પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

હું બહાર આવી રહી છું

શોકના દરિયામાંથી,

અનેક મૃત્યુની દિલગીરીમાંથી,

કરુણતાની અપરિહાર્યતામાંથી,

ગુમાવેલા પ્રેમમાંથી,

વિનાશના ભયાનક વિજયમાંથી.

હું જોઈ રહી છું,

જીવન, જે જીવવાનું છે,

હાસ્ય, જે હસવાનું છે,

આનંદ, જે માણવાનો છે,

પ્રેમ, જે સિદ્ધ કરવાનો છે.

છેવટે હું શીખી રહી છું

જીવનનો મહાવિજય.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

તોફાની પાણી – માર્જોરી પાઈઝર

કેવાં તોફાની પાણીમાં હું તરી રહી છું

છેલ્લા કેટલાક મહિનાઓથી !

હું જાણતી નથી કે કિનારે પહોંચીશ

કે વચ્ચે જ ડૂબી જઈશ.

હૃદય અને આત્માના કેવા ઝંઝાવાત મેં સહ્યા છે,

ફંગોળાઈ છું અહીં-ત્યાં;

કેટલીયે વાર હતાશામાં,

આ બધી વ્યથા ને આંધીને કારણે

મેં બધી જ આશા છોડી દીધી હતી

અને છતાં, ભાંગી પડેલી ને થાકેલી,

અનિશ્ચિત, હલી ઊઠેલી પણ હજીયે આખેઆખી,

હું લંગડાતી લંગડાતી, આશ્રય ને મરમ્મત માટે

બંદર તરફ જાઉં છું.

 

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

હિંમત – માર્જોરી પાઈઝર

ભય છવાઈ જય ત્યારે હિંમત એકઠી કરો;

અસીમ બોજો હોય ત્યારે એ પૂરી પડાય છે,

પૂરતી અને જોઈએ એ કરતાં વધારે બધા માટે

કટોકટીના સમયે, ભયાનક ખોટના સમયે

હિંમત એકઠી કરવાનું ન ભૂલો-

અગાધ ગર્તામાં એ જીવનદોરી છે.

જ્યારે બીજું બધું જ નિષ્ફળ જાય,

ત્યારે પોતાને મદદ કરવા હિંમત ભેગી કરો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

બળ – માર્જોરી પાઈઝર

હું મને

ભીતરથી સબળ બનાવી રહી છું.

મારા આત્માને બાંધવા માટે

પોલાદના પટ્ટા વણી રહી છું.

મારા હાથને મજબૂત બનાવવા

એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું-

થાક અને સહનશક્તિના

તાણાવાણાથી

હું મારા મનને દ્રઢ કરી રહી છું.

જેમણે વેદના ભોગવી છે એ તમામનાં

ભજનકીર્તન અને ગીતોના બંધનથી

હું મારી શ્રદ્ધાને બાંધું છું.

સમય થતાં,

સરસ પોલાદની જેમ વળવા માટે

હું સ્વસ્થ થઈશ

પણ ભાંગી પડીશ નહીં.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

વ્યથામુક્તિ – માર્જોરી પાઈઝર

.

મારી જિંદગી ખંડિયેર છે, નિષ્ફળતા છે, એમ અનુભવતી,

આસપાસની બધી બાબતોથી અળગી

હું ઉદાસીનતાથી એકલવાયી બેઠી.

સાવ ભાંગી પડેલી હું

ભીતરથી ખાલીખમ હતી.

જીવન કે મૃત્યુ માટે હવે

જરાયે દરકાર નહોતી.

મારાં સંતાપ અને ઉદાસીનતામાં

હું એકલી હતી

પણ ઉદાસ થઈને હું જમીન પર બેઠી,

ત્યાં તો સૂર્યે મારી તરફ હાથ લંબાવ્યો

ને મારા મોઢાને સ્પર્શ કર્યો

એટલે મારી વ્યથામુક્તિનો આરંભ થયો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

નિર્બલ – માર્જોરી પાઈઝર

હું વિનાશથી નિર્બલ થઈ જાઉં ત્યારે

મને સમુદ્ર પાસે જવા દો.

અતાગ સમુદ્રને કાંઠે મને બેસવા દો.

રાતદિવસ સતત પછડાતાંને ઊછળતાં રહેતાં

મોજાંઓ મને નિહાળવા દો.

