હીંચકો – અર્જુનસિંહ કે. રાઉલજી

બાલ્કનીના હીંચકા ઉપર ઝુલતો

પવન

મારી સાથે

ભેદપરાયણ હોવાની

ફરિયાદ કરે છે…!

કોણ કોની ધારણા છે ?

હીંચકો, હું કે પવન…?!

ઝાકળની દાઝે ચઢેલ

ધૂળ-ઢેફાંનાં રજકણો

અણુ તો બોમ્બ થઈ ફાટવાને…!

ધૂળભેળો-ફૂલભેળો-પંખીભેળો

સાંજના સમયે

આજ હીંચકે ઝુલતી

બા, રાહ જોતી…

જોતજોતામાં ઘરના ખૂણે

ડુંગરો થઈ જતાં દફતરો…!

એ જ ચડ્ડી અને એ જ થીંગડું

કૈં જ બદલાયું નથી…

ક્યાંક સંભળાતા

કબૂતરના ઘુઉ…ઘુ…ઘુ…વચ્ચે

એકલો ઝૂલે છે હીંચકો

પવનની ઠોકરો ખાઈને…!

 .

( અર્જુનસિંહ કે. રાઉલજી )

ભીનાશ – પારસ હેમાણી

ખોવાયેલું

હજીયે,

પાછું

મળી જશે,

પણ…

આડા હાથે

મુકાયેલી,

મારી થોડી

લાગણીઓમાં…

કદાચ

હજી

એ જ

ભીનાશ

મળી જાય

‘તો’

જોને જરા !…

 .

( પારસ હેમાણી )

મૃત્યુ – ડો. પ્રદીપ પંડ્યા

(૧)

મૃત્યુ એટલે…

તમે આંખ બંધ કરી દો

અને

પછી ખોલવાની નહિ

અથવા

તમારી આંખ ખુલ્લી હોય અને

કોઈ ધીમે રહીને બંધ કરી દે

 .

(૨)

રોજ સવારે, બપોરે અને રાત્રિએ

એલ્યુમિનિયમના કવરમાંથી થોડી

ગોળીઓ બહાર કાઢું છું અને ગળી જાઉં છું,

ગોળીઓ ખલાસ થાય તો બીજી લઈ આવું છું,

પણ તે દરેક ગોળી સાથે મારી એક ક્ષણ, દિવસ

અને વર્ષ ઓછા થતાં થાય છે.

તેને ક્યાંથી લાવીશ ?

 .

( ડો. પ્રદીપ પંડ્યા )

કેવી રીતે કહીએ ? – ફિલિપ ક્લાર્ક

કેવી રીતે કહીએ ?

દર્દ ઉછીનાં લઈને કેવળ મૂંગામંતર ફરીએ

કેવી રીતે કહીએ ?

 .

ખુદનો પ્હાણો ખુદના પગ ખુદની પીઠે વાર;

પડતા હોઈએ એ જ વેળાએ પડતો કેવો માર !

થાકી પાકી સાંજે પાછા સૂરજની જેમ ઢળીએ.

કેવી રીતે કહીએ ?

 .

પગ વાળી ના બેસે ઈચ્છા મન ઉડાઉડ કરતું;

વીણી વીણી દુ:ખના સિક્કા શ્વાસે શ્વાસે ગણતું.

એ જ વેળા બદલાતા પંથ થાય ઘણું એ મળીએ

કેવી રીતે કહીએ ?

.

( ફિલિપ ક્લાર્ક )

એવું નથી – હરીશ પંડ્યા

જિંદગીમાં જે ગમે, એ મળે એવું નથી,

સ્વપ્ન જોયું રાતમાં, એ ફળે એવું નથી.

 .

તું પરાઈ પીડને જાણવા તત્પર નથી,

કોઈ તારી લાગણી, ને કળે એવું નથી.

 .

આ નગરમાં ચોતરફ માણસો ઘર બાંધતાં,

પાદરે આજે નદી, ખળખળે એવું નથી.

 .

આ સફર જો આદરી, અડચણો આવે ઘણી,

આંખ મીંચી ખોલતાં, એ ટળે એવું નથી.

 .

લાખ કોશિશ તેં કરી એમને રીઝવવા,

એમનું પથ્થર હૃદય પીગળે એવું નથી.

 .

( હરીશ પંડ્યા)

ગીત જડ્યાં તે ગાયાં – ધ્રુવ ભટ્ટ

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

ભલે થયું; અજવાળું થ્યું ને ? છળી પડ્યાની જરૂર શું છે ?

 .

નભ વરસ્યું ને નાહ્યા એની મોજ મળી તે માણો

ભીનાં થયાનાં અવસર છે તે જ્ઞાન સમૂળુ છાંડો

જાત તો જેવી ને તેવી છે નવી કર્યાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

હોય તો અનરાધાર પંડને ભૂલવાડી દે તેવું

કબૂલ કીંતુ તે ક્ષણ વીત્યે નથી ટપકતું નેવું

પળના ઝબકારાને કાયમ ગણી ગયાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

મટી જવાની લીલા છે કંઈ બનવાનો આધાર નથી આ

જળ વાયુ કે તેજ સમજ કંઈ પથ્થરના આકાર નથી આ

ઘણું ગ્રહેલું ભૂલવાડે તે છવી ગ્રહ્યાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

( ધ્રુવ ભટ્ટ )

કર્ણ – ચિનુ મોદી

સાંજ થવા આવી છે અને હજી સીમમાંથી

ધણ પાછાં ફર્યાં નથી

પાદરે ગોરજ છવાઈ નથી

મંદિરે નગારે દાંડી પીટાઈ નથી.

