ભમરડો – જયા મહેતા

દોરીથી ખેંચાય ને ફરવા માંડે ભમરડો

માણસની જેમ

.

પોતાની આસપાસ ફરતો રહે ભમરડો

માણસની જેમ

.

જરા આગળ પાછળ થતો રહે ભમરડો

માણસની જેમ

.

ગતિ ધીમી પડતી જાય ભમરડાની

માણસની જેમ

.

ગતિ થંભે કે ભોંય ભેગો થાય ભમરડો

માણસની જેમ

.

દોરીથી ખેંચાય ને ફરવા માંડે માણસ

ભમરડાની જેમ-

પછી

દોરીને માણસને કાંઈ નહીં.

,

( જયા મહેતા )

થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું

હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું

.

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા

હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું

.

હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો

ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું

.

ના શિખામણ નહીં દિલાસો દો મને ઉપદેશકો

જિંદગીના થાકથી હું ચૂર થાતો જાઉં છું

.

જોવા જેવી તો પરિસ્થિતિ હવે સર્જાય છે

હું બધી વાતે હવે મજબૂર થાતો જાઉં છું

.

‘રાઝ’ એની રાઝદારીનો જ આ અંજામ છે

હું પરાયા નામથી મશહૂર થાતો જાઉં છું

.

( ‘રાઝ’ નવસારવી )

તારામાં ચાલે છે – મુકેશ જોશી

તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

અજવાળા જેવા અજવાળાએ કીધી છે

શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી…

.

ગાડાં ભરીને કોઈ તારલાઓ ઠાલવે

એનાથી બમણું છે તેજ તારે ચહેરે

ઝગમગતાં ઝળહળતાં વસ્ત્રો છે પાસ

છતાં કેમ તારું મન આમ અંધારાં પહેરે

તારામાં ચાલે છે એક જણ ઢાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તલવારો જેવી તલવારોએ તૂટીને

રણના મેદાન ઉપર માની છે હાર ભઈ

.

તારામાં હજ્જારો યુદ્ધો લડવાની છે

હજારો હાથીઓથી બમણી તાકાત

એક વ્હેંત તારાથી જીત હોય છેટીને

એવે ટાણે જ કેમ માને તું મ્હાત

તારામાં ચાલે છે એક જણ વ્હાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

ખડકો જેવા કૈંક ખડકોએ માન્યું છે

એકધાર જળ સામે આપણું કામ નહીં

.

તારામાં લાગણીના ઘૂઘવતા દરિયાઓ

દરિયામાં ફાટફાટ પ્રેમનાં જ મોજાં

તારાથી કોઈ તને સાતગણું ચાહે ને

તોય કાં જુદાઈના રાખે છે રોજા

એક જણ ચાલે છે તારો ખયાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તારા રસ્તા પરથી કાંટા હટાવતાં

એની હથેળીયું કંકુ શી લાલ થઈ…

.

( મુકેશ જોશી )

ગ્લાનિ – જયંત દેસાઈ

જ્યારે

જ્યારે

હું કાવ્ય

લખવા,

હાથમાં

પેન

ઉપાડું છું

કે

પવનમાં

ફફડતું પાનું

ચિત્કારી

ઉઠતું લાગે

છે,

અને ત્યારે

પેનને

બાજુએ

મૂકીને

જેવો હું

એના પર

પેપર વેઈટિયો

બળાત્કાર

કરું છું,

તેવી જ

પેનની

નીબમાંથી

ડબકી પડે છે,

લોહિયાળ

આંસુઓ જેવી

ભૂરી શાહી !!

મને

સતત

લાગ્યા કરે છે ‘:

‘હવે હું

કવિ નથી

રહ્યો….!!!’

.

(જયંત દેસાઈ)

તૃષાતુર – ગુણવંત શાહ

ઘોંઘાટ મને પજવતો નથી

ભીડ મને સતાવતી નથી.

છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું

અને

ઘટામાળિયું જીવન સદી ગયું છે.

છતાં ય

મને કોઈ પ્રેમ કરે તે ગમે છે.

આ દુનિયામાં

એકાદ જણ પણ

મને ખરેખર ચાહતું હોય

તો

હું જીવવા માગું છું, ધરાઈને જીવવા માગું છું

જેથી

ઘોંઘાટ, ભીડ, છેતરપિંડી, ઘટમાળ-બધું ય

પાછળ મેલીને

નિરાંતે મરી શકું;

મરીને જીવી શકું.

