બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય

બાળપણમાં ભેટ મળેલી

પરીકથાઓની ચોપડી

જીર્ણ-શીર્ણ હાલતમાં-

છતાંયે,

આજે પણ સાચવી રાખી છે – મેં !

 .

એકડદંડિયા મહેલમાં

પુરાયેલી રાજકુમારીને

છોડાવવા આવતો રાજકુમાર

એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે…

પણ, એનો ચહેરો ફાટી ગયો છે !

 .

વારંવાર વાંચેલી એ વાર્તામાં

શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે

પણ

રાજકુમારનું નામ

કેમેય કર્યું યાદ આવતું નથી

નામ કે ચહેરો…

…મળશે ખરાં ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

એક મુઠ્ઠી છલના – કાજલ ઓઝા વૈદ્ય

એક મુઠ્ઠી છલના લઈને

તૂટ્યાં-ફૂટ્યાં સપનાં લઈને

સંબંધોના સરવૈયામાં શૂન્ય શૂન્યના ઢગલા લઈને….

કહે, હવે ક્યાં જાવું….?

 .

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું

મારે આંસુમાં નથી નહાવું…..

 .

તારી મારી હથેળીમાં લખી હતી જે ખાલી વાતો….

ભૂત – ભૂતાવળ થઈને પજવે

હવે બધી એ ઠાલી વાતો-

આસપાસ વીંટળાતી સાપણ થઈને બધી મારી રાતો-

રાતોના એ ડંખને જાણે કદી નથી રૂઝાવું….

હું કોને ઘાવ બતાવું

મારે આંસુમાં નથી નહાવું……

 .

હશે, હવે એ સપનાં તૂટ્યાં

સબંધોના આયખાં ખૂટ્યાં

ગુંગળાયેલા ડૂસ્કાં છૂટ્યાં

બાંધી રાખ્યાં વરસો સુધી

એકપળમાં તીર વછૂટ્યાં

ઘટનાઓના સંદર્ભોથી ક્યાં લગી વીંધાવું

મારે નથી હવે બંધાવું….

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય

મારી અંદર ક્યાંક – કોઈક ખૂણે

આજે પણ એક ભીની રાત જીવે છે.

એકાંતમાં – લપાઈ – છુપાઈને

એની સુંવાળપને અડકું,

ત્યારે

સાપની ચામડીને અડક્યા જેવો

ભયનો ધ્રાસકો પડે છે.

 .

એની તેજાબી ભીનાશની છાલક

મારી આંખમાં ન ઊડે,

એનો ડર

મને સતત સતાવે છે…

 .

રેતીના નગરમાં

વગર સિંચ્યે

સંવેદનાઓની વેલ વધતી જ જાય છે

પણ હવે, જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી

છે,

એ રાતને….

 .

મૃગજળના કુંજાને

હું – તમે કે બીજું કોઈ પણ,

ક્યાં લગી સાચવે ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

આપો તો આપો રે – મધુમતી મહેતા

આપો તો આપો રે અમને નાવડી,

આપો આપો દરિયાલાલ

ડૂબ્યાં તો મઝધારે તળિયાં તાગશું.,

તર્યા તો ઊતરશું ભવપાર.

આપો તો આપો રે અમને નાવડી…

 .

આપો તો આપો રે એક સાંઢણી,

આપો માથે માઝમરાત;

ઝાંખે રે અજવાળે જાશું પાંસરા,

જાવું એને રે દરબાર.

આપો તો આપો રે એક સાંઢણી…

 .

આપો તો આપો રે લેખણ લાકડી,

માથે સરસતીના હાથ;

લોહીને ટશિયે રે લખવાં નોતરાં,

ઈને દેશું હાથોહાથ.

આપો તો આપો રે લેખણ લાકડી…

 .

આપો તો આપો તે કેડી સાંકડી,

આપો ડુંગરાની ધાર;

પીગળતે પંડ્યે રે પગલાં માંડશું,

ના ક્યાંય પહોંચ્યાની દરકાર.

