કાગળ લખી મોકલ – ડો. નીલા ઠાકર-જાની

એકાંત ભીંસે છે મને, કાગળ લખી મોકલ

તું મુક્ત દીસે છે મને, કાગળ લખી મોકલ

.

શ્વાસોને ગણવા કેમ ? ના સમજાય કેમ લખું ?

દિવસો ઘણાં વીત્યા છે, તું, કાગળ લખી મોકલ

.

મારી ઉદાસ સાંજ તો પત્ર બની છે ક્યારથી

પરોઢની વ્યગ્રતાથી તું, કાગળ લખી મોકલ

.

હું ય ક્યાં આંસુભીનો કાગળ નથી લખતો ?

અક્ષરથી નહીં કોરાશથી, કાગળ લખી મોકલ

.

( ડો. નીલા ઠાકર-જાની )

જોતો રહ્યો – કાબિલ ડેડાણવી

એમ આખી જિંદગી તમને સતત જોતો રહ્યો.

રોજ જાણે કે નવી કોઈ વિગત જોતો રહ્યો.

.

કંઈક સૈકાઓ અહીં વીતી ગયા છે એ છતાં,

એક ઈશ્વરનેય આ માનવ ગલત જોતો રહ્યો.

.

મારી દ્રષ્ટિ જ્યારથી તારા સુધી પહોંચી નહીં,

હું ભરેલી આંખથી ખાલી જગત જોતો રહ્યો.

.

મારો વર્ષોનો અનુભવ કામ આવ્યો આ રીતે,

કોઈ બાળક જેમ હું જગની રમત જોતો રહ્યો.

.

પ્રેમયુગમાં કોઈ વસ્તુ કદરૂપી લાગી નહીં,

ફૂલની મોસમમાં કંટકની અછત જોતો રહ્યો.

.

હોત કેવળ જો મિલન તો પ્રેમ સસ્તો થઈ જતે,

હું જુદાઈમાં મહોબતની બચત જોતો રહ્યો.

.

કોઈના પણ પ્રેમની વાતો મને ગમતી રહી,

ચોતરફ હર પ્રેમમાં તમને ફક્ત જોતો રહ્યો.

.

જિંદગીમાં જેથી ત્રાસી મોત મેં માંગ્યું હતું,

અંત વખતે એ જ સૌ દુ:ખની અછત જોતો રહ્યો.

.

છેતરાયા કેટલા ‘કાબિલ’ જગતમાં એ છતાં,

ઝાંઝવાં પ્રત્યેની માનવની મમત જોતો રહ્યો.

.

( કાબિલ ડેડાણવી )

ચોમાસું – મુકેશ જોષી

બારીની બહાર ચાંદીની ઘૂઘરીઓ જેવો વરસાદ

દીવાલોની ભીતર ટી.વી.માંથી

રંગબેરંગી દ્રશ્યોનાં ઝાપટાં

ને હું જોયા કરું છું શૂન્યમનસ્ક

.

પવનના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીઓ

મારી ત્વચા વાંચે છે

પણ મારાં રૂંવાડાઓ સાવ બુદ્ધુ છે

.

છાપરા ઉપર ટપટપ ટપકતું સંગીત

મનને હીંચકા ખવડાવી શકે

પણ કાનને ટેવ જ નથી, વરસાદના વાજિંત્રો સાંભળવાની

.

જીભ ઉપર વરસાદનું ટીપું મૂકવાથી

આખા શરીરમાં ધીમે ધીમે રોમાંચ ફેલાઈ જાય

પણ જીભને વરસાદમાં ગેબનો પરસાદ પરખાતો જ નથી

.

હું મારી અભણ ઈન્દ્રિયોથી

માત્ર કેટલા ઈંચ વરસાદ શહેરમાં પડ્યો

એના સમાચાર ટી.વી.માં જોયા કરું છું

.

સામેની ઝૂંપડીમાં

થોડું થોડું પાણી ભરાવા લાગ્યું છે

એની ચિંતા વગર એક વૃદ્ધ

બેચાર બાળકોની સાથે ગીત ગાય છે :

ક્યાં છે ઊની રોટલી, ક્યાં છે ઊનું શાક

તો પણ તું મહેમાન છે, આવ રે વરસાદ

.

( મુકેશ જોષી )

સાચવજે – ડાહ્યાભાઈ પટેલ “માસૂમ”

જળની વાણી રૂપરમણામાં ભરી ભરી તું જળ સાચવજે,

પરપોટામાં કેદ કમલવત સંકેતો ને પળ સાચવજે.

.

રાતોનું પ્રતિબિંબ ઝીલીને વાવની અંદર ઊતર્યો છે પણ

શબ્દ પગથિયું, અર્થ ગડથોલું, પકડી લે સાંકળ; સાચવજે.

.

ધોધમાર એવો વરસ્યો કે શરમાયેલી રાત ઓગળી,

અજવાળાની ટશરો ફૂટે એ પહેલા તું સળ સાચવજે.

.

મન ક્યારે ખોવાઈ જવાનું, પડશે એની સહેજ ખબર ના,

ઊઘડવા આતુર છે એવું ભીતરનું તું તળ સાચવજે.

.

નિરવધિના કાળમાં પૃથ્વી સમભાવોની સાથ ભલે હો,

મહાદેવને શિર ઝીંકાતાં ગંગાનાં એ જળ સાચવજે.

.

ગર્ભાશયમાં કેદ સભરતા, મનને હણશે કોણ હવે,

મુક્તિના અતિરેકની સામે તારું નકળંક બળ સાચવજે.

.

ખેતર થઈ ખેડાઈ જવાનું ‘માસૂમ’ તારું કામ નથી,

બળદ ડોક પર રહે રણકતો, પણ તું તારું હળ સાચવજે.