તો, સૂર્યાસ્ત નહીં જ થયો હોય શું ?

ચક્રવાકને સૂર્યાસ્ત ક્યારે જણાય છે ?

ના, ના;

પંખી વગરનું થઈ ગયું છે આકાશ

નાખી નજર પહોંચે ત્યાં સુધી

સૂર્ય ક્યાંય જણાતો નથી.

ગોરજ વગર

આરતી વગર

સૂર્યાસ્ત વગર

એમ સમજો ને જાણે કે

અચાનક આંખ કપાતાં

ધબાક

અંધારાં નીચે પડ્યાં છે.

એટલું જ નહીં,

પાતાળ ફૂટ થઈ હોય એમ

અંદર બહાર ઉભરાયો છે અંધાર

મને હણવા આ તારી રમત તો નથી ને ?

આ અંધારું લાંબુ ચાલશે તો ટેવાયેલી પાંપણો

દરવાજા ઉઘાડી, અંદર આવવા દેશે નિદ્રાને

અને નિદ્રા તો રૂપાળી દાસી જેવી;એનું સાન્નિધ્ય

શ્રમહર ને માદકહારી.

સારથિ ! સાંભળતો નથી !

સૌ કહે છે, થ્યો છે : સૂર્યાસ્ત

સારથિ ! રથને છાવણી ભણી પાછો લઈ જા

પણ અરે આ સમયરથનું ચક્ર…

 .

( ચિનુ મોદી )

નીચા દરવાજા – ખલીલ ધનતેજવી

નીચા દરવાજાની મજબૂરી નિભાવી લઈએ,

એવું ઘર હો તો જરા માથું નમાવી લઈએ.

 .

પાંદડાં તૂટે ને કરગરવું પડે તે કરતાં,

ચાલ રિસાયેલી મોસમને મનાવી લઈએ.

 .

ક્યાંક આંખોથી, ગઝલથી કે મુસ્કુરાહટથી,

કોઈ પણ રીતે અમે કામો કઢાવી લઈએ.

 .

એક આંસુનું વજન ટેરવું ઝીલે તો પછી,

આપણે ખોબામાં પરવતને ઉઠાવી લઈએ.

 .

ભાગ્યરેખાની જરા ઊંઘ ઊડે તે માટે,

એનું સરનામું હથેળીમાં લખાવી લઈએ.

 .

પાનખર ઘરમાં કદાચ આવી ચડે તે પહેલાં,

ફૂલદાનીને ઝરૂખેથી હટાવી લઈએ.

 .

છો ખલીલ આજે નજર ફંફોસે ચેહરા સૌના,

આજ આ થાકેલી આંખોને તપાવી લઈએ.

.

( ખલીલ ધનતેજવી )

ટહુકાનો તરજુમો – ખલીલ ધનતેજવી

કોઈના સૂરજને કાં ઝાંખો કરો,

પોતપોતાના ઘરે દીવો કરો.

 .

પગ સલામત છે, ફક્ત ઊભો કરો

ચાલવા મંડી જશે ટેકો કરો.

 .

જે કશું ખૂટતું હશે, સરભર થશે,

પગ તમે ચાદર મુજબ લાંબા કરો.

 .

આગ તો છે અર્થની તાસીરમાં,

શબ્દ ફાવે તેટલો ઠંડો કરો.

 .

સાંજ લગ આકાશગંગા થઈ જશે,

ભીંત પર ખાલી તમે લીટો કરો.

 .

હા, વિવેચક છો તમે જાણું છું હું,

પણ જરા આઘા ખસો, રસ્તો કરો.

 .

આપ છો ભાષાભવનના માસ્તર,

લો, જરા ટહુકાનો તરજૂમો કરો.

 .

એ ખલીલ આવ્યા છે પાટો બાંધવા,

ખોતરીને ઘાવને મોટો કરો.

.

( ખલીલ ધનતેજવી )

તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે,

હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.

 .

સમસ્યા ક્યાં હતી કૈં માનવીના આગમન પહેલાં,

બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે.

.

કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે,

નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.

 .

ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે,

ઘણા ખમતીધરોની આબરૂ ખાડામાં ઊતરી છે.

 .

તમે મારા હૃદયમાં એમ આવીને પ્રવેશ્યા છો,

કે જાણે કોઈ પાગલ આગ આ તણખામાં ઊતરી છે.

.

હવે દીવાઓ પણ ભડકે ચડી પડદાઓ સૂંઘે છે,

હવા પણ વાળ છુટ્ટા વીંઝતી રસ્તામાં ઊતરી છે.

 .

ખલીલ આજે તરસની આબરૂ સચવાય તો સારું,

બિચારી એકલી પાણી પીવા કૂવામાં ઊતરી છે.

 .

( ખલીલ ધનતેજવી )