એનું શું કરીએ – સુરેન્દ્ર કડિયા

કોઈ ખાસ, અતિશય ખાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ અજવાળું અજવાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ ફૂલ-પરીનું હાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ નિત નવો વિશ્વાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ પાસ નહિ, ચોપાસ બનીને આવે એનું શું કરીએ

કોઈ લીલું-લીલું ઘાસ બનીને આવે એનું શું કરીએ

 .

કોઈ છૂટ કવિની લઈએ, તો એ માફકસરની હોય ભલા !

પણ જીવન-મૃત્યુ પ્રાસ બનીને આવે એનું શું કરીએ

 .

આ ખળખળ વહેતી આંખો આજે બંધ થવાનું નામ ન લે

કોઈ અંતરનો ઉલ્લાસ બનીને આવે એનું શું કરીએ

 .

( સુરેન્દ્ર કડિયા )

અવકાશમાં – મધુમતિ મહેતા

જળ નથી વાદળ નથી પણ વૃષ્ટિ છે અવકાશમાં

મેં ઘૂંટે ઘૂંટે પીધી એ મસ્તી છે અવકાશમાં

 .

સાવ ખાલીખમ બધું ને તોય તે લાગે સભર

નક્કી અદ્દભૂત ને અલૌકીક સૃષ્ટિ છે અવકાશમાં

 .

મેં સુરા આકંઠ પીધી ને પછી છોડી દીધી

કે નશાની પણ વધારે તૃપ્તિ છે અવકાશમાં

 .

રામ આવ્યા, બુદ્ધ પણ આવ્યા અને ચાલ્યા ગયા

છે પગેરાંનો ઈશારો હસ્તી છે અવકાશમાં

 .

દ્રશ્ય દ્રષ્ટા સર્વે ઓગળીને એકમાં

થાય એકાકાર એવી શક્તિ છે અવકાશમાં

.

છે નમન એને જે કાયાનેય ઓળંગી ગયા

પગ ધરા પર છે ને જેની દ્રષ્ટિ છે અવકાશમાં

 .

( મધુમતિ મહેતા )

કાતરઘેલો સાયબો – અનિલ રમાનાથ

મારો કાતરઘેલો સાયબો

લૂગડાં વેતરે

વત્તું કરે

મૂછ કાપે

હવે આંગળિયું નથ હાલતી તોય બે આંગળિયું હલાવ્યા કરે

ને મોઢેથી બોલ્યા કરે

ખચ ખચ ખચ ખચ

હું સોઈ-દોરો ને તમારા ભાઈ કાતર

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

સું વાત્ય કરું બોન

એક વાર તો ઈને સોપડીયું કાપવાનું વેન લીધું

સોપડી ગંધાય સોપડી ખાઉં

ગોંધીબાપુની સોપડી વાંહે કાતર લઈને ધોડ્યા

ઈ પડ્યા ઉપર પાટું કે’વાય કે નૈ ? બ્રોબર ને ?

લૂગડું ફાટે તો સાંધું પણ સોપડી સંધાય કિમ ?

 .

સું વાત્ય કરું બોન

એક ફેરી ગોમમાં કોઈની સોપડી બાર પડી

તમારા ભાઈંને સોપડીની રિબન કાપવા તેડી ગ્યા

આખું ગોમ ભેગું થ્યું

ભાસણો થ્યાં, સરસતી માની મૂર્તિ પાહે

દીવડા પેટવ્યા,

પન તમારા ભાઈએ સોપડીની રિબન હાર્ય સોપડી જ કાપી નાખી

ગોમને બૌ ખોટું લાઈગું

સોપડીનો લખનારો ભોઠો પડી ગ્યો

તે દન ને આજની ઘડી

મારો કાતરઘેલો સાયબો હરિજન બની ગ્યો

 .

સું વાત કઉ બોન

એક ફેરી નખ વધાર્યા

મેં ખાલી અમથું જ કીધું

નખી તળાવ ખોદવું સે ?

