પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

જીવનકલા,

સ્વમાં કુદરતનો

સહજ આવિર્ભાવ અને

તેની અભિવ્યક્તિ

એ જ કલા.

પ્રકૃતિનો શતપ્રતિશત પડઘો

એ જ કલા.

પ્રકૃતિના રંગ, રસ, રૂપ, નાદ

અને લય સુધી પહોંચવું,

તેને પામવું અને તેમાં પ્રગટ થવું

એ જ જીવન કલા,

અસ્તિત્વનો ઉત્સવ !

 .

તું કલમ, કાગળ અમે !

 .

(૨)

માણસ,

નિશ્ચિત આકાર અને

ઈન્દ્રિયોના સમુહના

સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં

પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો

પ્રયત્ન કરી તેને ઓળખી,

તેનો અહર્નિશ આભાર માનતાં

જીવંત મંત્રો એ જ માણસ !

પરમોચ્ચ સત્તાના પ્રેમનો પડઘો

એ જ માણસ,

વિશ્વેશ્વરના વિશ્વાસનો ધબકાર

એ જ માણસ.

 .

તું જ્યોત, કોડિયું અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

સાંજને સમયે – સુરેશ દલાલ

હું સાંજને સમયે

મારા જ ઘૂઘવતા દરિયાની પાસે

મારા જ અડીખમ ખડક પર બેસીને

આંખ મીંચીને પ્રાર્થના કરું છું,

બંધ આંખે શોધું છું

મારો પોતાનો પરમેશ્વર.

મારે બુદ્ધને બાળી નાખવા છે

મારે કૃષ્ણને કાળી યમુનાની અંદર

કાયમને માટે પધરાવી દેવા છે.

મને ઉછીના ઈશ્વર જોઈતા નથી

બંધ આંખે જ્યારે

મને મારો ઈશ્વર મળશે

ત્યારે જ

મારા આકાશમાં સૂર્યોદય થશે.

 .

( સુરેશ દલાલ )

આજ સુધી – અજ્ઞાત

આજ સુધી,

લોકો મને મળવા આવે ત્યારે હું કહેતી :

જુઓ, મારું ઘર કેટલું સુંદર છે !

ઘરમાં મેં સંગ્રહેલી વસ્તુઓ કેટલી કલાત્મક છે !

મારાં બાળકો કેવાં હોશિયાર ને તેજસ્વી છે !

 .

મારાં કાર્યોમાં મેં કેટલી બધી સિદ્ધિ મેળવી છે !

લોકોમાં મારી કેટલી પ્રશંસા થાય છે !

સીધી કે આડકતરી રીતે આ બધું હું કહેતી

અને મારી આ આવડતો પર હું ફુલાતી.

 .

અથવા, હું કહેતી કે :

જુઓ, મારા શરીરમાં કેટલી વ્યાધિઓ છે !

મારાં સ્વજનો કેટલાં સ્વાર્થી છે !

લોકો કેટલાં કૃતઘ્ન છે !

મેં આખી જિંદગી પામાણિકતાથી કામ કર્યું

અને બીજાઓને માટે જાત ઘસી નાખી

પણ મને ક્યારેય એનો બદલો મળ્યો નહિ.

 .

હું આમ કહેતી અને આ બધી બાબતો માટે

લોકોનો, કે નસીબનો, કે ભગવાન, તમારો વાંક કાઢતી.

 .

પછી એક સ્નિગ્ધ પ્રભાતે ઝળહળ કરતો સૂરજ ઊગ્યો,

અને સુક્કાં તરણાં સોનાવરણાં થઈ ગયાં.

 .

હવે મને કોઈ કાંઈ પૂછે તો હું ચુપ રહું છું

દુનિયાની બજારમાં મને શું મળ્યું ને શું નહિ,

એ વાત હવે મને અડતી નથી.

 .

હવે મારું મન આખોયે વખત

તમારા દિવ્ય પ્રેમમાં નાહેલું, મૃદુ ને સભર રહ્યા કરે છે.

 .

અંતરતમ આનંદની વાત કોને કરી શકાય ?

પણ તમે જાણો છો, પ્રભુ !

અને એટલું પૂરતું છે.

