…સ્વીકાર દે કે ન દે ભલે – લલિત ત્રિવેદી

શું ફરક પડે છે પુકારને તું સ્વીકાર દે કે ન દે ભલે

ઝીણી આંખડીનું હું તેજ છું તું દીદાર દે કે ન દે ભલે.

 .

રખે માનતો કે હું ક્ષીર છું હું તો તારા નામની પીર છું

તારી બંદગીમાં બુલંદ છું તું ઉદ્ધાર દે કે ન દે ભલે.

 .

તું અદ્રશ્ય છે તો તાર છું, તું ખુદા છે તો હું ખુમાર છું

હું તલાશ છું…બેસુમાર છું…મને શું જરૂર તું વહાર દે કે ન દે ભલે.

 .

ન તો રંગ છું ન તો રૂપ છું ન હું ફૂલ છું કે ન ખુશ્બૂ છું

હું તને ચડાવેલ ધૂળ છું કોઈ પાર દે કે ન દે ભલે.

 .

હું સબરમાં છું કે સફરમાં છું..તું મૂરતમાં હો કે સતતમાં હો

છે સ્વયમ રણક એને શું તમા તાર દે કે ન દે ભલે.

 .

શું અલગ જગા કે ખુદા છે તું શું અલગ છે ઘર કે હું બંદો છું

ક્યાં રહ્યો હવે કોઈ ફાસલો એકાકાર દે કે ન દે ભલે.

 .

( લલિત ત્રિવેદી )

…દીવા જેવી – લલિત ત્રિવેદી

તો ભક્તો ! આજની શરૂઆત દીવા જેવી કરવી છે

આ તેંત્રી ક્રોડની ઠકરાત દીવા જેવી કરવી છે

.

જુદેરો જાગ છે… વિસાત દીવા જેવી કરવી છે

તરસ ને પાણીની અખિયાત દીવા જેવી કરવી છે

 .

હો ભીની ભીની રૂની વાટ ને હો રૂબરૂ લગ વાટ

સભર આ ઘરની જરૂરિયાત દીવા જેવી કરવી છે

 .

ઈ કંકુવરણા આપણા બે ઉપર ઢોળાતી અઢળક સાંજ

સખી ! ઈ સાંભરણની ભાત દીવા જેવી કરવી છે

 .

હો જરિયન નામ પેટવીએ…રણકતાં દામ પેટવીએ

શરીર જેવી રૂડી સોગાત દીવા જેવી કરવી છે

 .

જીરેજી ખેડશું પરબું ને ભરશું પ્યાલા રસબસતા

આ લેતીદેતીની રળિયાત દીવા જેવી કરવી છે

 .

સમેટાઈને તારી સામે બેસી જઈશ, પરભુડા !

કે ઝંઝાવાતની રજૂઆત દીવા જેવી કરવી છે

 .

( લલિત ત્રિવેદી )

જુલાહે – હરીશ મીનાશ્રુ

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

(સ્મરણ્પુણ્ય : ગુલઝાર)

.

બિચ બજરિયા બેઠા બારોબાર જુલાહે

વણવું ને ગણગણવું તે વેપાર જુલાહે

 .

વાણે વાણે શીદ વણવા વહેવાર જુલાહે

તાણે તાણે તીજ અને તહેવાર, જુલાહે

 .

રૂને બ્હાને રહ રહ પીંજો કાંતો રૂહને

લખચોરાશી કપાસના અવતાર, જુલાહે

 .

કસબ જૂઠ ને જૂઠો કારોબાર, જુલાહે

ભીતરમાં દેખું તો નિત ઈતવાર, જુલાહે

 .

કહે ચદરિયા, રહના તુમ હુંશિયાર, જુલાહે

રંગરેજનો રંગ બડો ખૂંખાર જુલાહે

 .

અષાઢ શ્રાવણ વણશે અનરાધાર અંતરે

શાળ ઉપર તું છેડ મિયાં મલ્હાર, જુલાહે

 .

રોજ તાંતણો તૂટે ને ગંઠાય ઘડીમાં

શીદ મરવાં ને ધરવાં નિત અવતાર જુલાહે

 .

ભોર ભયી રે, રંગ રૂપેરી દડી ઊખડી

વીંટી લે બોબિન પર બારેક તાર જુલાહે

 .

સૂઈ-ધાગે જો નિંદ સે જાગે, કરે પુકારા

જલ્દી કર, તું શીદ લગાડે વાર, જુલાહે

 .

આ ચાદરના ઘરાગ ? તો કહે, વરણ અઢારે

એ બ્હાને ઓઢે અઢળક એંકાર, જુલાહે

 .

કયા કપાસે સરજ્યું સૂતર કોણ સાળવી

ચિડિયા ચુગ ગઈ સુપનેકા સંસાર જુલાહે

 .

કક્કાને તેં સાવ સમેટ્યો અઢી અક્ષરમાં

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

.

પંખીનો એ ધરમ : ગમ્યું તે ગુંજી લેવું

હમકો નાહીં પતા કૌન ગુલઝાર, જુલાહે

 .

( હરીશ મીનાશ્રુ )

ભલું દેખાડ્યું તેં – રાજેન્દ્ર શુક્લ

વીજ કડક્કા વદ્દળ કાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

વસમી વાટ ને વંકા ગાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

.

ઘર જાહલ ને ઝાઝાં જાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

દી ઊગ્યો કે ભર્ય ઉચાળા, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

 .

ક્યાંય કૂંચી નંઈ એવાં તાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

કૂવા ગાળ્યા તોય કોરાં થાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

.

અડવાણે પગ ને પગપાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

ક્યાં લગણ આ ચાવવાં લાળાં, ભલું દેખાડ્યું તેં દ્વારકાવાળા !

 .

( રાજેન્દ્ર શુક્લ )  

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારા વહાલા પ્રભુ,

 .

તમે જે આજનો દિવસ બનાવ્યો છે તેનો મને પણ એક અંશ બનાવવા માટે હું તમારી ખૂબ આભારી છું.

 .

આજનો દિવસ બીજા કોઈ પણ દિવસ કરતાં જુદો છે અને મને તમે ફરી પાછી એ માણવાની તક આપી તે માટે તમારો હૃદયપૂર્વક આભાર.

 .

આજે હું મારી જાતને સંપૂર્ણપણે તમારે હવાલે મૂકું છું.

 .

હું આજે શ્રદ્ધા અને આનંદથી તમારી સરભરા કરીશ. મારાં સાંસારિક અને આધ્યાત્મિક કર્મોની લેણદેણનો હિસાબ પૂરો થશે. આજે હું એમાંથી મુક્ત થઈશ એનો કેટલો આનંદ છે !

 .

આજના આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે ભયથી, શંકાથી, ગુસ્સાથી, શરમથી, અપરાધની લાગણીથી અને નકારાત્મક વિચારો અને પ્રયોજન વગરનાં કાર્યોથી મુક્તિ પામીશ. એ માટે તમારી ખૂબ આભારી છું.

 .

આજનો જે મહાન દિવસ હું જોઈ શકી છું, તમે મારે માટે જે જીવન સર્જ્યું છે તે પારાવાર શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક તમારા ચરણોમાં ધરીશ.

 .

શાંતિ, આનંદ, સભરતા, વૈપુલ્ય અને સર્જનાત્મક કાર્યોનું આ જીવન છે.

 .

ઈશ્વર આ તમારો દિવસ

 .

મારો દિવસ

 .

મને આ દિવસ આપવા માટે ખૂબ ખૂબ આભાર પ્રભુ.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

….દીવા માન્યા પાંચ – લલિત ત્રિવેદી

આપ સાચવે સાચ એટલે દીવા માન્યા પાંચ

પરપોટા જ્યાં પાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

ઘરમાંથી ગ્યા મંદિરિયે ને મંદિરિયેથી ઘરમાં

ક્યાંય અડીના આંચ એટલે દીવા માન્યા પાંચ

 .

મ્હેતાજીએ મૂકી હોય તો ચશ્માંથી વંચાય

નરસૈંયાની ટાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

કોઈએ સાંધ્યા કાચ કોઈએ મન મોતી ને કાચ

આ તો સાંધી વાચ એટલે દીવા માન્યા પાંચ

 .

ખમીસમાં જો હોત ક્યાંય તો બખિયા મારત પાંચ

પડી છે અંદર ખાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

જતાં જાતરા એક દિવસ પહોંચ્યા મંદિરની માંહ્ય

માંડી અઠંગ જાપ એટલે દીવા માન્યા પાંચ

 .

પતંગિયાની પાંખેથી રજ જેમ ખરે છે અખ્ખર

લલિત તું ઈ વાંચ એટલે દીવા માન્યા પાંચ

 .

( લલિત ત્રિવેદી )

 

તારું એક નામ – પ્રીતમ લખલાણી

સપનાઓની

સાંકડી શેરીમાં

મેં સંઘરી રાખ્યા છે

આંસુઓમાં

કુંવારી સંવેદનાના બધ્ધા રંગો !

જિંદગીનું વસ્ત્ર વેતરવા

વર્ષામાં સાથે ભીંજાવાની વાતો

ને’ વસંતમાં

ઝાંઝર લયમાં કીડીની

કાલી ઘેલી મધુરતમ વાણીને

મેં સાચવી રાખી છે

કાનોમાં

પંખીના લીલા ટહુકાની જેમ.

કોઈ કાળે

હૃદય ભીંતે જતનથી મૂકેલ

તારી તસવીરની આસપાસ

લાગેલી ધૂળને ખંખેરતા

જો મારા શ્વાસમાં

એકાએક દરિયો જાગે તો !

ઉમ્રભરના બોજાતળે

તૂટેલા તરાપામાં નિરાંતે

બેસીને મારે ફૂંકવો છે

અર્જુનનો પાંચ જન્યની શંખ

અને પછી આંખ સામે

આવીને ચાલ્યા જતા

પેલા હલેસા પર દરેક જન્મે

મારે બસ ઘૂંટ્યા કરવું છે

ફક્ત તારું એક નામ !

 .

( પ્રીતમ લખલાણી )

કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી

છત પર

લટકતાં ઝુમ્મર વચ્ચે

એક પતંગિયું

બંધ બારીઓ જોઈ જોઈને

વિચારોના દરિયામાં ડૂબી ગયું છે.

કેમ આજ

કારણ વિના નભથી

રિસાયા છે વાદળો !

જો અચાનક મોસમ બદલાઈ તો ?

ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં

ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે

એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે

અને પછી તેની કોઈ ડાળે

ટહુકા વેરતું પંખી

માળો બાંધવા આવી ચઢે તો !

ઘર, ગલી અને ફળિયા વચ્ચેના

વાદળ ઘેરાયેલા આકાશમાં

કવિતાનો

સૂર્ય ઝળહળી ઊઠે !

 .

( પ્રીતમ લખલાણી )

બસ સ્હેજ – પ્રીતમ લખલાણી

પવન હિલોળે

હળવેકથી

પરોઢે

મારી બારી ખોલી

ને ઢળતી રાતથી

રાહ જોઈને બેઠેલ

ઝાકળ ભીની મોગરાની

એક ડાળ

કોડભરી કન્યાસમી

બારીએથી પ્રવેશતી

મને વળગી પડી.

એટલે મારાથી તેને પૂછાય જવાયું.

‘અરે ! રાત આખીમાં

તે’ આભના કેટલા તારા ગણી નાખ્યા ?’

અને તે,

હોઠોમાં મલકાતી બોલી,

‘જો કોઈએ,

ગઈ રાતને

બસ સ્હેજ લંબાવી દીધી હોત તો ?

મેં ક્ષિતિજમાં બધા તારાને ગણી નાખ્યા હોત !

 .

( પ્રીતમ લખલાણી )

અર્થ – પ્રીતમ લખલાણી

દોસ્તો !

આપણી બંધ મુઠ્ઠીમાં

ઈશ્વર નથી કે

આપણે કોશનો અર્થ

કોઈ પણ વ્યક્તિને

નિર્ભય મને

કોરા કાગળમાં સમજાવી શકીએ !

ખાલીપાનાં ખંડેરમાં

પીળું પાંદડું જ નહીં

લીલું પાંદડું પણ એકલું એકલું

એકલતામાં

ખખડતું હોય છે.

શબ્દની લિપિમાં

ભલે સોનેરી શ્વાસ મઢ્યો હોય

વાણીનો અર્થ

સાવ સીધો સરળ

પાણી સમો નિર્મળ લાગતો હોય

છતાં કોણ છે સાચું ?

ને’ કોણ છે ખોટું ?

આવી કારણ વગરની

પંચાતમાં કોણ કૂદી પડે ?

નહીંતર શબ્દકોશના જર્જરિત પાનામાં

જો વૃક્ષનો અર્થ શોધવા નીકળીએ

અને આપણને કદાચ તેનો અર્થ

પંખી મળે !

એમ પણ બને !

 

( પ્રીતમ લખલાણી )