એવું બની શકે કે – કવિતા ચોકસી

એવું બની શકે કે,

હું જે જોઉં એ તું ન ય જોઈ શકે;

કારણ કે મારી આંખો તારી આંખો થોડી છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે સમજું એ તું ન ય સમજી શકે;

કારણ કે મારું મૌન તારું મૌન થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જે ગાઉં એ તું ન ય ગાય;

કારણ કે મારું ગીત તારું ગીત થોડું છે ?

 .

એવું ય બની શકે કે,

હું જેને જીવું એને તું ન ય જીવી શકે;

કારણ કે મારી મંઝિલ તારી મંઝિલ થોડી છે ?

 .

પણ એવું બની શકે કે,

હું તને ચાહું ને તું મને ચાહે

કારણ કે

મારો પ્રેમ – તારો પ્રેમ

આપણો પ્રેમ ચોક્ક્સ થઈ શકે !….

 .

( કવિતા ચોકસી )

બસસ્ટેન્ડ પર – વિપિન પરીખ

ગઈ કાલે મારી આંખમાં સહેજ આંસુ આવી ગયાં.

એક વૃદ્ધ મા મારી સાથે બસસ્ટેન્ડ પર ટોળામાં

ઊભાં હતાં.

એક ભળતી જ બસ આવી.

માજી ખોડંગાતા પગે દોડી બસ આગળ પહોંચી

કશું પૂછ્વા લાગ્યાં.

કન્ડક્ટર હાથ રોકીને ઊભો રહ્યો.

બસ થોભાવી નહિ.

કહે ‘લાઈનમાં ઊભા રહો,’

એને ખબર છે અહીં લાઈન નથી, ટોળું છે.

ઘંટડી વગાડે છે. બસ ચાલી જાય છે.

માજી કશું સમજ્યાં નહીં.

એ બસ એમને માટે નહોતી.

તો પણ અફસોસ કરે છે. થોડું બડબડે છે.

એક ટેક્સી જોઈ હાક મારે છે, વળી થોડુંક

ખોડંગાતું દોડે છે.

“ભાઈ, જરા….”

ટેક્સીવાળો ગરદન પણ ફેરવતો નથી.

ટેક્સી દોડાવી જાય છે.

જાણે કે એને આંખ-કાન નથી, માત્ર મીટર છે.

માજી ફરી બડબડ કરી ટોળામાં ઊભાં રહે છે.

કોઈ સાંભળતું નથી.

બધાના કાન થાકેલા છે.

શહેરમાં પુષ્કળ બસો છે અને ટેક્સીઓ પણ.

પણ

મારી પાસે એક કાવડ નથી,

એટલે જ….

 .

( વિપિન પરીખ )

લો તમે દીવો કરો – મુકેશ જોષી

 સાંજ વીત્યાનો વખત છે લો તમે દીવો કરો

રાહ જોતું આ જગત છે લો તમે દીવો કરો

 .

વાયરા સામે કશું પેટાવવું ફાવે નહીં

આપને માટે રમત છે લો તમે દીવો કરો

 .

ના મને અંધારામાં કશું જ દેખાતું નથી

કોક મારામાં સતત છે લો તમે દીવો કરો

 .

એ મને મળવા હજુ આતુર છે આ રાતના

એમની પહેલી શરત છે લો તમે દીવો કરો

 .

રાતની સામે ચડ્યો છે જંગમાં શ્રદ્ધા લઈ

આગિયો હાંફ્યો સખત છે લો તમે દીવો કરો

.

( મુકેશ જોષી )

ભરતીની જેમ – હિતેન આનંદપરા

ભરતીની જેમ પ્રેમ-છોળે ભીંજાવ, ઓટ જેમ ઓસરવું શ્યામ –

તારી ઘેલી આ ગોપીને રઘવાઈ મેલીને દૂર દૂર સરવું શું કામ ?

 .

ગોપીની આંખેથી ઝરતો વરસાદ હવે પૂર જેમ ધસમસતો વીફરે

ગોપીની રગમાં કંઈ એવો અવસાદ : એની કાલિમા ચહેરા પર નીતરે

રોમ રોમ જેનું જપે તારા તે જાપ એને દૂરતાના દીધા તે ડામ

તારી ઘેલી આ ગોપીને…

 .

બંસીના સૂરમાં રેલાતો કેફ હવે જીરવ્યો જીરવાય નહીં

અંગ અંગ પોકારે, શ્યામ શ્યામ જ્યારે, મારે કરવું શું એ પણ સમજાય નહીં

તારી છબીને આજ ગોપીના હૈયામાં એક વાર આવીને પામ

તારી ઘેલી આ ગોપીને…

 .

સૂની સવાર, સાંજ સાવ તે ઉદાસ, રાત રિબાતી સમસમતી રુએ

અણસારા ભણકારા એળે વહી જાય અને જાણું નહીં શ્યામ ક્યાં સૂએ

ગોપીની ઘેલછા : પ્રેમ કહો ભક્તિ કહો : રૂપ જુદાં પણ એક જ છે નામ

તારી ઘેલી આ ગોપીને…

 .