ધરાર નખ નો કાઈપા તી નો કાઈપા

મારો નખજમણો સાયબો મને હાચું કે’તો

નખ કપાય, ઓંગળી નો કપાય

સમજફેર થાય તો હું હું હું હું હું કપાય, સગપણ નો કપાય

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

( અનિલ રમાનાથ )

નિષ્ફળ મહાભિનિષ્ક્રમણની ગઝલ – રિષભ મહેતા

મને સૂર્ય ખૂબ જ કરગર્યો; બસ તે પછી હું ઘરે ગયો

પડછાયો મુજમાંથી ખર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

નહીં રાહ જેવું કશું મળ્યું; હર ડગલું મારું મને નડ્યું

હર ગલીએ હરપળ છેતર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

કોઈ રાહ જોઈ ઊઠી ગયું; કોઈ નામ મારું ભૂંસી ગયું

મને કોઈએ નહીં સંઘર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

સૂમસામ એ ફળિયું હતું; એક જાગતું નળિયું હતું

જીવ બાળી બાળી દીવો ઠર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

હું હતો જ ક્યાં તને શું કહું ? નહીં ઓળખાયો મને જ હું !

હું સ્વયં સ્વયંથી બહુ ડર્યો; બસ તે પછી હું ઘરે ગયો…

.

નહીં હું કશુંય ત્યજી શકું; નહીં અન્યને હું ભજી શકું

મને બુદ્ધ ગૌતમ સાંભર્યો; બસ તે પછી હું ઘરે ગયો…!!

.

( રિષભ મહેતા )

હું હરિનો આંગળિયાત – ભગવતીકુમાર શર્મા

હું હરિનો આંગળિયાત;

હું ઝાંખો પડછાયો,હરિ તો સકળ અને સાક્ષાત !

હું હરિનો આંગળિયાત…

.

હરિવરની ગ્રહી આંગળી આવ્યો જગમોઝાર;

હરિ દોરે ત્યાં હું દોરાતો, ઉજાસ કે અંધાર;

પગલાં થોડાં ઠેબાં ઝાંઝાં હાથ હરિને હાથ !

હું હરિનો આંગળિયાત…

.

હરિએ મારા હાથમાં દીધી રૂડી તુલસીમાળા,

હું મણકાને બદલે ગણતો વગડાના ગરમાળા,

હરિએ કેવળ સ્મિત કર્યું, ઠપકાની તે શી વાત ?

હું હરિનો આંગળિયાત…

.

હરિએ દીધાં કલમ-પાટી ને કહ્યું: ઘૂંટ તું ઓમ,

ધૂળ ઉપર મારે તો લીંપણ, શું ધરતી શું વ્યોમ ?

હરિએ સ્પર્શ કર્યો પાટી પર વરસ્યાં પારિજાત…

હું હરિનો આંગળિયાત…

.

( ભગવતીકુમાર શર્મા )

કાળિયા કુંભારનું ગધેડું – બાબુ સુથાર

index

.

આજે અચાનક કાળિયા કુંભારનું ગધેડું

મારા આંગણામાં આવ્યું.

એને જોતાંજ હું બોલી ઊઠ્યો :

અરે ! તું ક્યાંથી અહીં ?

પછી હું એની કોટે વળગી પડ્યો

પછી મેં એના કાન ઝાલી લીધા

પછી મેં એનું માથું હળવેથી ઊંચું કરી

એની આંખમાં આંખ પરોવી જોયું

એમાં એ જે રસ્તા પર થઈને ચાલતું હતું

એ વીરપુરનો રસ્તો દેખાયો

એ રસ્તા પરની આંબાવાડી દેખાઈ

એમાં હડમતિયા હનુમાન પણ દેખાયા

એ પર્વતને ખભે બેસાડીને જઈ રહ્યા હતા

એમણે મને હાથ ઊંચો કર્યો,

મેં પણ.

એમાં નવ ગજા પીર દેખાયા

એ આરામખુરશીમાં

હોકો લઈને બેઠા હતા

મેં એમને પૂછ્યું:

ચલમ ભરી આપું કે ?

એમણે મરકતાં ના પાડેલી.

એમાં મને પેલું ગરનાળું દેખાયું

એની નીચે થઈને જતો એક વાઘ જોયેલો મેં

એ વાઘ પણ મને ફરી એક વાર દેખાયો.