 .

( અજ્ઞાત )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હેત !

અહેતુક અનરાધાર આનંદ હેલી

એ જ હેત.

સ્વજનની અશબ્દ ઓળખ

એ જ હેત

કુબજાના અંગોમાં કોળતી

કૃષ્ણ ઘટના

એ જ હેત.

ચાર ભવનના સુખનાં

સામે પલ્લે જાજેરા જોખાતા

ચપટી તાંદુલ

એ જ હેત !

 .

તું પ્રાણવાયુ, શ્વાસ-ઉચ્છવાસ અમે !

 .

(૨)

મૈત્રી

લેતી-દેતીના સ્થૂળ સીમાડાને

પાર ઊગતી, ઉછરતી અને

વિસ્તરતી સ્નેહ સુગંધ

એ જ મૈત્રી.

શબ્દાતીત, અદ્વૈત અનુભૂતિ

એ જ મૈત્રી.

સંબંધોના સંજીવની મંત્રો

એ જ મૈત્રી.

સમસંવેદનાની હોડીમાં થતી

પૂણ્ય યાત્રા

એ જ મૈત્રી.

 .

તું મંત્ર, મુગ્ધ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રેમ,

ગમા-અણગમા પે’લે પારના

સહ અસ્તિત્વનું અખંડ

વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન

વિચાર શૂન્યતાનો પડઘો

એ જ પ્રેમ !

સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું

રસાયણ એ જ પ્રેમ

સત્ય ખોજની શરૂઆત અને

અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ

રાધાતત્વ એ જ પ્રેમ.

 .

તું ગંધ-સુગંધ, નાસિકા અમે !

 .

(૨)

નમ્રતા,

અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર

શા પટે વિસ્તાર એ જ નમ્રતા

સ્વીકારના ચરમશિખરે,

સ્વ-લોપનો સૂવર્ણ કળશ

એ જ નમ્રતા !

પરમતત્વની સાવ લગોલગ પહોંચી,

તેને પામી ગયાની

પરખનું નામ નમ્રતા.

કીડીનાપગની ઝાંઝર થઈ,

એકત્વના ગીતનું ગુંજન

એ જ ‘કબીરાઈ’,

નમ્રતાનું અનંત પોત !

 .

તું મલમલ, માદરપાટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

કાળી રાતને, વાતને, સદીઓની જમાતને

ચીરીને પ્રકટો.

ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.

હજીયે અમે એના એ જ વિષચક્રમાં

શાણપણની મશાલ લઈને

ભટક્યા કરીએ છીએ

પાગલોનાં પગલાં ગણતા.

 .

યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ

તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી

બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…

કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?

 .

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

( સુરેશ દલાલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

અદ્વૈત,

અણુ અને અનંતનું

અન્યોન્યમાં એકરૂપ

એ જ અદ્વૈત

અણુમાં અનંતની પ્રાપ્તિ

અને અસીમે અણુનો લય

એ જ એકત્વ !

આનંદ સાગરની છોળ

આનંદ સાગરે વિલીન

એ જ અદ્વૈત,

સ્વશૂન્ય દીપનો અનંત પ્રકાશ

એ જ અદ્વૈત !

 .

તું આનંદ, સ્મિત અમે !

 .

(૨)

ચૈતન્ય,

પ્રશાંત ઈન્દ્રિયોની

પીઠીકા ઉપરથી

અનંત સાથેનું ઝળહળા

અનુસંધાન એ જ ચૈતન્ય.

નિ:સ્વાર્થ વૃત્તિઓનું,

વિરાટ વિશ્વરૂપ

એ જ ચૈતન્ય.

સર્વેશ્વરના આયનામાં

સ્વ નિખાર

એ જ ચૈતન્ય !

 .

તું ગુંજન, ગીત અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ત્યાગ,

આવી મળેલુ છૂટે

એ જ નહીં પણ મેળવવાના

વલખા છૂટી જાય એ જ ત્યાગ.

વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે

એ જ જીવંત ત્યાગ.

છોડી શક્યાનો અહંકાર પછી

સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ.

