Archives

વિપર્યય – માર્જોરી પાઈઝર

પ્રારબ્ધના ફાંસલામાં કે હતાશામાં સપડાશો નહીં,

વ્યથા અને કદરૂપાપણાથી દબાઈ-કચડાઈ ન જશો,

કારણ કે બધાંની પાછળ રહી છે વિશ્વની અપરિમિતતા,

દરેક ક્રિયાની વિઅપરીતક્રિયાનું નિર્વિવાદ સૌંદર્ય ને સંપૂર્ણતા,

આરંભમાં આરંભાયેલા અંતની અપરિહાર્યતા,

અંતથી આરંભાયેલા આરંભની અપરિહાર્યતા.

અનેકની વુપુલતામાંથી જન્મી છે અંતિમ એકતા.

અંતર્ગત એકતામાંથી જન્મ્યા છે લાખો, કરોડો,અબજો, અનેકાનેક.

કોઈ એક નથી અને છતાં બધાં એક છે.

હતાશાથી ફાંસલામાં સપડાશો નહીં,

કારણ કે કદાચ હતાશામાંથી કેટલીયે નવી વસંત જન્મશે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

તમારી નજરમાં – ચિનુ મોદી

ઘણાં કારણોસર પીડાયો છું હું

તમારી નજરમાં પરાયો છું હું.

 .

અરીસા બધા એકસરખા નથી;

ફક્ત એક-બેમાં જણાયો છું હું.

 .

બિછાવી હતી જાળ જળમાં તમે

ગગનગામી છું, પણ, ફસાયો છું હું.

 .

બધાં પુષ્પ જ્યારે સુગંધિત થયાં

વસીને બગીચે, દબાયો છું હું.

 .

ફરે ચાકડો આપમેળે અને

રમતવાતમાં આ રચાયો છું હું.

 .

જનમ જેમ વ્હાલા મરણ ! જાણ તું

સ્વજના છું, સગો છું, માડી જાયો છું હું.

 .

નથી યાદ ‘ઈર્શાદ’ કરવું કશું

બરફ પણ અડે તો દઝાયોછું હું.

 .

( ચિનુ મોદી )

આધુનિક લોકગીત – સુરેશ દલાલ

.

જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો

દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો

.

કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો

ચેકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો

 .

કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો

અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો

 .

ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો

ટ્યુબલાઈટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો

 .

પ્રેમબેમનું નામ અહીં નહીં : મૂગા મરજો

કામ, કામ, ને કામ રહ્યાં અહીં : મૂગા મરજો

 .

( સુરેશ દલાલ )

ડૂબવામાં પણ મઝા – હરીશ પંડ્યા

ઓ કિનારે બેસનારાં, ડૂબવામાં પણ મઝા છે,

હાથ આવી જાય મોતી, લૂંટવામાં પણ મઝા છે.

 .

રાત આખી તેં પ્રતીક્ષા આમ બેસીને કરી છે,

ને સવારે એ જ બારી, ખૂલવામાં પણ મઝા છે.

 .

હોય માળી બાગમાં એથી કહોને શું થયું રે,

ફૂલ સુંદર એક છાનું ચૂંટવામાં પણ મઝા છે.

 .

જામ લેતાં હાથ ધ્રૂજ્યો ને ઢળી મદિરા જરી તો,

ઘૂંટ કેવળ પી શક્યો બે, ખૂટવામાં પણ મઝા છે.

 .

વાટમાં તોફાન સાગમટે ફળે-ની શક્યતા પણ,

જિંદગી દાવે લગાવી, ઝૂઝવામાં પણ મઝા છે.

 .

( હરીશ પંડ્યા )