પરિસ્થિતિની લક્ષ્મણરેખા – મણિલાલ પટેલ

પરિસ્થિતિની લક્ષ્મણરેખા ઓળંગવા

મેં ઉપાડેલો મારો પગ

સત્તાવીસ વર્ષોથી

અટકી ગયો છે એમ જ….

ક્યાં છે શબ્દોની પંચવટી?

શબ્દો વિનાનો હું

સળગ્યા કરું છું-રૂ જેવું !

શબ્દ જ મારો રામ હશે ?

કે શબ્દ જ હશે માયાવી મૃગ ?

શ્લોકત્વ પામવા ઝંખતી

મારી વેદનાઓ

વંધ્ય થઈ જાય એ પહેલાં જ

હે નિષાદ ! વીંધી નાખ મને….

કેમ હું ફંગોળી શકતો નથી

મારી અશબ્દતાને ?

મારી એકલતાના ખારાદવ અબ્ધિ પર

બાંધી શકતો નથી હું શબ્દ-સેતુ !

મારી આંખમાં ખડક થઈ ગયેલું આંસુ

ઝરણાની જેમ હું વહાવી શકતો નથી હવે-

હે રામ ! તમે જ વીંધી નાખો મને….

 .

( મણિલાલ પટેલ )

વ્યર્થ બોજ – સુચિતા કપુર

સફરની શરૂઆતથી જ

ધીમે-ધીમે

જરૂરી લાગતી ચીજો, જરૂરી ભાવનાઓ

ઊંચકતા જવાની, ભરતા જવાની, ટેવ પડતી ગઈ.

સફરમાં આગળ કામ આવશે,

એમ માની હું ચીજો ભરતી ગઈ.

ભાવો મનમાં સંઘરતી ગઈ,

હળવા રહેવાને બદલે,

વધારે ને વધારે ભાર હું ભરતી ગઈ.

સંબંધો ભાવનાઓને હૃદય-મનમાં ઠાંસતી ગઈ.

સફર તો અવિરત ચાલતી રહી,

પણ, હળવાશથી કાપવાની સફર,

સતત બોજો વેઢારી કપાતી રહી.

રેવાળને બદલે લડખડાતી ચાલ,

‘ને સસ્મિત વદનના બદલે, બોઝિલ ચહેરા સાથે,

મંઝિલ તો હવે સામે જ છે

‘ને સફરની સરળતા માટે,

રસ્તે લેવાયેલું બધું જ અહીં હવે

જમા કરાવવાનું છે.

હળવા થઈ, જેવા હતા તેવા

મંજિલે પહોંચવાનું છે.

નિયમ અફર છે, હું મુંઝાઉં છું

ઘડીક બોજને જોઉં છું, ઘડીક નિયમ વાંચું છું.

જતાં પહેલાં બધું જ છોડવાનું છે

તો આ આખી સફર

મેં આ આટલો બોજો, કેમ ઊંચક્યો ? કેમ ?

 .

( સુચિતા કપુર )

અંધારાએ – પરાજિત ડાભી

અંધારાએ રાત સમેટી

સપનાં સૂતાં વાત સમેટી

 .

આંખો ખોલી ઝરણું જાગે

કાંઠા ઊંઘે જાત સમેટી

 .

રસ્તો અર્ધી રાતે જાગી

બેઠો છે આઘાત સમેટી

 .

પ્હેલાં પ્હેલાં અજવાળાનાં

કિરણો ઊગ્યાં ઘાત સમેટી

 .

ફૂલોએ ખોલી પાંદડીઓ

પતંગિયાએ ભાત સમેટી

 .

ઝાકળ ટપકી ફૂલો પરથી

રંગોની ઓકાત સમેટી

 .

સાંજ ઢળી ગઈ ધીમે ધીમે

સૂરજની સોગાત સમેટી

.

( પરાજિત ડાભી )

જો જો હોં કે – મધુમતી મહેતા

ઠગ જેવાં અરમાન મળે ના જો જો હોં કે

અધવચાળે ક્યાંક લૂંટે ના જો જો હોં કે

 .

વીજળીને અમથી ગુસ્સામાં જોઈ પેલી

વાદળીઓ માસૂમ રડે ના જો જો હોં કે

 .

બાળક ઝરણાં મોટી નદિયું થાતાં પહેલાં

રણને રસ્તે ક્યાંક ચડે ના જો જો હોં કે

 .

પૂર્યા ભૈરવ ગાવામાં કે સાંભળવામાં

અંદરનો સૂર બંધ પડે ના જો જો હોં કે

 .

સ્વપ્નો આવ્યાં હાલત માથે હલ્લો કરતાં

આપસમાં રમખાણ કરે ના જો જો હોં કે

.

મ્હેતા તો કાંટાળા પંથકના જ પ્રવાસી

 લવકારાથી ક્યાંક ડરે ના જો જો હોં કે

 .

( મધુમતી મહેતા )

कोई तो कमी होती – दीपक भास्कर जोशी

कोई तो कमी होती

गर तुम न साथ होती !

फूल मुरझाते

आँखों में बरसात होती

कोई तो कमी होती….

