ગઝલ…એક કેફિયત, એક કબૂલાત…- રિષભ મહેતા

જીવનથી થાકી હારી મેં ગઝલો લખી નથી

ઈચ્છાઓ મારી મારી મેં ગઝલો લખી નથી

 .

ઈસ્લાહ મેં ગઝલની કરી છે સતત છતાં

ઊર્મિઓને મઠારી મેં ગઝલો લખી નથી

 .

મારી ગઝલના કેન્દ્રમાં મારી જ મોજ છે

મહેફિલ વિષે વિચારી મેં ગઝલો લખી નથી

 .

પેલા સમી; આનાથી સારી; આવી; આવી નૈં-

એવી શરત સ્વીકારી મેં ગઝલો લખી નથી

 .

થોડું છતું કર્યું છે મેં થોડું છુપાવ્યું પણ

વસ્ત્રો બધાં ઉતારી મેં ગઝલો લખી નથી

 .

તકલીફ તો મનેય પડી છે ઘણી છતાં

પળ પળ તને પુકારી મેં ગઝલો લખી નથી

 .

ઈતિહાસ નોંધ લેશે કદી મારા સુખનની

એવું કશુંય ધારી મેં ગઝલો લખી નથી

 .

( રિષભ મહેતા )

પ્રશ્નમાં ડૂબેલું – ચંદ્રેશ મકવાણા

એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે

હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે

 .

નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ?

બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે

 .

જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ

પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે

 .

અહીંયાં શું લાગણી કે, શું પ્રેમ કે, શું મમતા ?

માણસને નામે કેવળ પથ્થરનું આ નગર છે

 .

ક્યારે પૂરી થશે કે અટકી જશે અચાનક

પૂછો ન કોઈને આ આંધળી સફર છે

 .

( ચંદ્રેશ મકવાણા )

अंजाम नहीं होता – मीनाकुमारी

आगाज तो होता है अंजाम नहीं होता

जब मेरी कहानी में वह नाम नहीं होता

 .

जब जुल्फ की कालिख में गुम जाए कोई राही

बदनाम सही लेकिन गुमनाम नहीं होता

.

हंस-हंस के जवां दिल के हम क्यों न चुनें टुकडे

हर शख्स की किस्मत में ईनाम नहीं होता

 .

बहते हुए आंसू ने आंखों से कहा थम कर

जो मय से पिघल जाए वह जाम नहीं होता

 .

दिन डूबे हैं या डूबी बारात लिए कश्ती

साहिल पे मगर कोई कोहराम नहीं होता

 .

( मीनाकुमारी )

 .

[ आगाज = आरम्भ, अंजाम = अंत, मय = मदिरा ]

જાવું રહી ગયું – સુરેન્દ્ર કડિયા

 યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું

આપણું એકાદ ઈચ્છાપાર જાવું રહી ગયું

 .

પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી

 પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું

 .

ખોખલા, ખાલી અવાજોમાં જ પૂરી થઈ સફર

અનહદોની હદમાં પડઘાકાર જાવું રહી ગયું

 .

પૂર્ણતાનો કેફ જીવનભર ઉતારી ના શક્યા

અધ-મધુરા દેશ, અધ્યાહાર જાવું રહી ગયું

 .

શબ્દ-દેહે સ્થૂળગામી ઉપક્રમો કીધા સતત

અર્થ, અર્થેતરની આરોપાર જાવું રહી ગયું

 .

( સુરેન્દ્ર કડિયા )

કૃપા બસ એટલી – ખલીલ ધનતેજવી

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,

તું મારા ઘરને મારું ઘર થવા દે.

 .

નવો કંઈ ખેલ જાદૂગર થવા દે,

સઘન અંધકાર છૂમંતર થવા દે.

 .

પવન, આ જ્યોતની ઉંમર થવા દે,

જરા અજવાસ પણ પગભર થવા દે.

 .

દુવા માંગુ કે મારા કદ પ્રમાણે,

કદી તો માપસર ચાદર થવા દે.

 .

બધાં સુખદુ:ખ મને મંજૂર છે પણ,

બધું સરખું ને માફકસર થવા દે.

 .

ઘણી મહેનત કરી છે જિન્દગીભર,

હવે પરસેવાને અત્તર થવા દે.

 .

મને પણ પૂજશે લોકો યકીનન,

મને પણ પીર કે પથ્થર થવા દે.

 .

મને ડર છે કોઈ તફડાવી જાશે,

ગઝલ પર મારા હસ્તાક્ષર થવા દે.

 .

ખલીલ ઈચ્છાઓ ગાંડીતૂર થઈ છે,

કઈ રીતે કોઈ સરભર થવા દે.

 .