મને સમુદ્રકાંઠે બેસવા દો

અને કાતિલ સમુદ્રી પવનોને

પોતાના ઠંડાગાર ભીના હાથ વડે મારા ગાલ પર

થપાટો મારવા દો

હું ફરી પાછી સ્વસ્થ થાઉં ત્યાં સુધી

રાતે મને આકાશ નિહાળવા દો

અને તારાઓને વાત કરવા દો

અસીમ ક્ષિતિજો અને અજાણ્યાં વિશ્વોની,

હું ફરી પાછી શાંત ને સબળ થાઉં ત્યાં સુધી.

   .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

પીછેહઠ – માર્જોરી પાઈઝર

મારો આત્મા કેમ વારંવાર

ધકેલે છે પોતાને હતાશાની ઊંડી ગર્તામાં ?

પછી મારી દુ:ખી અવસ્થા બદલ

હું ફક્ત રડી શકું છું અને

એકલી રહેવા ઇચ્છું છું.

પછી મારા કોચલામાં ભરાઈ જાઉં છું

અને મારે કાંઈ કહેવાનું નથી.

અને છતાં બહાર બધું સહીસલામત,

સૂર્ય પ્રકાશે છે, બાળકો રમે છે,

અને હું એકલી જ બેતાલ.

આવ, આવ, મારા હૃદય, હિંમત રાખ,

વ્યથાનો સામનો જલદી કર

અને ફરી પાછું જીવન પાસે જા.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

ઊંડાણોમાં – માર્જોરી પાઈઝર

ગયે અઠવાડિયે

મારા જીવનને હું જૂના બૂટની જેમ

ફગાવી દઈ શકી હોત-

મારા મુકામનો અંત આણી શકી હોત.

હતાશાના સાગરો મારા આત્માને કેવા ખેંચી ગયા છે,

તે હું કહી શકતી નથી.

મૃત્યુની મારી ઇચ્છા

હું દર્શાવી શકતી નથી.

ગોકળગાય પોતાના છીપલામાં ખેંચાઈ જાય એમ,

અંતની ઇચ્છા રાખતી હું

મારામાં ખેંચાઈ ગઈ છું.

જેમને હું ચાહું છું એમની પાસેથી

મને પાછી ખેંચી લઉં છું.

હવે એમની કોઈ ફિકરચિંતા નથી મને.

મારા એકદમ ભીતરના આત્મામાં પાયમાલી હતી

અને ભયાનક એકલતા,

અને અગાધ ગહનતાનાં ઊંડાણોમાં

મને પછાડવામાં આવી છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

છૂટા પડવા માટે કાવ્ય – માર્જોરી પાઈઝર

હું તારી સામે જોઉં છું

તું ન હોય ત્યારે

તારો ચહેરો મને યાદ રહે માટે.

 .

હું તને સાંભળું છું

તું ન હોય ત્યારે

તારો અવાજ મને યાદ રહે માટે.

 .

હું તારા વિશે વાકેફ રહું છું,

તું ન હોય ત્યારે

તારી લાગણીઓ યાદ રહે માટે.

 .

મને ડર છે કે તારા ગયાને

બહુ લાંબો સમય થઈ જશે પછી,

હું તારો ચહેરો કદાચ ભૂલી જાઉં,

એટલે મારા મનમાં

તને સમગ્રપણે જાળવી રાખવામાં હું વ્યસ્ત છું.

  .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

શોક – માર્જોરી પાઈઝર

જીવનમાં ગુમાવેલા પ્રિયજનો, હું શોક કરું છું,

મૈત્રી નિષ્ફળ ગઈ,

મૈત્રીનો અંત આવ્યો,

પિતા અને ભાઈઓ અને માતા,

પહોંચ બહારના, અસ્પૃષ્ટ.

હું મારા પ્રિયતમના મૃત્યુનો શોક કરું છું,

ઇચ્છ્યો નહોતો એવો અંત,

ક્ષણવારમાં તો માણસ સ્મૃતિ બની જાય.

મૃત્યુ પામેલાંઓ અને ગુમાવેલાંઓ માટે

મારું હૃદય કેવું વ્યથિત થાય છે

અને મારી નિકટ છે એમનામાં સમાવા માટે

મારું હૃદય કેવું બહાર ઝૂકે છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )