एक अनकही कहानी – दीपक भास्कर जोशी

मैं

जब भी संवेदन भार

से

उसके

कुछ और

करीब जाने के लिए

अपने

कदम बढाता हूँ,

तब

एक बिल्ली की

सधी उछाल की तरह

अपने प्रेमी के साथ गुजारी

चांद रातों की

कहानी सुनाने लगती है !

मानो मेरे बढते हुए कदम रोकना चाह रही हो !

तब मैं

मेरी कविताओं की डायरी

ताल के पानी पर

तैरते चांद के

प्रतिबिंब को

निशाना बना कर

फेंक देता हूँ

एक धीमी सी

डुबुक की आवाज होती है

और

कुछ नन्हे से पानी के बुलबुले

सतह पर आकर बिखर जाते है

सतह पर तैरते

चांद का प्रतिबिंब

बिखर जाता है……….!

मैं रुके हुए फैसले की तरह ताकता

रह जाता हूँ

बिखरे चांद के प्रतिबिंब

की ओर !

जब आखरी पानी का बुलबुला

सतह पर

आकर मिट जाता है

तब मैं अपने कदम

मोड लेता हूँ

उस दिशा में

जहाँ से मैं चला था.

 .

( दीपक भास्कर जोशी )

પ્રેમરંગથી ન્યાલ – મેઘબિંદુ

પ્રેમરંગથી ન્યાલ

સાંવરિયા તારા પ્રેમરંગથી ન્યાલ

 .

સ્મિતભર્યા સૌરભની બંસી

સાંભળતા હરખાતી

તારા સંગે રંગભીની થઈ

આશ્લેશે મલકાતી

વરસાવે તું વ્હાલ

સાંવરિયા તારા પ્રેમરંગથી ન્યાલ

 .

ઉમંગનાં ફૂલોથી શોહે

જીવતરનો આ બાગ

રંગરાગના લયતાલથી

ખીલ્યો રે અનુરાગ

પળપળ મારો ખ્યાલ

સાંવરિયા તારા પ્રેમરંગથી ન્યાલ

.

( મેઘબિંદુ )

સતત દ્વાર થઈને – નરેશ સોલંકી

સતત દ્વાર થઈને ખખડવાનું લાવ્યા,

નરી અંધતા લઈ રખડવાનું લાવ્યા.

.

અમે ચીસ, પડઘા, ટહુકા ને ગીતો

પછી ખીણ અંદર ગબડવાનું લાવ્યા.

 .

છીએ ખુરશી ટેબલ ને કાગળની ફાઈલ,

મનોમન ઉદાસી બબડવાનું લાવ્યા.

 .

મને થાતી ઈર્ષાઓ પીંજરનાં પંખી

નગરમાં અકારણ ફફડવાનું લાવ્યા.

 .

કલેજું ભલેને સિકંદરનું રાખો

મસાણોમાં માથું રગડવાનું લાવ્યા.

.

છતો જોઈને બસ આ વરસે છે વાદળ

અમે રિક્ત નેવે દદડવાનું લાવ્યા.

 .

( નરેશ સોલંકી )

જીત તમને – હરીશ પંડ્યા

જીત તમને કોઠે પડી ગઈ

અમે સ્વીકારી હાર,

શું પામ્યાં ને શું શું ખોયું

એ વાતનો છે અણસાર ?

 .

તમે રમઝટ વરસાદે નાહ્યાં

અમે ઝીલ્યાં છે ફોરાં,

લથબથ અંગ ભલે થયાં તમારાં

પણ ભીતર છો કોરાં;

 .

તમને ઘૂઘવતો દરિયો ગમે

અમને ઝરણાંની ધાર,

જીત તમને કોઠે પડી ગઈ

અમે સ્વીકારી હાર;

 .

તમે ઊગતાં સૂરજને પૂજો

અમે સંઘર્યો અજવાસ,

તમને ગમતાં સુખ-સગવડ સૌ

અમને ગમે વનવાસ;

 .