( હિતેન આનંદપરા )

નામની ધજા – ગણેશ સિંધવ “બાદલ”

આ અફાટ રણ વચ્ચે,

રેતની ટેકરી પર ચડીને

દૂર દૂર નજર દોડાવું છું

ક્યાંય તારા નામની ધજા

ફરકતી જોઈ શકતો નથી.

સમગ્ર રણને ઘોળીને પીધાં પછી પણ

કહી ના શકું,

“હવે મને દર્દ થતું નથી.”

મારા આ દર્દની

વ્યથાને કણસતો કણસતો

સવારે ઊઠું છું ત્યારે

સૂરજના કિરણોનું ઈન્જેક્શન

કારગત નીવડે છે.

ને તારા નામની ધજાને

ફરકતી જોવા મારી નજર

અધીરી બનીને…………….

 .

( ગણેશ સિંધવ “બાદલ” )

એટલું તો કર – કિસ્મત કુરેશી

ભૂલ્યો હું ત્યાંથી પાછો ગણું, એટલું તો કર,

રેતી ઉપર ન ઘર હું ચણું, એટલું તો કર.

 .

દિલ મારું ગૂંચવાય છે શબ્દોની જાળમાં

મુજ દર્દ  મૌનમાં હું વણું, એટલું તો કર.

 .

મારે ક્યાં કોઈ આંખ તણી કીકી થાવું છે ?

કો’આંખનું ન માને કણું, એટલું તો કર.

 .

ઠંડે કલેજે કીધાં ઘણી લાગણીનાં ખૂન,

મારું અહમ હવે તો હણું, એટલું તો કર.

 .

પૂછે તું, ‘હા’ કહી હું ધરી દઉં છું ખાલી જામ,

એકાદ વાર ‘ના’ હું ભણું, એટલું તો કર.

.

ઊગમણું લાખ યત્ને યે किस्मतમાં ના રહ્યું,

ના ખૂંચવાય આથમણું, એટલું તો કર.

 .

( કિસ્મત કુરેશી )

NOTHINGNESS – ગુણવંત શાહ

મેં તારી રાહ જોઈ –

છેલ્લું કિરણ

અંધારાને શરણે ગયું ત્યાં સુધી.

પછી

નિ:શ્વાસને સોણલાં ફૂટ્યા;

ને

ભીનીભીની વીજળી ય ચમકી

પણ

મેઘલી રાતે મને સંભળાતા પગરવમાં

તારા ઝાંઝરે સાદ ન પુરાવ્યો.

ગઈ રાતે તો

હતું જ કે તું આવશે

પણ … … …

હવે તું આવે ત્યારે

કદાચ હું નહિ હોઉં.

અને છતાં ય

મારું ન-હોવું પણ

ભર્યું ભર્યું બની રહેશે;

તું

આવે

તો !

 .

( ગુણવંત શાહ )

વહાલપ – માણેકલાલ પટેલ

તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ

એવું જો કોઈ મને પૂછે

તો

હું તો વેલ બનવાનું જ પસંદ કરું

કેમ કે,

ફૂલ રાતે ખરી પડે છે

જ્યારે વેલ રાત-દિવસ

લીલીછમ રહી

વહાલપ વરસાવ્યા કરે છે.

ખીલીને ખરવા કરતાં

જો

લીલોતરીનું અવિરત વહાલપ

વેલ બની વીંટળાઈ રહેવામાં
મળતું હોય તો પછી એના પર

ફૂલ ખીલે કે ન ખીલે તેથી શું ?

 .

( માણેકલાલ પટેલ )

મને ગમશે…- અલ્પા નાયક મોદી

અરેરે…..!

તું આમ હતાશ શાને થઈ ગયો ?

તું ખરી ગયેલું પુષ્પ હશે તો

મને તારામાં રસ સીંચી

ભમરો થઈને તારી સમીપ આવવાનું ગમશે

તારી પાનખરને વસંત બનાવી

મને તારી પ્રિયતમા થવાનું ગમશે.

તારી નિરાશાઓને

આશાને ઊર્મિઓ વડે ભીંજવવાનું ગમશે.

તારા દર્દ અને

મારા આનંદની અદલાબદલી કરવાનું મને ગમશે.

તારી આંખોના અશ્રુ છીનવી લઈ

તને મારા હોઠનું હાસ્ય આપવાનું મને ગમશે.

મારું વ્યક્તિત્વ તને સમર્પી દઈ

તારી પ્રતિભા ખીલવવાનું મને ગમશે.

અવિરત તને યાદ કરી

મને ભૂલી જવાનુંય મને ગમશે.

તારામાં જ મારો પ્રાણ પૂરી

તારું અટલ અસ્તિત્વ ટકાવી રાખવાનું મને ગમશે !

 .

( અલ્પા નાયક મોદી )

અષાઢ – રત્નો

અસાડ આવ્યો હો સખી, કેમ કરી કાઢું દન;

નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.

 .

અસાડો રે ઘન ઉલટ્યો, માગ્યા વરસે રે મેહ;

વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

 .

મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર;

કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

 .

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝળકે રે મન;

દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

 .

લીલા ચરણા અવનીએ ધર્યા, તરુવર ગેરગંભીર;

પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

 .

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;

રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન.

.

( રત્નો )