હાથમાં બરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

એકદંડિયા મહેલની વચ્ચે હેડકી હકડેઠઠ દીધી છે

ગરમાળા નીચે બેસીને ચાંદનીને ગટગટ પીધી છે

.

રૂંવાંમાં મલ્હાર સીંચીને દીપક ચારે તરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

ચકરડીનું શિલ્પ થઈને ઊભવું પામ્યા ચોકની વચ્ચે

ટહુકા થઈ ગ્યા તીરકામઠાં વહોરવા જાતા લોકની વચ્ચે

.

સૂણે ન એવો સનમ દીધો છે સાથે ઊના હરફ દીધા છે

એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે

.

( સંદીપ ભાટિયા )

રે અલ્લાલાબેલી

ઓરમોર ચારેકોર ઊછળે છે દરિયાનો વૈભવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

ડગમગ નવના ફોતરે જંગ જીવતરના જીતવા અલ્લાલાબેલી,

ભીતરમાં કોણ આ કોતરે પ્રસંગ કળતરના મિતવા અલ્લાલાબેલી.

જળ ચોપાસ પણ દિલમાં લાગે દવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

આભ હો વાદળીયા પણ મનમાં ખાલીપાના આભાસ અલ્લાલાબેલી,

ગાભ હો વીજળીયા પળભરમાં માલીપાના અજવાસ અલ્લાલાબેલી.

ગાજવીજ ગોરંભાયા તાંડવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

હારેલાં હલ્લેસે શ્વાસનાં પંખી સૂસવાતા સઢમાં અલ્લાલાબેલી,

થાકેલા ઉલ્લાસે યાદના સંગી ઘૂમરાતા ગઢમાં અલ્લાલાબેલી.

ઘૂઘવાતા પવનમાં કોના રવ રે અલ્લાલાબેલી,

તરશું ડૂબશું સાથે રહેશું ભવોભવ રે અલ્લાલાબેલી.

.

( અવિનાશ પારેખ )

ઝૂંપડપટ્ટીના સોકરાનું ગીત

મા મને ચોંદો આલ કે ચોંદામાં પોણી સે,

લોકો બધાયે કે’સ કે ચોંદામાં પોણી સે.

પેલા સાપાવાળા સાપે’સ કે ચોંદામાં પોણી સે.

એ તો રાજી થઈ નાચે’સ કે ચોંદામાં પોણી સે.

આખી રાત્ય તરહે મર્યો

ન મોઢું સુકાણું સેક;

પાણી વ્હેતું શેઠ ઘેર,

એની ભરઈ ગઈ છે નેક.

ખોટા ટેન્કરના વાયદા કરે’સ કે ચોંદામાં પોણી સે…

સાત દન નાયે થયા,

ન શરીર ગંધ મારે’સ

સામડીએ ચાઠાં પડ્યાં

ન ભૂતડાનું માલેસ કરે’સ

હું તો ખજવાળી લોઈ કાઢે’સ કે ચોંદામાં પોણી સે…

પન્નર દન ધોયે થયાં,

કપડાં કાળાં મેસ;

કૉંમ કોઈ આલે નહિ

હડ હડ લોક કરે’સ

અરે, તગડી મને મેલે’સ કે ચોંદામાં પોણી સે…

ટેન્કર આજ આયુ નઈ,

ન તરસ્યો હું મરે’સ;

રૂપિયાનું પાઉચ અલાય,

અર્ધે પછીત ધોએ’સ

અને અરધું લે’રથી પે’શ કે ચોંદામાં પોણી સે.

મને લઈ જા મા, ચોંદાને દેશ કે ચોંદામાં પોણી સે.

.

( મહેશ દવે )

પ્રેમ-કલ્પનો રોપ

ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું.

પરબ માંડીને પબની પડખે બેઠો છું

પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા !

હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા.

ખદબદતી માખોની વચ્ચે બેઠો છું

આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે;

સુખવાસી સૌ છાકમછોળે, ઝાકમઝોળે, ચંદન ચોળે જુગ જુગ જૂની વ્યાસ-પ્રથા છે

નથી કોઈની નજર કેમ હું બેઠો છું ?