આપણી વચ્ચે છેટું છે ઘણું

તમે ત્યાં, અમે આ પાર,

જીત તમને કોઠે પડી ગઈ

અમે સ્વીકારી હાર,

 .

 ( હરીશ પંડ્યા )

ક્યાં છે ? – સિકંદર મુલતાની

પ્રશ્ન ક્યાં છે ? જવાબ પણ ક્યાં છે ?

હાથમાં મુજ કિતાબ પણ ક્યાં છે ?

 .

કે મળો આપ ને હસી ન શકું,

એટલાં દી’ ખરાબ પણ ક્યાં છે ?

 .

કેમ તું  ફૂલદાનીને રોવે ?

મુજ કને ફૂલછાબ પણ ક્યાં છે ?

 .

મરતબો-માન, પગ કરી જાતાં,

નિત્ય ચાલે, રૂઆબ પણ ક્યાં છે ?

 .

કેમ સરખાવે ચાંદથી મુજને ?

મુજ શીતળતા-શબાબ પણ ક્યાં છે ?

 .

કેમ ના થાય ? આંખ, ઊંઘણશી !

કનડે એવાં ય ખ્વાબ પણ ક્યાં છે ?

 .

રાત વીતી ગઈ ‘સિકંદર’ પણ-

ક્યાં ઉષા ? આફતાબ પણ ક્યાં છે ?

 .

( સિકંદર મુલતાની )

વાંચુ તને – અંજુમ ઉઝયાન્વી

મન હવે મળવા કદી લલચાય તો વાંચુ તને,

રૂપ તારું આંખથી જીરવાય તો વાંચુ તને !

 .

સાચવી રાખું જતનથી કંઠ ભીનો રાખવા,

નીર મારા ખોબલે સચવાય તો વાંચુ તને !

 .

રોજ પંપાળું બધી સંવેદના તન્હાઈમાં

તું કસુંબલ હેતમાં ઝીલાય તો વાંચુ તને !

 .

તારલા મીઠા અવાજે ગીત ગાશે પ્રીતનાં

આભમાં અવસર નવો ઉજવાય તો વાંચુ તને !

 .

માણસો ધગતા રવિની આંચથી દાઝી ગયા,

સાંજનાં શીતળ હવા લ્હેરાય તો વાંચુ તને !

 .

ઝાડ સૂકાં તું ભલે પોંખે નવી લીલાશથી

આજ મારું ભાગ્ય જો બદલાય તો વાંચુ તને !

 .

રાત ગાળે મૈકદામાં શેખ ને પંડિત બધા

ભેદ સૌની પ્યાસનો સમજાય તો વાંચુ તને !

 .

આજ તારા ઘર લગી લાવી મને મારી ગઝલ

બારીએથી તું હવે ડોકાય તો વાંચુ તને !

 .

આંખને ખાલી ચડી અંજુમ રસ્તો જોઈને

આંગણામાં તું હવે ડોકાય તો વાંચુ તને !

 .

( અંજુમ ઉઝયાન્વી )

જાગે છે – હનીફ સાહિલ

રાત હો કે સવાર જાગે છે

એક આ ઈન્તેઝાર જાગે છે

 .

આંખ સૂઈ જાય તોય પાંપણ પર

સ્વપ્નનો કારોબાર જાગે છે

 .

એકલો હું જ કંઈ નથી જાગૃત

ઘર દીવાલો ને દ્વાર જાગે છે

.

સંચરું નાવ સ્વપ્નની લઈને

એ સમંદરની પાર જાગે છે

 .

કોણે દીધા ને કોણે પાળ્યા છે

ઠાલાં વચનો કરાર જાગે છે

.

શહેરને ઊંઘવા નથી દેતો

આ અજંપો અપાર જાગે છે

 .

શાની ઈચ્છા આ સળવળે છે હનીફ

શાનો મનમાં વિકાર જાગે છે.

 .

