માધવની યાદમાં

માધવની યાદમાં સુંવાળું મોરપિચ્છ

માધવ થઈને રોજ મલકે

પીંછાના રંગ બધા પીગળે ને બુંદ બુંદ

આસવ થઈને રોજ છલકે.

.

શ્વાસ મહીં ઘૂંટાયા મોરલીના સૂર

હવે કેમ કરી એને તરછોડવા,

આંખમાં સમાયું રે આખું આકાશ

હવે કેમ કરી તારલિયા તોડવા;

એવું તરછોડવું ને એવું રે તોડવું

કેમ રોજ પાંપણની પલકે.

.

વનરા તે વન વિના પાનખર આજ

જાણે ખોઈ બેઠું રે લીલાશ,

યમુના તો વ્હેતી બે કાંઠે ભરપૂર

એનાં વ્હેણને રે ખટકે ભીનાશ;

એવી લીલાશ ક્યાંક એવી ભીનાશ ક્યાંક

સમણું થઈ રોજ રોજ ઝલકે.

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

તારી વરણાગી વાંસળી

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી

લાગે છે એવી અળખામણી !

.

છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ

મારા અંતરની છાનેરી લાગણી !

સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમાં

મ્હાલવાની મોજ મને આવે

ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ

મને તાકી તાકીને અકળાવે

આઘુંપાછું તે કાંઈ જોયા વિના

બધા આપે શી વાતની વધામણી ?

વાંકાબોલી આ તારી…

.

ગાયોના સાથ સદા હોયે ગોવાળિયો

ને ફૂલડાંની સાથે સુગંધ

તારી તે સંગ હોય હૈયાવીંધ વાંસળી

ને વાંસળીમાં વહેતો ઉમંગ

ગોપીની લાજ અને લોપે મરજાદ

કાળી ડંખે છે નિંદાની નાગણી !

વાંકાબોલી આ તારી…

.

( સુરેશ દલાલ )

હરિ હવે

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

રુદિયેથી શબ્દ નીસરે ‘જયો જયો !’

.

અલપઝલપ તોયે ઝળહળની ઝાંખી

હવે હાજરાહજૂર, નહિ અટકળની ઝાંખી

પંખુડીઓમાં પણ પુદગળની ઝાંખી

સમ્મુખ સુંદર, નહિ પોકળની ઝાંખી

.

હરિ હવે નિકટ થાય તો થયો થયો

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

.

આ પળ મળતામાં તૂટે જુગના ઘેરા

એક વ્રજમાં વૈકુંઠ વસે ઝાઝેરાં

માયાને પરપંચ બસૂરા-બહેરાં

બજે વાંસળી જ્યમ જમુના કી લ્હેરાં

.

હરિ હવે ધન્ય દાસ થયો દયો દયો

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

.

( ભગવતીકુમાર શર્મા )

ગુલઝારના લઘુકાવ્યો

હાર્ટ બાય પાસ

.

એ હોસ્પિટલમાં

બધું જ છે

નિષ્ણાત ડોક્ટરો પણ છે

શ્વાસો મશીન દ્વારા ચાલ્યા કરે છે

બોટલોથી રક્ત મળ્યા કરે છે

આંખો બદલવા માટે

ચક્ષુબેંક છે !

હે ઈશ્વર !

હું હાર્ટ બાય પાસ કરાવી રહ્યો છું

બધા ડોક્ટર છે

પોતાનું કામ જાણે છે બધા

એવી ખાસ આવશ્યકતા નથી તારી

પણ

તું છે તો આવજે

પાસે બેસજે, વાતો કરીશું !

.

ZEROX

.

ઝેરોક્ષ કરાવીને રાખી છે શું રાત્રી એણે ?

પ્રત્યેક રાત્રે એ જ નકશો અને તારક બિંદુઓ

પ્રત્યેક રાત્રે એ જ સરકતા ગ્રહોની લિપિ

એ જ રહસ્ય અને એ જ જાદુ

પ્રત્યેક રાત્રે એ જ તારકો પર

ડગ મૂકી મૂકીને અહીં સુધી આવું છું

આકાશના નોટિસબોર્ડ પર કેમ

દરરોજ એ જ લટકાવેલી હોય છે ?

ઝેરોક્ષ કરાવીને રાખી છે શું રાત્રી એણે !

.

( ગુલઝાર, અનુ. હનીફ સાહિલ )

બે વિનાશક જાતકકથા-હિમાંશુ પટેલ

(૧)

એક વખત એક શહેર હતું,

જાગ્યું તો લોથલ નામે ઓળખાયું.

પછી ખોતરી ખોતરી શહેર ફરી શોધાયું,

એ પણ લોથલ જેવું જ દેખાયું.

આપણને પણ વેઈટર જેવી જ ટેવ છે-

ધોઈ ધોઈ એક જ કપમાં કોફી ભર્યા કરીએ છીએ.

.