બાકી તો હું બુટ્ટી લઈને બેઠો છું ……પરબ માંડીને.

.

તત્વ ફત્વની મારામારી, ધરમકરમની ધક્કાબારી નથી વાદના ખૂંટા;

લોક-લ્હેકથી શી હવા, છાંયડો જરી પંજરી, ઠાર્યાં જળ ભર માણસાઈના ઘૂંટા

કેસર લઈને ન્હોર કાપવા બેઠો છું

પ્રેમ-કલ્પનો રોપ ચોપવા બેઠો છું ……પરબ માંડીને.

.

( પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’ )

ઈચ્છાનું તો એવું

ઈચ્છાનું તો એવું,

જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું.

.

માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો

જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો

ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું

ઈચ્છાનું તો એવું

.

જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા

નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં

અગર ઢળી એ પડેય તોયે કોને જઈને કહેવું ?

ઈચ્છાનું તો એવું

.

ઈચ્છાઓનો રંગ એક છે પાનની માફક લીલો

ક્ષીણ થવા એ લાગે ત્યારે બની જાય છે પીળો

છેવટે તો ડાળી ઉપરથી ‘ટપાક’ દઈને ખરવું

ઈચ્છાનું તો એવું

.

( સંધ્યા ભટ્ટ )

હોડી મધ્યે ઝીણો છેદ છે

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ,

ક્રિયાપદોના કૂંડાળામાં, શબ્દને છળી શકાશે નંઈ.

.

વડવાયુંની વચમાં બાંધ્યા

સુગરીઓએ માળા,

ગામની વચ્ચે સીમ ફૂટ્યાના

થઈ રહ્યા હોબાળા,

.

શેઢા પરના આવળ-બાવળ લણી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ; સહેજમાં મળી શકાશે નંઈ,

.

ઝાકળ જેવું આંખમાં ફૂટ્યું

પગને ફૂટ્યાં પાન,

માણસ થઈને બન્યો ચાડિયો

ગાઈને લીલાં ગાન,

.

ભર્યા ભાદર્યા ખેતર વચ્ચે ફરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

નદી કિનારે ભીની રેત પર

લખીને થાક્યો નામ,

હાથ હલેસાં, તનની હોડી,

જાવું સામે ગામ,

હોડી મધ્યે ઝીણો છેદ છે, તરી શકાશે નંઈ,

અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ.

.

( ડાહ્યાભાઈ પટેલ “માસૂમ” )

હવે તો હાથ પણ થાક્યા

તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા

દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા

.

મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની

સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા

.

રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી

બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા

.

અભિગમ આક્રમક એનો રહ્યો છે હર સમસ્યામાં

ધજાઓ શ્વેત ફરકાવી હવે તો હાથ પણ થાક્યા

.

ગમે ત્યાંથી કલમ પર નામ આવી જાય છે એનું

શકું ના એને અટકાવી હવે તો હાથ પણ થાક્યા

.

( ઉર્વીશ વસાવડા )

મૃત્યુ : એક કારકુનનું

[ગઈ કાલે વાયા જય વસાવડા એ સમાચાર મળ્યા કે “ગુજરાતીના ઉમદા કવિ, ‘ડાર્ક & ઇન્ટેન્સ’ રચનાઓના સર્જક વિપિન પરીખ(૮૦)નું નિધન થયું છે. એમની ચોટદાર મર્મવેધક રચનાઓનો વારસો જ હવે જીવંત રહેશે”. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે.  મોટી વાત પણ સાદી સીધી ભાષામાં લખવાની એમની  શૈલી મને પ્રિય હતી. કવિ અને તેની કવિતા કદી મરતી નથી. વિપિન પરીખ અક્ષરદેહે સદાયે જીવંત રહેશે.  વિપિનભાઈને એમના જ એક કાવ્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ.]

હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે

એવું અભિમાન હવે નથી રહ્યું.

એક દિવસ

દુનિયાની કાયાપલટ કરવાની

હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી

દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ છે.

જે બસમાં હું રોજ મુસાફરી કરું છું એ

૧૦૧ નંબરની બસમાં

મારી બેઠક ખાલી નહીં રહે.

ઓફિસમાં

ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે

ટાંપીને બેઠેલો ક્લાર્ક

સાહેબની આજુબાજુ પૂંછડી પટપટાવશે.

કહેશે : મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા.

પણ ભલા, એક ક્લાર્ક ખાતર

ઓફિસ બંધ થોડી જ રાખી શકાય છે ?

બપોરે ટી ટાઈમમાં

ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે.

હું નહીં હોઉં

ને

રજિસ્ટરમાંથી એ મારું નામ કાઢી નાખશે.

.

( વિપિન પરીખ )

.

વિપિન પરીખની મારી સાઈટ પર પોસ્ટ થયેલ અન્ય કવિતાઓ…

હાથમાં નથી

એક ચિત્ર

તલાશ

ફૂલ

અર્થશાસ્ત્ર

.

નમસ્તસ્યૈ નમો નમ: (૯)

.

હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં ક્યા કારણે અમે ગાફેલ રહી જીવતરની સત્યતાને વેડફી રહ્યાં છીએ.

.

સંસારની અસારતા સ્પષ્ટ છે. છતાંય એની પ્રત્યેક વસ્તુ તરફની અમારી તૃષ્ણા અને અપેક્ષાઓ અનેકગણી છે. વણ સંતોષાયેલી તૃષ્ણાઓથી જન્મતો અસંતોષ અમારા અડીખમ વિચારોને ખળભળાવી મૂકે છે ત્યારે એમાંથી જન્મતો વિખવાદ, વિવાદ અને વૈચારિક વમળોથી અમે મુંઝાઈ જઈએ છીએ અને ન કરવાનાં કૃત્યો કરી બેસીએ છીએ.

.

મા ! આ સઘળી હકીકતોથી અમે સૌ વાફેફ છીએ. છતાંય નિર્વીર્ય બની અપેક્ષાઓના અનંત આકાશમાં ઉડવા માટેના નિરર્થક પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને અંતે અમને મળે છે ઘોર નિરાશા.

.

ખરેખર તો તું જ બધાં પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે. કેટલી સીધીસાદી વાત ! પણ અમારી સમજ ક્યાં અમારી તમામ તૃષ્ણાઓને જો તારામાં સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય તો તો મા અમારો બેડો પાર થઈ જાય.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ (સામર્થ્ય)રૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર.

.

માસુમ બાળક એ બાળક છે. પછી એ મેલઘેલા કે ફાટેલાં કપડાંવાળી કોઈ માગનાર સ્ત્રીનો ખોળો ખુંદતું હોય કે કોઈ ગર્ભ શ્રીમંતની બાબાગાડીમાં હોય પણ તેની સહજતા ગમે તે પરિસ્થિતિમાં પણ લોહચુંબક જેવું આકર્ષણ જન્માવે છે.

.

મા ! અમારામાં ઉદ્દભવતી તમામ તૃષ્ણાઓ જો તને સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય કે જીવનની તમામ તૃષ્ણાઓ અને એને સંતોષવા માટે વપરાતી શક્તિ એ પણ તારું જ સ્વરૂપ છે એવી સમજ કેળવાઈ જાય તો અમારું જીવન પણ પેલા બાળકની જેમ ગમે તે પરિસ્થિતિમાં પણ આકર્ષક બની જ રહે કેમ કે ત્યારે અમારા દ્વારા થતાં તમામ કાર્યો અમારા તમામ વિચાર પાછળ તારી જ શક્તિ કામે લાગેલી હશે અને તો અમારી તૃષ્ણાઓનું રૂપાંતર સંતોષમાં થઈને જ રહેશે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૮)

.

હે, મા ! નવરાત્રિના નવે દિવસોની એક એક ક્ષણ તારા નામના જાપથી વિતાવી છે. અમે જાણીએ છીએ કે આ પવિત્ર દિવસો તારી ભક્તિ કરવા માટેના પાવન પર્વ સમાન છે. આ દિવસોમાં કરેલાં સદ્દકાર્યોનાં શુભ ફળ અનેક ઘણાં હોય છે તો જાણે-અજાણે પણ કરેલાં પાપકર્મોનાં અશુભફળ પણ ગુણાકારની રીતે અનેક ઘણાં વધી જાય છે.

.

મા ! વિદ્વાનો, તત્વચિંતકો અને ઋષિમુનિઓના મુખેથી સાંભળ્યું છે કે આત્માના અવાજને અનુસરનાર વ્યક્તિ જ જીવને સદ્દગતિ આપવામાં અગ્રેસર બની શકે છે. મનની ભ્રમણાઓ તો ભમરાળી છે. તારી ભક્તિમાં ઓટ આવે કે તારા નામે નખરાં થતાં હોય ત્યાંથી દૂર રહેવામાં જ જીવનું કલ્યાણ છે. પણ, મા ! આ બધું જાણતાં હોવા છતાં અમને શું થયું છે એ જ સમજાતું નથી. ભ્રમણાઓનાં વમળો આત્માના અવાજ તરફ બેધ્યાન કરી મૂકે છે. જાગૃતિ રાખવાના પ્રયત્નો પણ નાકમિયાબ નીવડે છે અને અમે ગાફેલિયતમાં જ્યાં ટોળાં ઉમટ્યાં હોય ત્યાં પહોંચી જઈ તારા નામના ઓઠા નીચે અમારી સુષુપ્ત લાલસાઓ, કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા મથીએ છીએ.

.

મા ! પવિત્ર વાતાવરણમાં ભક્તિમય સૂરો સાથે ગવાતાં તારાં ગુણલાં રોમરોમમાં તારી શક્તિનો અહેસાસ કરાવે છે. પણ આ જાણકારીમાં અમારો સ્વાર્થ ભળે છે ત્યારે તારા આ પવિત્ર તહેવારોને પણ અમે સેવાના નામે વ્યવસાયમાં ફેરવી નાખીએ છીએ ત્યારે ભક્તિને બદલે ઉત્તેજના, ગુણને બદલે ઘેલછા છવાય છે. પણ તારા જ નામે થતી આજની કેટલીક નવરાત્રીઓની ગરબીઓમાં પણ તારી ગેરહાજરી હશે એમ તો કેમ કહી શકાય અને તેથી જ તારી સૂક્ષ્મ સ્વરૂપની હાજરીની પરવા કર્યા વિના પણ જ્યારે અમે અમારામાં રહેલા ખરાબ વિચારો, દ્વેષ, વૈમનસ્ય, સ્વાર્થ, તૃષ્ણાઓ, વિલાસવૃત્તિઓ જેવા અસુરો સાથે તારા મંડપમાં પ્રવેશ્યાં છીએ ત્યારે જીવનું કલ્યાણ કરવા સમર્થ તેં અમારા આ મહિષાસુરરૂપી રાક્ષસનાં અસુર સૈન્યને હણી નાખ્યું છે. તું બધાં જ પ્રાણીઓમાં ક્ષુધા અને છાયારૂપે રહેલી છે તેથી જ તું અમારી ન માફ થઈ શકે તેવી ભૂલોને પણ માફ કરે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

या देवी सर्वभूतेषु क्षुधारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु छायारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા-પ્રતિબિંબરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

.

ગબ્બરના ગોખે ઘૂમવાવાળી મા અંબા, મા ભવાની, ચોટીલાવાળી ચામુંડા, નવદુર્ગા આ નવે દિવસ અમે તારા સહવાસમાં રહેવા મથ્યાં છીએ અને તેથી જ અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી સર્વપ્રાણીઓમાં રહેલી તારી શક્તિને ઓળખવાની અમારા સ્વભાવમાં સાચી ક્ષુધા-તરસ પ્રગટાવ કે જે તરસ પણ તારું જ સ્વરૂપ હોય તો મા અમારા જીવનની દરેક ક્ષણ નવરાત્રિ બનીને રહે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.