આપો તો આપો રે કેડી સાંકડી…

 .

( મધુમતી મહેતા )

સંબંધોની વારતા ! – કાજલ ઓઝા વૈદ્ય

મરતા – જીવતા

ઊઠતા – પડતા

દરેક હથોડા પાસે જાણે

બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

વારતા રે વારતા

ભાભા ઢોર ચારતા

એક હતો છોકરો

ન જાણે કોઈ એનું નામ

ન ગામ કોઈ,

ન ઠામ…

 .

દૂરદૂરથી આવતો-

એક ગુલાબનું ફૂલ આપી

છોકરીને સમજાવતો !

ને,

છોકરી કાયમ સમજી જ જતી,

કે

સમજવાનો પ્રયત્ન તો કરતી, કમસે કમ !

 .

એક દિવસ રિસાણી,

સમજણના બોજે ભીંસાણે….

શ્વાસે શ્વાસે બોજ લઈને,

દોષનો ટોપલો રોજ લઈને,

દોડી આગળ….

આગળ… આગળ ને આગળ.

 .

છોકરી ગુલાબનું શોધે ફૂલ !

સપનાંઓના ડબ્બા ગુલ !

હાથ જોડી,

ઘૂંટણ તાણી માગ્યા કરે એ રહેમ…રહેમ…

પાછળ બધું હેમખેમ

જેમ હતું એમનું એમ

તૂટી પડ્યો સઘળો વહેમ.

 .

પણ, છોકરો જેનું નામ-

અજબ એનું કામ,

ન ઠામ કોઈ, ન ગામ…

વાપરી જાણે બધાં પ્યાદાં

દંડ-ભેદ, સામ ને દામ.

 .

ઊઠે હથોડા – પડે હથોડા

વાગે ચાબૂક ઊછળે ઘોડા

હાથી- ઊંટ – દિવાન ને રાજા….

જીતતા ને હારતા,

અંદરોઅંદર મારતા.

 .

જાતે બિછાવેલી બાજી-

જાત સામે હારતા.

એક બીજાની સામે લડતી

સોગઠીઓ ને વારતા-

વારતા રે વારતા.

 .

જીવતા – મરતા

મરતા – જીવતા

ઊઠતા- પડતા

દરેક હથોડા સાથે

જાણે બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ઔદાર્ય,

ઉદારતા એ તો ઊંડાણે,

વધુ ઊંડાણે અડીંગો

જમાવી દેવાનો ઓચ્છવ !

પ્રશંસા અને પ્રચારની

કુંપળ ન ફૂટે એવા સાવ

પ્રછન્ન રહી હૃદયે કોળતા

અને વધતા વડલાનું

નામ ઉદારતા.

કર્તાભાવનું સાક્ષીભાવે

અવતરણ એજ ઔદાર્ય !

 

તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે !

 

(૨)

સ્વ-ઓળખ,

નિજધામને ઓરડે,

આનંદ સમૃદ્ધિની

પૂજા એ જ સ્વ ઓળખ,

આળસ વગર વહેતા વહેતા

થતા વિસ્તારનું નામ

સ્વ-ઓળખ.

પ્રયત્નપૂર્વક પામવાનું નહીં,

પણ જે પડેલું છે તેને પામીને

પરમને ચરણે ધરી દેવાની

પ્રસાદ પૂજાનું નામ

સ્વ-ઓળખ !

 

તું શ્રેષ્ઠ, શૂન્ય અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મને સપનું આવ્યું – સુરેશ દલાલ

મને સપનું આવ્યું

કે હું જંગલમાં રઝળપાટ કરું છું.

સમયની પારના કોઈક સમયમાં હું ફરી રહ્યો છું:

અડીખમ વૃક્ષ :

લીલાંછમ પાંદડાં, સોનેરી ફૂલ.