મને ભૂખ નથી,

માત્ર તરસ છે

કોઈકને માટે

સતત તલસતાં રહેવાની

અને વરસતાં રહેવાની.

.

( ગુણવંત શાહ )

એકવાર – કાજલ ઓઝા-વૈદ્ય

એકવાર – બસ એકવાર…

તું

મારી અંદર ફેલાતો જા !

.

આંખનું કાજળ – હોઠની રંગત

સાથે લઈને રેલાતો જા.

સુક્કા-સુક્કા તતડી ગયેલા,

અંગ ઉપર

તું

છાલક થઈને,

’છપાક’ દઈને, વાગ જોરથી…

.

રોમ રોમ પર

ફીણફીણ થઈ વિખરાતો જા.

બંને કાંઠા તોડી નાખી,

બસ, ધસમસતો વહી આવ તું.

બુંદ બુંદ થઈ, આખેઆખો

મારી અંદર ઠલવાતો જા.

અંગઅંગને ભીંસ દઈને

ચૂર – ચૂર કર.

.

લોહીના લયમાં ભેળવી દે તું …

રંગના કૂંડાં ભરીભરીને,

કમખા ઉપર ચિતરાતો જા.

બત્રીસ કોઠે દીવા થઈને

મારી અંદર ઝળહળતો જા.

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

ખારાં જળનાં મીન – કૈલાસ અંતાણી

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

ઘરની ભીંતે અંધારાંને અમે જડાવી રાખ્યાં

ચણીબોરની જેમ ટપકતાં આંસુને બસ ચાખ્યાં

અંધારાને ઓઠે બેઠાં દીવાને અજવાસ

હવે તો કેમ કરીને સહીએ…

અમે તો ખારાં જળનાં મીન…

.

બપ્પોરી વેળાનો તડકો અમે ઓઢતાં અંગે

કેમ વિચરીએ શરદપૂનમના ચંદ્રોદયની સંગે

ધખધખતા આ રણની વાટે અડવાણે પગ –

અમે દોડતા જઈએ

.

અમે તો ખારાં જળનાં મીન

સાજન મીઠાં જળમાં કેમ કરીને રહીએ…

.

( કૈલાસ અંતાણી )

पूछते चलो – साहिर लुधियानवी

अब आऐ या न आऐ ईधर पूछते चलो

क्या चाहती है उन की नजर पूछते चलो

.

हम से अगर है तर्क-ए-तअल्लुक तो क्या हुआ

यारो, कोई तो उनकी खबर पूछते चलो

.

जो खुद को कह रहे हैं कि मंजिल शनास हैं,

उनको भी क्या खबर है मगर पूछते चलो

.

किस मंजिल-ए-मुराद की जानिब रवा हैं हम

ऐ रह-रवान-ए-खाक-ए-बसर पूछते चलो

.

( साहिर लुधियानवी )

[ तर्क-ए-तअल्लुक = सम्ब न्ध टूटे हुए, शनास = जानने वाले, रवा = चलना, रह-रवान-ए-खाक-ए-बसर = रास्ते में पडे हुए ]

ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મારું અંત:કરણ અસંખ્ય વખત આમ બોલ્યા જ કરે કે, ‘મારે તારો ખપ છે, હે મારા નાથ ! મારે તારો-અને માત્ર તારો જ ખપ છે !’

.

જે જે ઈચ્છાઓ મને આડે માર્ગે લઈ જાય છે, તે તમામ ખોટી છે, રોમરોમમાં મિથ્યા છે !

.

મને ખાતરી છે કે જેમ રાત્રિનો અંધકાર પ્રભાતનાં કિરણની પ્રાર્થના, પોતાના અંતરમાં ભરી રાખે છે, તેમ મારા હ્રદયના અંધકારભર્યા ખૂણામાં કોઈક એવી મૂર્છિત ચેતના જાગે છે, જે વારંવાર આર્તનાદ કરે કે ‘મારે તારો ખપ છે ! હે મારા નાથ ! મારે તારો ખપ છે !’

.

તોફાનનો મહાસાગર જેમ છેવટે શાંત પળોને ઝંખે છે, પછી ભલેને એની શાંતિને થોડો વખત ભયંકર ઝંઝાવાતે હચમચાવી મૂકી હોય. તેમ જ મારાં માનસ-તોફાનોએ, તારા પ્રેમની સામે ભલે ગમે તેટલો બળવો પોકાર્યો હોય, એમની પણ છેવટની પ્રાર્થના આ જ છે –

.

‘હે મારા નાથ ! મારે ખપ તારો છે !’

.

( રવીન્દ્રનાથ ટાગોર )