( ખલીલ ધનતેજવી )

હોમ બોલશે – સુધીર પટેલ

જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે,

તારા-ગગનની સાથ, સૂરજ-સોમ બોલશે !

 .

ચૂપકી તમે સાધી ભલે, પણ વાત નહિ બને;

છે જેટલાં તન પર, બધાં એ રોમ બોલશે !

 .

કરશે અવળચંડાઈ શબ્દો જે ઘડી હવે,

લૈ હાથ બાજી, નાદ ઊઠશે, ઓમ બોલશે !

 .

ઊઘડી રહી છે આ ગઝલ પણ જો ધીરે ધીરે,

વાતાવરણ ખીલશે, સ્તવન ને સ્તોમ બોલશે !

.

તું રાખજે તૈયાર તારી જાતને ‘સુધીર’,

તો થૈ જવાશે હવ્ય જ્યાં એ હોમ બોલશે !

 .

( સુધીર પટેલ )

હિમાલયના શૃંગો – કિશોરસિંહ સોલંકી

.

હિમાલયના શૃંગો

બરફાચ્છાદિત, એકની પાછળ એક,

અડખે પડખે, અનંત, દુર્ગમ

ઊંચા, સીધાં અને ચડવામાં અતિ દુષ્કર

એમની સામે જોઈને પામર બની જવાય છે.

 .

જેમ જેમ એમની પાસે જતા જઈએ છીએ

એનું ચઢાણ ઊંચે ને ઊંચે જતું જાય છે

ચઢાણ સીધું નથી અને શિખરો દૂર પણ નથી

ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે, પણ એવા હોતા નથી.

 .

એવું જ આપણાં સપનાંઓનું હોય છે

જોવામાં સુંવાળાં અને મખમલી લાગે

જેથી લોકો એમાં રાચે-નાચે અને નશામાં રહે.

 .

આપણી ધારણા કરતાં યાત્રા ઘણી અઘરી હોય છે

અગાઉ લાગતી સરળ,એવી તો એ હોતી જ નથી.

કોઈપણ ચઢાણ ઘણું કપરું હોય છે

પણ જેમ જેમ ચડતા જઈએ, રસ્તો આપોઆપ કપાતો જાય છે.

 .

( કિશોરસિંહ સોલંકી )

જુઓ ટકોરા મારી – લાલજી કાનપરિયા

જળની ઉપર તરતો રે એક પરપોટો

જુઓ ટકોરા મારી સાચો છે કે ખોટો ?

 .

ખેલ બધો છે આકારોનો, વસ્તુ એક જ હોય

કૈંક ભોમિયા ભૂલા પડ્યા છે, પાર ઊતરે કોઈ !

અસલ ચીજ છોડીને ભજવો શાને ફોટો ?

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

એક ક્ષણમાં વામન લાગે, બીજી ક્ષણ વિરાટ

કોઈ કહે છે નિરાકાર ને કોઈ કહે છે ઘાટ !

તરસ છીપશે કેમ, છે મૃગજળ પાછળ દોટો !

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

( લાલજી કાનપરિયા )

આ પુસ્તક તમે જોયું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અયોધ્યાથી અરણ્ય (હાઈકુ સંગ્રહ) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : રન્નાદે પ્રકાશન

 

પૃષ્ઠ : ૩૦

 

કિંમત : ૨૫

 

હીંચકે ઝૂલે ચકીબાઈ (બાળકાવ્યો) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ

 

પૃષ્ઠ : ૩૬

 

કિંમત : ૩૦

ચાલને જઈએ દૂર – પન્ના નાયક

અહીંનું બધું પડતું મૂકી ચાલને જઈએ દૂર.

અહીંની કોઈ માયા નહીં,

અહીંની કોઈ છાયા નહીં,

અહીં ગાયેલાં ગીત બધા જઈએ ભૂલી સૂર.

 .

કોઈ અજાણ્યા ઝાડની ઉપર

બાંધીએ જઈને માળો,

હોય શિયાળો કાતિલ છોને

કારમો હોય ઉનાળો,

મોસમની વાત આઘી કરી અળગી કરી નીકળી જઈએ,

ઊમટી આવ્યાં આપણને ક્યાંક ખેંચી જતાં કોઈ નદીનાં પૂર.

 .

એક નિરાળી દ્રષ્ટિ હશે,

એક નિરાળી સૃષ્ટિ હશે,

આપણે તો બસ આપણા મહીં

રમતાં જશું ભમતાં જશું,

આભથી થતી વૃષ્ટિ હશે,

કોઈ ઋણાનુંબંધ હશે ને આપણો એ સંબંધ હશે,

ને પ્રેમને નામે આપણે કદી થઈશું નહીં ક્રૂર.

 .

( પન્ના નાયક )