આંખને પાગલ કરીને ઘાયલ કરી મૂકે એવું

કોઈ શાશ્વત સૌંદર્ય.

કોઈક પશુ મારી નિકટ આવે છે :

હું ભયથી થથરું છું;

એ મને નિર્ભય થઈ જવાની વાત કરે છે.

હું ભયને છુપાવીને

નિર્ભય થયો હોઉં એવો દેખાવ કરું છું.

 .

વિકરાળ પશુ અત્યંત નજાકતથી

મારી આંખ સામે જુએ છે.

હું એની આંખમાં આંખ પરોવું છું

અને મને પ્રતીતિ થાય છે

કે મરણથી છૂટવાનો કોઈ આરો નથી.

 .

હું થઈ જાઉં છું બટકણું વૃક્ષ :

પાંદડાં અને ફૂલો ખરી પડ્યાં છે

મારા સ્વપ્નની જેમ.

જાગીને જોઉં છું તો

મારી પથારીમાં જીવન કણસે છે

અને સૌંદર્ય આક્રંદે છે.

હું પડખું ફરીને

ફરી પાછો સૂઈ જવાનો પ્રયત્ન કરું છું:

કાનમાં આવેલાં આંસુને પાંપણથી લૂછી નાખું છું.

 .

( સુરેશ દલાલ )

વૈરાગ્ય – પ્રીતમ લખલાણી

ઓફિસે જવાની ચિંતામાં

ઉતાવળે બાલ્કનીમાં ઊભા

તમે બ્રશ કરતા હો

ને

રણકતી ફોનની ઘંટડી

સમાચાર આપે કે

પરોઢે

સૂર્ય ઊગવાના

કોડ જોતી મારી આંખ

સદા માટે બિડાઈ ગઈ.

હે દોસ્તો !

તમારા ભરચક કાર્યક્રમમાંથી

થોડોક સમય કાઢી

મારા શબને

વીજળીને બદલે

લાકડાની ચિતામાં બાળજો.

સ્મશાનને બાંકડે

બીડી ફૂંકતા

તમે બે ઘડી

વિચારી શકો

કે

માણસે

ધુમાડો થવા

આખી જિંદગી

કેટલી દોડધામ કરવી પડે છે !!!

 .

( પ્રીતમ લખલાણી )

કવિતામાં કશુંક – સુરેશ દલાલ

કવિતામાં કશુંક ન સમજાય એવું

હોવું જોઈએ

-માણસની જેમ.

બધું જ સમજાઈ જાય છે

પછી

કોઈ રહસ્ય નથી રહેતું.

 .

કિનારો અને સમુદ્ર

હંમેશાં એકમેકની સંગતમાં હોય છે

છતાં પણ

સમુદ્રના પ્રત્યેક મોજાને

સમજવાનો દાવો ખુદ સમુદ્ર પણ ન કરી શકે

તો પછી બાપડા કિનારાની તો વાત જ શી ?

કિનારો પણ એવી પાળ બાંધીને

બેસી ગયો છે

કે એ પોતાને પણ ઓળંગી શકતો નથી.

પછી બીજાને ઓળંગવાની તો વાત જ ક્યાં ?

 .

મારે કશું જ સમજવું નથી.

કેવળ જીવવું છે-

અનંત રહસ્ય સાથે.

 .

( સુરેશ દલાલ )

તું અને હું – મધુમતી મહેતા

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

તેજની તનહાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

કંટકોનાં રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ,

ફૂલની રુસવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં,

વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે,

પ્રેમની પરછાંઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

જ્યાં નથી પડઘો કે પડછાયો કે ભણકારો હવામાં,

સ્તબ્ધતાની ખાઈમાંથી નીકળ્યાં છે તું અને હું

 .

આજ કિસા ગૌતમીની શોધ પૂરી થઈ ગઈ છે,

એક ચપટી રાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

( મધુમતી મહેતા )