( હનીફ સાહિલ )

 

‘વ્યથા ભીતરની’ – મહેન્દ્ર આર્ય

પ્રથમવાર

આપણે મળ્યાં ત્યારે

મારી ભીતર

એક બીજ રોપ્યું હતું તેં

તું તો પછી જતો રહ્યો….!

પણ

ઝરમર શ્રાવણની એ રાતે

મારા ભીનાં ભીતરમાં

તેં મૂકેલા એ બીજમાંથી

એક ઘટાટોપ વૃક્ષ વિકસ્યું છે હવે…

પરંતુ

આ વૃક્ષ ઉપર

કોઈ પંખી નથી બેસતું

અને

પંખીઓ માળા પણ નથી બાંધતાં…

કદાચ

મારી ભીતર વારંવાર થતા પત્થરમારાની

ખબર પડી ગઈ હશે એ લોકોને…

મારી અંદરના તોફાનને

જાણી ગયાં હશે એ લોકો પણ…

.

( મહેન્દ્ર આર્ય )

આજે પલળીએ – અલ્પ ત્રિવેદી

ચાલ, પાછાં આજે પલળીએ….

મન મૂકીને આજ વરસે છે વાદળી, આવી જા ઓરડેથી ફળીએ….

 .

સ્મરણોની વણઝાર થંભાવી નોંધ્યું કે સાથે પલળ્યાંની વાત સાચી

તું સાવ અલ્લડ ને ભોળોભટાક હું, વળી ઉપરથી વય સાવ કાચી

ઢીંગલાં-ઢીંગલીની રમતની લાયમાં, પરસ્પરને ક્યાં લગ છળીએ !…

 .

ઝરમર ઝરમર આવે વરસાદ, એની ધારમાં મીઠડું ઈજન

ભીંજાતી સૃષ્ટિમાં, ભીંજાતા હૃદિયાને, કેમ ગમે દૂર હો સ્વજન ?

હું-પણાનાં બધાં વસ્ત્રોને કાઢીને, ચાલ સાચાં સ્વરૂપે મળીએ….

 .

કહેતો’તો કહેતી’તી પ્રકરણની ફાઈલને, કરી નાખ એમ તું ડીલીટ

વ્હાલપ ભરીને તું ધોધમાર આવ હવે યુગયુગની ફળી જાય મીટ

ખાંચા-ગલીને હવે રામ રામ કરીને ચાલ સ્નેહના મારગે વળીએ….

 .

( અલ્પ ત્રિવેદી )

પાંદડામાં હવા – ખલીલ ધનતેજવી

પાંદડામાં હવા ફરફરી પણ હતી,

ડાળ પર લાજવંતી પરી પણ હતી.

 .

એની હિંમત હતી કાબિલેદાદ પણ,

ડાળ હાલી તો થોડી ડરી પણ હતી.

.

આમ જોવાની આદત નહોતી છતાં,

ડાળ પર મારી આંખ ઠરી પણ હતી.

 .

મારી આંખોંના મૂંગા અચંબા ઉપર,

એણે અણિયાણી આંખો ધરી પણ હતી.

 .

એની આંખોમાં સીધું આમંત્રણ હતું,

એના અણસારમાં મશ્કરી પણ હતી.

.

સ્હેજ મારામાં રાવણ પ્રવેશ્યો હતો,

કિંતુ મારામાં મંદોદરી પણ હતી.

 .

નામ સરનામું પણ હું ન પૂછી શક્યો,

મારી ઈચ્છા સતત કરગરી પણ હતી.

 .

છેક લગ સૂકા કાંટા જ ગણતો રહ્યો,

આંખ સામે જ લીલોતરી પણ હતી.

 .

હામ ભરવી હતી પણ ન સૂઝ્યું કશું,

શક્યતાઓને મેં ખોતરી પણ હતી.

 .

હું ખલીલ એક ડગલું ભરી ના શક્યો,

આમ તો મેં ઉતાવળ કરી પણ હતી.

 .

( ખલીલ ધનતેજવી )