(૨)

દરેક ભાષામાં,

એક વખત શબ્દો રહેતા હતા,

દરેક શબ્દ

અમે ભાષા જાણીએ છીએ એવો

નાસિકાગત અથવા બહુવ્રીહિ દાવો પણ માંડે.

એક શબ્દ સાવ ટાઢો,

બીજો લવચીક રૂપાળો,

ત્રીજો તડકે તસતસતો સ્તનશો અંદરથી,

એક સર્બિયામાં બોલાય

અને બીજો ભારતમાં:

છતાં કહે એવું,

મૃત્યુ તમારો અનુભવ છે,

અમે તો કેવળ ઉચ્ચાર છીએ.

.

( હિમાંશુ પટેલ )

એક વર્તુળે ફર્યા કરે

સમગ્ર જીવસૃષ્ટિ એક વર્તુળે ફર્યા કરે

કે બી મહીંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી બી ઝરે

.

તું બુદ્ધિ છે, તું ચિત્ત મહીં વિચાર થઈ હરે-ફરે !

તું સામ-દામ-દંડ-ભેદમાં રહીને વિસ્તરે !

.

ન નીંદ છે, ન જાગૃતિ, ન સ્વપ્ન, છે ન કલ્પના

સ્વયં થઈને બ્રહ્મ, સાધુ સાધનામાં જઈ સરે

.

તું શિલ્પ છે, તું શિલ્પી છે, તું ટાંકણું-હથોડી છે

છે વાર એટલી જ તું સ્વયં સ્વયં ને કોતરી

.

ન ઊછળે, ન ઊભરે, ન ઘૂઘવે, ન સૂસવે

સમુદ્ર સાવ મૌનભેર સ્વપ્નના રમ્યા કરે

.

નયન કોઈની વાટમાં બની ગયાં છે પર્વતો

સમગ્ર દ્રશ્ય – સૃષ્ટિ એ મહીંથી થૈ ઝરણ ઝરે

.

બધાથી પર થશે નહીં ન સ્થિરતાને પામશે

જે ધર્મ – અર્થ – કામ – મોક્ષ – વર્તુળે ફર્યા કરે

.

બધામાં સૌથી શક્તિશાળી જે હશે તે લઈ જશે

ઘણાય કાગડાની મીટ સ્થિર છે દહીંથરે

.

( અલ્પેશ કળસરિયા )

જીવું છું હું

સીધી સાદી સમજણ વચ્ચે જીવું છું હું

જીવતરના એક વળગણ વચ્ચે જીવું છું હું

.

રોજ હું મારી જાતને એમાં જોતો રહું છું

એક મજાના દર્પણ વચ્ચે જીવું છું હું

.

મેલો-ઘેલો એટલે હું લાગું છું શાયદ

આપના પગની રજકણ વચ્ચે જીવું છું હું

.

ઉબડખાબડ રસ્તા વચ્ચે ચાલે ગાડું

ડગલે-પગલે અડચણ વચ્ચે જીવું છું હું

.

શબ્દોની છે ભીંત છાપરું શબ્દોના દરવાજા

શબ્દોના ઘર આંગણ વચ્ચે જીવું છું હું

.

રોજ કવિતા સપનામાં પણ મળવા આવે

એક મુલાયમ સગપણ વચ્ચે જીવું છું હું

.

પળ પળ ખ્યાલ હું રાખું છું આ તાલમેલનો

‘હમદમ’ ધારાધોરણ વચ્ચે જીવું છું હું

.

( તુરાબ ‘હમદમ’ )

પિંડથી બ્રહ્માંડ

યદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે

બાણની પ્રત્યંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

.

तेन त्यक्तेन भुंज्जीथा: નો મંત્ર સાચો પાડવા

આપમેળે પાંદડીઓ નેસ્તનાબૂદ થાય છે.

.

સત્ય કેવળ એ જ છે કે હું બધાથી ભિન્ન છું,

ને સમત્વથી બધીયે શક્યતા પડઘાય છે.

.

માંસ, મજ્જા, પ્રાણ, વાયુ, અગ્નિ ને ભૂમિ બધું

કો તિલસ્મી તીરથી બસ ક્ષણ મહીં છેદાય છે.

.

સૂક્ષ્મતર ભાવે કદી માપી શકાયું ના જગત

ને સરળતમ ભાવથી આકાશ પણ વંચાય છે.

.

પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ આ છે બધી,

એ જિજિવિષા કરોડો ક્યાં કદી પરખાય છે ?

.

( હાર્દિક વ્યાસ )

દીવો થયો નહીં

ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં;

મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.

.

નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું

તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.

.

વેળા થઈ’તી મંગળા દેવારતીની લ્યો !

મ્હોર્યુંતું પારિજાત, પણ દીવો થયો નહીં.

.

અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે;

ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.

.

મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ;

નક્કી ગઝલ લખાત, પણ દીવો થયો નહીં.

.

( ભગવતીકુમાર શર્મા )