.

( ડાહ્યાભાઈ પટેલ “માસૂમ” )

ધોધમાર વરસાદ – મનીષ પરમાર

ધોધમાર વરસાદ પાછો આવશે,

પર્વતોમાં સાદ પાછો આવશે.

.

ફૂટતા’તા મોરના ટહુકા સતત-

ઘાસમાં ઉન્માદ પાછો આવશે.

.

એક ખેતર પત્ર જેવું કોરું છે,

ચાસનો અવસાદ પાછો આવશે.

.

હું મને ભૂલી ગયો એવું બન્યું-

પત્ર વરસો બાદ પાછો આવશે.

.

ફૂલ ખીલે કોઈના અરમાનનું,

ખાનગી સંવાદ પાછો આવશે.

.

( મનીષ પરમાર )

જવા દે દોસ્ત – કાજલ ઓઝા-વૈદ્ય

જવા દે દોસ્ત,

તું થાકી જઈશ,

મારી મૂળ રંગોની ઓળખ જ

ઝાંખી થઈ ગઈ છે.

મને મેળવણી શિખવવાની

જીદ શા માટે કરે છે ?

.

મારી લગભગ ઠીંગરાઈ ગયેલી

સુષુપ્ત સંવેદનશીલતા

હવે માત્ર સ્થૂળ સ્પર્શની જ

ભાષા ઉકેલી શકે છે.

મને – પકડીને ચૂંથી નાખીશ

ત્યારે માંડ, તારી હાજરીની

નોંધ લઈ શકીશ હું !

.

મારી અપેક્ષાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં

તારી આંખોમાં લોહી ઊતરી આવશે

મને સ્વસ્થતા અને આત્મવિશ્વાસના

પાઠ શીખવતાં

તારી જાતને ખોવા લાગીશ તું !

.

અને

આ બધાં પછીયે

માની લઈએ કે

તું મારા સુધી પહોંચી પણ ગયો તો,

શું તારી બધી જ લાગણીઓને

યથાવત ઢોળી શકીશ મારી ઉપર

.

છે…ક ત્યાં સુધીમાં તો…

જવા દે, દોસ્ત તું થાકી જઈશ !

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

ગઈકાલની ગલીઓમાં – સુરેશ દલાલ

મારે ગઈકાલની ગલીઓમાં ઘૂમવું નથી

આવતીકાલનો ભલે ઊગે સૂરજ :

મારે કાલના આકાશને ચૂમવું નથી.

.

પળપળની પાંદડીઓ મ્હેકે બિડાયેલી

એમાં ભમરો લપાયો છે ગુંજન સહિત

એક એક પાંદડી તો આપમેળે ખૂલશે

એક એક પાંદડીમાં રણઝણતું ગીત

સ્મરણ ને સ્વપ્ન : એ તો પારકા પ્રદેશ :

મારે એવા વેરાનમાં ઝૂલવું નથી.

.

હું તો આજનો ને અબઘડીનો માણસ રહ્યો

મારી ક્ષણની સાથેની છે નિસ્બત આ ગૂઢ

દરિયો ભલેને ઊછળે અનંતનો

હું પાગલ થઈ પળપળના પીઉં છું ઘૂંટ

મારે ઊગવું નથી કે આથમવું નથી

મારે ગઈકાલની ગલીઓમાં ઘૂમવું નથી.

.

( સુરેશ દલાલ )

એટલે જાણ્યું અમે – સુરેન્દ્ર કડિયા

વાતમાંથી વાત નીકળી એટલે જાણ્યું અમે

ઝળહળેલી જાત નીકળી એટલે જાણ્યું અમે

.

આગિયાને ચીરવા જાતાં જ ચિરાઈ ગઈ

એક કાળી રાત નીકળી એટલે જાણ્યું અમે

.

મોરનાં પગલાં પડેલાં ત્યાં જ એ થંભી ગયો

આ પવન પર ભાત નીકળી એટલે જાણ્યું અમે

.

કુંડળી ને કુંડલિની બેઉ જાગ્રત થઈ ગયાં

એક એવી ઘાત નીકળી એટલે જાણ્યું અમે

.

કોઈ પણ રીતે અમે મક્તા થઈ શકતા નથી

અંતમાં શરૂઆત નીકળી એટલે જાણ્યું અમે

.

( સુરેન્દ્ર કડિયા )

ઉડાન – હિના પારેખ “મનમૌજી”

ઓર્કુટની ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ કોમ્યુનિટી દ્વારા તેની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા બે વર્ષની જેમ જ ઈ-મેગેઝિન “e_vachak”નું,  ૨ જૂનના રોજ જય વસાવડાના હસ્તે ઈ-વિમોચન કરવામાં આવ્યું.  આ ઈ-મેગેઝિનમાં મારી કવિતા “ઉડાન” પણ પ્રકાશિત થઈ છે.  જે અહીં માણી શકશો.

[આ ઈ-મેગેઝિન PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો]

કાંઈ ન માગું નાથ – સુરેશ દલાલ

ચાલવા માટે રસ્તો જોઈએ : ઝાલવા માટે નાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

કંઠમાં એકાદ ગીત દઈ દે

હોઠ ઉપર એક સ્મિત

આંખના મારા આંસુમાં હું

ભીંજવી દઉં પ્રીત.

દિવસ હોય કે રાત પણ મને જોઈએ તારો સાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

દરિયો મારે જોઈતો નથી

ઝરણું હોય તો બસ,

હું તો તારા વ્હાલમાં વ્હાલમ

થઈ જાઉં છું વશ.

આશ્લેષ અને આલિંગને સકળને લઉં બાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

.

( સુરેશ દલાલ )