વૈરાગ્યની ગંગામાં નિરાવરણ

પારદર્શક સ્વદર્શન

એ જ ત્યાગ દીક્ષા !

 .

તું અન્ન, ઓડકાર અમે !

 .

(૨)

દીક્ષા,

સ્પષ્ટ સમજણ સાથે સત્ય સંકલ્પે,

સહજ આયાસે સ્નેહની પગથી

ઉપર ગતિ એ દીક્ષા.

દેહદમન કે વ્યવહારની

વાડાબંધીથી દૂર,

સ્વથી સર્વજનાય જોડતો

સ્નેહસેતુ એ જ દીક્ષા.

પ્રેમની પારદર્શકતામાંથી

ઉઠતો અને પ્રસરતો પ્રાકશ

એ જ દીક્ષા, સ્વયમ તેજસ્વી

અને સર્વનો ઉજાસ

એ જ દીક્ષા ધર્મ !

 .

તું તિલક, કપાળ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

સ્વધર્મ,

સહજ, સત્ય સંકલ્પ

અને સ્નેહ સભર

ધારાએ કલ્યાણ કર્મના

શિવલીંગની પૂજા

એ જ સ્વધર્મ.

દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર,

બહુજનહિતાય શ્વાસની સુગંધ

એ જ સ્વધર્મ

કર્મેશ્વરનું રોકડુ રૂપ

એ જ સ્વધર્મ !

 

તું દ્રષ્ટિ, દર્પણ અમે !

 

(૨)

શ્રદ્ધા,

‘થાઓ’ એવી પ્રાર્થના

‘થયુ’માં પડઘાય

એ જ શ્રદ્ધા !

સંકલ્પ અને સિદ્ધિ

વચ્ચેના શૂન્ય અંતરના

ગતિ વિસ્ફોટનું નામ શ્રદ્ધા

કર્તાપણાના નિરસને,

સર્વેશ્વરની સર્વોપરિતાનું

સાક્ષીભાવે પૂજન

એ જ શ્રદ્ધા-સાક્ષાત્કાર !

 

તું સાઈ, શરણાગત અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે

તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને

શુદ્ધ અને સિદ્ધ કરી દે.

અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને

અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !

 .

પ્રસાદ :

જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે,

પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,

સમેટાઈ રહે અને સ્વને તથા સર્વને સિદ્ધ કરે એવા ઉજાસનું નામ જ પ્રેમ.

 .

(૨)

હે નાથ,

અમારા ઘન-અહંકાર, અંધકારને તારા તેજ અને તાપમાં ઓગાળી દે.

તારા પ્રેમમાં અમને પારદર્શક અને પવિત્ર કરી દે.

અમારા કર્તાભાવમાં તારી કરુણામાં વહેવડાવી દે, હે દેવ !

 .

પ્રસાદ :

ઈન્દ્રિયોના આધારે ઘટ્ટ થતો રહેતો અહંકાર એ જ ક્ષણિક સુખ. આત્મતત્વને અહમના ઓઝલમાંથી મુક્ત કરી દે, તે જ આનંદ. સુખને માત્રા અને મૂલ્યનું છોગું લાગી શકે, પણ આનંદ એ તો અનંતધારા.

 .

સુખી થતાં થતાં વધુ સુખી થવું એ સાફલ્યની ગતિ પણ સુખી કરતાં કરતાં આનંદિત થઈ રહેવું એ સાર્થક્યનો સાક્ષાત્કાર.

 .

(૩)

હે નાથ,

સંકલ્પની વેદી પર, સ્વ-શૂન્ય થઈ રહેવા ક્ષણોની આહૂતિનું યજ્ઞકર્મ અમને આપો.

પ્રગટીને પ્રકાશ થઈ રહેવાનીઆત્મસિદ્ધિમાં અમને ઉજાળો, હે દેવ !

 .

પ્રસાદ :

શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, ધર્મના કર્મ વિધી વિધાન આ તો સાધન માત્ર.

સાધનને જ વળગી રહ્યે સિદ્ધિ છટકી જવાની.

ક્ષણના ફેરે સૂર્યદર્શનનું સુખ અમાસ થઈ રહે એ જ કમભાગ્ય.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )