નથી”

એવો છડેચોક

પડકાર કરવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને

કોઈ છોછ વિના

નિર્ભિક રીતે રજૂ કરી

બીજી સ્ત્રીઓને

બોલવાનું કહ્યું છે

 .

આવો,

આપણે બધા ભેગા થઈ

એની કવિતાનો બહિષ્કાર કરીએ !

 .

( પન્ના નાયક )

ચામાચીડિયું – ધીરેન્દ્ર મહેતા

રોજ રાતે

ભૂલું પડેલું

ચામાચીડિયું

મારા ઘરમાં પેસે;

ઊંધે માથે લટકવા

ગોતે જગા

ને

આમતેમ ભટકે

અહીંતહીં ભટકાય…

ઊંધમૂંધ પડ્યો હું

જોયા કરું,

ઊંધે માથે લટકવા

કેટલો પુરુષાર્થ !

 .

( ધીરેન્દ્ર મહેતા )

…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી

 તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા

સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ?

 .

રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત

રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ?

 .

કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ?

સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા !

 .

ન ઘંટારવ હતા કોઈ કે ના તો ગુંજ અજાનોની

સબદના તારના અજવાસમાં હું ને સનમ બેઠા !

 .

ખુદા બેઠા’તા…હું બેઠો’તો ને લોબાન વ્હેતા’તા…

ખુદા ! આ કૈ ઈબાદતગાહમાં હું ને ભરમ બેઠા !

 .

( લલિત ત્રિવેદી )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું;

ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું !

મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં;

ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં !

થતું હતું ત્યારે, ઉદ્ધવજી ! હું તે શું નું શું છું !

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

એક દિવસ પણ વીતે નહીં, માધવનાં મિલન વિનાનો;

અષ્ટગંધ મહેકે અંગે, જ્યાં સંગ કરું કહાનાનો !

વૈભવ સઘળો અસ્ત થયો, માધવ મથુરાએ જતાં;

નિશ્વાસી ઉચરું કેવળ : तेहिना दिवसा हता I

.

દર્પણ સઘળાં ફોડ્યાં, ઉદ્ધવ ! જોતાં વદન ડરું છું !

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

( વીરુ પુરોહિત )

વરસે તો – ધ્રુવ ભટ્ટ

તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો

વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો

 .

નાનકડી આ વાત અવરને માનો કે સૂઝી ગઈ તોયે અંદર પેસી સમજે એને કેમ કરીને

સમજે તો પણ એ લોકો તો ભરી સભામાં અઘરું અઘરું કહેશે નહીં કે પ્રેમ કરીને

કહી દે નહીં તો વાદળથી વાસેલા ઘરમાં ક્યાંક આપણી ઝીણી ઝીણી જાત રણકશે તો

વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો

 .

એ લોકોનું કહેવાનું તો એમ થાય કે વાદળ છે તે વરસે એમાં જરા જેટલું નવતર ક્યાં છે

અહીં કોઈને જાણ નથી કે રેશમ દોરે કૂવો સિંચતા ગાગર છટકી જાય તો એમાં અવસર ક્યાં છે

તું ને હું બસ બે જ જણાએ જાણ્યું છે કે જગમાં નહીં ને ક્યાંય કદીયે જળ પછવાડે જળ તરસે તો

તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો

 .

( ધ્રુવ ભટ્ટ )

હજી – ચિનુ મોદી

હતી એ હામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું,

રખડતા ગમનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.

 .

મને તું પ્હાડ ગણ તો ગણ, જરી વાંધો નથી વ્હાલા !

નદીના નામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.

 .

ગલીમાં પેસતાં પ્હેલું જ આવે ઘર પુરાણું, પણ

વતનના ગામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.

 .

પડે છે સાંજ પણ ટકરાય છે ક્યાં પ્યાલીઓ અહીંયા ?

બુઢા ખૈયામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.

 .

સમય આપી શકે ‘ઈર્શાદ’ કલ્પ્યાં બહારનાં અચરજ

હું ચારે ધામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.

 .

( ચિનુ મોદી )

ભીંત – કમલ વોરા

images

(૧)

આ ભીંતને અહીં સ્પર્શો

અહીંથી ડાબી બાજુ તરફ

બે હાથ આગળ વધો

પછી ત્રણ વેંત નીચે ઊતરો

ત્યાં

તમને એક સોંસરું છિદ્ર મળશે

એ છિદ્રમાંથી

ભૂરું આકાશ જોઈ શકાશે.

 .

(૨)

દૂરની ક્ષિતિજે

આથમી જતા

સૂર્યને

ભીંત

ઊંચી થઈ થઈને

જુએ છે.

 .

(૩)

ક્યારેક

આ ભીંત

કાગળની માફક

ધ્રુજે છે.

 .

(૪)

માછલીઓની જેમ

પર્ણોના પડછાયા

ભીંતની ત્વચા પર તરે

ત્યારે

ઊંડે ઊતરે ગયેલ

ભીંતના પગોને બાઝેલી

રાતી માટી

સળવળે છે.

 .

(૫)

તિરાડોથી ભરાયેલ

આ ભીંતને

બારણું નથી.

 .

(૬)

શું કરું

તો

ભીંત જાગે ?

.

( કમલ વોરા )

આકાશની વાત – હિમાંશુ વોરા

images (1).

મેં આકાશની વાત કદી કરી નથી

આકાશને મેં દીઠું છે કટકે કટકે

સ્ટેશનો વચ્ચે દોડતું

સાગરની હાજરીનો ભૂખરો ઈશારો કરતું

ક્ષિતિજ પર ઢળતું

ખાટલા પાસેની બારીમાંથી

તડકા વડે હાજરી પુરાવતું

દીઠું મેં આકાશને

પણ એની વાત મેં કરી નથી

પૃથ્વી પર પથરાયેલા આકાશ અંગે

હું ચૂપ રહ્યો છું

કારણ મેં જોયેલો

આકાશનો દરેક ટુકડો અંગત હતો

એણે મારી સાથે વાત કરી હતી

ક્યારેક વહી ગયેલા સમયની

ક્યારેક લુપ્ત થયેલા ચહેરાઓની

ક્યારેક એકલતાની, ક્યારેક માણેલા સહવાસની

કરવા જેવી વાતો મેં આકાશને કરી છે

નાના નાના, બારીમાં સમાઈ જતા

કે મકાનોથી કપાઈ જતા

ટી.વી.ના એન્ટેનાથી વીંધાઈ જતા

આકાશને મેં મારી વાતો કરી છે

પણ આકાશની વાત મેં કરી નથી

અંગત હોય એની વાત કેમ કરાય ?

 .

(  હિમાંશુ વોરા )

ખાબોચિયું – મૂકેશ વૈદ્ય

images

.

(૧)

એક ખાબોચિયામાં

મધ્યાહ્નને

માતેલી ભેંસની જેમ જડ થઈ પડી રહેલા

સૂર્યને

સાંજ સુધીમાં તો માછલાં ફોલી ફોલીને ખાઈ ગયાં.

 .

(૨)

બારીની જેમ જડાઈ ગયાં છે ખાબોચિયાં.

વૃક્ષો એમાં ડોકાઈ ડોકાઈને જુએ છે

કદાચ

તેઓ ક્યાં પહોંચ્યાં એનો તાગ કાઢતાં હશે.

વચ્ચે અફાટ અવકાશ.

 .

(૩)

પીઠ પર દફતર ઝુલાવતા નિશાળિયાઓએ

મોટા દેખાતા એક ખાબોચિયે કાંકરા નાંખી

અનેકાનેક વલયો જન્માવ્યાં.

પછી તો આખુંય ખાબોચિયું કાંકરે કાંકરે પુરાઈ ગયું.

કાલે જ્યારે નિશાળિયાં છૂટીને પાછા ફરશે

ત્યારે

તેઓએ કાંકરાની શોધમાં દૂર રખડવું નહીં પડે.

 .

(૪)

મેં એક ખાબોચિયામાં

એક કાગળની હોડી મૂકી

અને-

એ તરી.

 .

(૫)

ખાબોચિયે જોવા મેં આંખ માંડી

ત્યારે આંખના ડોળા પર કશુંક ઘસાતું હોય એવું લાગ્યું હતું

પણ મને મજા પડી.

ખાબોચિયા પર આંખ માંડીને જ હું આગળ વધ્યો

અડધાં કપાયેલાં. ફરી એકમેકમાં ભળી જઈ જોડાતાં

ટોળાં, દુકાનોનાં પાટિયાં, છત, પડું પડું મકાનો

ને ઊંધી વળેલી બસનાં ઊંધાં પ્હોળાં મસમોટાં વ્હીલ

મારાં ઉપલાં પોપચે ફરવા લાગ્યાં

નજીક પહોંચ્યો

તેમ તેમ દ્રશ્યો ચકરાયાં, તૂટ્યાં ને બદલાયાં.

ખાબોચિયું

આંખ સરસું પાસે આવ્યું

ત્યારે તો કશું જ નહિ

માત્ર ચૂનેધોળ્યું આકાશ;

મારી આંખોમાં

ઊંડે ઊંડે અસહ્ય પીડા થવા લાગી.

ટીનનાં પતરાં જેવું ચળકતું ખાબોચિયું

ખાસ્સું અડધું એવું

મારી આંખો ચીરીને ઊંડે ઊંડે પેસી ગયેલું.

સામે ક્ષિતિજ જેટલું દૂર

ને પાછળ

ફૂટેલી, લોહિયાળ ખોપરીને પેલે પાર…. ….

 .

( મૂકેશ વૈદ્ય)