મને થયું :અરે આ ગધેડું કેટલું બધું લઈને આવ્યું છે મારી પાસે.

મારે એને પૂજવું જોઈએ.

હું દોડતોક ઘરમાં ગયો

અને પૂજાની થાળી લઈને બહાર આવ્યો.

જોઉં છું મારા ગધેડાનું માથું એક બાજુ અને ધડ બીજી બાજુ

હું કશુંક બબડ્યો ને એ સાથે જ

મારી આંખ ઊઘડી ગઈ

હું દોડતોજ ગયો મારા આંગણામાં

ત્યાં એક સસલું કૂદાકૂદ કરી રહ્યું હતું

એના કાન પેલા ગધેડના કાનની જેમ ઊભા હતા.

હું એની સામે જોઈ મલકતો ઘરમાં પાછો આવ્યો.

 .

( બાબુ સુથાર )

હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

gandhiji

.

હિંદુ ધર્મ શું છે ?

 .

હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા કરવી એનું નામ જ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મ કરતાં સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે.

 .

( મહાત્મા ગાંધી )

નિર્લેપ અવકાશ – મોક્ષય વ્યાસ

રંગ ઢોળાયા બધા અવકાશમાં,

ના રહ્યા એક્કે, સદા અવકાશમાં.

.

રોજ અંધારાં ને અજવાળાં થયાં,

રામ જાણે ક્યાં ગયાં અવકાશમાં.

.

કૈંક ઘટનાઓ સતત ઘટતી રહી,

ક્યાંય ના ડાઘા રહ્યા અવકાશમાં.

.

શોધતોચોક્કસ સ્થળે એને રહ્યો,

રૂપ સૌ જેનાં વહ્યાં અવકાશમાં.

.

એ રહ્યું નિર્લેપ નિર્મોહી સદા,

વિશ્વ કરતું આવ-જા અવકાશમાં.

.

રંગ ક્યાં અવકાશને કોઈ હતો,

ભ્રાંત જોયા ભલભલા અવકાશમાં.

.

( મોક્ષય વ્યાસ )

વહેતા સમય સાથે – કિસન સોસા

વહેતા સમય સાથે હૃદય સંધાણ સંધાયું નહીં

ઓઝલ રહ્યું એવું નજરથી પાન વંચાયું નહીં


એ કાંગરા એ કોઢ એ બારેય દરવાજા ગયા

ભૂગોળ બદલાઈ ગઈ ને ભાગ્ય બદલાયું નહીં

.

એ કાવ્યપંક્તિ-શી ગલી શેરી ગઈ, મેળા ગયા

ચિક્કાર ભીડેથી નીકળવું’તું ને નીકળાયું નહીં

.

ખુલ્લું, ઉઘાડે છોગ તડકે માતબર દળદર પડ્યું

કંઈ વાર લૂંટાયું ઘણું પણ એ જ લૂંટાયું નહીં

.

લ્યો, આખરે, ભૂલો પડ્યો, શોધું છું મારામાં મને

માણસ તો શું, એકેય પંખી પડછાયું નહીં

.

( કિસન સોસા )

ઘણી જ જિદ્દી – એસ. એસ. રાહી

ઘણી જ જિદ્દી છે એ આવીને જતી જ નથી

ધીરજ અતિથિ છે પણ સરભરા થતી જ નથી.

.

હું આખી રાત વિચારું છું બારીએ બેસી

સવાર મારા ઘરે કેમ આવતી જ નથી.

.

સંબંધ નામની એ વાનગી મધુર છે પણ

તું એને ચાખીને કે’ છે કે ભાવતી જ નથી.

.

ઘડીમાં ઓરડે, બીજી ક્ષણે એ ફળિયામાં

પવનને કોઈ દિશા કેમ ફાવતી જ નથી.

.

ઊભો છે ‘રાહી’ હજુ દર્દના કઠેરામાં

પરિસ્થિતિ કદી એને ડરાવતી જ નથી.

.

( એસ. એસ. રાહી )