चांदनी रातों में

चांद भी

यूँ न खो गया होता

भीगी पलकों का

काजल भी यूँ न घुला-घुला होता

कोई तो कमी होती….

रिमझिम बादल भी यूँ न कभी बरसा होता

तितलियों के पंखों पर

न जुगनुओं की कहानी होती

कोई तो कमी होती….

गर तुम न तुम होती, मैं न मैं होता

न धडकनों में अपने-अपने चांद होते

कोई तो कमी होती….

 .

( दीपक भास्कर जोशी )

ઉંદરોની સંસ્કૃતિમાં – સુરેશ દલાલ

ઉંદરોની સંસ્કૃતિમાં

બિલાડીની જેમ પાછળ પાછળ દોડવાનું

શેરીના કુત્તાની જેમ ભસવાનું

ખોટેખોટું, જુઠ્ઠેજુઠ્ઠું, હસવાનું

મગરનાં આંસુથી રડવાનું

પ્લાસ્ટિકનાં ફૂલથી ખીલવાનું

જીવન વિના જીવવાનું

ને જીવ્યા વિના મરવાનું.

આનું આ જ ચક્ર

આપણી જેમ વિધાતા પણ વક્ર

આકાશમાં ઊગે છે કાચનો

ને લાકડાનો ચંદ્ર

દરિયામાં મોજાંઓ પરાણે ઊછળે

કાગળનું સરોવર પ્રતિબિંબ પાડે નહીં

ઝાડની ડાળીઓ એકમેકમાં ગૂંચવાયેલી.

ભોંયભેગાં પડી રહ્યાં રૂનાં પંખીઓ

અનાથ, અસહાય, આશા વિનાના

-પોતાની ભાષા વિના.

 .

( સુરેશ દલાલ )

પંખીની ભાષા – ધ્રુવ ભટ્ટ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ

 .

ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું

એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું

કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.

 .

બગલાનું કહેવું કે આખાં તળાવ કોઈ આણામાં માગે એ કેવું ?

ચકલી કે’ અમને તો આટલુંક આપેલું ધૂળ મહીં નાહ્યાની જેવું

પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝગડાઓ ઘરમાં ના ઘાલીએ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

 .

( ધ્રુવ ભટ્ટ )

પ્રેમ એટલે શું ? – વર્ષા બારોટ

પ્રેમ એટલે શું ?

મને નથી ખબર

પણ હા,

આપણી વચ્ચેનો ‘કેવળ’

વાર્તાલાપ

પ્રેમ હોઈ શકે

અથવા તો

એવું પણ હોઈ શકે કે

પ્રેમ એટલે

હું કોઈ પુષ્પને જોઉં

ને એ જ ક્ષણે

તારો વિચાર ઝબકે

હું ખીલી ઊઠું,

મારું સ્મિત મહેકી ઊઠે,

હું તરબતર થઈ જાઉં

કદાચ ભૂલી જાઉં મને ખુદને જ

ને

પછી, અચાનક જ સભાન બની ઊઠું

પુષ્પની હાજરીનો ખ્યાલ આવતાં

શરમાઉં, સંકોચાઉં

ને

દોડી જાઉં દૂર….

એટલે દૂર…

એટલે દૂર…

કે

આપણી ‘છાની’ વાત

કોઈ પુષ્પ પણ

સાંભળી ન લે…

 .

( વર્ષા બારોટ )

તારે જે કહેવું છે – વર્ષા બારોટ

તારે જે કહેવું છે મને,

એ જ

મારે કહેવું છે તને

અને

મારે જે કહેવું છે એ જ

કદાચ

તારે પણ મને…

પણ

શબ્દ એકેય મળતો નથી

અને

મૌન એવા આપણે

એકબીજાને

બતાવીએ છીએ-

સૂર્ય,

ફૂલો, પતંગિયાંઓ, વૃક્ષો…

વેલી, નદી, તળાવ, ઝરણાંઓ,

ખેતરો, પહાડો, પંખીઓ,

દૂર ક્ષિતિજે

રેલાતા રંગો

અને

હસી પડતા

ચાંદ-તારાઓ…

 .

( વર્ષા બારોટ )

મને રોક મા – મધુમતી મહેતા

મારું કાંડું પકડીને મને રોક મા

મારી પાનીએ બેઠાં પતંગિયાંને ટોક મા

મારું કાંડું પકડીને મને રોક મા

 .

અધખુલ્લી બારીથી જોયાં આકાશ,

અને જોયાં છે પંખીનાં ટોળાં;

હફળક દેતુંને કાંઈક અંદર જાગે,

ને પછી આંખોમાં સપનાંના મેળા;

પગલાંમાં હોંકારા પહેર્યા મેં આજ,

હવે બેસાડી ના દે તું ગોખમાં

મારું કાંડું પકડીને મને રોક મા

 .

હોવું આ આપણું તો ઝાકળની જાત,

નથી પથ્થરમાં કંડાર્યા લેખો;

દરિયાને તળિયેથી ઊગી નીકળીએ,

જરા કાંકરિયું સાદની જો ફેંકો;

સાતે જન્મારાના સગપણને બે પળના

અળગાપણાથી તું જોખ મા.

મારું કાંડું પકડીને મને રોક મા

 .

( મધુમતી મહેતા )