
.
વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો
કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો…
.
વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન
વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન…
બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો
વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…
.
ખબર પડી ના કેમ કરીને પ્હોંચી ગઈ હું વગડે
કેમ કરી સમજાવું મનને લોચનથી ના ઝગડે
સૂરની માયા એવી વગડો વૃંદાવન થઈ ફળ્યો…!
વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…
.
ફૂંક ફરે ને ફરે ટેરવાં હોઠમાં જાદુ છાયો
આરપાર અવકાશો ભેદી સૂર ઘણો છલકાયો
મઘમઘતો કોઈ મેઘધનુષી ભાવ ભીતરે ભળ્યો…!
વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…
કોઈને વાગી ઠેસ કોઈને કેફ નાદનો ચઢ્યો…
.
( ગાયત્રી ભટ્ટ )



